જસ્ટિસ જોસેફ : કેન્દ્ર સરકારે સુપ્રીમના કોલેજિયમની એક ભલામણ ન સ્વીકારી

સુપ્રીમ કોર્ટની તસવીર Image copyright Getty Images

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે કે. એમ. જોસેફના નામની ભલામણ સ્વીકારી નથી.

સરકારે સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા કરવામાં આવેલી આ ભલામણની દરખાસ્ત પુનઃ વિચારણા માટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને પરત મોકલી આપી છે.

અત્રે નોંધવું રહ્યું કે કોલેજિયમે ઉત્તરાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ કે. એમ. જોસેફ અને એક અન્ય વરિષ્ઠ એડવોકેટ ઇન્દુ મલ્હોત્રાના નામની સુપ્રીમ કોર્ટના જજ તરીકેની નિમણૂક માટે ભલામણ કરી હતી.

કેન્દ્ર સરકારે તેમાં ઇન્દુ મલ્હોત્રાના નામની ભલામણ સ્વીકારી લીધી છે. જ્યારે બીજી ભલામણ નહીં સ્વીકારી.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને લખેલા પત્રમાં કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે લખ્યું હતું કે કે. એમ. જોસેફના નામની ભલામણ પર પુનઃ વિચારણા માટેની દરખાસ્તને વડાપ્રધાન અને રાષ્ટ્રપતિની મંજૂરી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમાં એમ પણ લખ્યું હતું કે હાલના તબક્કે તેમની નિમણૂક કેમ યોગ્ય નથી તેના કારણો પણ આ પત્રમાં જણાવવામાં આવ્યા છે.

જસ્ટિસ કે. એમ. જોસેફ એ જ ન્યાયમૂર્તિ છે જેમણે ઉત્તરાખંડમાં વર્ષ 2016માં કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનને હટાવી લેવાનો મહત્ત્વપૂર્ણ ચુકાદા આપ્યો હતો.


જ્યારે રાહુલ ગાંધીનું વિમાન એકાએક નીચે પડવા લાગ્યું...

Image copyright Getty Images

'એનડીટીવી' ન્યૂઝ વેબસાઇટના અહેવાલ અનુસાર રાહુલ ગાંધીના વિમાનમાં તાજેતરમાં ટેકનિકલ ખામી પાછળ ષડયંત્ર હોવાની કોંગ્રસને શંકા હોવાથી આ ઘટનાની તપાસની માગ કરી છે.

બીજી તરફ જ્યારે ઘટના પ્રકાશમાં આવી હતી ત્યારે ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશને (ડીજીસીએ) તપાસ કરવાની વાત કહી હતી.

અહેવાલ અનુસાર ગુરુવારે જ્યારે રાહુલ ગાંધી જ્યારે તેમના ચાર્ટડ વિમાનમાં યાત્રા કરી રહ્યા હતા ત્યારે એકાએક તેમના વિમાનમાં એકથી વધુ ટેકનિકલ ખામી સર્જાઈ હતી.

રાહુલ ગાંધી તેમના કેટલાંક સાથીઓ સાથે દિલ્હીથી કર્ણાટક જઈ રહ્યા હતા.

પણ કોગ્રેસને આ સમગ્ર મામલે કોઈ ષડયંત્રની શંકા છે. આથી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ઘટનાની તપાસની માગણી કરી છે.

આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. ખામીને કારણે રાહુલ ગાંધીનું વિમાન એક તરફ નમી ગયું હતું અને એકાએક નીચે પડવા લાગ્યું હતું. જોકે બાદમાં આખરે રાહુલ ગાંધી સુરક્ષિત કર્ણાટકા પહોંચ્યા હતા.


ગુજરાતમાં 135 ડેમોમાં 25 ટકાય પાણી નથી

'ગુજરાત સમાચાર' દૈનિકમાં પ્રકાશિત અહેવાલ અનુસાર ગુજરાતમાં ભર ઉનાળે પાણીની અછત છે, ત્યારે ગુજરાતના 203 ડેમોમાં હવે 32 ટકા પાણી બચ્યું છે.

જ્યારે 60 ડેમ સૂકાઈ ગયા છે અને પાણીની સૌથી કફોડી સ્થિતિ કચ્છ-સૌરાષ્ટ્રમાં છે.

અહેવાલમાં જણાવાયું છે કે કચ્છના 20 ડેમોમાં હવે માત્ર 15.87 ટકા જ પાણી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 138 ડેમોમાં 21.58 ટકા પાણી બચ્યું છે.

દક્ષિણ ગુજરાતના ડેમોમાં પણ 35.38 ટકા પાણી બચ્યું છે. અહેવાલમાં ગુજરાતમાં જળ સંકટના એંધાણ આપવામાં આવ્યા છે.

અહેવાલ મુજબ બીજી તરફ ભાજપ સરકારનો દાવો છે કે ગુજરાતમાં 1.68 લાખથી વધુ ચેકડેમો છે.

વળી નર્મદાનું પાણી 22 જિલ્લામાં અપાય છે, 145 તાલુકા અને 8591 ગામમાં આપવામાં આવતું હોવાની વાત સરકારે કરી હતી.


'આસારામ માનતો કે તેના જેવા બ્રહ્મજ્ઞાની માટે દુષ્કર્મ પાપ નથી'

Image copyright Getty Images

'દિવ્ય ભાસ્કર' દૈનિકમાં પ્રકાશિથ અહેવાલ પ્રમાણે સગીરા પર દુષ્કર્મના જે કેસમાં સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષના એક સાક્ષીએ કોર્ટ સમક્ષ જુબાનીમાં જણાવ્યું હતું કે આસારામનું એવું માનવું હતું કે તેના જેવા બ્રહ્મજ્ઞાની માટે દુષ્કર્મ પાપ નથી.

જૂબાનીમાં સાક્ષીએ જણાવ્યું હતું કે આસારામનું માનવું હતું કે બ્રહ્મજ્ઞાનીને છોકરીઓનું જાતિય શોષણ કરવાથી કોઈ પાપ નથી લાગતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો