BBC Special: ચમત્કારી બાબાથી જેલ સુધી, આસારામની પૂરી કહાણી

આસારામ Image copyright Getty Images

આસારામના કેસનો ચુકાદો અપાય તે દિવસે મોટી સંખ્યામાં તેના ભક્તો જોધપુરમાં એકઠા થાય તેવી શક્યતા છે.

તેના કારણે ઊભી થનારી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 30 એપ્રિલ સુધી જોધપુરમાં 144મી કલમ લાગુ કરી દેવાઈ છે.

બાબા ગુરમીત રામરહિમની સજા જાહેર થઈ ત્યારે હરિયાણામાં મોટા પ્રમાણમાં હિંસા થઈ હતી.

આસારામને કારણે રાજસ્થાનમાં હિંસાના બનાવો ના બને તે માટે સરકાર તકેદારી લઈ રહી છે.

25 એપ્રિલે અદાલત શું ચુકાદો આપશે તેના પર હવે સૌની નજર છે. આસારામ સામે છેલ્લા પાંચ વર્ષથી પીડિતા અને તેનો પરિવાર ન્યાય માટે લડી રહ્યા છે તે અનેક રીતે અપૂર્વ લડાઈ છે.

આસારામ સામેના કેસ સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વની બાબતો પર એક નજર કરીએ.


આસારામ અને તેનો સામાજિક પ્રભાવ

Image copyright AFP

આસારામનું સાચું નામ અસુમલ હરપલાણી છે. તેમનો જન્મ પાકિસ્તાનના સિંધમાં આવેલાં બેરાની ગામમાં એપ્રિલ 1941માં થયો હતો.

સિંધી વેપારી સમાજના આસારામનો પરિવાર 1947ના ભાગલા પછી ભારતના અમદાવાદમાં આવીને વસ્યો હતો.

1960ના દાયકામાં તેણે લીલાશાહને ગુરુ બનાવ્યા હતા. ગુરુએ જ તેમને અસુમલની જગ્યાએ આસારામ એવું નામ આપ્યું હતું.

1972માં અમદાવાદથી તે વખતે દસેક કિમી દૂર આવેલા મોટેરા ગામ પાસે સાબરમતી નદીના કિનારે આસારામે પોતાની નાનકડી ઝૂંપડી બાંધી હતી.

આસારામના ભક્તોની સંખ્યા ધીમે ધીમે વધવા લાગી અને ગુજરાતનાં કેટલાંય શહેરો તથા દેશનાં જુદાં જુદાં રાજ્યોમાં પણ તેમના આશ્રમો ખુલવા લાગ્યા.

તમે આ વાંચ્યું કે નહીં?

શરૂઆતમાં ગુજરાતનાં ગામડાંમાંથી આવતી ગરીબ, પછાત અને આદિવાસી પ્રજાને આસારામે પોતાના 'પ્રવચનો, દેશી દવાઓ અને ભજન-કિર્તન'ના ત્રેખડથી આકર્ષી હતી.

બાદમાં ધીમે ધીમે ગુજરાતના શહેરી વિસ્તારોના મધ્યમવર્ગમાં પણ તેનો પ્રભાવ વધવા લાગ્યો.

શરૂઆતનાં વર્ષોમાં આસારામના પ્રવચનો બાદ પ્રસાદના નામે મફત ભોજન અપાતું હતું.

તેના કારણે 'ભક્તો'ની સંખ્યામાં ઝડપથી વધારો થવા લાગ્યો હતો. આસારામની સત્તાવાર વેબસાઇટમાં દાવો કરાયો છે કે આજે પણ દુનિયાભરમાં તેના 4 કરોડ અનુયાયીઓ છે.

બે કે ત્રણ દાયકામાં આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈએ સાથે મળીને દેશ અને વિદેશમાં 400 આશ્રમોનું સામ્રાજ્ય ઊભું કરી દીધું હતું.

આસારામના આશ્રમોની અને અનુયાયીઓની સંખ્યા વધવા સાથે તેની સંપત્તિ પણ વધવા લાગી હતી.

તેમની પાસે લગભગ 10 હજાર કરોડની સંપત્તિ હોવાનું કહેવાતું હતું. કેન્દ્ર અને ગુજરાતના વેરા વિભાગો તથા ઈડી દ્વારા આસારામે એકઠી કરેલી સંપત્તિની તપાસ ચાલી રહી છે.

તપાસ સંસ્થાઓ ગેરકાયદે રીતે જમીન પચાવી પાડીને બનાવેલા આશ્રમોની પણ તપાસ કરી રહી છે.


આસારામનો રાજકીય પ્રભાવ

Image copyright YOUTUBE GRAB

ભક્તોની સંખ્યા વધવા લાગી તે સાથે રાજકારણીઓ સાથે પણ આસારામનો ઘરોબો વધવા લાગ્યો. નેતાઓને લાગ્યું કે આસારામ પાસે મોટી વૉટબેન્ક છે.

1990થી 2000ના દાયકામાં તેમના ભક્તોની યાદીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને નીતિન ગડકરી જેવા દિગ્ગજોનો પણ સમાવેશ થવા લાગ્યો હતો.

દિગ્વિજય સિંહ, કમલ નાથ અને મોતીલાલ વોરા જેવા વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓનો સમાવેશ પણ તેમાં થતો હતો.

ભાજપના વર્તમાન અને ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓની પણ એક લાંબી યાદી છે, જેઓ અવારનવાર આસારામનાં 'દર્શન' કરવા માટે પહોંચી જતા હતા.

આ યાદીમાં શિવરાજસિંહ ચૌહાણ, ઉમા ભારતી, રમણ સિંહ, પ્રેમકુમાર ધૂમલ અને વસુંધરા રાજેનો સમાવેશ થાય છે.

આ બધા ઉપરાંત 2000ના દાયકાની શરૂઆતમાં આસારામનાં 'દર્શને' જનારા નેતાઓમાં સૌથી અગત્યનું નામ હતું હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું.

જોકે 2008માં આસારામના મોટેરા આશ્રમમાં ભણતાં બે બાળકોની હત્યા થઈ તે પછી જાગેલા વિવાદના કારણે રાજકીય નેતાઓ તેમનાથી દૂર થવા લાગ્યા હતા.


2008માં મોટેરામાં હત્યાકાંડ

Image copyright Getty Images

5 જુલાઈ 2008ના રોજ મોટેરા આશ્રમની પાછળ સાબરમતી નદીના ખુલ્લા તટમાં 10 વર્ષના અભિષેક વાઘેલા અને 11 વર્ષના દીપેશ વાઘેલાના અડધા બળેલા અને વિકૃત્ત થઈ ગયેલા મૃતદેહો મળ્યા હતા.

અમદાવાદમાં જ રહેતા વાઘેલા પરિવારના આ પિતરાઈ ભાઈઓને થોડા દિવસ પહેલાં જ આસારામના આશ્રમમાં ચાલતા ગુરુકુળમાં દાખલ કરાયા હતા.

આ મામલામાં ભારે ઉહાપોહ પછી ગુજરાત સરકારે બાળકોની હત્યાના મામલાની તપાસ માટે ડી. કે. ત્રિવેદી પંચ બેસાડ્યું હતું. જોકે આજ સુધી પંચનો અહેવાલ જાહેર કરાયો નથી.

દરમિયાન 2012માં ગુજરાત પોલીસે હત્યાના આ કેસમાં આશ્રમના સાત માણસો પર કેસ દાખલ કર્યો હતો. આ કેસ હાલમાં પણ અમદાવાદની સેશન્સ કોર્ટમાં ચાલે છે.


જોધપુરમાં બળાત્કારનો કેસ

Image copyright Getty Images

ઑગસ્ટ 2013માં આસારામ સામે જોધપુરમાં બળાત્કારનો કેસ દાખલ થયો. શાહજહાંપુરમાં રહેતો પીડિતાનો પરિવાર આસારામનો કટ્ટર ભક્ત હતો.

પીડિતાના પિતાએ પોતાના ખર્ચે શાહજહાંપુરમાં આસારામ આશ્રમ બનાવ્યો હતો.

આસારામમાં શ્રદ્ધા રાખનાર આ પરિવારે પોતાનાં બંને સંતાનોને 'સંસ્કારી શિક્ષણ' મળે તે માટે છિંદવાડામાં આવેલા આસારામનાં ગુરુકુળમાં ભણવા બેસાડ્યાં હતાં.

7 ઑગસ્ટ 2013ના રોજ પીડિતાના પિતા પર છિંદવાડા ગુરુકુળમાંથી ફોન આવ્યો હતો.

ફોન પર તેમને જણાવાયું કે તેમની 16 વર્ષની દીકરી બીમાર છે. બીજા દિવસે પીડિતાનાં માતાપિતા છિંદવાડા ગુરુકુળ પહોંચ્યાં ત્યારે તેમને એવું કહેવાયું કે તમારી દીકરીને વળગાડ થયો છે. આસારામ જ તેનો વળગાડ દૂર કરી શકે છે.

Image copyright Getty Images

14 ઑગસ્ટે પીડિતાનો પરિવાર દીકરીને લઈને આસારામને મળવા માટે જોધપુર આશ્રમ પહોંચ્યો હતો.

આ કેસમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર આસારામે 15 ઑગસ્ટે સાંજે 16 વર્ષની પીડિતાને 'સાજી' કરી દેવાના બહાને પોતાની ઝૂંપડીમાં બોલાવી હતી અને તેના પર બળાત્કાર કર્યો હતો.

પીડિતાના પરિવાર માટે આ ઘટના આઘાતજનક હતી. તેમના માટે તેમનો ભગવાન તેમની દીકરીનો ભક્ષક બની ગયો હતો.

આસારામ પર મૂકેલી શ્રદ્ધા ચકનાચૂર થઈ ગઈ અને પોલીસ ફરિયાદ પછી હાલાકીમાં મૂકાઈ ગયેલો આ પરિવાર છેલ્લાં પાંચ વર્ષથી નજરકેદમાં હોય તેવી રીતે જ જીવી રહ્યો છે.

તેમને લાંચ આપવાની કોશિશ થઈ હતી અને તેનાથી કામ ના થયું ત્યારે ખતમ કરી દેવાની ધમકીઓ અપાઈ હતી.

આમ છતાં આ પરિવાર પોતાનાથી અનેકગણા શક્તિશાળી આસારામ સામે ન્યાયની લડાઈ હિંમતથી લડી રહ્યો છે.


સાક્ષીઓની હત્યા

Image copyright Getty Images

28 ફેબ્રુઆરી, 2014ના રોજ આસારામ પર અને તેમના પુત્ર નારાયણ સાંઈ પર બળાત્કારનો આરોપ મૂકનારી સુરતની બે બહેનોમાંથી એકના પતિ પર સુરતમાં જીવલેણ હુમલો થયો હતો.

15 દિવસ પછી રાકેશ પટેલ નામના આસારામના વીડિયોગ્રાફર પર પણ હુમલો થયો હતો.

આ હુમલાના થોડા દિવસ બાદ દિનેશ ભગનાણી નામના ત્રીજા સાક્ષી પર સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં તેજાબ ફેંકવામાં આવ્યો હતો.

આ ત્રણે સાક્ષીઓ તેમના પરના હુમલામાંથી બચી ગયા, પણ 23 માર્ચ 2014ના રોજ અમૃત પ્રજાપતિ પર થયેલો હુમલો તેમના માટે જીવલેણ નીવડ્યો હતો.

આસારામના અંગત મદદનીશ તરીકે કામ કરી ચૂકેલા અમૃત પ્રજાપતિ પર ચોથી વાર હુમલો થયો અને તેમને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગળામાં ગોળી મારી દેવાઈ. 17 દિવસ ઝઝૂમ્યા બાદ તેમનું મૃત્યુ થઈ ગયું.

Image copyright Pti

તે પછીનું નિશાન આસારામ સામે કુલ 187 અહેવાલો આપનારા શાહજહાંપુરના પત્રકાર નરેન્દ્ર યાદવ પર હતું.

અજાણ્યા હુમલાખોરોએ તેમના ગળા પર જ વાર કર્યો હતો. જોકે 76 ટાંકા અને ત્રણ ઑપરેશન સાથે નરેન્દ્ર યાદવ સદનસીબે બચી ગયા છે.

તે પછી જાન્યુઆરી 2015માં બીજા એક સાક્ષી અખિલ ગુપ્તાની મુઝ્ઝફરનગરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.

તેના બરાબર એક મહિના પછી આસારામના અંગત મદદનીશ તરીકે કામ કરી ચૂકેલા રાહુલ સચાન પર હુમલો થયો હતો.

જોધપુર અદાલતમાં જુબાની આપવા આવેલા રાહુલ પર અદાલતના પરિસરમાં જ જીવલેણ હુમલો થયો હતો.

તે હુમલામાં રાહુલ સચાન બચી ગયા, પણ 25 નવેમ્બર 2015ના રોજ તેઓ ગુમ થઈ ગયા, તે પછી આજ સુધી તેમનો પતો લાગ્યો નથી.

સાક્ષીઓ પર હુમલાનો સીલસીલો ચાલતો જ રહ્યો અને 13 મે 2015ના રોજ મહેન્દ્ર ચાવલા પર પાણીપતમાં હુમલો થયો.

સાક્ષીઓ પરનો તે આઠમો હુમલો હતો. તેમાંથી તેઓ માંડ માંડ બચ્યા, પણ આજેય તેમને શારીરિક ખોડ રહી ગઈ છે.

આ હુમલાના ત્રણ મહિનામાં જ જોધપુરમાં વધુ એક સાક્ષી 35 વર્ષના કૃપાલ સિંહને ગોળી મારી દેવામાં આવી.

જોધપુર કોર્ટમાં પીડિતાની તરફેણમાં તેમણે જુબાની આપી તેના થોડા જ અઠવાડિયામાં કૃપાલ સિંહની હત્યા કરી દેવાઈ.


આસારામનો બચાવ કરી રહેલા વકીલો

Image copyright Getty Images

આસારામે પોતાને બચાવવા માટે છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન દેશના અનેક મોટા, મોંઘા અને જાણીતા વકીલોને રોક્યા છે.

આસારામના બચાવ માટે જુદી જુદી કોર્ટમાં કેસ લડનારા તથા તેની જામીન માટે મહેનત કરનારા વકીલોમાં રામ જેઠમલાણી, રાજુ રામચંદ્રન, સુબ્રમણ્યમ સ્વામી, સિદ્ધાર્થ લુથરા, સલમાન ખુરશીદ, કે.ટી.એસ. તુલસી અને યુ. યુ. લલિત જેવા નામી વકીલોનો સમાવેશ થાય છે.

જુદી જુદી અદાલતોમાં આસારામે જામીન માટે કરેલી 11 અરજીઓને અત્યાર સુધીમાં રદ કરી દેવાઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ