'તેમણે મને ત્યાં સ્પર્શ કર્યો, જ્યાં તેઓ સ્પર્શ કરવા માગતા હતા, હું સ્તબ્ધ થઈ ગઈ'

રાધિકા આપ્ટે Image copyright LARGE SHORT FILM

ભારતનાં નાનાં નાનાં ગામડાં તેમજ શહેરોમાંથી દર વર્ષે હજારો યુવક-યુવતીઓ ફિલ્મ સ્ટાર બનવાનું સપનું લઈને મુંબઈ પહોંચે છે.

પરંતુ ઘણા લોકો માટે મુંબઈ જઈને બોલીવૂડમાં પોતાનું નસીબ અજમાવવું એક ખરાબ સપનું બની જાય છે.

બીબીસી સંવાદદાતા રજિની વૈદ્યનાથન અને પ્રતીક્ષા ઘિલ્ડિયાલે એવી અભિનેત્રીઓ સાથે વાત કરી જેમણે કાસ્ટિંગ એજન્ટ્સ અને નિર્માતાઓ દ્વારા જાતીય શોષણ થયું હોવાની વાત સ્વીકારી છે.

છ વર્ષ પહેલાં સુજાતા(બદલાયેલું નામ)એ ગામડું છોડી, મુંબઈ જઈ હિરોઇન બનવા માટે પોતાના પોતાના રૂઢિવાદી પરિવારજનોને મનાવી લીધાં.

તે સમયે સુજાતાની ઉંમર 19 વર્ષ હતી અને તેમનામાં એક્ટિંગ સ્કિલ્સ ઓછી હતી. તેમનો મુંબઈમાં કોઈ સાથે સંપર્ક ન હતો.

પરંતુ થોડા સમયમાં જ સુજાતાની મુલાકાત એ લોકો સાથે થવા લાગી કે જેઓ તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ મેળવવા માટે નવા નવા પેંતરા શીખવતા હતા.

એવા જ એક કાસ્ટિંગ એજન્ટે પોતાના એપાર્ટમેન્ટમાં આવીને સુજાતાને મળવા માટે કહ્યું.

સુજાતાને તેમાં કંઈ ખોટું પણ ન લાગ્યું કેમ કે આ પ્રકારની મીટિંગ ઘરોમાં થવી એક સામાન્ય બાબત હતી.

પરંતુ તેમની સાથે જે થયું તે પીડાદાયક હતું.


દર્દભર્યો અનુભવ

Image copyright Getty Images

સુજાતા જણાવે છે, "તેમણે મને ત્યાં સ્પર્શ કર્યો, જ્યાં તેઓ સ્પર્શ કરવા માગતા હતા. તેમણે મારા ડ્રેસની અંદર હાથ નાખ્યો અને મારાં કપડાં ઉતારવાનું શરૂ કર્યું. હું સ્તબ્ધ થઈ ગઈ."

જ્યારે સુજાતાએ એ વ્યક્તિને એમ કરવાની ના પાડી તો તેમણે કહ્યું કે તેમનું આ ઍટિટ્યૂડ ઇન્ડસ્ટ્રી માટે યોગ્ય નથી.

બીબીસી પાસે સુજાતાના દાવાની પુષ્ટિ કરવા માટે કોઈ પદ્ધતિ નથી, પરંતુ સુજાતાએ જણાવ્યું કે તેઓ અભિનેત્રી બનવા માટે ઘણી વખત જાતીય શોષણનો સામનો કરી ચૂક્યાં છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તેઓ જણાવે છે કે એક વખત તો તેઓ પોલીસ પાસે પણ ગયાં હતાં. પરંતુ તેમની ફરિયાદ સાંભળવામાં આવી ન હતી. પોલીસ અધિકારીઓએ એમ કહ્યું કે 'ફિલ્મી લોકો' જે ઇચ્છે તે કરી શકે છે.

સુજાતાએ બીબીસી સમક્ષ તેમની ઓળખ છૂપાવવા આજીજી કરી કેમ કે તેઓ આ અંગે વાત કરતાં ડરે છે.

તેઓ માને છે કે કોઈ પણ અભિનેત્રી જો આ અંગે વાત કરે છે તો તેના પર પ્રચાર કરી લાભ મેળવવાનો આરોપ લાગવા લાગે છે અને તેની છબી ખરડાય છે.

જોકે, ઘણા લોકો માને છે કે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રોલ મેળવવા માટે સેક્સ્યુઅલ ફેવર માગવી સામાન્ય વાત છે.


બદલાનો ડર

Image copyright Getty Images
ફોટો લાઈન ઊષા જાધવ વીરપ્પન અને ભૂતનાથ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે

બીબીસીએ લગભગ એક ડઝન યુવા અભિનેત્રીઓ સાથે વાત કરી કે જેઓ જણાવે છે કે તેમણે ફિલ્મોમાં રોલ મેળવવા માટે અભદ્ર ટિપ્પણીઓ અને જાતીય શોષણનો સામનો કર્યો છે.

આવી અભિનેત્રીઓએ પોતાની ઓળખ જાહેર કરવાનો ઇન્કાર કર્યો કેમ કે તેમને આ સમાચાર બહાર આવ્યા બાદ બદલાનો ડર છે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત ફિલ્મ અભિનેત્રી ઊષા જાધવ એ મહિલાઓમાંથી એક છે જેમણે જાતીય શોષણના અનુભવો વિશે સાર્વજનિક રૂપે જણાવવાનું શરૂ કર્યું છે.

તેઓ આશા વ્યક્ત કરે છે કે તેમના અનુભવો અંગે સાંભળીને બીજી અભિનેત્રીઓ પણ પોતાના અનુભવો શેર કરવા માટે આગળ આવશે.

ઊષા જ્યારે પહેલી વખત મુંબઈ આવ્યાં હતાં ત્યારે તેમણે કામ મેળવવા માટે નિર્દેશકો અને પ્રોડ્યુસરો સાથે શારીરિક સંબંધ બાંધવા પાડ્યા હતા.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
#BollywoodSexism ડાયરેક્ટર્સની ઓફિસમાં વિશાખા ગાઇડ લાઇન્સ લાગુ કરવી જરૂરી

પોતાની સાથે બનેલી એક ઘટના યાદ કરતા તેઓ કહે છે કે મને કહેવામાં આવ્યું, "અમે તમને કંઈક આપી રહ્યા છીએ, તમારે પણ બદલામાં અમને કંઈક આપવું પડશે."

ઊષા કહે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલીક યુવા મહિલાઓને લાગે છે કે તેમની પાસે સહમતિ વ્યક્ત કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

તેઓ જણાવે છે કે તેમણે હંમેશા આ પ્રકારના પ્રસ્તાવોને નકાર્યા છે પરંતુ તેમ કરવાથી તેમને ધમકીઓ મળી છે.

એક વ્યક્તિ દ્વારા તેમને એવી ધમકી મળી કે તેઓ તેમને ફિલ્મમાં નહીં લે કેમ કે તેમણે તેમની ઑફર નકારી છે.

"તેમણે મને અભદ્ર શબ્દો કહ્યા અને કહ્યું કે તમને એક પણ સારો રોલ મળશે નહીં. તમારી સાથે કંઈ પણ સારું થશે નહીં. ત્યારે મેં કહ્યું કે મને નથી લાગતું કે તમારી આટલી તાકાત છે."


કેટલી તાકાત

Image copyright Getty Images

બીબીસી સાથે વાત કરતાં ફિલ્મ અભિનેત્રી રાધિકા આપ્ટે કહે છે કે તાકાત જ આ પ્રકારની વસ્તુઓને જન્મ આપે છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં ઘણાં મોટાં નામોએ અત્યાર સુધી આ મુદ્દા પર મૌન જાળવી રાખ્યું છે, પરંતુ રાધિકા આપ્ટે એ અભિનેત્રીઓમાં સામેલ છે જેમણે આ વિશે બોલવાનો નિર્ણય કર્યો છે.

હાલ જ તેમણે ફિલ્મ 'પૅડમેન'માં કામ કર્યું છે. આ ફિલ્મમાં એક એવા પુરુષની વાત કહેવામાં આવી કે જે મહિલાઓ માટે સસ્તા સેનિટરી પૅડ બનાવતા હતા.

રાધિકા આપ્ટે ઑન સ્ક્રીન અને ઑફ સ્ક્રીન બન્ને જગ્યાએ મહિલાઓના અધિકારોની વાત કરતાં રહ્યાં છે.

તેઓ કહે છે, "મેં આ વિશે બોલવાનું શરૂ કર્યું છે. મને ઇન્ડસ્ટ્રીની એ મહિલાઓની વાત પણ સમજાય છે અને તેમના પર દયા પણ આવે છે કે જેઓ આ મુદ્દા પર બોલવાથી ડરે છે."

રાધિકા કહે છે કે બોલીવુડમાં પ્રવેશ કરવાની કોઈ સરળ કે નિર્ધારિત રીત નથી. એ જ કારણ છે કે મહિલા અભિનેત્રીઓ સાથે આ પ્રકારની ઘટનાઓ ઘટતી રહે છે.

રાધિકા જણાવે છે, "ભારતીય ફિલ્મોમાં એક તક ખૂબ મુશ્કેલીથી મળે છે. તેના માટે અમારા ખાનગી સંપર્ક, સોસાયટીમાં અમારી ઓળખ અને અમારો દેખાવ કેવો છે તે બધું જ મહત્ત્વપૂર્ણ હોય છે."

"જ્યારે હોલીવૂડમાં તેની એક ઔપચારિક પ્રક્રિયા છે જેમાં એક્ટિંગ સ્કૂલમાં પ્રવેશ મેળવવો અને પછી ત્યાંથી સ્ટેજ શોનાં માધ્યમથી ફિલ્મો પ્રાપ્ત થાય છે."

રાધિકા ઇચ્છે છે કે હોલીવૂડની જેમ બોલીવુડમાં પણ #MeToo જેવાં અભિયાન ચાલે.

જોકે, સાથે જ તેઓ એ વાત પણ જોડે છે કે એવું ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી મોટું નામ ધરાવતા જાણીતા લોકો પીડિતોનાં સમર્થનમાં નહીં ઊતરે.


'યુવાનો મન ખોલીને વાત કરતા નથી'

Image copyright Getty Images

બોલીવૂડના વધુ એક અભિનેત્રી કલ્કીએ બીબીસી સાથે આ મુદ્દા પર પોતાના વિચાર શૅર કર્યા હતા.

કલ્કિ પોતાની સાથે નાનપણમાં થયેલાં જાતીય શોષણ અંગે પહેલાં વાત કરી ચૂક્યાં છે.

તેઓ કહે છે કે તેમને એ યુવા અભિનેતા તેમજ અભિનેત્રીઓ પર દયા આવે છે જેઓ પોતાની સાથે થઈ રહેલા અયોગ્ય વ્યવહાર વિશે મન ખોલીને બોલી શકતા નથી.

કલ્કિએ બીબીસીને જણાવ્યું, "જો તમારી કોઈ ઓળખ નથી તો કોઈ પણ તમને સાંભળશે નહીં."

"જો તમે એક સેલેબ્રિટી છો અને ત્યારે તમે કંઈક બોલી રહ્યા છો તો એ એક મોટી હેડલાઇન બની જશે."

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
#BollywoodSexism બોલીવૂડમાં જાતીય શોષણ થાય છે? શું કહે છે કલ્કિ?

આ મામલો માત્ર બોલીવૂડ પુરતો જ નથી પરંતુ ક્ષેત્રીય ભાષામાં બનતી ફિલ્મોમાં પણ મહિલાઓ સાથે આવી ઘટનાઓ બની રહી છે.

હાલ જ દક્ષિણ ભારતની તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક અભિનેત્રી શ્રીરેડ્ડીએ તેમની સાથે થયેલા કાસ્ટિંગ કાઉચનો વિરોધ જાહેરમાં વ્યક્ત કરતા એક ફિલ્મ એસોસિએશનના પરિસરમાં સાર્વજનિક રૂપે પોતાના કપડાં ઉતારી દીધા હતા.

Image copyright SRI REDDY/FACEBOOK

શરૂઆતમાં તો તેને સસ્તી લોકપ્રિયતા મેળવવાની રીત તરીકે જોવામાં આવ્યું અને ઘણા સ્થાનિક કલાકાર એસોસિએશનોએ તેમના પર પ્રતિબંધ પણ લગાવી દીધો હતો.

પરંતુ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની દખલગીરી બાદ તેમના પરથી પ્રતિબંધ હટાવી લેવાયો. હવે તેલુગૂ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ આ મામલાની તપાસ માટે જાતીય શોષણ કમિટી બનાવી છે.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
સાવધાન...આ કેરીઓ CCTVની નજર હેઠળ છે

શ્રીરેડ્ડીએ બીબીસી સાથે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું, "જો ઇન્ડસ્ટ્રીના લોકો મારી પાસે મારી નગ્ન તસવીરોની માગ કરે છે તો હું પબ્લિકની સામે જ કપડાં કેમ ન ઊતારી દઉં?"

હાલ જ એક યુવા અભિનેત્રીનું કથિત રૂપે અપહરણ કરી લેવાયું હતું અને ચાલતી કારમાં તેમની સાથે છેડતી થઈ હતી. આ ઘટના સામે આવ્યા બાદ દક્ષિણી રાજ્ય કેરળે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓમાં કલ્યાણ માટે એક સમૂહનું ગઠન કર્યું છે.

પરંતુ જાતીય શોષણ માત્ર મહિલાઓ સુધી જ સીમિત નથી.


પુરુષ અભિનેતાઓનો અવાજ

Image copyright Getty Images

બોલિવૂડના મોટા અભિનેતા રણવીર સિંહ આ વિશે કહે છે કે વર્ષ 2015માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો.

તેઓ બોલિવૂડના એ કેટલાક અભિનેતાઓમાંથી એક છે કે જેમણે શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. આ જ રીતે અભિનેતા, ડાયરેક્ટર અને ગાયક ફરહાન અખ્તરે પણ આ વિશે પોતાના વિચાર વ્યક્ત કર્યા છે.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
#BollywoodSexism ફિલ્મોમાં મહિલાઓને ઓછું વળતર શા માટે - સોનમ કપૂર

તેમણે MARD નામે એક અભિયાનની શરૂઆત પણ કરી છે. જેનો અર્થ છે 'મેન અગેઇન્સ્ટ રેપ એન્ડ ડિસ્ક્રિમિનેશન', આ અભિયાન અંતર્ગત દેશના અલગ અલગ ભાગમાં ગામ તેમજ અંતરિયાળ વિસ્તારોમાં જાતીય હિંસા પ્રત્યે જાગરૂકતા ફેલાવવામાં આવે છે.

ફરહાને બીબીસીને જણાવ્યું કે તેઓ મહિલાઓને એ વિશે પ્રોત્સાહિત કરે છે કે જેટલી મુશ્કેલીઓ તેમણે બોલિવૂડમાં સહન કરવી પડે છે, તેને તેઓ લોકોની સમક્ષ રાખી શકે.

Image copyright Getty Images

ફરહાન કહે છે, "જ્યારે મહિલાઓ કહે છે કે અહીં આવું થાય છે, તો ખરેખર હું તેમની વાતો પર વિશ્વાસ કરું છું."

ફરહાનને ભરોસો છે કે બોલિવૂડમાં પણ #MeToo જેવી ક્ષણ ચોક્કસપણે આવશે. તેઓ કહે છે કે એ ત્યારે જ શક્ય છે જ્યારે મહિલાઓ ખુલીને બોલશે. ત્યારે જ લોકોના મનમાં આ કાર્યો પ્રત્યે શરમ ઉત્પન્ન થશે.

જોકે, બીબીસી સાથે વાત કરતા મોટાભાગની મહિલાઓએ કહ્યું કે આ મામલે જ્યાં સુધી મોટા અને પ્રમુખ લોકો કંઈ નહીં કરે ત્યાં સુધી તેમાં કોઈ ફેરફાર નહીં આવે.

અને જ્યાં સુધી તે સમય આવે છે ત્યાં સુધી જાતીય શોષણ અને દુર્વ્યવહાર બોલિવૂડની તમામ વાર્તાઓમાંથી એક વાર્તા તો રહેશે જ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો