સોનાના ભાવમાં ઉછાળ, પણ નક્કી કેવી રીતે થાય છે સોનાના ભાવ?

સોનું Image copyright Getty Images

શું તમે 'અખાત્રીજે' સોનાની ખરીદી કરવાના છો? શું સોનું ખરીદવાનો આ સારો સમય છે?

ભારત સોનાની ખપતના મામલે વિશ્વમાં બીજો ક્રમ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઊંચા ભાવ આ વખતે અખાત્રીજ પર કઈ રીતે અસર કરશે તે બાબત મહત્ત્વની છે.

વળી 'અખાત્રીજ'નો તહેવાર સોનાની ખરીદી માટે પવિત્ર દિવસ માનવામાં આવે છે. ગત વર્ષ કરતાં આ વખતની અખાત્રીજ કેવી રહેશે?

સોનાના તાજેતરના ભાવની વાત કરીએ તો 11મી એપ્રિલ બાદ 24 કેરેટ સોનાના પ્રતિ દસ ગ્રામના ભાવે 31,524 રૂપિયાની સપાટી પાર કરી લીધી હતી.

પણ દર વર્ષે એપ્રિલ-મે મહિનામાં સોનાની માગમાં વધારો જોવા મળતો હોય છે. પરંતુ તમે જાણો છો કે કઈ રીતે સોનાનો ભાવ નક્કી થતો હોય છે?


ભારતમાં કઈ રીતે નક્કી થાય છે સોનાના ભાવ?

Image copyright Getty Images

દેશમાં મુખ્યત્ત્વે સોનાની આયાત બૅન્ક દ્વારા થતી હોય છે. ત્યાર બાદ બૅન્ક બુલિયન માર્કેટના ટ્રેડરોને તે વેચે છે.

તેનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ ઔંસના દરે ડૉલર્સમાં રહેતો હોય છે.

જેને ગ્રામમાં ફેરવીને ડૉલર સામે ભારતીય રૂપિયાના વિનિમય દરના અનુસંધાને રોજેરોજ ભાવ નક્કી કરવામાં આવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ભારતમાં એમસીએક્સ ગોલ્ડ સોનાના ટ્રેડિંગ માટેની માળખું છે. જોકે, તેના પર ભાવ નક્કી થતા નથી.

સોનાના ભાવનો આધાર તેની આંતરાષ્ટ્રીય બજારમાં કિંમત, ડૉલર-રૂપિયાનો વિનિમય દર, સોના-ચાંદીનો એ સમયનો લાગુ માપન એકમમાંથી ગ્રામમાં તેનું રૂપાંતર ઉપરાંત ડિમાન્ડ-સપ્લાય જેવાં પરિબળો પર રહેતો હોય છે.

વળી, તેમાં આંતરરાષ્ટ્રીય સંબંધો, આયાત ડ્યૂટી, સ્થાનિક ટેક્સ સહિત વિશ્વમાં બનતી આર્થિક ઉથલપાથલ પણ જવાબદાર રહેતી હોય છે.


એક ફોન કોલ્સ દ્વારા નક્કી થાય છે ભાવ

Image copyright Getty Images

ગોલ્ડ ફિક્સિંગ સૂંચકાંક દ્વારા વિશ્વમાં સોનાનો આંતરરાષ્ટ્રીય ભાવ નક્કી કરાતો હોય છે.

જેને આધારે ટ્રેડર્સ સોનાનું ટ્રેડિંગ કરતા હોય છે. પણ તેના આ ભાવ ફોન પર નક્કી થતા હોય છે.

ખરેખર દિવસમાં બે વખત બૅન્કોનું એક ગ્રૂપ કૉન્ફરન્સ કૉલ કરીને સોનાના ભાવ નક્કી કરતું હોય છે.

તેઓ તેમના ક્લાયન્ટના વેચાણ-ખરીદના ઓર્ડર મુજબ ભાવ નિર્ધારિત કરે છે. જ્યારે આ બૅન્કો ભાવ સાથે સંમતિ દર્શાવે છે ત્યારે જ ભાવ નક્કી થાય છે.

વર્ષ 2012માં આ ગ્રૂપમાં પાંચ બૅન્કો સામેલ હતી. જેમાં એચએસબીસી, ડોએચ્સ બૅન્ક, સ્કોટીએ બૅન્ક,સોસાયેટે જનરલ અને બેરક્લેસનો સમાવેશ થતો હતો. પણ કેટલાક સમય બાદ આ જૂથમાંથી ડોએચ્સ બૅન્ક બહાર નીકળી ગઈ હતી.


ફોન પર કઈ રીતે નક્કી થાય છે ભાવ?

Image copyright Getty Images

ફોન પર બૅન્કો એક ભાવ માટે સંમત થાય છે. એમેરિકી ડૉલરમાં 'ગોલ્ડ ફિક્સિંગ'નો ભાવ ટ્રોય ઔંસ માટે નક્કી થાય છે.

જેને 'ગોલ્ડબાર્સ'ના સ્વરૂપમાં લંડનમાં ડિલિવર કરવામાં આવે છે.

આ ગોલ્ડબાર્સનું વજન 400 ઔંસ જેટલું હોય છે. એક ઔંસ બરાબર 31 ગ્રામ થાય છે.

ત્યાર બાદ બૅન્કો આ અધ્યક્ષો સાથે ફોન પર વાતચીત કરે છે. જેમાં અધ્યક્ષ બજારમાં પ્રવર્તતિ પરિસ્થિતિ પ્રમાણે ભાવ સૂચવે છે.

પછી દરેક બૅન્ક તેમના વેચાણ ખરીદમાં રસ છે કે નહીં તે જણાવે છે.

આ ચર્ચા દરમિયાન અધ્યક્ષ ભાવમાં થોડો ઘણો વધારો-ઘટાડો કરતા હોય છે. દરેક તબક્કે તેઓ બૅન્ક કેટલા ગોલ્ડબાર્સ ખરીદવા વેચવા માગે છે તે પૂછવાનું રાખે છે.

જ્યાં સુધી બૅન્ક વેપાર માટે સંમત ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ જ રહે છે.

ખરેખર આઇડિયા કોમોડિટીની માગ અને સપ્લાયનો મેળ બેસે તે માટે ભાવનો એક આધાર તરીકે ઉપયોગ કરવાનો હોય છે.

વળી, કોઈ પણ સમયે બૅન્ક અથવા તેમના ક્લાયન્ટ તેમના વેચાણ-ખરીદ વિશેનો વિચાર બદલી શકે છે.

બૅન્ક તેમના વલણને ફરી બદલવા માટે પ્રક્રિયા સ્થગિત પણ કરી શકે છે.


અખાત્રિજ પર ખરીદી પહેલાં આ વાતો જાણી લો

Image copyright Reuters

આ વખતે અખા ત્રીજ પર સોનાની માંગ કેવી રહેશે તે પરિબળ પણ અગત્યનું રહેશે કેમ કે ભાવમાં ડિમાન્ડ-સપ્લાયનું ફેક્ટર પણ અસર કરતું હોય છે.

અખા ત્રીજ પર સોનાની માંગ વિશે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા શાંતિલાલ પટેલે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં ઉછાળાને પગલે આ વખતે ભાવ ઊંચા છે.

તેમણે કહ્યું, "આ વખતે અખાત્રીજ સારી રહેશે. જોકે, છેલ્લા કેટલાંક દિવસોથી સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં વધ્યા હોવાથી તેની થોડી અસર થઈ શકે છે."

નોટબંધી કે જીએસટી સંબંધિત પરિબળો પણ અસર કરી શકે છે કે નહીં તે વિશે તેમણે કહ્યું,"નોટબંધી અને જીએસટી લાગુ કરવામાં આવ્યાને ઘણો સમય થઈ ગયો છે. આથી તેની કોઈ અસર વર્તાશે એવું નથી લાગતું."

વધુમાં તેમણે કહ્યું,"માર્કેટિંગ અને પ્રમોશન ઘણી સારી રીતે થયું છે. લકી ડ્રો અને ઘડામણમાં દસ ટકાથી વધુના ડિસ્કાઉન્ટ્સ સહિતની સ્કીમ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. જેથી સરવાળે માગ સારી રહેવાની આશા છે."


નોટબંધી બાદસોનાની માગ પર અસર

Image copyright Getty Images

વર્ષ 2016માં નોટબંધી અને ત્યારબાદ સોનાની માંગમાં કેટલાક સમય માટે ઘટાડો નોંધાયો હતો.

સોનું હંમેશાં સુરક્ષિત રોકાણનું સાધન ગણવામાં આવે છે. પણ આ વર્ષ વૈશ્વિક અનિશ્ચિતતાવાળું રહ્યું છે.

જેમાં અમેરિકાએ ચીન સાથે ટ્રેડ વોરની ચેતવણી ઉચ્ચારી હતી, તો બીજી તરફ સીરિયાના મુદ્દે અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વધી ગયો છે.

સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં રોકાણકારો અન્ય કોઈ અસ્કયામતમાં અથવા સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાથી દૂર રહેવાનું વલણ રાખતા હોય છે.

આથી રોકાણકારો આવા સમયે સોનામાં રોકાણ કરવાના વલણને સુરક્ષિત ગણતા હોય છે.


ગુજરાતમાં અખાત્રીજ પર સોનાની માંગ કેવી રહેશે?

Image copyright Getty Images

આ વખતે ગુજરાતમાં અખાત્રીજ પર સોનાની માંગ વિશે એબીજી જ્વેલર્સના મનોજ સોનીએ કહ્યું, "ગત વર્ષ કરતાં આ વખતે વધુ કંઈ ફરક નહીં રહે."

"લગડી અને સિક્કામાં વધુ માગ નથી. પણ લગ્ન-પ્રસંગોને પગલે ઘરેણાંની માગ રહેવાની જ છે."

"લગડી અને સિક્કા ખરેખર રોકાણના તર્કથી ખરીદવામાં આવે છે, આથી લોકો વિચારે છે કે હમણા ભાવ ઊંચા છે એટલે ભાવ ઘટશે ત્યારે ખરીદીશું."

"પણ જ્યાં સુધી ઘરેણાંની વાત છે, તો એની માગ રહેવાની જ છે. ઉપરાંત અખાત્રીજ હોવાથી ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ઘરાકી રહે છે. શહેરમાં પણ આવું જ હોય છે."

"તદુપરાંત ઘરેણાંનાં ઘડામણ (મેકિંગ ચાર્જ)માં પણ 30થી35 ટકાનું ડિસ્કાઉન્ટ રહેતું હોવાથી માગ રહેવાની જ છે."

ચાંદીની માગ વિશે તેમણે જણાવ્યું કે ચાંદીની બનેલી વસ્તુઓની પણ આ દિવસે સારી માંગ રહેતી હોય છે.


છેલ્લી પાંચ અખાત્રીજ પર સોનાના ભાવ

Image copyright Getty Images

છેલ્લા કેટલાંક વર્ષોમાં સોનાના ભાવ સતત ઝડપથી વધતા ગયા છે અને આ વખતે આ સૌથી મોંઘી અખાત્રીજ છે.

વર્ષ 2010માં મે-2016ના રોજ અખાત્રીજના દિવસે દસ ગ્રામ સોનાનો ભાવ 18,167 રૂપિયા હતો. જે આજે પ્રતિ દસ ગ્રામ 31,240 રૂપિયા છે.

તારીખ સોનાનો ભાવ (રૂપિયામાં)
28 એપ્રિલ, 2017 28,861
9 મે, 2016 29,860
21 એપ્રિલ, 2015 26,938
2 મે, 2014 28,865
13 મે, 2013 26,829
24 એપ્રિલ, 2012 28,852

ઉપરોક્ત ભાવ પ્રતિ દસ ગ્રામ સોનાના છે( સ્રોત: - Goldpriceindia.com )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ