TOP NEWS: નરેન્દ્રભાઈએ કરોડો હિંદુઓ સાથે વિશ્વાસઘાત કર્યો: તોગડિયા

પ્રવીણ તોગડિયા Image copyright SAM PANTHAKY/Getty Images

ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે અયોધ્યામાં રામ મંદિર સહિતની વિવિધ માગણી સાથે પ્રવીણ તોગડિયાએ મંગળવારથી આમરણાંત ઉપવાસનો પ્રારંભ કર્યો છે.

જેમાં તેમની સાથે વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો અને ૩૦થી વધુ સાધુ-સંતો પણ જોડાયા છે.

પાલડીમાં વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલયની બહાર જ તેમણે આ ઉપવાસ આરંભ્યા છે.

ઉપવાસના પ્રથમ દિવસે તેમણે સીધી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વિવિધ મુદ્દે નિશાન તાક્યું હતું.

ઉપવાસ અગાઉ ભાજપના વરિષ્ઠ નેતા સુરેન્દ્રકાકાએ તોગડિયા સાથે બેઠક કરી મનાવવાનો આખરી પ્રયાસ કર્યો હોવાનું પણ અહેવાલમાં કહેવામાં આવ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

400 જેટલા ટેકેદારો આ ઉપવાસમાં હાજર હતા અને હાર્દિક પટેલના પિતા ભરત પટેલ પણ પ્રવીણ તોગડિયા સાથે મંચસ્થ હતા.

પ્રવીણ તોગડિયાએ કહ્યું "મેં ચાની કિટલી કે પકોડા તળવા માટે કઢાઈ નહોતી માગી, કોઈ હોદ્દો પણ માગ્યો નહોતો. અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિમાં જ રામમંદિર બને તેવી માત્ર મારી માગણી હતી."

"આ મુદ્દાને આધારે જ તેઓ વડાપ્રધાનની ખુરશી પર બેઠા હતા. સેંકડો હિંદુઓની લાશ ઉપર સત્તા મેળવનારા નરેન્દ્રભાઇએ વિશ્વાસઘાત કર્યો છે."

"મારી સામે વિકલ્પ રાખવામાં આવ્યો કે રામજન્મભૂમિની માગણી બંધ કરો નહીં તો વીએચપીમાંથી રાજીનામું આપો."

આ સિવાય નીરવ મોદી, નોટબંધી સહિતના મુદ્દે તેમણે પીએમ મોદી પર સવાલો કર્યા હતા.


કોલકત્તામાં તોફાનથી 11નાં મોત

Image copyright TWITTER/IAMINDRAD

કોલકત્તા અને આસપાસના વિસ્તારમાં મંગળવારે સાંજે અચાનક આવેલા તોફાનથી 11 લોકોનાં મૃત્યુ થયા હતા.

ઇમરજન્સી કન્ટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે કોલકત્તા જિલ્લામાં ચાર લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે કે પાંચ લોકો હાવડા જિલ્લામાં મૃત્યુ પામ્યા છે. આ સિવાય બાંકુરા અને હુગલીમાં પણ એક-એક વ્યક્તિનાં મોત થયા છે.

હવામાન વિભાગે આ વિશે ચેતવણી આપી હતી. વિભાગ મુજબ આ તોફાનમાં પવનની ગતિ 85થી 100 કિમી પ્રતિ કલાકની હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

આ તોફાનને છેલ્લા સાત દાયકામાં સૌથી ભયાનક તોફાન માનવામાં આવી રહ્યું છે. રસ્તાઓ પર વૃક્ષો અને થાંભલાઓ પડવાથી વાહનવ્યવહારને પણ અસર થઈ છે.

કેટલાક વિસ્તારમાં વીજળીનો પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.


અમેરિકા અને કિમ જોંગ-ઉનની સીધી વાત

Image copyright AFP

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાની ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન સાથે સીધી વાત થઈ છે.

પરંતુ હજુ સુધી તેમણે એ જણાવ્યું નથી કે અમેરિકા વતી કોણે કિમ જોંગ-ઉન સાથે વાત કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે અમે ઘણાં ઉચ્ચ સ્તરે વાતચીત કરી છે

વૉશિંગ્ટન પોસ્ટના સમાચાર મુજબ CIAના નિર્દેશક માઇક પોમ્પિયોએ ઇસ્ટર વખતે ઉત્તર કોરિયાની ગુપ્ત મુલાકાત કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે કિમ સાથે મુલાકાત માટે પાંચ સ્થળો પર વિચાર થઈ રહ્યો હોવાનું પણ કહ્યું હતું.

જૂન મહિનામાં અથવા તેથી પહેલાં બન્ને નેતાઓની મુલાકાત થઈ શકે છે.

અમેરિકાની મુલાકાતે ગયેલા જાપાનના વડાપ્રધાન શિંજો એબેની હાજરીમાં ટ્રમ્પે આ વાત કરી છે.

તેમણે ટ્રમ્પના પ્રયાસને વખાણ્યો હતો. તેમણે કોરિયાઈ દ્વિપસમૂહમાં જાપાનની સુરક્ષાની સંભાળ લેવાશે તેવી આશા વ્યક્ત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ