મોદીની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં કોઇમ્બતૂર બ્લાસ્ટનો ગુનેગાર ઝડપાયો

મોદીના સમર્થક કાર્યકરો Image copyright Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું ઘડવાના આરોપ સબબ તામિલનાડુની સેલમ પોલીસે મોહમ્મદ રફિક નામના શખ્સની ધરપકડ કરી છે.

સોશિયલ મીડિયા પર આરોપીની ઑડિયો ક્લિપ વાઇરલ થઈ હતી, જેના પગલે પોલીસ તેમના સુધી પહોંચી શકી હતી.

મોહમ્મદ રફિક 1998ના કોઇમ્બતૂર બ્લાસ્ટ કેસના ગુનેગાર છે.

સેલમ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે, જેથી તેમના દાવાની સત્યતાની ખરાઈ થઈ શકે.

Image copyright Getty Images
ફોટો લાઈન 1998માં અડવાણી ચૂંટણી પ્રચાર અર્થે કોઇમ્બતૂર ગયા હતા ત્યારે શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા

મોહમ્મદ રફિક અને ટ્રાવેલ્સનો ધંધો કરતા પ્રકાશ નામના શખ્સ વચ્ચેની આઠ મિનિટની વાતચીત વ્હૉટ્સઍપ તથા સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી.

આ વાતચીતમાં મોહમ્મદે દાવો કર્યો હતો, "અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાની યોજના ઘડી રહ્યા છીએ."

વાઇરલ ઓડિયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

શું તમે આ વાંચ્યું?

ઑડિયોમાં રફિકે ઉમેર્યું હતું, "હું અનેક વખત જેલમાં જઈ આવ્યો છું અને કોઈનાથી ડરતો નથી.

"અમે અડવાણીની હત્યાનો પ્રયાસ કરી ચૂક્યા છીએ અને હવે મોદીની હત્યા કરવાની યોજના છે."

ફોટો લાઈન મોહમ્મદ રફિક

પોલીસના જણાવ્યા પ્રમાણે, 1998ના કોઇમ્બતૂર બ્લાસ્ટ્સમાં મોહમ્મદ રફિક સંડોવાયેલો હતો. 2007માં તે જેલમાંથી બહાર આવ્યો હતો.

2014માં 'ગુંડા એક્ટ' હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી.

ઉપરાંત 'ટેરરિસ્ટ ઍન્ડ ડિસરપ્ટિવ ઍક્ટિવિટીઝ એક્ટ' (ટાડા) તથા 'નેશનલ સિક્યુરિટી એક્ટ' હેઠળ પણ તેની ધરપકડ થઈ ચૂકી છે.

હાલમાં મોહમ્મદ રફિક જૂની કારોની લેવેચનો ધંધો કરે છે.

Image copyright Getty Images

ભારતીય દંડ સંહિતાની અલગઅલગ કલમો હેઠળ પોલીસે મોહમ્મદ રફિકને કોર્ટમાં રજૂ કર્યા હતા.

જ્યાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા.

પોલીસે કાવતરા અંગે મોહમ્મદ રફિકની પૂછપરછ હાથ ધરી છે તથા પ્રકાશની ભૂમિકા અંગે પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે 1998માં લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી તામિલનાડુના કોઇમ્બતૂર ખાતે પ્રચાર અર્થે ગયા હતા.

ત્યારે ત્યાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં 58 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 200થી વધુ ઘાયલ થયાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો