આસારામથી ગુરમીત સુધી : બદનામ બાબાઓની કહાણી!

પોલીસ કસ્ટડીમાં આસારામ Image copyright Getty Images

સગીરા પર બળાત્કાર મામલે આસારામને જોધપુરની કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આસારામ બાપુ પર સગીરા પર બળાત્કારન કરવાનો આરોપ હતો. આ મામલો 2013નો છે. તેમના પર બીજા અન્ય મામલા પણ દાખલ થયેલા છે.

આરોપ હતો કે આસારામ જમીન પચાવવી, બાળકોની હત્યા સહિત અન્ય મામલામાં પણ સંડોવાયેલા છે. પોલીસ આ મામલાઓની તપાસ કરી રહી છે.

આસારામ પર આશીર્વાદ આપવાના બહાને યુવતીઓ સાથે છેડછાડ અને જાતીય શોષણના આરોપો છે.

તેમના પુત્ર નારાયણ સાંઈ પર પણ આ પ્રકારના આરોપો લાગેલા છે.

પરંતુ આ બાબતોમાં આસારામ એકલા નથી. આ પહેલા પણ અનેક બાબાઓ ગુનેગાર ઠર્યા છે અથવા તો તેમની ઉપર ગંભીર આરોપ લાગ્યા છે.


ગુરમીત રામ રહીમ

Image copyright TWITTER @GURMEETRAMRAHIM
ફોટો લાઈન ગુરમીત રામ રહીમ

25મી ઓગસ્ટ 2017ના દિવસે પંચકૂલાની વિશેષ કોર્ટે ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને રેપના ગુનામાં દોષિત ઠેરવ્યો હતો.

2002માં ગુરમીત સામે રેપના બે અલગઅલગ કેસ તેની સામે દાખલ થયા હતા.

બંનેમાં રામ રહીમને દસ-દસ વર્ષની સજા તથા 15 લાખ દસ હજાર (બંને કેસમં અલગથી)નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

કોર્ટના ચુકાદા બાદ રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને પંજાબમાં તણાવ ફેલાયો હતો.

હિંસાને કારણે હરિયાણામાં 30થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા હતા.

ચંદ્રાસ્વામી

Image copyright Getty Images
ફોટો લાઈન ચંદ્રાસ્વામી

ચંદ્રાસ્વામીનું વ્યક્તિત્વ કેટલું પ્રભાવશાળી હતું એ વાતનો અંદાજ તેના પરથી લગાવી શકાય કે તેમણે ભારતના તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિંહા રાવના સૌથી નજીકના સલાહકાર માનવામાં આવતા હતા.

તો બીજી તરફ તેમના પર રાજીવ ગાંધીની હત્યાના ષડયંત્રમાં સામેલ થવાનો આરોપ પણ લાગ્યો હતો.

આ આરોપો વચ્ચે તેમના અનેક દેશના વડાઓ સાથે મધુર સંબંધો હતા. હથિયારોની દલાલી અને હવાલાનો કારોબાર, વિદેશી હુંડિયામણના કાયદાનું ઉલ્લંઘન જેવા અનેક આરોપો તેમના પર લાગ્યા હતા.

રામપાલ

Image copyright Getty Images
ફોટો લાઈન રામપાલનો આશ્રમ

બાબા રામપાલ અથવા સંત રામપાલ અધ્યાત્મની દુનિયામાં પગલાં મૂકતાં પહેલાં હરિયાણાના સિંચાઈ વિભાગમાં એન્જિનિયર હતા.

18 વર્ષ સુધી નોકરી કર્યા બાદ તેમણે રાજીનામું આપી દીધું અને પછી સત્સંગ કરવા લાગ્યા. તેમણે સતલોક આશ્રમની સ્થાપના કરી.

આરોપ છે કે તેમના આશ્રમની હૉસ્પિટલમાં ગર્ભપાતનું સેન્ટટર ચાલતું હતું. તેમના આશ્રમમાંથી હથિયાર અને ઘણી વાંધાજનક દવાઓ પણ જપ્ત કરવામાં આવી હતી.

તેમના પર સરકારી કાર્યમાં અડચણ ઊભી કરવાનો અને આશ્રમમાં લોકોને જબરદસ્તીથી બંધક બનાવવાનો કેસ નોંધાયેલો છે.

સંત રામપાલ દેશદ્રોહના એક મામલામાં હાલ હિસાર જેલમાં બંધ છે.

વિવાદાસ્પદ નિત્યાનંદ સ્વામી

Image copyright Getty Images
ફોટો લાઈન નિત્યાનંદ

વર્ષ 2010માં સ્વામી નિત્યાનંદ વિરુદ્ધ છેતરપીંડી અને અશ્લીલતાનો કેસ થયેલો છે.

તેમની કથિત સેક્સ સીડી સામે આવી હતી. જેમાં તેમને એક અભિનેત્રી સાથે શારીરિક સંબંધો બાંધતા દર્શાવાયા હતા.

ત્યારબાદ ફૉરેન્સિક લેબમાં થયેલી તપાસમાં સીડી સાચી હોવાનું સામે આવ્યું હતું.

પરંતુ નિત્યાનંદ આશ્રમે તે સીડી મામલે અમેરિકન લેબનો રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં સીડી સાથે ચેડાં થયા હોવાની વાત કહેવામાં આવી હતી.

તે બાદ નિત્યાનંદની ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેના થોડા દિવસો બાદ નિત્યાનંદને જામીન મળી ગયા હતા.

આ સિવાય બેંગ્લુરુમાં નિત્યાનંદના આશ્રમ પર રેડ દરમિયાન કૉન્ડમ તથા ગાંજો પણ મળ્યા હતા.

સ્વામી ભીમાનંદ


દિલ્હીના એક બાબા ખુદને ઇચ્છાધારી સંત તરીકે ઓળખાવતા. સ્વામી ભીમાનંદ નાગિન ડાન્સને માટે ચર્ચામાં રહેતા હતા.

1997માં લાજપત નગર વિસ્તારમાં પોલીસે દેહવ્યાપારમાં સામેલ હોવાના આરોપસર તેમની ધરપકડ કરી હતી.

તેમના પર આરોપ હતો કે તેઓ પ્રવચનના બહાને યુવતીઓને ફસાવીને સેક્સ રેકેટનો કારોબાર ચલાવતા હતા.

પોતાને સંત કહેનારા ભીમાનંદનું સાચું નામ શિવમૂરત દ્વિવેદી હતું અને બાબા બન્યા તે પહેલા એક ફાઇવ સ્ટાર હોટલમાં ગાર્ડની નોકરી કરતા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો