Top News: દેશમાં સગીરાઓ વિરુદ્ધ સેક્સ ક્રાઇમમાં 500 ટકાનો વધારો

બાળકીનો ફોટો Image copyright Getty Images

દેશમાં કઠુઆ અને ઉન્નાવની ઘટના બાદ ચિંતાનો માહોલ સર્જાયો છે.

ધ ક્વિંટના અહેવાલ પ્રમાણે આ વચ્ચે ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ યૂ(CRY)એ એક રિપોર્ટ રજૂ કર્યો છે.

આ રિપોર્ટ પ્રમાણે 10 વર્ષમાં સેક્સ ક્રાઇમમાં 500 ટકાનો વધારો થયો છે.

આંકડાઓ પર નજર નાંખીએ તો વર્ષ 2006માં સેક્સ ક્રાઇમના 18,967 કેસ નોંધાયા હતા, જ્યારે 2016માં તેમાં વધારો થઈને આંકડો 1,06,958એ પહોંચ્યો હતો.

CRYનાં એક નિવેદન પ્રમાણે બાળકો સામે 50 ટકા ગુના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં થયા છે.

પોક્સો એક્ટના આધારે વર્ષ 2016માં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતુ કે ભારતમાં દર 15 મિનિટે સગીરા જાતિય શોષણનો ભોગ બને છે.


રાજ્યની 36 નદીઓને રિચાર્જ કરાશે

Image copyright Getty Images

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ ગુજરાત સરકાર 300 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યની 36 નદીઓને રિચાર્જ કરવાની કામગીરી હાથ ધરશે.

31 જિલ્લાઓને આવરી લેતી આ યોજનામાં 1લી જૂનથી 15 જૂન વચ્ચે કામગીરી હાથ ધરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા નદીના ઉપરવાસમાં કૃત્રિમ પદ્ધતિથી ભૂગર્ભ જળ રિચાર્જ કરી અને બારેમાસ નદીનું વહેણ વહેતું રાખી નદીને પુનઃજીવિત કરવાનું નક્કી કરાયું છે.

સરકારે આ યોજનામાં દરેક જિલ્લાની ઓછામાં ઓછી એક નદીને સાંકળી લેવાનું નક્કી કર્યું છે.


ટ્રેન મોડી પડશે તો મફતમાં પાણી મળશે

Image copyright Getty Images

અમર ઉજાલાના અહેવાલ પ્રમાણે યાત્રા દરમિયાન જો કોઈ ટ્રેન બે કલાક મોડી પડશે તો રેલવે મુસાફરોને એક લિટરની પાણીની બોટલ અને એક ડિસ્પોઝેબલ ગ્લાસ મફતમાં આપશે.

તેની સાથે બધા જ યાત્રીઓને ન્યૂઝ પેપર પણ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ આદેશ રેલવે મંત્રાલયે માત્ર પ્રીમિયમ ટ્રેનોના યાત્રીઓ માટે જ આપ્યો છે.

રાજધાની, દુરંતો અને શતાબ્દી ટ્રેન બે કલાક કે તેથી મોડી ચાલી રહી હોય તો તમને પાણી મફત મળશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો