નર્મદાના પાણી ચોરી મામલે ખેડૂતોને થઈ શકે છે પાંચ વર્ષની સજા

ફોટો Image copyright Sachin Dave

ઉનાળુ પાક માટે સિંચાઈ અને પીવાના પાણીની તંગી ગુજરાતના અનેક જિલ્લામાં વર્તાઈ રહી છે, ત્યારે નર્મદાની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં પાણી લઈ લેતા ખેડૂતો સામે સરકારે પગલાં ભરવાનું શરૂ કર્યું છે.

સરકારના એક ઉચ્ચ અધિકારીએ નામ પ્રસિધ્ધ કરવાની શરતે માહિતી આપતાં જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં દૈનિક ચાર કરોડ લિટરની અને ભાવનગરમાં દૈનિક એક લિટર પાણીની ચોરી થતી હતી, જે ડામવામાં ગુજરાત પાણી પુરવઠા અને સ્યૂઅરિજ બોર્ડ અને ગુજરાત વૉટર ઇન્ફ્ર્રાસ્ટ્રકચર લિમિટેડને સફળતાં મળી છે.

Image copyright Sachin dave

આ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે પાણી ચોરી કરતા પકડાયેલા ખેડૂતો સામે હવે ફોજદારી રાહે કામગીરી શરૂ કરી છે, જેના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં નવ પોલીસ ફરિયાદ, સુરેન્દ્રનગર જિલ્લામાં બે પોલીસ ફરિયાદ અને જામનગર જિલ્લામાં એક પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ તમામ ખેડૂતો સામે ફોજદારી રાહે કામગીરી થશે.

હવે ગુજરાત સરકાર પાણીની ચોરી કરતા ખેડૂતોની જમીન ઉપર બોજો નાંખવાનું શરૂ કરશે. પરિણામે તેમની જમીનના સાત-બારના ઉતારામાં બોજો પડશે. જેથી તે તેની જમીન વેચી શકશે નહીં.

પાણી ચોરી કરતા ખેડૂતોએ જળસંપતિ વિભાગને નક્કી કરેલા પાણીના દરથી સવા ગણી પેનલ્ટી સાથે બોજો ભરવો પડશે.

Image copyright Sachin dave

સુરેન્દ્રનગર જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર સી. જે. પંડ્યાએ બીબીસીની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આવા બોજા મૂળી તાલુકામાં ગેરકાયદેસર રીતે પાણી લઈ જતા પકડાયેલા ખેડૂતોની જમીન ઉપર નાખવામાં આવ્યા છે.

પંડ્યાએ કહ્યું, “ગુજરાત વૉટર ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર લિમિટેડની (GWIL) ફરીયાદને આધારે પ્રાંત અધિકારીએ પોલીસની ટીમ સાથે લખતર તાલુકાના ઢાંકીથી રાજકોટનાં હડાલા ગામ સુધી પાઇપલાઇન પર સર્ચ કરી રેડ કરી ત્યારે જ્યાં જ્યાં મોટા પાયે ચોરી પકડાઈ છે, તે ખેડૂતો સામે પ્રાંત અધિકારીએ કાર્યવાહી કરી છે.”

Image copyright Sachin dave

તેમણે કહ્યું, “અમે ખેડૂતોના ખાતામાં બોજો નાખવા કૃષિ ખાતાને જાણ કરી છે. કેટલા ખેડૂત પર કેટલો બોજો નાંખવામાં આવ્યો છે, તેનો ચોક્કસ આંકડો મારી પાસે હાલ ઉપલબ્ધ નથી.”

સુરેન્દ્રનગર GWILના સિનિયર મેનેજર એન જે પટેલે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, “200 કિલોમીટર લાંબી લાઇન પર અનેક જગ્યાએ વાલ્વમાં પંક્ચર કરીને અથવા તો પાઇપમાં કાણું પાણી અંડરગ્રાઉન્ડ કનેક્શન સ્થાપી પાણીની ચોરી થતી હોવાનું જોવા મળ્યું હતું.”

તેમણે ઉમેર્યું, “પહેલા 54 ખેડૂતો સામે પોલીસમાં જાણવા જોગ ફરિયાદ થઈ હતી.”

“આ મહિનામાં બે પોલીસ ફરિયાદ દાખલ કરી છે અને 20 જેટલાં ચેપ્ટર કેસ ખેડૂતો સામે કર્યાં છે. આ પગલાંથી કારણે પાણીની ચોરી ઘટી છે.”

Image copyright Sachin dave

દેવભૂમી દ્વારકાના GWILના સિનિયર મેનેજર પીએમ નાગરે કહ્યું, “જામજોધપુર તાલુકાના કુલ સાત સર્વે નંબરના 14 ખાતેદારો સામે પોલીસ ફરિયાદ આ મહિનાની શરૂઆતમાં થઈ છે.”

14મી એપ્રીલે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જાહેર મિલ્કતને નુકસાન પહોચાડવું તથા ઇન્ડિયન પીનલ કોડની કલમ 379, 430 સિંચાઈના પાણીને ગેરકાયદેસર લેવું, કલમ 427 સરકારને રૂપીયા 50 કે તેથી વધુ નુકસાન કરવું, કલમ 114 મદદગારી માટે કેસ કરવામાં આવ્યો છે, તેમ પોલીસ સ્ટેશન અધિકારીએ જણાવ્યું હતું.

આ બધી કલમો મુજબ જો ખેડૂત સામે ગુનો સાબિત થાય તો મહત્તમ પાંચ વર્ષની જેલની સજા, દંડ અથવા કેદ અને દંડ બન્ને થઈ શકે છે.

Image copyright Sachin dave

સરકારના ઉચ્ચ અધિકારીઓ આપેલી માહિતી પ્રમાણે પાઇપલાઇન દ્વારા દૈનિક પુરવઠો સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોકલાય છે. તેમાં બે ટકા પાણીની ઘટ આવે છે. જેમાં પાઇપલાઇન કે વાલ્વમાં ખામી ઉપરાંત ચોરી બન્નેનો સમાવેશ થાય છે.

GWILની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ માહિતી પ્રમાણે દૈનિક સરેરાશ 1500 થી 1600 એમએલડી પાણીનું પરીવહન આ પાઇપલાઇનોમાં થાય છે. જેમ કે 1લી માર્ચે 1510 એમએલડી, 31મી માર્ચે 1638 એમએલએડી, 1લી એપ્રીલે 1613 એમએલડી અને 26મી એપ્રીલે 1565 એમએલડી પાણીનું પરીવહન થયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ