Top News: શા માટે ફરી ચર્ચામાં આવ્યા રધુરામ રાજન?

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ભૂતપૂર્વ ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર રધુરામ રાજન હવે બૅન્ક ઑફ ઇંગ્લેન્ડની ટોપ પોસ્ટ માટે દાવેદારી કરી શકે છે.

હાલ યૂકે ગર્વમેન્ટ આવતા વર્ષથી બૅન્ક ઑફ ઇંગ્લેન્ડના હેડની નિમણૂક માટે ઉમેદવાર શોધી રહી છે.

જેમાં વિશ્વના અન્ય અર્થશાસ્ત્રીઓ સાથે રઘુરામ રાજન પણ ઉમેદવારી કરી શકે છે.

મૂળ કેનેડાના માર્ક કાર્ની જૂન 2019માં તેમનું પદ છોડી રહ્યા છે. જ્યારે તેમણે 2013માં આ હોદ્દો સંભાળ્યો હતો ત્યારે તેઓ પ્રથમ એવા વ્યક્તિ બન્યા હતા કે જેઓ વિદેશી મૂળના હોય.

એવા પણ સંકેતો મળી રહ્યા છે કે આ પદ માટે કોઈ વિદેશી હોય તેવા ચાન્સ પણ ઘણા વધારે છે.

જેના કારણે હાલ સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ કરી રહ્યા છે.


દિલ્હી પાસે ચાલુ કારમાં સગીરા પર સામૂહિક બળાત્કાર

Image copyright Getty Images

એનડીટીવીના અહેવાલ મુજબ ગયા અઠવાડિયે 11માં ધોરણમાં અભ્યાસ કરી રહેલી એક સગીરા પર ગ્રેટર નોઇડામાં સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.

વિદ્યાર્થિની સ્કૂલ બસ ચૂકી ગઈ હતી અને જ્યારે ચાલીને ઘરે જતી હતી એ સમયે તેમના ક્લાસમેટે કારમાં લિફ્ટ આપી.

તેના પર ચાલતી કારમાં જ કલાકો સુધી દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને અંતે તેને રોડ પર જ છોડી દેવામાં આવી હતી.

પોલીસને જણાવ્યા મુજબ 16 વર્ષીય કિશોરની પર બળાત્કારની આ ઘટના ગયા બુધવારે બની હતી.

હાલ પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધીને આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.


મધ્ય પ્રદેશ સરકાર કેમ પોર્ન ફિલ્મો પર મૂકશે પ્રતિબંધ?

Image copyright Getty Images

નવભારત ટાઇમ્સના અહેવાલ મુજબ મધ્ય પ્રદેશ સરકાર રાજ્યમાં પોર્ન પર પ્રતિબંધ મૂકવા વિચારી રહી છે.

સરકારનું માનવું છે કે દેશભરમાં થઈ રહેલી આ ઘટનાઓ પાછળનું સૌથી મોટું કારણ પોર્ન અને બ્લૂ ફિલ્મો છે.

અહેવાલમાં જણાવવવામાં આવ્યું છે કે મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી ભૂપેન્દ્રસિંહે કહ્યું કે અમારું માનવું છે કે બાળકો સાથે છેડતી અને દુષ્કર્મોના વધતા મામલા પાછળ પોર્ન છે.

તેમણે કહ્યું કે તેઓ મધ્ય પ્રદેશમાં પોર્ન પર પ્રતિબંધ મૂકવા પર વિચાર કરી રહ્યા છે. તેમના માટે તેઓ કેન્દ્ર સરકાર સમક્ષ પ્રસ્તાવ રાખશે.

અહેવાલ મુજબ કેટલાક સમય પહેલાં મધ્ય પ્રદેશનાં ઇન્દોર જિલ્લાના રજવાડા વિસ્તારમાં ચાર મહિનાની બાળકી પર બળાત્કાર અને નિર્મમ હત્યા કરી દેવાઈ હતી.


ચીનમાં બારમાં આગ લાગતાં 18 લોકોનાં મૃત્યુ

Image copyright Getty Images

ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે ચીનના એક બારમાં આગ લાગતાં 18 લોકોનાં મૃત્યુ થયાં છે.

મંગળવારે વહેલી સવારે ગ્વાંગડોંગ પ્રાંતનાં કિંગયુયાન શહેરમાં આ દુર્ઘટના બની હતી.

પોલીસને આ ઘટનાની જાણ થઈ અને ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચ્યા તે પહેલાં બાર આગમાં બળી ગયો હતો.

જેમાં 18 લોકોનાં મૃત્યુ થયાં છે, પોલીસના કહેવા પ્રમાણે આગમાંથી બચાવી લેવામાં આવેલા 5 લોકોને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

સ્થાનિક મીડિયામાં દર્શાવવામાં આવતાં દૃશ્યો મુજબ આગ એટલી ભયાનક હતી કે બહાર ઊભેલા લોકો પણ ફસાયેલા લોકોને બચાવવા માટે કશું કરી શક્યા નહીં.

હાલ પોલીસને એ વાતની શંકા છે કે આગ કોઈએ લગાડી છે. જોકે, પોલીસ આ મામલે હાલ તપાસ કરી રહી છે.


...નહીં તો અમદાવાદના પુલો બંધ કરાશે: મેવાણી

Image copyright Getty Images

નવગુજરાત સમયના અહેવાલ પ્રમાણે આંબાવાડીના ભૂદરપુરા વિસ્તારમાં બે સમાજ વચ્ચે થયેલા વિવાદ અંગે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પુલો બંધ કરવાની ચિમકી આપી છે.

તેમણે કહ્યું કે 72 કલાકમાં દલિતો પર હુમલો કરનારી ક્રાઇમ બ્રાન્ચ અને જે લુખ્ખાં તત્ત્વો હતાં તેમની સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવે.

જિગ્નેશે કહ્યું કે જો તેમની સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમદાવાદના સાત પુલો બંધ કરી દેવામાં આવશે.

તેમણે દલિતો સામેના કેસ પરત ખેંચવાની અને ન્યાય નહીં મળે તો સુપ્રીમ કોર્ટ સુધી જવાની પણ ચેતવણી આપી હતી.

મેવાણીએ કલેક્ટર કચેરી પાસે યોજેલી સભામાં કહ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચને એવું હોય કે હાથમાં ડંડો લઈને કંઈપણ કરી શકાય છે તો તેનો પણ જવાબ મળી શકે છે.


સુરત: બાળકીના કથિત રેપ કેસમાં નવો ખૂલાસો

ઇન્ડિયન એક્પ્રેસના અહેવાલ મુજબ સુરતમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને ત્યારબાદ હત્યા મામલે પકડાયેલા આરોપીએ નવો ખુલાસો કર્યો છે.

અહેવાલમાં પોલીસનાં સુત્રોને ટાંકતા લખવામાં આવ્યું છે કે આરોપી હર્ષ સહાય ગુર્જર એક મહિલાને 35,000 રૂપિયામાં ખરીદીને લાવ્યો હતો.

તેમનું કહેવું છે કે તેના મહિલા સાથે સંબંધો હતા, પરંતુ મહિલાએ તેની સાથે રહેવાની જીદ પકડતાં અંતે બાળકી અને તેમનાં માતાની હત્યા કરી નાખી હતી.

પોલીસના કહેવા પ્રમાણે ડીએનએ ટેસ્ટમાં જાણવા મળ્યું છે કે 9 એપ્રિલના રોજ સુરતમાંથી મળેલો મહિલાનો મૃતદેહ મૃત બાળકીની માતાનો જ છે.

ગુર્જર પર આરોપ છે કે કથિત રીતે તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી હતી. હાલ તે પોલીસ રિમાન્ડમાં છે.


મેઘાલયમાંથી AFSPA હટાવાયો

આફસ્પા Image copyright Getty Images

નવભારત ટાઇમ્સના અહેવાલ પ્રમાણે કેન્દ્રના ગૃહ વિભાગે સોમવારે મેઘાલયમાંથી વિવાદાસ્પદ આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ(AFSPA) સંપુર્ણ રીતે હટાવી લીધો છે.

અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાંથી પણ આ એક્ટ હટાવી લેવામાં આવ્યો છે.

આ કાયદા તળે સુરક્ષાદળોને કેટલાક ખાસ અધિકારો મળે છે. જેનો ઘણા સમયથી વિરોધ કરવામાં આવતો હતો.

સપ્ટેમ્બર 2017 સુધી મેઘાલયના 40 ટકા વિસ્તારમાં AFSPA લાગુ હતો.

ગૃહ વિભાગના એક અધિકારીના જણાવ્યા બાદ રાજ્ય સરકાર સાથે વાતચીત બાદ મેઘાયલમાંથી સંપૂર્ણ રીતે આફસ્પા હટાવી લેવામાં આવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ