BBC SPECIAL: આસારામને સજા મળી તે દિવસે કોર્ટમાં આ બધું થયું

આસારામ Image copyright AFP

સગીર સાથે બળાત્કાર મામલે જ્યારે આસારામને જોધપુર જેલમાં સજા સંભળાવવામાં આવી ત્યારે સુરક્ષા કારણોસર જોધપુર પોલીસે શહેરની કેન્દ્રીય જેલને કિલ્લામાં પરિવર્તિત કરી દીધી હતી.

જજ મધુસૂદન શર્મા, આરોપી આસારામ, બન્ને પક્ષના કુલ 14 વકીલ અને જોધપુર પોલીસના કેટલાક ઉચ્ચ અધિકારીઓ સિવાય કોઈને પણ આ વિશેષ 'જેલ ન્યાયાલય'માં પગ રાખવાની પરવાનગી નહોતી.

આખરે જોધપુર જેલમાં 25 એપ્રિલના રોજ નિર્ણયના સમયે શું થયું હતું? પીડિતાના વકીલ પીસી સોલંકી શરૂઆતથી માંડીને અંત સુધી આ સ્પેશ્યલ કોર્ટમાં હાજર હતા.

બીબીસી સાથે વિશેષ વાતચીતમાં તેમણે આ નિર્ણય સાથે સાથે કડક સુરક્ષા વચ્ચે થયેલી આ વિશેષ સુનાવણી અંગે પણ સંપૂર્ણ વિવરણ આપ્યું હતું.

શું તમે વાંચ્યું?

25 એપ્રિલની સવારે 8 કલાકે સોલંકી સૌથી પહેલા જોધપુરની એ વિશેષ સેશન્સ કોર્ટ પહોંચ્યા હતા જ્યાં છેલ્લા પાંચ વર્ષોથી આ મામલે સુનાવણી ચાલી રહી હતી.

અંદર બેઠેલા જજ મધુસૂદન શર્મા એક 'પરમિશન લિસ્ટ' પર અંતિમ નિર્ણય કરી રહ્યા હતા.

આ 'પરમિશન લિસ્ટ' પર એ દરેક લોકોના નામ લખવામાં આવી રહ્યા હતા જેમને સુનાવણી દરમિયાન જોધપુરની સેન્ટ્રલ જેલમાં હાજર રહેવાની પરવાનગી હતી.


સૌથી પહેલા શિવા અને પ્રકાશ પર નિર્ણય આવ્યો

Image copyright EPA

આસારામના વકીલ સજ્જન રાજ સુરાના પોતાની ટીમમાં સામેલ આસિસ્ટન્ટ વકીલોની સંખ્યા વધારવા માટે અનુમતિ માગી રહ્યા હતા. લગભગ અડધા કલાક બાદ અંતિમ 'પરમિશન લિસ્ટ' તૈયાર થઈ ગઈ.

આ લિસ્ટમાં આસારામની તરફથી હાજર રહેનારા 12 વકીલોના જૂથને સુનાવણીમાં હાજર રહેવાની પરવાનગી મળી. પીડિતા તરફથી માત્ર બે વકીલ પીસી સોલંકી અને સરકારી વકીલ પોકર રામ ફરિયાદીપક્ષ તરફથી જવાબદારી સંભાળી રહ્યા હતા.

સોલંકી જણાવે છે, "આ વચ્ચે નીચે ઊતરીને મેં એક વખત પીડિતાના પિતા સાથે ફોન પર વાત કરી તો તેઓ ખૂબ રડવા લાગ્યા. મેં તેમને સમજાવ્યા અને હિમ્મત બાંધતા કહ્યું કે બસ થોડું ધૈર્ય રાખો. હવે તેમના ચહેરા પર સ્મિત જ હશે."

લગભગ સવારે સાડા નવ કલાકે જજ મધુસૂદન શર્માની વિશેષ કોર્ટ બધા જ સામાન અને સરકારી ટીમ સાથે કેન્દ્રીય જેલ જવા માટે રવાના થઈ.

જેલ તરફ રવાના થયેલી ગાડીઓના લાંબા કાફલામાં પોલીસ જીપ વચ્ચે સૌથી પહેલા જજ મધુસૂદન શર્માની ગાડી, તેમની પાછળ આસારામના વકીલોની ગાડીઓ અને છેલ્લે પીડિતાના વકીલોની ગાડીઓ હતી.

Image copyright AFP/GETTY IMAGES

સવા 10 કલાકે જોધપુરની કેન્દ્રીય જેલમાં જજ મધુસૂદન શર્માએ આ મામલા સાથે જોડાયેલી કોર્ટની અંતિમ કાર્યવાહી શરૂ કરી.

સોલંકી જણાવે છે, "જજ સાહેબે આગામી 15 મિનિટમાં જ નિર્ણય સંભળાવી દીધો. નિર્ણય સંભળાવતા તેમણે સૌથી પહેલા કહ્યું કે આરોપી શિવા અને પ્રકાશને દોષમુક્ત જાહેર કરવામાં આવે છે."

"જ્યારે તેમણે આ વાત કહી તો એક ક્ષણ માટે ઝટકો લાગ્યો. પણ મને તુરંત જ ખબર પડી ગઈ કે જો આ બન્ને દોષમુક્ત છે તો અન્ય લોકોને સજા થશે."

આ વચ્ચે સફેદ લુંગી અને સફેદ રૂમાલ ઓઢી આસારામ પોતાના વકીલો વચ્ચે આશ્વસ્ત બેઠા હતા.

સોલંકી જણાવે છે, "શરૂઆતમાં કદાચ તેમને આશા હતી કે કોઈ ચમત્કાર થઈ જશે અને તેમને સજા નહીં થાય. એ માટે જ્યારે શરૂઆતમાં તેઓ આવ્યા તો તેમણે મને કહ્યું, 'બહાર હરિદ્વારમાં મળજો. હરિદ્વાર આવજો.' પણ ત્યારબાદ તુરંત જજે પોતાનો નિર્ણય સંભળાવી તેમના હરિદ્વાર જવાના સપના પર હંમેશા માટે તાળું લગાવી દીધું."


સજા સાંભળીને અમને રાહત મળી

Image copyright Getty Images

સોલંકી કહે છે, "જજે આઈપીસીની ધારા 342થી શરૂઆત કરી અને કહ્યું કે આ ધારા અંતર્ગત પીડિતાને ખોટી રીતે કેદમાં રાખવા માટે આરોપી આસારામને એક વર્ષ માટે સશ્રમ કેદની સજા આપવામાં આવે છે અને 1000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવે છે."

"ત્યારબાદ તેમણે ધારા 370(4) અંતર્ગત દસ વર્ષની સશ્રમ કેદની સજા સંભળાવી અને તેમને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. અમારો મતલબ માત્ર આસારામને વધુમાં વધુ સજા ફટકારવાનો હતો."

"ત્યારબાદ જજ સાહેબે આઈપીસીની ધારા 376(2)(એફ)ના આરોપમાં સજા સંભળાવતા કહ્યું કે આરોપી આસારામને આજીવન કેદની સજા આપવામાં આવે છે. જોકે, આ સજા આજીવન કેદ કરતા પણ વધારે છે તે સાંભળીને અમને થોડી રાહત મળી."

આરોપી શિલ્પી અને શરતને પણ આપરાધિક ષડ્યંત્રમાં સામેલ રહેવા માટે અને અપરાધને પ્રોત્સાહિત કરવા માટે 20-20 વર્ષની સજા ફટકારવામાં આવી.

આ સાથે જ કોર્ટે દંડની કુલ રકમ આશરે પાંચ લાખ રૂપિયા પીડિતાને વળતર તરીકે અપાવવા આદેશ આપ્યો.

સોલંકી જણાવે છે, "સજાના સમય સુધી આસારામના વકીલોના ચહેરા મુરજાઈ ગયા હતા. તેમને ખબર પડી ગઈ હતી કે મામલો ક્યાં પહોંચી રહ્યો છે. આસારામ શરૂઆતમાં સામાન્ય હતા. જ્યારે આજીવન કેદની સજા સંભળાવવામાં આવી ત્યારે મેં જોયું, તેમના ચહેરા પર ડર અને આઘાતના ભાવ હતા. શિલ્પી અને શરત રડી રહ્યાં હતાં, પરંતુ આસારામની આંખોમાં એક આંસુ નહોતું."

Image copyright Getty Images

સોલંકી જણાવે છે, "સજાની લંબાઈ પર ચર્ચા કરતા આસારામના વકીલોએ તેમના 'બુઝુર્ગ' હોવાની દલીલ કરી. તેમણે કહ્યું કે આસારામને દેશના ઘણા વડાપ્રધાન અને મુખ્યમંત્રીઓએ પ્રશંસા પત્રો આપ્યા છે. તેમણે ઘણા સામાજિક કાર્યો કર્યા છે. ગરીબ બાળકોને કપડાં આપ્યા છે. એ માટે તેમના સામાજિક વ્યવ્હારને ધ્યાનમાં રાખીને તેમને ઓછી સજા આપવામાં આવે."

સોલંકી ઉમેરે છે, "મેં કહ્યું કે કેટલાક બાળકોને કપડાં આપી દેવાથી આસારામને એ વાતનું લાઇસન્સ તો મળી જતું નથી કે તેઓ ગમે ત્યાં પોતાના કપડાં ઉતારીને ઊભા રહી જાય અને એક બાળકી સાથે દુરાચાર કરે. બીજી વાત એ કે ફેબ્રુઆરી 2013માં બળાત્કારના કાયદામાં થયેલા સંશોધનો બાદ અપરાધ સિદ્ધ થવા પર ઓછી સજા આપવાનું પ્રાવધાન હટાવી દેવાયું છે."

"આ તર્ક અમે જજ સાહેબની સામે મૂક્યા અને ત્યારબાદ તેમણે આસારામને આજીવન કેદમાં રાખવા આદેશ આપ્યા."


સોલંકીનું સ્વાગત થયું

Image copyright Getty Images

નિર્ણય બાદ પીડિતાના પુનર્વાસ અને ઉત્તમ જીવન માટે તેમના વકીલોએ વળતરની અરજી કોર્ટમાં રજૂ કરી હતી જેનો સ્વીકાર કરવામાં આવ્યો. જિલ્લા વિધિ વિભાગને આ મામલે આગળની કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

પાંચ વર્ષ સુધી દેશના સૌથી મોટા મોટા વકીલો સામે લડ્યા બાદ આસારામ જેવા પ્રભાવશાળી વ્યક્તિને જેલના સળીયા પાછળ પહોંચાડનારા પીસી સોલંકી માટે ઘણી જગ્યાઓથી સંદેશ આવ્યા.

જૂના જોધપુરમાં સ્થિત તેમના નિવાસ પર ખુશીનો માહોલ હતો. કડક પોલીસ સુરક્ષા વચ્ચે જ્યારે સોલંકી ઘરે પહોંચ્યા તો તેમના માતાએ ફૂલહારથી તેમનું સ્વાગત કર્યું.

સોલંકીએ કહ્યું કે આટલી લાંબી લડાઈ બાદ આ ઐતિહાસિક નિર્ણયમાં પીડિતાને ન્યાય મળ્યો અને તેનાથી ન્યાયપાલિકા પર લોકોનો ભરોસો વધશે.

નિર્ણય બાદ હવે આસારામના વકીલોએ કહ્યું છે કે નિર્ણય વિરુદ્ધ હવે તેઓ હાઈ કોર્ટમાં જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો