દિલ્હીમાં બાળકી પર બળાત્કારની ઘટનામાં ખરેખર થયું છે શું?

મદરાસાની તસવીર
ફોટો લાઈન એ મદ્રેસા કે જ્યાંથી પીડિતાને છોડાવવામાં આવી

હાલના રાજકીય માહોલમાં કેટલાય લોકો માટે બળાત્કાર પીડિતા અને આરોપીના ધર્મ કદાચ વધુ મહત્વપૂર્ણ થઈ ગયા છે.

બાળા હિન્દૂ છે, ગુનેગાર મુસલમાન છે અને પોલીસ દાવો કરી રહી છે કે એમણે બાળાને એક મદ્રેસામાંથી છોડાવી છે.

આ તમામ માહિતી રાજકારણ રમવા માટે ઉમદા તક સમાન છે.

ભાજપના નેતા મનોજ તિવારીએ આ ઘટનાના વિરોધમાં એક કેન્ડલ માર્ચ કાઢી. જેમાં જોડાયેલા લોકોએ સગીર જણાવાઈ રહેલા ગુનેગારને ફાંસી પર ચઢાવવાની માંગ કરી.

ગુસ્સે ભરાયેલા ટોળાએ વિરોધના ભાગરૂપે ગાજીપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો .

પોલીસે બળાત્કારની વાતને સમર્થન પણ આપ્યું છે અને મદ્રેસાના મૌલવીની ધરપકડ પણ કરી છે.મૌલવીને નિર્દોષ ગણાવતાં એમના પત્નીએ જણાવ્યું છે કે રવિવારે સાંજે પોલીસ એમના પતિ સાથે ત્રણ અન્ય લોકોને પણ લઈ ગઈ હતી.

અટકાયત કરેલા લોકોમાંથી એકનું કહેવું છે કે તે સગીર છે. આ બાબતની તપાસ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર આલોક કુમારે 'ઇન્ડિયન એક્સપ્રેસ' ને જણાવ્યું કે "છોકરાનું કહેવું છે કે તે ૧૭ વર્ષનો છે પરંતુ તે આ વાત સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ રજૂ કરી શકે તેમ નથી.''''બની શકે છે કે અમે એ છોકરાની ઉંમરની તાપસ કરાવવા માટે એના હાડકાંની તપાસ કરાવડાવીએ."

પોલીસે બળાત્કારની વાતને સાચી ઠેરવી છે અને બાળાએ પણ મેજિસ્ટ્રેટ સમક્ષ જુબાની આપી છે.


કુરકુરે ખરીદવા ગઈ હતી આ બાળા

પૂર્વ દિલ્હીની સાંકડી શેરીઓમાંથી પસાર થતાં અમે બાળાના ઘર સુધી પહોંચ્યા. ચોથા માળે એનું ઘર હતું.

થોડી જ વારમાં બાળકીના પિતાનો અવાજ સાંભળવા મળ્યો. એમના અવાજમાં નારાજગી હતી. મીડિયા સામે, સમાજ સામે, બધા સામે.

''આ સમસ્યા અમારી છે, બીજા કોઈની નહીં'' તેઓ કોઈને જણાવી રહ્યા હતા. અમને લાગ્યું કે બાળકીના માતાપિતા કોઈની સાથે વાત કરવાની સ્થિતિમાં નહોતા. એટલે અમને વધુ હેરાન કરવાનું અમને યોગ્ય ન લાગ્યું.

બાળકીના મામાનો એવો દાવો હતો કે ૨૧ એપ્રિલની બપોરે આ બાળકી પનીર અને કુરકુરે ખરીદવાં માટે ઘેરથી નીચે ગઈ હતી .


મદ્રેસામાંથી બાળકીને છોડાવી

જયારે એક કલાક બાદ પણ એ પાછી ના ફરી ત્યારે એના નાના ભાઈએ ઘરવાળાઓને જાણ કરી અને એવી રીતે બાળકીની શોધખોળ શરૂ કરાઈ.

ઘરવાળાના જણાવ્યા મુજબ બાળકી પાસે મોબાઈલ ફોન હતો.

મોબાઈલ ટ્રૅકિંગ મદદ વડે બીજા દિવસે એટલે કે ૨૨ એપ્રિલની સાંજે ગાઝીયાબાદના એક મદ્રેસમાંથી આ બાળકીને છોડાવવામાં આવી .

આ એ જ વિસ્તાર હતો જ્યાં બાળકીનો પરિવાર ભાડે રહેતો હતો અને ઘટનાના એક અઠવાડિયા પહેલાં જ એ મકાન છોડી પૂર્વ દિલ્હીમાં વસ્યો હતો.

આ મદ્રેસા એક અડધી બનેલી નવી ઇમારત છે. જેની દીવાલો જોઈને લાગે છે કે કેટલાક ભાગોમાં ઉતાવળે પ્લાસ્ટર કરવામાં આવ્યું હશે.


અમે મદ્રેસામાં શું જોયું?

મદ્રેસાની બહાર મીડિયા ઉપરાંત જોવાવાળાઓનું ટોળું ભેગું થયું હતું. નીચેના માળે વજૂ કરવા પાણી અને નમાજ પઢવાની વ્યવસ્થા પણ હતી.

સીડીની ઉપર જતાં પહેલા માળે એક મોટો હૉલ હતો. જ્યાં કેટલીક શેતરંજી પડી હતી

૩૫ વર્ષના મૌલવીનાં પત્નીનાં જણાવ્યાં મુજબ પાંચ વર્ષ પહેલા દાનની મદદથી બનેલા આ મદ્રેસામાં લગભગ ૫૦ બાળકો માટે રહેવાની વ્યવસ્થા કરાઈ છે.

પતિની ધરપકડને મુસલમાનોને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવતા તેઓ બાળકીના જ ચરિત્ર પર સવાલ ઉઠાવે છે. તેઓ પૂછે છે, "એના હાથમાં ૨૪ કલાક ફોન રહેતો હતો અને હંમેશા એ ફોન પર વાત કરતી રહેતી હતી.''

સંપૂર્ણ વાતચીત દરમિયાન મૌલવીનાં પત્નીએ મોંઢા પરથી બુરખો હટાવ્યો નહીં. પણ એમના અવાજમાં એમનો આક્રોશ અનુભવી શકાતો હતો.

બે બાળકોની માતા એવા મૌલવીના પત્ની જણાવે છે ,"મારા પતિ દુનિયાને ખોટી બાબતોથી દૂર રહેવા અને નમાજ પઢવા માટે જણાવતા'' ''શું એ રેપ કરી શકે ખરા? ના! એમને ના જેલ થવી જોઈએ કે ના તો ફાંસીની સજા. શું એમના સંતાન નથી? શું એમને દિકરી નથી?"


બાળકીના પરિવારનું શું કહેવું છે?

ફોટો લાઈન મદ્રેસાની આસપાસ ભેગા થયેલા લોકો

બાળકીના પરિવારજનોનું માનવું છે કે બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે. આ બાજુ બાળકીના મામાનો આરોપ છે કે મૌલવીએ બાળકી યોજના બનાવી બાળકીનું અપહરણ કર્યું હતું.

એમણે જણાવ્યું, "પોલીસે મૌલવી પર કોઈ ચાર્જ લગાડ્યો નથી. ( પોલીસ) આખી ટોળકીની ધરપકડ કરે અને ઓછામાં ઓછી ફાંસીની સજા આપે. હું નથી માનતો કે (બળાત્કારમાં) એ સગીરની કોઈ ભૂમિકા હશે. એ આવી હરકત ના કરી શકે ."

બાળકીની હાલત અંગે એમનું કહેવું છે કે ,"બાળકીની હાલત નાજુક છે. ખાતીપીતી પણ નથી. ખવડાવવાં માટે ખુબ કાલાવાલાં કરવા પડી રહ્યા છે .'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો