લાલ કિલ્લો- દાલમિયા મામલો - કેન્દ્રીયમંત્રીએ કહ્યું, '5 રૂપિયાનો પણ કરાર નથી થયો '

લાલ કિલ્લીની તસવીર

દાલમિયા ભારત ગૃપ દેશની ઐતિહાસિક ધરોહર લાલ કિલ્લાને દત્તક લેનારું પ્રથમ કૉર્પરેટ જૂથ બન્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર અને કંપની વચ્ચે 25 કરોડ રૂપિયાનો કરાર થયો છે.

જોકે, સરકાર અને કંપની વચ્ચે કોઈ પણ પ્રકારનો આવો કરાર થયો હોવાનો બન્ને પક્ષે ઇન્કાર કર્યો છે.

કેન્દ્રીય પર્યટનમંત્રી મહેશ શર્માએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે લાલ કિલ્લાને દત્તક લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ વાતનો એવો અર્થ નથી કે સરકાર પાસે નાણાં નથી.

શું તમે આ વાંચ્યું?

તેમણે કહ્યું,"જનતાની ભાગીદારી વધારવા વર્ષ 2017માં ભારત સરકારના પર્યટન મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલયે પુરાતત્ત્વ વિભાગે સાથે મળીને 'અડૉપ્ટ એ હેરિટેજ - આપણી ધરોહર આપણી ઓળખ' નામનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. એટલે કે કોઈ ધરોહરને દત્તક લેવું."

"આ કાર્યક્રમ હેઠળ કંપનીઓએ ધરોહરની સફાઈ, સાર્વજનિક સુવિધાઓ આપવી, વાઇ-ફાઇની સુવિધા અને ત્યાં અસ્વચ્છતા ન ફેલાય તેની જવાબદારી નિભાવવાની હતી."

Image copyright DALMIABHARAT @TWITTER

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 25 કરોડ રૂપિયામાં લાલ કિલ્લા મામલે કરાર કરવામાં આવ્યો છે.

આ મામલે મહેશ શર્મા કહે છે,"મને ખબર નથી આ આંકડો ક્યાંથી આવ્યો કેમ કે આ કરારમાં નાણાંની કોઈ લેવડ-દેવડ થઈ જ નથી."

"25 કરોડ તો શું, 25 રૂપિયા તો શું 5 રૂપિયાની વાત પણ નથી. ન તો કંપની સરકારને નાણાં આપશે કે ન સરકાર કંપનીને."

"જે રીતે પુરાતત્ત્વ વિભાગ પહેલાં ટિકિટ આપતું હતું એ જ વ્યવસ્થા રહેશે અને બસ પર્યટકોની સુવિધા વધારશે."


લાલ કિલ્લામાં કંપની શું કરશે?

Image copyright ADOPTAHERITAGE.IN

કેટલાંક લોકોને એવી પણ ચિંતા છે કે હવે તેની જાળવણીની જવાબદારી દાલમિયા જૂથની રહેશે.

મહેશ શર્માએ કહ્યું કે કંપની ઇમારતના કોઈપણ ભાગને સ્પર્શી પણ નહીં શકે અને તેની જાળવણી પહેલાંની જેમ પુરાતત્ત્વ વિભાગ જ કરશે.

ભવિષ્યમાં જો આનાથી કોઈ ફાયદો થશે તો તે નાણાં એક અલગ ખાતામાં રાખવામાં આવશે અને તેને જાળવણી માટે જ વાપરવામાં આવશે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે કંપનીએ આગામી પાંચ વર્ષ માટે દિલ્હીના લાલ કિલ્લાને અને આંધ્ર પ્રદેશના કડપ્પા સ્થિત ગંડીકોટા કિલ્લાને દત્તક લીધા છે.

Image copyright Getty Images

કંપની સીએસઆર એટલે કે 'ઉદ્યોગજગત સામાજિક જવાબદારી' હેઠળ આ કિલ્લાની જાળવણી કરશે અને પર્યટકો માટે શૌચાલય, પાવીનું પાણી, રોશનીની વ્યવસ્થા કરશે.

વળી ક્લૉક-રૂમ બનાવવા માટે દર વર્ષે 5 કરોડ રૂપિયા પણ ખર્ચશે.

બીબીસી સાથેની વાતચીતમાં દાલમિયા કંપનીના પ્રવક્તા પૂજા મલ્હોત્રાએ કહ્યું, "કંપનીએ પાંચ વર્ષ માટે લાલ કિલ્લાને દત્તક લીધો છે. આ સમય દરમિયાન કંપની પર્યટકો માટો સાર્વજનિક સુવિધા વિકસાવાનું કામ કરશે જેનો ફાયદો પર્યટકોને જ થશે."

"આ સમગ્ર કામ 'સીએસઆર' કૉર્પોરેટ સોશિયલ રિસ્પૉન્સિબિલિટી હેઠળ જ કરવામાં આવવાનું છે."


સીએસઆર શું છે?

આ મામલે કોઈ પણ પ્રકારના નાણાકીય કરારની વાતનો કંપનીએ ઇન્કાર કર્યો છે.

પૂજા મલ્હોત્રાએ કહ્યું કે આ વાત ખોટી છે ખરેખર કંપની સરકારને કે સરકાર કંપનીને કોઈ નાણાં નથી આપવાની.

સીએસઆર હેઠળ મોટી કંપનીઓ સમાજ અને સમાજમાં રહેતા લોકો માટે સમાજસેવાનું કામ કરે છે. કંપની આ કામ માટે તેના બજેટનો કેટલોક હિસ્સો વાપરે છે.

સીએસઆર બાબતોના જાણકાર અભિનવ સિન્હા કહે છે, "કોઈ પણ કંપની હોય તે કામ કરે છે અને તેમાંથી ફાયદો કમાય છે, તો એવું માનવામાં આવે છે કે તે સમાજમાં જે વસ્તુઓ છે તેના જ ઉપયોગથી ફાયદો કરી રહી છે."

"આ કારણસર સરકારની નીતિ છે કે કંપનીએ સમાજને તે પરત કરવું જોઈએ. નીતિ મુજબ તેના છેલ્લા ત્રણ વર્ષના ફાયદાના સરેરાશના બે ટકા સમાજના વિકાસના કામોમાં ખર્ચ કરવા જોઈએ."


ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર પણ સમાજનો જ ભાગ

"ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર પણ સમાજનો જ ભાગ છે. કંપનીઓ આજના સમયમાં તેને બ્રાન્ડિંગ તરીકે વાપરે છે."

"દરેક કંપની કોઈ પણ પ્રકારનું સામાજિક કામ કરે જ છે. પણ જ્યારે કોઈ ધરોહરની વાત ત્યારે સરકારની મંજૂરી લેવી પડતી હોય છે."

"આમાં કંપની નાણાં ખર્ચે છે પણ સરકાર અને કંપની વચ્ચે નાણાંની કોઈ લેવડદેવડ નથી થતી."

અભિનવ જણાવે છે કે કંપનીએ બતાવવું પડે છે કે જરૂર પડતા તે આ કામમાં કેટલા નાણાં ખર્ચશે અને આ માટે એક અંદાજિત આંકડો પણ આપવો પડે છે.

તેમણે કહ્યું,"કદાચ આ જ કારણસર 25 કરોડના આંકડાની વાતની ચર્ચા ચાલી રહી છે."

દિલ્હીમાં આવેલા લાલ કિલ્લાને મુગલ બાદશાહ શાહજહાંએ 17મી શતાબ્દીમાં બનાવ્યો હતો.

અંગ્રેજોએ ભારત છોડ્યા બાદ સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દર વર્ષે 15મી ઑગસ્ટે દેશના વડાપ્રધાન ત્રિરંગો ફરકાવે છે અને આઝાદીની ઉજવણી કરવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો