અફઘાનિસ્તાન: કાબુલના મતદાર કેંદ્રમાં આત્મઘાતી હુમલો, 52મૃત્યુ

આત્મઘાતી હુમલામાં ઘાયલ થયેલી બાળકીની તસવીર Image copyright AFP
ફોટો લાઈન આઠ વર્ષની ઝાહરા વિસ્ફોટમાં ઘાયલ થઈ હતી જેને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલા મતદાતા નોંધણી કેંદ્રમાં થયેલા આત્મઘાતી હુમલામાં 52 લોકોના મૃત્યુ થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

મૃતકોમાં 21 મહિલાઓ અને પાંચ બાળકોનો સમાવેશ થાય છે.

આ નોંધણી કેંદ્રના પ્રવેશદ્વાર પર રાહ જોઈ રહેલા 112 કરતા વધુ લોકો આ આત્મઘાતી બૉમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયા છે.

આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ જૂથે લીધી છે. આ જૂથે અમાક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે હુમલો તેમના દ્વારા કરવામાં આવ્યો છે.

અફઘાનિસ્તાનમાં આગામી ઓક્ટોબરમાં ચૂંટણીઓ થવાની છે અને મતદારોની નોંધણીની શરૂઆત એપ્રિલમાં જ શરૂ થઈ છે.

સમાચાર એજન્સી અમાકના અહેવાલ અનુસાર એક આત્મઘાતી બૉમ્બરે વિસ્ફોટકો સાથેનો પટ્ટો પોતાના શરીર પર બાંધી રાખ્યો હતો અને તેણે મતદાર નોંધણી કેંદ્રને નિશાન બનાવ્યું હતું.

આ કેંદ્ર કાબુલના પશ્ચિમ વિસ્તાર દશ્તે બાર્કીમાં આવેલું છે.

શું તમે આ વાંચ્યું?

ઘટના સ્થળેના ફોટોગ્રાફ્સમાં લોહીથી રંગાયેલા દસ્તાવેજો જમીન પર ફેલાયેલા જોવા મળે છે.

વિસ્ફોટને કારણે આસપાસના વિસ્તારમાં તૂટેલા કાચ, જૂતાં અને નજીક રહેલાં વાહનોમાં છેદ થઈ ગયા હોવાનું જોવા મળે છે.

Image copyright EPA

આ વિસ્ફોટને નજરે જોનારા સાક્ષી બશિર એહમદે કહ્યું, આ ઘટનામાં ઘણાં મહિલા અને બાળકો ભોગ બન્યાં છે. તેઓ ત્યાં પોતાના ઓળખપત્રો મેળવવા અને આગામી ચૂંટણીમાં મતદાતા તરીકે નોંધણી કરાવવા માટે ગયા હતાં.

કાબુલમાં જ્યારથી મતદાતાઓની નોંધણી પ્રક્રિયા શરૂ થઈ છે, ત્યારથી નોંધણી કેંદ્રો પર ઓછામાં ઓછા વખત હુમલા થઈ ચૂક્યા છે.

રવિવારે થયેલો આ હુમલો જાન્યુઆરીમાં સરકારી ઇમારતો અને વિદેશી એલચી કચેરીઓના વિસ્તારમાં 100 વ્યક્તિઓનો ભોગ લેનારા બૉમ્બ વિસ્ફોટ બાદનો સૌથી ઘાતક હુમલો હતો.

અફઘાનિસ્તાનના ગૃહમંત્રીએ બીબીસીને આ વર્ષે અગાઉ જણાવ્યું હતું કે, તાલિબાન અને આઈએસ નાગરિકોને એટલા માટે નિશાન બનાવી રહ્યાં છે, જેથી લોકોને સરકાર વિરુદ્ધ ભડકાવી શકાય અને દેશમાં અધાધુંધી સર્જાય.

Image copyright Reuters
ફોટો લાઈન વિસ્ફોટનું સ્થળ

આ વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીઓ બાદ અફઘાનિસ્તાનમાં વર્ષ 2019માં રાષ્ટ્રપતિની ચૂંટણીઓ પણ યોજાવાની છે.

આ વર્ષની શરૂઆતના સમયે બીબીસીના સંશોધનમાં જણાયું હતું કે અફઘાનિસ્તાનની સરકારનો માત્ર 30 વિસ્તાર પર જ સંપૂર્ણ અંકુશ છે.

જ્યારે દેશના બાકીના વિસ્તારમાં તાલિબાન અને કેટલેક અંશે આઈએસનો પણ ખતરો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ