હાર્દિક પટેલ : પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો શું હવે એકલો પડી ગયો છે?

હાર્દિક પટેલની તસવીર Image copyright Getty Images

પાટીદાર આંદોલનના યુવા નેતા હાર્દિક પટેલની વાય કૅટેગરીની સુરક્ષા કેન્દ્ર સરકાર દ્વારા પરત લઈ લેવામાં આવી હોવાના અહેવાલ છે.

હાર્દિક પટેલે ટ્વિટ કરીને આ મામલે પ્રતિક્રિયા આપતાં લખ્યું કે તેમને જેલમાં ધકેલવા કે હત્યા કરવાના ષડયંત્રને પગલે સુરક્ષા પાછી લઈ લેવામાં આવી છે.

હાર્દિકનું કહેવું છે કે તેના જીવને જોખમ છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, "જોઈએ છીએ કે હત્યાનો પ્લાન છે કે જેલ મોકલવાની તૈયારી છે. કર્મ કરું છું, ફળ સારું હોય કે ન હોય મળવાનું તો મને જ છે."

અત્રે નોંધવું રહ્યું કે હાર્દિકે આ ટ્વિટમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ અને ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પણ ટૅગ કર્યા છે.

વળી વર્ષ 2015માં પાટીદાર આંદોલન શરૂ થયું ત્યારથી લઈ અત્યાર સુધી પાટીદાર આંદોલન સમિતિમાં હાર્દિકના સાથીઓ એક પછી એક કરીને તેમનો સાથ છોડી ગયા છે.


હાર્દિક પટેલ એકલા પડી ગયા છે?

Image copyright PRESS TRUST OF INDIA

આથી સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે શું હવે હાર્દિક પટેલ એકલા પડી ગયા છે?

છેલ્લા ત્રણ વર્ષોમાં તેમના નજીકના ઘણા સાથીઓએ તેમનાથી છેડો ફાડી લીધો છે.

પણ આ સાથીઓ તેમને કેમ છોડી રહ્યા છે? હાર્દિક પટેલનું આ વિશે શું કહેવું છે તે મહત્ત્વનું છે.

Image copyright FACEBOOK/HARDIK PATEL

આ સમગ્ર મામલે બીબીસી સાથે વાતચીતમાં હાર્દિકે પટેલે કહ્યું, "મને સુરક્ષા પાછી લઈ લીધી હોવાની સત્તાવાર જાણ હજુ સુધી નથી કરવામાં આવી."

"મને ગુજરાતના અમદાવાદમાં રામોલ વિસ્તાર અને મહેસાણા જિલ્લામાં જવાની મનાઈ છે. હું ત્યાં ગયો નથી તો પણ સરકારે ફરિયાદ કરી કે હું ત્યાં ગયો છું એટલે મારા જામીન નામંજૂર કરી મને જેલમાં પૂરી દેવામાં આવે."

"સરકારની યોજના એવી છે કે 2019ની લોકસભા ચૂંટણી આવી રહી હોવાથી પડકાર ઊભો ના થાય એવા માટે મને જેલમાં નાખી દેવો."હાર્દિકે એવું પણ ઉમેર્યું, "હત્યાનું પણ ષડયંત્ર છે. તાજેતરમાં વિહિપના પૂર્વ પદાધિકારી પ્રવિણ તોગડિયાની હત્યાની કોશિશ કરવામાં આવી હતી."


'હું એકલો નથી પડી ગયો'

Image copyright Getty Images

આંદોલન અને રાજનીતિ બન્ને મોરચે તમે એકલા પડી ગયા છો? એવું પૂછતા તેમણે કહ્યું,"સભ્યોનું અલગ થવું એક રાજકીય સ્ટન્ટ હોય છે. કોઈપણ પક્ષ મજબૂત થાય એટલે તેને તોડવો વિરોધીઓની નીતિ હોય છે."

"મારી પાસે કોઈ રણનીતિ નથી. હું સરકારના વિરોધમાં છું, વિદ્રોહમાં નહી."

"શરૂઆતમાં પણ હું એકલો જ હતો. અને પછી એક સંગઠન શક્તિ ઊભી થઈ. આથી હું એકલો પડી ગયાનો કોઈ સવાલ નથી. હું એકલો નથી પડી ગયો. મને સરકારની ચાપલુસી કરવી જરાય પસંદ નથી."

"આંદોલનની લડાઈ લાંબી છે. લડતા રહેવાનું. જો બેસી રહ્યા હોત તો ના સ્વાવલંબન યોજના મળી હોત કે ના બિન-અનામત આયોગ મળ્યો હોત."


ગુજરાતમાં જન જાગૃતિ યાત્રાનું આયોજન

કોંગ્રેસ તરફી નરમ વલણ અને નિર્ણયો લેવામાં આપખુદશાહી ચલાવવાની વૃત્તિને કારણે સાથીઓ છોડી રહ્યા હોવાની ચર્ચાઓ વિશે તેમણે કહ્યું કે ''હું કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાયો નથી.'' તેમણે વધુમાં કહ્યું કે જુલાઈ મહિનાથી તેઓ ગુજરાતભરમાં જન જાગૃતિ યાત્રા ચલાવાના છે.

આ યાત્રા 14 મહિનાની છે. જેમાં વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

યાત્રાનો હેતુ અનામતની માગણી, ખેડૂતોની આવક બમણી કરવા અને યુવાઓને રોજગારી અપાવવાની લડત ચલાવવાનો રહેશે.

જોકે જ્યારે તેમને પૂછ્યું કે શું પાટીદાર અનામત આંદોલન સમિતિની (પાસ) તેમાં કોઈ ભૂમિકા રહેશે? તેના જવાબમાં તેમણે કહ્યું કે ''આ સમાજની યાત્રા છે.''


યાત્રામાં પાસની કોઈ ભૂમિકા નહીં?

Image copyright KIRAN PATEL

બીજી તરફ 'પાસ'ના ગુજરાતના સંગઠન પ્રમુખ દિલીપ સાબવાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે આ યાત્રામાં પાસની કોઈ ભૂમિકા નહીં રહે.

તેમણે વધુમાં કહ્યું, "હાર્દિક સમાજની જગ્યાએ રાજનીતિના મુદ્દા ઉઠાવશે, તો અમારું તેને સમર્થન નથી. સમાજના કોઈ પણ કામ માટે સમર્થન છે."

બીજી તરફ 'પાસ' મે મહિનાના અંતમાં પાટીદાર શહીદ યાત્રાનું આયોજન કરવાની છે. પણ તેમાં હાર્દિકની કોઈ ભૂમિકા નહીં હોય.

આમ 'પાસ'માં આંતરિક મતભેદો પ્રવર્તી રહ્યા છે. 'પાસ'માંથી એક પછી એક સમિતિ સભ્યો અલગ થઈ રહ્યા છે, તો વળી હાર્દિકના સાથીઓ પણ હાર્દિકથી છેડો ફાડી રહ્યા છે.


આટલા સાથીઓએ હાર્દિકનો સાથ છોડ્યો

અત્યાર સુધી હાર્દિકના નજીકના ગણાતા કેતન પટેલ, અમરીશ પટેલ, વરુણ પટેલ, અશ્વિન (સાંકડાસરિયા) પટેલ, મુકેશ પટેલ, મુકેશ પટેલ(ધાંગધ્રા), મહેશ સવાણી, રેશ્મા પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ, અતુલ પટેલ સહિતના સભ્યોએ હાર્દિકથી છેડો ફાડી લીધો છે.

આમાંથી કેટલાંક ભાજપમાં તો કેટલાંક કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે અને વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે.

પણ હાર્દિક પટેલનો સાથ તેમના સાથીઓ કેમ છોડી રહ્યા છે?

તાજેતરમાં જ હાર્દિક પટેલથી અલગ થયેલા અતુલ પટેલ કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે હાર્દિકે તેનું કોંગ્રેસ તરફી વલણ સ્પષ્ટ જાહેર કરી દેવું જોઈએ.


'પાટીદાર આંદોલન દીશા ભટકી ગયું છે'

Image copyright Reuters

તેમણે ઉમેર્યું કે,"જો ચૂંટણી આવે ત્યારે હાર્દિક જાહેર કરે કે તે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે, તો તેણે સમાજને અત્યાર સુધી અંધારામાં રાખ્યા બરાબર કહેવાય."

"આથી હાર્દિક જો સ્પષ્ટ જાહેરાત કરે એ યોગ્ય છે. વળી તે કોઈપણ સભ્ય-સાથીને વિશ્વાસમાં લઈને નિર્ણય ના લેતો હોવાથી લોકો તેનો સાથ છોડી રહ્યા છે."

"ખરેખર આખી ટીમ તૂટી ગઈ છે અને હાર્દિક પટેલ એકલો પડી ગયો છે. પાટીદાર આંદોલન દીશા ભટકી ગયું છે."

હાર્દિકની લોકપ્રિયતાની વાત કરીએ તો વિધાનસભા ચૂંટણી દરમિયાન રેલીમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. પણ તે મતમાં નહીં પરિણમી હોવાનું રાજકીય પંડિતોનું માનવું છે.

આથી હાર્દિકની અસર અને પ્રભાવ પર પણ સવાલ સર્જાયો છે.


'હાર્દિકને યુવાઓનું સમર્થન છે'

Image copyright Getty Images

જોકે, હાર્દિકની લોકપ્રિયતા અને પ્રભાવ વિશે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના પ્રોફેસર કિરણ દેસાઈનું કહેવું છે કે ભલે હાર્દિકના સાથીઓ તેને છોડી જતાં હોય પણ યુવાઓનું તેમને સમર્થન છે.

તેમણે જણાવ્યું, "હાર્દિક પટેલ પણ જિગ્નેશ મેવાણી, કનૈયા કુમાર સાથે કાર્યક્રમોમાં મંચ શેર કરે છે. તેને રાજકારણની સમજ છે."

"સત્તામાં રહેલી સરકારો હંમેશાં કોઇપણ આંદોલન લાંબુ ન ચાલે તેવું ઇચ્છતી હોય છે. ભાજપ આ મામલે થોડો આક્રમક છે."

"આથી હાર્દિકે સમય જતાં માત્ર જાતિ આધારિત મુદ્દા નહીં પણ યુવાઓના વ્યાપક હિતોના મુદ્દા ઉઠાવવા પડશે."

" દેશમાં બદલાઈ રહેલા રાજકીય માહોલમાં ઊભરી રહેલો આ યુવા ચહેરો છે. જોકે,પાટીદાર આંદોલન એકલા હાથે ચલાવવું તેમના માટે મુશ્કેલ છે.""પણ, હાર્દિકમાં કુનેહ છે અને તેમણે સૈથી શક્તિશાળી સરકાર સામે બાથ ભીડી હોવાથી પણ યુવાઓ તેમને પસંદ કરે છે."

"દરેક વર્ગના યુવાઓ બેરોજગારીનો સમાનો કરી રહ્યા છે. આ મુદ્દાને હાર્દિક સમાવી લેશે તો તે તેમની રાજકીય કારકિર્દી માટે પણ મદદરૂપ થશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો