પ્રેસ રિવ્યૂ : ગુજરાત સરકારનું જળ બચાવવા વિશેષ અભિયાન

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં જળ સંકટને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે કમરકસી છે.

ગુજરાતના સ્થાપના દિવસ એટલે પહેલી મેથી ગુજરાતમાં જળસંચય અભિયાન શરૂ થશે. અંકલેશ્વરના કોસમડીથી તેની શરૂઆત થશે.

અભિયાન હેઠળ 30 જિલ્લાની 32 નદીઓ પુનઃ જીવિત કરાશે. 13000 ડેટલા જળાશયો અને ચેકડેમ ઊંડા કરાશે.

રાજ્ય સરકારે ચોમાસું બેસે તે પહેલાં જળસંચયનો વ્યાપ વધારવા આ આયોજન કર્યું છે.

વળી નદી અને નહેરોમાંથી ગંદકી પણ સાફ કરવામાં આવશે. અભિયાન હેઠળ પાણી બચાવવા માટે વિવિધ કામગીરીઓ કરવામાં આવશે.

પહેલી મેથી 31મી મે સુધી આ જળસંચય અભિયાન ચાલશે.

'સિવિલ એન્જિનિયર્સે જ UPSCની પરીક્ષા આપવી જોઈએ'

ઇમેજ સ્રોત, TWITTER

ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેબના વિવાદિત નિવેદનનો સિલસિલો ચાલું જ છે.

'હિંદુસ્તાન ટાઇમ્સ'માં પ્રકાશિત અહેવાલ અનુસાર બિપ્લબ દેબે કહ્યુ કે સિવિલ સર્વિસની પરીક્ષા આપવા માટે મિકૅનિકલ કરતા સિવિલ ઇજનેરો વધુ સારા હોય છે આથી તેમણે જ આ પરીક્ષા આપવી જોઈએ.

અહેવાલ અનુસાર તેઓ સિવિલ સેવા દિવસ પર બોલી રહ્યા હતા. તેમણે કહ્યું, "પહેલાં માનવશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ જ સિવિલ સેવાની પરીક્ષા આપતા હતા, પણ હવે ટ્રેન્ડ બદલાઈ ગયો છે. હવે ડૉક્ટર, એન્જિનિયર પણ આ પરીક્ષા આપે છે."

"મારા વિચાર મુજબ મિકૅનિકલ એન્જિનિયર્સે આ પરીક્ષા ન આપવી જોઈએ, સિવિલ એન્જિનિયર્સને પ્રશાસન અને સમાજની સારી સમજ હોય છે."

અત્રે નોંધવું રહ્યું કે બિપ્લબ દેબે તાજેતરમાં જ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મહાભારતના યુગમાં ઇન્ટરનેટ અને સેટેલાઇટની વ્યવસ્થા હતી.

તેમણે કહ્યું હતું કે, "કેમ કે જો આવી વ્યવસ્થા ન હોત, તો ધૃતરાષ્ટ્રને મહાભારતનો આંખો દેખો હાલ સંજય કઈ રીતે બતાવી શક્યા હોત."

"આનાથી પુરવાર થાય છે કે તે સમયે પણ ઇન્ટરનેટ અને સેટેલાઇટની વ્યવસ્થા હતી. "

'બાબા સાહેબ આંબેડકર અને નરેન્દ્ર મોદી બ્રાહ્મણ'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

'ઇન્ડિયન એક્સપ્રેસ'માં પ્રકાશિત અહેવાલ અનુસાર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડૉ. બાબા સાહેબ આંબેડકરને બ્રાહ્મણ ગણાવતી ટિપ્પણી કરી હતી.

વળી તેમણે ભગવાન કૃષ્ણને ઓબીસી ગણાવી તેમને ઋષી સાંદિપની દ્વારા ભગવાન બનવવામાં આવ્યા હોવાની વાત પણ કરી હતી.

રાજેન્દ્ર ત્રિવેદી ગાંધીનગર ખાતે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટને સંબોધન કરી રહ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમણે સંબોધનમાં કહ્યું, "જ્ઞાની બ્રાહ્મણ સમુદાય ક્યારેય સત્તાનો ભૂખ્યો નથી રહ્યો. ચન્દ્રગુપ્ત મૌર્ય અને ભગવાન રામ અને કૃષ્ણની સફળતામાં સમુદાયની વિશેષ ભૂમિકા રહી હતી."

સંબોધનના અંતે તેમણે કહ્યું, "જે પણ જ્ઞાની છે તે બ્રાહ્મણ છે. આંબેડકર અને વડાપ્રધાન મોદી બ્રાહ્મણ છે એવું કહેવામાં મને જરાય સંકોચ નથી."

"કેમ કે બાબા સાહેબને તેમની અટક એક બ્રાહ્મણ શિક્ષકે જ આપી હતી. આમ જ્ઞાની વ્યક્તિ બ્રાહ્મણ છે અને એ રીતે વડાપ્રધાન મોદી પણ બ્રાહ્મણ છે."

'ભગવાન રામ પણ રાજકાર રમતા હતા'

ઇમેજ સ્રોત, Getty Images

'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ ગૃહમંત્રી રાજનાથ સિંહે લખનૌમાં એક સભાને સંબોધતા કહ્યું હતું કે ભગવાન રામ અને કૃષ્ણ પણ રાજકારણ રમતા હતા.

તેમણે કહ્યું કે દેશમાં પહેલાંથી જ રાજકારણ રમાતું આવ્યું છે. રામના રાજકારણનો આશય રામરાજ્ય લાવવાનો હતો.

પણ તેમણે ઉમેર્યું કે હવે આજના સમયમાં સાચા રાજકારણનો મર્મ અને ભાવાર્થ બન્ને લુપ્ત થઈ ગયા છે.

રાજનાથ સિંહ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજિત સેમિનારને સંબોધિત કરી રહ્યા હતા.

'અચ્છે દિન આવશે' - આસારામ

ઇમેજ સ્રોત, Getty Images

'એનડીટીવી ખબર' ન્યૂઝ વેબસાઇટ અનુસાર જેલમાંથી આસારામનો ઑડિઓ વાઇરલ થયો છે. જેમાં આસારામ કહે છે કે ''અચ્છે દિન આવશે, સત્ય છુપાતું નથી અને અસત્યના પગ હોતા નથી.''

જોધપુરમાં આજીવાન કારાવાસની સજા ભોગવી રહેલા આસારામનો આ કથિત ઑડિઓ વાઇરલ થયો છે.

ઑડિઓમાં આસારામ ફોન પર કોઈક વ્યક્તિને કહી રહ્યા છે કે તે જેલમાં વધુ સમય નહીં રહે અને ટૂંક સમયમાં જ અચ્છે દિન આવશે.

આ ઑડિઓ ટેપ 15 મિનિટની છે. જોકો, તેમણે આ ફોન અધિકારીઓની મંજૂરીથી કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.

આજે કોંગ્રેસની જન આક્રોશ રેલી

ઇમેજ સ્રોત, Getty Images

વધુમાં 'આજતક'ના અહેવાલ અનુસાર આજે રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ જન આક્રોશ રેલી યોજી રહી છે.

રેલીમાં જોડાવા દેશભરમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દિલ્હી આવી રહ્યા હોવાનું અહેવાલમાં કહેવામાં આવ્યું છે.

રામલીલા મેદાનમાં આ રેલીનું આયોજન કરાયું છે. રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મોદી સરકારની કથિત નિષ્ફળતાઓ ગણાવીને 2019ની લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફુંકશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો