મહેન્દ્ર સિંહ ધોનીએ દેખાડી દીધું કે આજે પણ તેઓ બોસ છે!

ધોનીનો ફોટો Image copyright INSTAGRAM/MS DHONI

બુધવારની રાત્રે 9.30 વાગ્યે આઈપીએલની સૌથી રોમાંચક મેચમાંથી એક મેચની 20 ઓવર પૂર્ણ થઈ ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને (RCB) પોતાનો વિજય દેખાઈ રહ્યો હતો.

વિરાટ કોહલી જલ્દી આઉટ થયાં બાદ એબી ડી વિલિયર્સ અને ક્વિંટન ડી કોકે ટીમ સંભાળી હતી. ત્યારબાદ જ્યારે બંને આઉટ થતાં ટીમ ચિંતામાં મુકાઈ ગઈ, પરંતુ અંતે સુંદરની નાની પરંતુ અસરદાર ઇનિંગ્સ મારફતે ટીમનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો.

જ્યારે પણ પ્રથમ બેટિંગ કરતી ટીમ 200નો આંકડો પાર કરે છે તો લક્ષ્યનો પીછો કરનારી ટીમ માટે આ આંકડા સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ બની રહે છે, ખાસ કરીને ટીમમાં મહેન્દ્ર સિંહ ધોની ન હોય ત્યારે.

બેંગલોરની ટીમને ભલે અડધી મેચ બાદ પોતાની જીત દેખાતી હોય પરંતુ તે એ પણ ભૂલી નહોતી કે વિરોધી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) છે, જે ભલે મુશ્કેલ સ્થિતિમાં જણાય પરંતુ તે ક્યારેય મેચ બહાર જતી નથી. જેનું કારણ છે મહેન્દ્ર સિંહ ધોની.


કોહલીની ટીમ નાખુશ

Image copyright Getty Images

વિરોટ કોહલીની ટીમ બેટિંગ બાદ ખુશ જણાઈ રહી હતી, પરંતુ આશરે બે કલાક બાદ તદ્દન વિરુદ્ધ માહોલ સર્જાયો હતો, બધાં જ ખેલાડીઓનાં ચહેરા પર નિરાશાના ભાવ નરી આંખે જણાઈ રહ્યા હતા.

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે 206 રનનો પીછો કરી રહેલી CSKને 100 રન પૂર્ણ કરતા 12 ઓવર લાગી હતી.

જ્યારબાદ વધેલી આઠ ઓવરમાં 106 રન વિજયથી દૂર હતા, પરંતુ ધોની અને અંબાતી રાયુડૂએ મોટા લક્ષ્યાંકને જાણે મજાકમાં લીધો અને 2 બોલ બાકી રહેતાં જ મેચ પોતાના કબજામાં કરી લીધી.

આ શાનદાર ઇનિંગમાં ધોનીએ 34 બોલમાં એક બાઉન્ડ્રી અને સાત સિક્સર દ્વારા 70 રન ફટકાર્યાં. તેની પહેલા રાયુડૂએ પોતાનો પ્રકોપ વિરોધી ટીમ પર દર્શાવતા ત્રણ બાઉન્ડ્રી અને આઠ સિક્સર મારફતે 82 રન ફટકાર્યાં હતા.

ડી વિલિયર્સની ઇનિંગ્સને જોતા લાગતું હતું કે હવે બધું જ જોઈ લીધું છે પરંતુ બીજી ઇનિંગ્સ શરૂ થતાં પહેલી ઇનિંગ્સ ભૂલાઈ ગઈ.

આ મેચમાં કુલ 33 સિક્સર લાગી, જે આઇપીએલનો રેકોર્ડ છે. ચેન્નઈ અત્યાર સુધી બે વખત 200+નો આંકડો ચેઝ કરી ચૂકી છે.


ધોનીએ કોઈ મોકો ન આપ્યો

Image copyright TWITTER/IPL

ધોનીએ મેદાનમાં ઉતર્યાં બાદ વિરોધી ટીમને અંત સુધી શાંતિનો શ્વાસ લેવા દીધો નહોતો. તેઓ જ્યારે ક્રિકેટ જગતમાં ટોચ પર ચાલી રહ્યા હતા તે સમયની યાદ ધોનીએ આ મેચમાં તાજી કરી.

કાલની મેચમાં સુકાનપદ સંભાળનારા કોહલીની ચૂક અને RCBની કમજોરી એટલે કે અંતની ઓવરોમાં તેમની પાસે સારા બોલરો બચ્યાં જ નહોતા અને આ વાત કોહલી સિવાય ધોનીને સારી રીતે ખબર હતી.

સમગ્ર મેચ દરમિયાન ધોનીએ ક્યારેય પણ દબાણ હોય તેવી હરકત નહોતી કરી, કે કોઈ ખરાબ શોટ ન માર્યો. જે શોટ ફટકાર્યો તે બાઉન્ડ્રીને પાર જ ગયો હતો.

એક સમય એવો પણ આવ્યો કે પાંચ બોલમાં કંઈ ખાસ થયું, તેમ છતાં ધોનીએ જરાક પણ ટેન્શન લીધા વગર મેચ બે બોલ પહેલાં જ પતાવી દીધી.

શોટ સિલેક્શન અને બોડી લેંગ્વેજમાં એક એવો સ્વૅગ હતો કે જે ધોનીમાં જ જોવા મળે છે.


અનુષ્કા શર્માનું હાસ્ય ગાયબ

Image copyright Getty Images

ધોની જ્યાર સુધી મેદાનમાં ઊતર્યાં નહોતા ત્યાર સુધી RCBનાં બોલર કમાલ કરી રહ્યા હતા અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા ખીલખીલાટ કરી રહી હતી.

પરંતુ ધોનીનાં આવ્યા બાદ તેમના ચહેરા પરથી હાસ્યએ સરનામું બદલ્યું અને ધોનીનાં પત્ની સાક્ષીના ચહેરા પર સ્થિર થઈ ગયું.

ધોનીને ખબર હતી કે તેમણે જે કર્યું તે ભલે અન્ય માટે અસામાન્ય હતું પરંતુ પોતાના માટે સામાન્ય વાત હતી.

મેચ જીત્યાં બાદ તેમણે કહ્યું, ''લક્ષ્યનો પીછો કરતાં સૌથી વધારે મહત્ત્વની વાત એ જાણવી જરૂરી છે કે કયા બોલર્સની કેટલી ઓવર બચી છે અને કૅપ્ટન ક્યારે કોને ઓવર આપશે. તમે તેના હિસાબથી પ્લાન બનાવો છો અને રમો છો.''

અને ધોનીને સારી રીતે યાદ છે કે ફિનિશરનો મતલબ શું છે અને કાલે શું થઈ શકે છે. ''તમે કેટલીક મેચો જીતો છો, કેટલીક હારો છો પરંતુ ફિનિશરનું કામ રમતને પૂરી કરવાનું હોય છે અને બીજાની મદદ કરવાનું. અનુભવની અન્ય સાથે વહેંચણી કરવી જોઈએ કેમ કે કાલે કદાચ તમે ના પણ રમતા હોવ.''


હતાશ કોહલી

Image copyright Getty Images

મેચ પહેલાં કોહલી અને ધોની હસતા, હાથ મિલાવતા અને ગળે મળતા જોવા મળ્યા હતા, પરંતુ જ્યારે મેચ પૂર્ણ થઈ ત્યારે ધોની હસી રહ્યા હતા અને કોહલી નિરાશ મને તેમની સાથે હાથ મિલાવી આગળ વધી ગયા હતા.

કોહલી અને ધોની બંને સારા મિત્રો છે પરંતુ એકબીજાની સામે રમી રહ્યાં હોય અને પરાજયનો સામનો કરવો પડે ત્યારે શબ્દોમાં તેની ઝલક દેખાય જ જાય છે.

કોહલીએ મેચ બાદ જણાવ્યું કે, ''ધોની શાનદાર ફોર્મમાં જણાઈ રહ્યાં છે. તેઓ બોલને સારી રીતે હિટ કરી રહ્યાં છે પરંતુ આ વાતનું દુ:ખ છે તે આ અમારી ટીમ સાથે થયું.''

મેચનાં તમામ ઉતારચઢાવ, ડગઆઉટમાં બેઠેલા ખેલાડીઓની ટેન્શન કે બેંગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકોનો પ્રતિભાવ 'CSK,CSK' કે પછી 'RCB,RCB'નાં નાદની ધોની પર કોઈ અસર પડી નહીં.

પોતાના ટ્રેડ માર્ક સિક્સરથી મેચ પૂર્ણ કર્યા બાદ હરભજન સિંહ ઉત્સાહિત થઈને તેમની તરફ દોડ્યાં અને તેમને ઉપાડી લીધા તો ધોનીએ તેમને ઈશારાથી ના પાડી, પરંતુ પછી તેમની ઇચ્છા સામે પરવાનગી આપી.

સ્ટેડિયમનાં સ્ટેન્ડમાં પીળા ઝંડો લહેરાય રહ્યો હતો, મેદાનમાં પીળા ડ્રેસમાં હાજર લોકો નાચીકૂદી રહ્યાં હતાં પરંતુ આ બધાં જ વચ્ચે એક વ્યક્તિ નિશ્ચિંત ઊભો હતો. માહી વે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો