નરોડા પાટિયા કેસ માયા કોડનાની સહિત 18 લોકોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

માયા કોડનાની Image copyright Getty Images

ગુજરાત હાઈ કોર્ટે આજે નરોડા પાટિયા નરસંહાર કેસમાં ચુકાદો આપતા માયા કોડનાનીને નિર્દોષ જાહેર કર્યાં છે.

જ્યારે બજરંગ દળના નેતા બાબુભાઈ પટેલ ઉર્ફે બાબુ બજરંગીને દોષિત જાહેર કર્યા છે.

2012માં ચાલેલા આ જ કેસમાં ટ્રાયલ કોર્ટે માયા કોડનાનીને મુખ્ય આરોપી ગણાવતા આજીવન કેદની સજા કરી હતી.

હાઈ કોર્ટે માયા કોડનાનીને નિર્દોષ જાહેર કરતાં કહ્યું કે માયા કોડનાનીના મામલામાં જે પણ સાક્ષીઓએ નિવેદનો આપ્યાં છે તેને વિશ્વાસપાત્ર ગણી શકાય નહીં.

ઉપરાંત માયા કોડનાની પર જે આરોપ હતો કે તેમણે કારમાંથી ઊતરીને ટોળાને સંબોધ્યું હતું અને હિંસા કરવા માટે ઉશ્કેર્યું હતું.

આ મામલે હાઈ કોર્ટે ચુકાદામાં કહ્યું કે પોલીસ તરફથી એવું કોઈ નિવેદન નથી કે માયા કોડનાની કારમાંથી ઊતરીને ટોળામાં ગયાં હોય.

હાઈ કોર્ટે ટ્રાયલ કોર્ટેનો ચુકાદો યથાવત રાખતા બાબુ બજરંગીને દોષિત જાહેર કર્યા છે.

જોકે, બાબુ બજરંગીને થયેલી આજીવન કેદની સજામાં ઘટાડો કરીને તેમની સજા 21 વર્ષ કરી દેવામાં આવી છે.

હાઈ કોર્ટના ચુકાદા મામલે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર(એસઆઈટી) આર. સી. કોડેકરે બીબીસી સાથે ખાસ વાતચીત કરી હતી.

કોડેકરે માયા કોડનાની મામલે હાઈ કોર્ટે આપેલા ચુકાદા મામલે કહ્યું કે તેમને 'બેનિફિટ ઑફ ડાઉટ'નો લાભ આપવામાં આવ્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ ચુકાદામાં હાઇ કોર્ટે માયા કોડનાનીના PA ક્રિપાલસિંહ છાબડાને પણ નિર્દોષ જાહેર કર્યા છે.

ક્રિપાલસિંહને ટ્રાયલ કોર્ટે તેના ચુકાદામાં દોષિત જાહેર કર્યા હતા.

નરોડા પાટીયા નરસંહાર કેસમાં ટ્રાયલ કોર્ટે કુલ 32 લોકોને દોષિત જાહેર કર્યા હતા.

ગુજરાત હાઈ કોર્ટે આ કેસમાં કુલ 32માંથી 13 આરોપીની ટ્રાયલ કોર્ટની સજા યથાવત રાખી છે જ્યારે 18 લોકોને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે. એક આરોપીનું કેસની સુનાવણી દરમિયાન જ મોત થઈ ગયું હતું.

ઉપરાંત હાઈ કોર્ટે ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્દોષ થયેલા ત્રણ લોકોને દોષિત જાહેર કર્યા છે.


શું છે સમગ્ર મામલો?

અયોધ્યાથી કાર સેવકને લઈને આવતી સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને ગોધરા પાસે 27 ફેબ્રુઆરી, 2002ના રોજ સળગાવી દેવામાં આવ્યો હતો.

જેમાં 57 લોકો જીવતાં સળગી ગયા હતા. જે બાદ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે ગુજરાત બંધનું એલાન આપ્યું હતું.

28 ફેબ્રુઆરીના રોજ ટોળું નરોડા-નારોલ હાઇવે અને નરોડા પાટિયા પાસે પહોંચ્યું હતું.

જે બાદ 97 મુસ્લિમોની હત્યા કરી દેવામાં આવી હતી અને આ ઘટનામાં 33 લોકો ઘાયલ પણ થયા હતા.

જેમાં તત્કાલીન ભાજપ સરકારના મંત્રી માયા કોડનાની અને બજરંગ દળના નેતા બાબુ બજરંગી સહિત કુલ 62 લોકો સામે 2009માં કેસ શરૂ થયો હતો.

કોર્ટે સુનાવણી દરમિયાન 327 લોકોનાં નિવેદનો લીધાં હતાં. આ ગુજરાત રમખાણો સાથે જોડાયેલો એક બહુ ચર્ચિત કેસ છે. જેની તપાસ એસઆઈટીએ કરી હતી.


માયા કોડનાની કોણ છે?

Image copyright Getty Images

માયા કોડનાનીને ટ્રાયલ કોર્ટે તેમને 'હિંસાનાં માસ્ટર માઇન્ડ' ગણાવ્યાં હતાં.

કોડનાની ઘટના સમયે નરેન્દ્ર મોદીની સરકારમાં મંત્રી હતાં. તેમને મોદીની નજીકની વ્યક્તિઓમાંના એક ગણવામાં આવતાં હતાં.

માયા કોડનાનીનો પરિવાર ભારતના ભાગલા પહેલાં હાલ પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રાંતમાં રહેતો હતો.

ભાગલા બાદ તેમનો પરિવાર ગુજરાતમાં આવીને વસ્યો. વ્યવસાયે માયા કોડનાની ડૉક્ટર હતાં. નરોડામાં તેમની હોસ્પિટલ હતી.

તેઓ આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) સાથે પણ જોડાયેલાં હતાં. બાદમાં તેઓ રાજકારણમાં સક્રિય થયાં હતાં.

માનવામાં આવે છે કે તેમની વાત કરવાની આવડતને કારણે તેઓ ભાજપમાં ખૂબ લોકપ્રિય બની ગયાં હતાં.

1998માં તેમણે નરોડાથી વિધાનસભાની ચૂંટણી લડી અને ધારાસભ્ય બન્યાં.

તેઓ 2002 અને 2007માં ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને નરેન્દ્ર મોદીની સરકારમાં મંત્રી પણ બન્યાં.

જે બાદ 2009માં નરોડા પાટીયાનો કેસ શરૂ થયો અને તેમાં સુપ્રીમ કોર્ટની વિશેષ ટીમે તેમને પૂછપરછ માટે બોલાવ્યાં હતાં.

જે બાદ માયા કોડનાનીની ધરપકડ કરવામાં આવી અને તેમણે પ્રધાનપદેથી રાજીનામું આપી દેવું પડ્યું.

જોકે, ત્યારબાદ તેમને જામીન મળ્યા અને તેઓ વિધાનસભામાં જતા-આવતા રહ્યાં અને તેમના પર કેસ પણ ચાલતો રહ્યો.

29 ઓગસ્ટ 2012ના રોજ કોર્ટે તેમને નરોડા પાટીયાનાં રમખાણોમાં દોષી જાહેર કર્યાં હતાં.


હાઈ કોર્ટમાં કેસની સુનાવણી

Image copyright kalpit bhachech

આ મામલે આજીવન કેદની સજા ભોગવી રહેલાં પૂર્વ મંત્રી માયા કોડનાની સહિત 32 દોષીતોએ ગુજરાત હાઈ કોર્ટમાં તેમને થયેલી સજા સામે અરજી કરી હતી.

28 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરાકાંડ બાદ થયેલાં રમખાણોમાં 97 મુસ્લિમોની હત્યા કરી દેવામાં આવી હતી.

જેમાં કુલ 62 લોકો સામે આરોપ ઘડવામાં આવ્યા હતા. 29 ઓગસ્ટના રોજ જ્યોત્સના યાજ્ઞિકની અધ્યક્ષતાવાળી કોર્ટે ચુકાદો આપતા માયા કોડનાની અને બજરંગ દળના નેતા બાબુભાઈ પટેલ ઉર્ફે બાબુ બજરંગી સહિત 32 લોકોને દોષીત ઠેરવ્યા હતા. જ્યારે 29 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા.

જે બાદ તમામ દોષિતોએ પોતાની સજા સામે ગુજરાત હાઈ કોર્ટમાં અરજી કરી હતી.

ઉપરાંત આ કેસમાં ભોગ બનેલા લોકોના પરિવારજનોએ પણ 29 લોકોને નિર્દોષ છોડવા સામે હાઈ કોર્ટમાં અરજી કરી હતી.

આ કેસમાં તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નીમાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે(SIT) પણ હાઈ કોર્ટમાં અરજી કરી હતી.

બાબુ બજરંગીને આજીવન કેદની સજા કેટલીક છૂટ સાથે આપવામાં આવી હતી. જેને પડકારતી અરજી એસઆઈટીએ હાઈ કોર્ટમાં કરી હતી.

બે જજોની બનેલી ખંડપીઠે ગયા વર્ષે ઓગસ્ટમાં કેસની સુનાવણી પૂર્ણ કરી કરી હતી અને ચુકાદો રિઝર્વ રાખ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ