કોઈ પુત્ર મા પર કે કોઈ ભાઈ બહેન પર બળાત્કાર કેમ કરી શકે?

પ્રતિકાત્મક તસવીર Image copyright Inpho

એક માએ પોતાના જ પુત્ર પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે.

આ ઘટના પાટણની છે. અહીં રહેતાં લીલાબહેન(બદલાવેલું નામ)એ પોતાના 22 વર્ષના પુત્ર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરી છે.

લીલાબહેનના જણાવ્યાં અનુસાર 19 એપ્રિલની રાતે એ ઘરે એકલાં હતાં ત્યારે તેમના દીકરાએ તેમના પર બળજબરી કરી હતી.

લીલાબહેને પોલીસને જણાવ્યું કે એમના દીકરાને પોર્ન જોવાની ટેવ હતી. મા અને બહેનની સામે પણ તે આવી હરકત કર્યા કરતો.

લોહીના સંબંધો હોય અને બળાત્કાર કરાયો હોય એવી આ કોઈ પ્રથમ ઘટના નથી. ભાઈએ બહેન પર કે પિતાએ પુત્રી પર બળાત્કાર કર્યાના કિસ્સાઓ સમાચારમાં આવતા જ રહે છે.

પહેલી નજરે તો આવા કિસ્સાઓમાં વિશ્વાસ કરવો પણ મુશ્કેલ હોય છે. પણ, પ્રશ્નો એ છે કે આખરે લોહીના સંબંધોમાં કોઈ આવો જઘન્ય ગુનો આચરી જ કેમ શકે?


શું આ કોઈ માનસિક બીમારી છે?

મનોચિકિત્સક ડૉ. અરુણા બ્રુટા જણાવે છે, ''આવો ગુનો આચરનારી વ્યક્તિ સામાન્ય નથી હોતી. ચોક્કસથી તે કોઈ માનસિક બીમારીથી પીડાતી હોવી જોઈએ. પણ, પરિવારજનો આ વાતને સ્વીકારતા નથી.''

''એટલે આવી વ્યક્તિનો ઉપચાર કરવામાં આવતો નથી અને પરિણામે ભયાનક ઘટનાઓ બને છે. આવી ઘટનાઓ સમાજમાં પહેલાંથી જ બનતી આવી છે. પણ, લોકલાજને કારણે તે જાહેરમાં આવી શકતી નથી.''

મનોચિકિત્સક ડૉ. પ્રવીણ ત્રિપાઠી કહે છે, ''આવી વ્યક્તિઓ સંબંધોની મર્યાદાને સમજી શકતી નથી. તેમની માનસિક સ્થિતિ સ્વસ્થ હોતી નથી.''

કેટલીય વખત લોકોને ગુસ્સામાં એવું કહેતા સાંભળવા મળે છે કે બાળકો બગડી રહ્યાં છે. પણ હકીકતમાં એવું હોતું નથી. ડૉક્ટરોનું માનવું છે કે આવી ઘટનાઓમાં સામેલ લોકોને કોઈને કોઈ માનસિક બીમારી હોય છે.

ડૉ. બ્રુટા ઉમેરે છે, ''માનસિક બીમારી બે પ્રકારની હોય છે. એક બાઇપૉલર ડિપ્રેસિવ ડિસઑર્ડર અને બીજી સ્કિત્ઝોફ્રેનિયા. બાઇપૉલર ડિસઑર્ડરના એક તબક્કાને 'મેનિયા' કહેવામાં આવે છે.''

''મેનિયા એક એવો તબક્કો છે કે જેમાં વ્યક્તિ માનસિક રીતે ગાંડપણની હદ સુધી પહોંચી જતી હોય છે.''

''આ બીમારીઓમાં વ્યક્તિને મૂ઼ડ ડિસઑર્ડર પણ થતો હોય છે. વારંવાર એના સ્વભાવમાં ઉતારચડાવ જોવા મળે છે. એ વિચારવાયુનો ભોગ બની જતી હોય છે. એને સતત હુમલાઓ આવે છે અને આવી સ્થિતિમાં તે ગુનો આચરી લેતી હોય છે.''

ડૉ. બ્રુટાના મતે આવી વ્યક્તિ ઘણી વખત સમાજથી કપાઈ જતી હોય છે. સામાન્ય વ્યવહાર કેવો હોય અને સામાજિક નિયમો શું છે, એ વાત તે સમજી શકતી નથી.''

આખરે આ બીમારી થવાનું કારણ શું હોઈ શકે? આ સવાલ પર ડૉ. ત્રિપાઠી કહે છે, ''કોઈ પણ વ્યક્તિ આવી બીમારીનો ભોગ બની શકે છે.''

''જોકે, સામાજમાં હળવાંમળવાંનું ટાળતા પરિવારોમાં આ પ્રકારની બીમારી વધુ જોવા મળે છે. આવા પરિવારના બાળકો સમાજ અને સંબંધોની મર્યાદાને સમજી શકતા હોતા નથી.''

વારસાગત કારણ

જાણકારોનું માનવું છે કે આવા મનોરોગીઓ પાછળ વારસાગત કારણો પણ જવાબદાર હોય છે. ડૉ. બ્રુટા માને છે કે જો કુટુંબમાં માતાપિતા, દાદાદાદી, નાનાનાની કે અન્ય કોઈ નજીકનો સંબંધી આવી સમસ્યાથી પીડાતો હોય તો આવી બીમારીનો ભોગ આવનારી પેઢી બની શકે છે.''

પોતાના પુત્રની વધી રહેલી સેક્સ્યુઅલ ઍક્ટિવિટીનો ઉપચાર કરાવવા માટે આવેલાં એક મહિલાએ ડૉ. બ્રુટાને જણાવ્યું હતું કે જ્યારે એના લગ્ન થયા ત્યારે તેમના સસરાએ અડપલા કર્યા હતા.

ડૉ. બ્રુટાનું કહેવું છે કે, ''એ મહિલાના સસરા પણ માનસિક રોગથી પીડિત હશે. લોકોને એવું લાગતું હશે કે એ વ્યક્તિની નજર ખરાબ છે.''

''તેનાથી બચીને રહેવું જોઈએ. જોકે, હકીકત એ છે કે આવી વ્યક્તિનો ઉપચાર કરાવવાની જરૂર હોય છે. ધીમે ધીમે આવી વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ થઈ જતી હોય છે અને એક દિવસ એ મોટો ગુનો કરી બેસતી હોય છે.''


'પૉર્ન ઍડિકશન' કેટલું જવાબદાર?

પાટણવાળી ઘટનામાં પુત્રને પોર્ન જોવાની ટેવ હતી. આજકાલ મોબાઇલ, ટીવી જેવા માધ્યમો થકી પોર્ન સુધીની પહોંચ પણ સરળ બની ગઈ છે.

આવા ગુનાઓ પાછળ પોર્ન જોવાની ટેવ કેવી ભૂમિકા ભજવે છે? શું ખરેખર આવી કુટેવ કોઈ વ્યક્તિને ગુનો કરવાની હદ સુધી લઈ જઈ શકે?

આ અંગે વાત કરતા સેક્સોલોજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારી જણાવે છે, ''સતત પોર્ન જોતી અને 'સેક્સ્યુઅલ ગેમ' રમતી વ્યક્તિની ઉત્તેજનામાં વધારો થતો હોય છે.''

''આવી વ્યક્તિ 'સેક્સ્યુઅલ ફ્રસ્ટ્રેશન'નો પણ શિકાર બની જતી હોય છે. જોકે, આ બધી બાબતો ગુના માટે સંપૂર્ણ રીતે જવાબદાર નથી હોતી. પણ, તે ગુનાહિત ભાવના ચોક્કસથી વધારી દે છે.''

ડૉ. બ્રુટા જણાવે છે, છોકરાં અને છોકરીઓને પોર્ન જોવાની ટેવ હોય એવા કેટલાય કિસ્સાઓની તેમને જાણ છે. જ્યારે કોઈ સતત આવી બાબતોમાં રત રહે ત્યારે તેમની માનસિક સ્થિતિ બગડી જતી હોય છે.

15-16 વર્ષની એક કિશોરી અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે એને પોર્ન જોવાની ટેવ હતી અને એક દિવસે તેણે પોતાની જ અર્ધનગ્ન તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી.


આ બધાનો ઉપાય શો?

આ અંગે ડૉ. પ્રવીણ ત્રિપાઠી જણાવે છે કે વ્યક્તિના વ્યવહાર પર ધ્યાન આપવાની જરૂર છે. જો કોઈ વ્યક્તિ છેડતી કરતાં પકડાય તો એના વિશે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. એવું બની શકે કે ભયને કારણે એ વ્યક્તિ અમુક સમય પૂરતી અટકી જાય પણ ફરીથી તે એવી જ હરકત કરે એની ભારે સંભાવના હોય છે.

ડૉ. બ્રુટા જણાવે છે કે આ સમસ્યા રાતોરાત ઊભી નથી થઈ જતી. તેના લક્ષણ પહેલાંથી જ જોઈ શકાય છે. આ અંગે ઉદાહરણ આપતા એ 15 વર્ષના એક કિશોરનો કિસ્સો જણાવે છે.

એ કિશોરે પોતાનાં માને કપડાં ઊતારવા કહ્યું હતું. એ જોવા માગતો હતો કે સ્ત્રીનું શરીર કેવું દેખાય છે. પુત્રની આવી માગ સાંભળીને મા ચોંકી ગયાં હતાં.

ડૉ.બ્રુટા જણાવે છે, ''આવા કિસ્સાઓમાં લોહીના સંબંધો વચ્ચેના વ્યવહારને પણ ધ્યાનમાં લેવો જોઈએ. જેમ કે ભાઈ-બહેન વચ્ચેનો ઝઘડો એક સામાન્ય વાત જ છે. ''

''પણ, જો આવું સતત થાય તો એના પર ધ્યાન આપવાની જરૂર છે. એક વ્યક્તિ બીજીને કઈ રીતે જુએ છે? બે વ્યક્તિ કેટલી નજીક છે? મોટેરાઓની વાતમાં તેઓ કેટલો રસ લે છે એ બધી બાબતો પણ મહત્વની બની જતી હોય છે. ''

''જો આમાથી કોઈ પણ બાબત અનુભવાય તો એ વ્યક્તિ સાથે વાત કરવી જોઈએ. ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આ એક માનસિક બીમારી છે અને તેને કાઉન્સલિંગ થકી ઠીક કરી શકાય એમ છે.''

''લોહીનો સંબંધ ના હોય તો પણ આ પ્રકારનો વ્યવહાર થાય તો અવાજ ઉઠાવવો જોઈએ. આપણા દેશમાં માનસિક બીમારી પર ચર્ચા કરવાની પણ ભારે જરૂર છે. કારણ કે જો એવું ના થયું તો લોકો આવી બીમારી પાછળનું અસલ કારણ ક્યારેય જાણી નહીં શકે. ''તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો