મોદીના આક્રમક નિવેદન પર પાકિસ્તાને શું કહ્યું?

વાઘા બોર્ડરનો ફોટોગ્રાફ Image copyright Getty Images

બુધવારે લંડનના વેસ્ટમિંસ્ટર સેંટ્રલ હૉલમાં 'ભારત કી બાત, સબકે સાથ' કાર્યક્રમમાં ભારતીય સમુદાયને મળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન વિશે આક્રમક નિવેદન કર્યું હતું.

પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક વિશે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં વડાપ્રધાને કહ્યું હતું, "આ મોદી છે, એ જ ભાષામાં જવાબ આપવાનું જાણે છે."

હવે પાકિસ્તાને મોદીના આ નિવેદનની પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે ભારતના ધમકી ભરેલા નિવેદનથી આંતરાષ્ટ્રીય સમુદાયે ચિંતિત થવું જોઈએ. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે આ નિવેદનનો વાંધો ઊઠાવવો જોઈએ અને કાશ્મીરમાં ભારતીય સેનાના અત્યાચારને રોકવો જોઈએ.

આ સાથે જ પાકિસ્તાને વડાપ્રધાન મોદીના સર્જિકલ સ્ટ્રાઇકના એ દાવાને પણ નકાર્યો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, એ જૂઠ સિવાય કંઈ જ નથી.

ભારતીય સેનાએ સપ્ટેમ્બર 2016માં એ દાવો કર્યો હતો કે તેમણે પાકિસ્તાનને સ્પર્શતી અંકુશ રેખા નજીક સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. ત્યારે પાકિસ્તાની સેનાએ ભારતના દાવાનું ખંડન કરતા કહ્યું હતું કે, એ કાર્યવાહી અંકુશ રેખા પર ગોળીબાર સુધી જ મર્યાદિત હતી.

Image copyright Getty Images

સર્જિકલ સ્ટ્રાઇક વિશે બુધવારે પૂછાયેલા સવાલના જવાબમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું, "ભારતનું ચરિત્ર અજેય રહેવાનું છે. વિજયી રહેવાનું છે, પરંતુ કોઈના હકને છીનવી લેવો એ ભારતનું ચરિત્ર નથી. પણ જ્યારે કોઈ આતંકવાદ એક્સપોર્ટ કરવાનો ઉદ્યોગ ખોલીને બેઠું હોય, મારા દેશના નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારી દેવાય, યુદ્ધ લડવાની તાકાત નથી. પીઠ પાછળ ઘા કરવાના પ્રયાસો થાય તો આ મોદી છે, એ જ ભાષામાં જવાબ આપવાનું જાણે છે."

શું તમે આ વાંચ્યું?

વડાપ્રધાને કહ્યું હતું, "અમારી નેકદિલી જુઓ, મેં આપણા અધિકારીઓને કહ્યું કે તમે હિંદુસ્તાનને ખબર પડે એ પહેલાં પાકિસ્તાનના સૈન્યને ફોન કરીને જણાવી દો. આજે રાત્રે અમે આમ કર્યું છે. એ લાશો ત્યાં પડી હશે તમને સમય હોય તો જઈને ત્યાંથી લઈ આવજો. અમે સવારે 11 વાગ્યાથી તેમને ફોન લગાવી રહ્યા હતા, એ ફોન પર ઉપાડવાથી ડરી રહ્યા હતા, એ નહોતા આવી રહ્યા. બાર વાગ્યે એ ફોન પર આવ્યા. ત્યારે જઈને અમે વિશ્વને જણાવ્યું કે ભારતની સેનાનો એ અધિકાર હતો ન્યાય પ્રાપ્ત કરવાનો અને અમે આ કર્યું."

Image copyright Getty Images

પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફેસલે કહ્યું, "ભારતીય વડાપ્રધાનના સર્જિકલ સ્ટ્રાઇકનો દાવો હાસ્યાસ્પદ છે. એ ભારતની કલ્પના સિવાય કશું જ નથી, જે ક્યારેય હકીકત નહીં બની શકે. ભારતના અવાજમાં નિરાશા દેખાઈ રહી છે. ભારતની કાશ્મીરમાં અત્યાચારોને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા થઈ રહી છે. ભારત કાશ્મીર પરથી ધ્યાન હટાવવા માટે ઘણી વખત આવી કોશિશ કરતું રહ્યું છે."

બુધવારે મોદીએ સર્જિકલ સ્ટાઇક વિશે કહ્યું હતું, "ટેંટમાં ઊંઘેલા અમારા જવાનોને રાત્રે કેટલાક ડરપોકો મોતને ઘાટ ઉતારી દે ત્યારે તમારામાંથી કોઈ ઇચ્છશે કે હું ચુપ રહું. શું તેમને ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ કે નહીં અને એટલે જ સર્જિકલ સ્ટ્રાઇક કરી. મને મારી સેના પર ગર્વ છે. જવાનો પર ગર્વ છે. જે યોજના બની હતી તેને સો ટકા અમલમાં મૂકવામાં આવી અને સૂર્યોદય થયા પહેલાં એ જવાનો પાછા આવી ગયા."

પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇકને કારણે ભારતમાં પણ સવાલ ઊભા થયા હતા. કેટલાક રાજકીય પક્ષોએ પુરાવાની માગ કરી હતી. પરંતુ સરકાર અને સેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જ્યારે જરૂર હશે ત્યારે એ પુરાવા રજૂ કરશે. કેંદ્રની મોદી સરકારે પુરાવા માંગનારા નેતાઓની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે સેના પર શંકા કરવામાં આવી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ