ત્રણ સદી જોનારાં તાજિમાનું 117 વર્ષે અવસાન

નબી તાજિમા Image copyright youtube

જાપાનનાં 117 વર્ષ અને 261 દિવસની ઉંમરનાં નબી તાજિમાનું અવસાન થયું છે. તે જાપાનનાં દક્ષિણ-પૂર્વ કિકાઈ ટાપુ પર રહેતાં હતાં.

તાજિમાનું નામ ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી મોટી ઉંમરનાં વ્યક્તિ તરીકે નોંધાયેલું હતું. તે દુનિયામાં સૌથી લાંબી ઉંમર સુધી જીવનારાં વ્યક્તિ તરીકે ઓળખાતાં હતાં.

મેડિકલ રિપોર્ટ અનુસાર તાજિમાનું મૃત્યુ એ જ્યાં જાન્યુઆરીથી દાખલ થયાં હતાં તે જ હોસ્પિટલમાં જ થયું હતું. તાજિમાના નામે ઘણા રેકોર્ડ છે. એ પૂરા એશિયામાં સૌથી વધુ દિવસો સુધી જીવનારાં વ્યક્તિ બન્યાં અને સૌથી લાંબુ જીવવામાં વિશ્વમાં એ ત્રીજા ક્રમે રહ્યાં.

ગિનિસ બુકમાં દર્શાવ્યા અનુસાર તાજિમાં 19મી સદીમાં જન્મ લેનારાં વિશ્વનાં સૌથી છેલ્લાં જીવિત વ્યક્તિ હતાં, જે 21મી સદી સુધી જીવતાં રહ્યાં.

એટલે કે તાજિમા પાસે ત્રણ સદીઓમાં જીવવાનો અનુભવ હતો. રેકોર્ડ અનુસાર તાજિમાનો જન્મ ઓગસ્ટ 1900ના દિવસે થયો હતો. તે વીસમી સદી આખી જીવ્યાં અને 21મી સદીમાં તેમણે આ દુનિયામાંથી વિદાય લીધી.

શું તમે આ વાંચ્યું?

જાપાનનાં મીડિયા અનુસાર તાજિમાનાં 160 વંશજો છે. તેમાં તેમનાં નવ બાળકો, 28 પૌત્ર-પૌત્રીઓ, 56 પ્રપૌત્રૌ-પ્રપૌત્રીઓ અને એ પ્રપૌત્રો-પ્રપૌત્રીઓનાં 35 બાળકોનો સમાવેશ થાય છે.

તાજિમાના અવસાન બાદ હવે જાપાનનાં જ ચિયો યોશિદા હવે વિશ્વનાં સૌથી મોટી ઉંમરની વ્યક્તિ છે.

એમની ઉંમરની અન્ય કોઈ પણ વ્યક્તિ વિશ્વમાં ક્યાંય પણ હાલ જીવિત નથી. ચિયોની ઉંમર 116 વર્ષ થશે.

જાપાની ટીવી એનએચકે અનુસાર તાજિમા જીવનનાં છેલ્લાં દિવસોમાં મોટેભાગે ઊંઘતા રહેતાં હતાં.

તેમણે લાંબા સમયથી બોલવાનું બંધ કરી દીધું હતું. જોકે તે દિવસમાં ત્રણ વખત જમતાં હતાં.

જાપાનનાં વહિવટતંત્ર અનુસાર દેશમાં 100 વર્ષ કે તેનાથી વધુ ઉંમર ધરાવતાં 67 હજાર લોકો છે.

એશિયાના દેશોમાં 100 વર્ષની ઉંમરનાં લોકો આટલી મોટી સંખ્યાંમાં ક્યાંય નથી.

એટલે સુધી કે જાપાન એવો દેશ છે, જ્યાં સૌથી મોટી સંખ્યામાં વૃદ્ધો છે. ત્યાંના સરકારી આંકડા અનુસાર જાપાનની 26 ટકા વસતી 65 કે તેનાથી વધુ ઉંમરની છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ