BBC SPECIAL- 'જુબાની સમયે વિચિત્ર અવાજો કરીને આસારામ મારી દીકરીને ડરાવતો'

આસારામ
ફોટો લાઈન પીડિતા અને તેમના પરિવારે આસારામ વિરૂદ્ધ પાંચ વર્ષ લાંબી ચાલેલી કાનૂની લડાઈ દરમિયાન નિડરતા અને સાહસનો પરિચય આપ્યો.

હવામાંથી આવતી ખાંડની મીલોની ગંધથી ખ્યાલ આવે છે કે દિલ્લીથી 360 કિ.મી દૂર ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં પહોંચી ગઈ છું.

કાકોરીકાંડના મહાનાયક રામપ્રસાદ બિસ્મિલ, અશફાકઉલ્લા ખાન જેવા ક્રાંતિકારીઓના શહેર શાહજહાંપુરની માટીમાં જાણે સાહસ અને નિડરતા ભળેલા છે.

અહીં જ ભણી-ગણીને મોટી થયેલી પીડિતા અને તેમના પરિવારે આસારામ વિરુદ્ધ પાંચ વર્ષ લાંબી ચાલેલી કાનૂની લડાઈ દરમિયાન નિડરતા અને સાહસનો પરિચય આપ્યો છે.

ટ્રાન્સપૉર્ટના કામમાં સંકળાયેલા પીડિતાના પરિવાર સાથે આ મારી ત્રીજી મુલાકાત હતી.

કેસની શરૂઆત પછી તેમના ઘરની બહાર પોલીસનો પહેરો લાગેલો છે.

આ ચોકી પર મૂકેલા રજિસ્ટર પર મારું નામ-સરનામું લખીને હું ઘરના આંગણમાં પ્રવેશી. ઘરની બહાર ત્રણ ટ્રક ઊભા હતા.

પીડિતાના મોટા ભાઈએ જણાવ્યું કે ટ્રકમાં સાડીઓ ભરીને માલ સુરત મોકલવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે આ સિઝન છે એટલે, બાકી પહેલા કરતાં હવે બિઝનેસ ઓછો ચાલે છે.

ઘરના વરંડામાં બનેલી ઓફિસમાં કુર્તા-પાયજામામાં પીડિતાના પિતા બેઠા હતાં. તેઓ ટ્રકમાં ડિસ્પેચ થઈ રહેલા સામાનના કાગળો પર સહી કરી રહ્યા હતા.

વરંડામાં મારા દાખલ થતાંની સાથે જ અમુક મીડિયાવાળાના વ્યવહાર અંગે તેમણે ફરિયાદ કરી.

તમે આ વાંચ્યું કે નહીં?


મીડિયાથી નારાજ પરિવાર

તેમણે કહ્યું, ''જ્યારે અમે જોધપુરમાં હતાં ત્યારે તો કોઈ આવ્યું નહિ. આખી સુનાવણી પતી ગઈ અને એક પણ મીડિયાવાળાએ દરકાર ન કરી.

''ઘણાં છાપાવાળા આસારામના સમર્થકોના નિવેદન છાપતાં અને જ્યારે અમે કહેતા કે અમારી વાત પણ છાપો ત્યારે કોઈ જવાબ નહોતું આપતું. હવે ચુકાદો આવ્યા પછી બધાં દોડી આવ્યા.''

સતત પત્રકારોની અવર-જવરથી બચવા તેમના દીકરાએ મને પહેલા માળે બેસીને રાહ જોવા કહ્યું.

પીડિતાના ભાઈએ સખત કાયદાઓ છતાં કઈ રીતે અમુક મીડિયાવાળાએ તેમના ઘરની તસવીરો ટીવી પર બતાવી તેના વિશે મારી સાથે વાત કરી.

ભાઈએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, ''આમ થવાથી અમારી મુશ્કેલીઓ વધે છે. આજે આખા શહેરને ખબર છે કે આસારામ પર કેસ કરનારો પરિવાર ક્યાં રહે છે.''

''તમે શહેરની બજારમાં કોઈ બાળકને પણ પૂછશો તો તે તમને અમારા ઘરે લઈ આવશે. અમારી સામાન્ય જિંદગી તો ક્યારનીય પતી ગઈ.''

ફોટો લાઈન પીડિતાના પિતા કહે છે કે, ''છેલ્લા પાંચ વર્ષ એવા ગયા છે કે શું કહું. શબ્દો ઓછા પડે છે. આટલો માનસિક અને શારિરીક ત્રાસ થયો જે હું ક્યારેય વ્યક્ત નહિ કરી શકું.

લગભગ 40 મિનિટ પછી પીડિતાના પિતા ઠંડુ પીણું અને બિસ્કિટ લઈને આવ્યા. ગરમી વધુ હોવાનું કહીને મને ઠંડુ પીવાનો આગ્રહ કર્યો.

તેમને જોઈને મને પાંચ વર્ષ જૂની તેમનો ચહેરો યાદ આવી ગયો. તે પહેલા કરતાં વધારે નબળા દેખાય છે.

તેમના વાળ ઓછા થઈ ગયા છે. એવું લાગે છે કે લાંબી લડતે તેમનું વજન અડધું કરી દીધું છે.

ચુકાદા બાદ લીધો શાંતિનો શ્વાસ

સુનાવણીના સમયને યાદ કરતાં તેઓ કહે છે કે, ''છેલ્લા પાંચ વર્ષ એવા ગયા છે કે શું કહું. શબ્દો ઓછા પડે છે.

''આટલો માનસિક અને શારિરીક ત્રાસ થયો જે હું ક્યારેય વ્યક્ત નહિ કરી શકું.

''વચ્ચેના સમયમાં મારો વેપાર પણ ઠપ થઇ ગયો હતો. આ પાંચ વર્ષોમાં ક્યારે પેટ ભરીને જમ્યો તે પણ યાદ નથી.

''ભૂખ મરી ગઈ હતી. ઊંઘ નહોતી આવતી. અડધી રાત્રે ઉઠીને બેસી જતો.

''જીવનું જોખમ એટલું હતું કે છેલ્લા પાંચ વર્ષોમાં જાતે એક પણ કપડું ખરીદીને નથી પહેર્યું. જાતે જઈને બજારમાંથી શાકભાજી-ફળ નથી ખરીદ્યા.

''હરવા-ફરવાની વાત તો દૂર, બીમાર પડ્યા ત્યારે સારવાર માટે પણ બહાર નથી ગયા.

''ડૉક્ટરને ઘરે બોલાવ્યા હતા. પોતાના જ ઘરમાં જેણે કેદી બની ગયા હતા.''

Image copyright Getty Images
ફોટો લાઈન પીડિતાના પિતા કહે છે કે, ''મારી દિકરીના સપના તૂટી ગયા. તે ભણી-ગણીને આઈએએસ થવા માગતી હતી.''

આગળ વાત કરતાં તેઓ કહે છે, ''જે દિવસે અમે આસારામ વિરુદ્ધ કેસ કર્યો, ત્યારે દુખના કારણે અમારા ઘરમાં કોઈ જમ્યું નહોતું.

''પછી 25 એપ્રિલે જ્યારે અમે આ કેસ જીતી ગયા ત્યારે કોઈ ખુશીથી ન જમી શક્યા.

''એ પછીને દિવસે અમે વર્ષો પછી સારી રીતે જમ્યા. આ ચુકાદા પછી અમે નિરાંતે ઊંઘી શક્યા. ગઈકાલે કોણ જાણે કેટલા વર્ષે સૂરજ ઉગ્યા પછી મારી ઊંઘ ખુલી.''

ઓગસ્ટ 2013માં આસારામ વિરૂદ્ધ કેસ કર્યો તે સમયે પીડિતા 16 વર્ષની હતી. આ સુનાવણી દરમિયાન પીડિતાના જીવન પર પડેલા પ્રભાવ અંગે વાત કરતાં તેના પિતાની આંખો ભીંજાય જાય છે.

તે કહે છે, ''મારી દીકરીના સપના તૂટી ગયા. તે ભણી-ગણીને આઈએએસ થવા માગતી હતી. પણ ભણવાનું વચ્ચે જ અટકી ગયું.

''2013માં કેસ થયો ત્યારે એનું આખું વર્ષ બગડ્યું. 2014 આખું વર્ષ જુબાની આપવામાં ગયું. આમ બે વર્ષ બગડ્યાં.''

આસારામની ધમકીઓથી ભરેલું જીવન

પીડિતાના પિતાનું કહેવું છે કે આસારામે તેમને કેસ પાછો લેવા માટે પૈસાની સાથે-સાથે મારી નાખવાની ધમકીઓ મોકલાવી હતી.

તેઓ કહે છે કે, ''જ્યારે સુનાવણી ચાલુ હતી, ત્યારે છિકારા નામનો આસારામનો ગુંડો અમારી ઓફિસે આવ્યો હતો.

''દરવાજા પર તહેનાત પોલીસને તેણે જણાવ્યું કે તેઓ ટ્રકમાં માલ બુક કરાવ્યા આવ્યા છે.

''તેની સાથે હથિયારબંધ માણસ પણ હતો. હું બેઠો-બેઠો કામ કરી રહ્યો હતો, પણ હું તેને જોતા જ ઓળખી ગયો.

''મેં પહેલા પણ તેને આસારામના સત્સંગોમાં જોયો હતો. એ સમયે સાક્ષીઓની હત્યા શરૂ થઈ ગઈ હતી. આથી હું સતર્ક હતો.

''તેણે મને કહ્યું કે જો હું કેસ પાછો લઈ લઉં તો મોં માંગી રકમ મને મળશે, નહિ તો જીવ ગુમાવવો પડશે.''

Image copyright AFP
ફોટો લાઈન ''જ્યારે મારી દિકરી કોર્ટમાં જુબાની આપતી ત્યારે સામે બેઠેલો આસારામ ઘૂરક્યા કરતો.''

એ દિવસે તો જીવ બચાવવા તેમણે કહ્યું કે તે કેસ પાછો લઈ લેશે. આ વાત આસારામ સુધી પહોંચી ગઈ.

પીડિતાના પિતા કહે છે, ''સુનાવણીના દિવસે મેં મારું સાચું નિવેદન કોર્ટમાં આપ્યું તો આસારામ ચોંકી ગયો.

''કોર્ટમાંથી બહાર આવતાં તે પોતાના બંને હાથની આંગળીઓ હલાવતો હતો.

''તેના તરફના એક જુનિયર વકીલે મને કહ્યું કે બાબાના આ ઇશારાનો મતલબ થાય છે કે, આ માણસને પૂરો કરી નાખવાનો છે.

''સાક્ષીઓ તો મરી રહ્યા હતાં. તે અમને આવી રીતે ધમકાવતો હતો અને અમારે ચૂપચાપ સહન કરવાનું હતું.''

ઉલ્લેખનીય છે તે આ મામલે અત્યાર સુધીમાં નવ સાક્ષીઓ પર હુમલા થઈ ચૂક્યા છે. જેમાંથી ત્રણની હત્યા થઈ ગઈ છે. એક સાક્ષી હજી પણ ગાયબ છે.

પિતાની સાથે-સાથે દીકરીને પણ કોર્ટમાં ધમકાવવામાં આવતી.

પીડિતાના પિતા યાદ કરે છે, ''જ્યારે મારી દીકરી કોર્ટમાં જુબાની આપતી ત્યારે સામે બેઠેલો આસારામ ઘૂરક્યા કરતો.

''વિચિત્ર અવાજો કરીને મારી દીકરીને ડરાવતો. અમારા વકીલ જજને કહેતાં. ત્યારે તેને ચૂપ કરાવવા માટે જજે પણ પોલીસને કહેવું પડતું. આ બધું ચાલું અદાલતે થતું.''

સુનાવણીની યાતનાઓ

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

સુનાવણી દરમિયાન શાહજહાંપુરથી લગભગ હજાર કિમી દૂર જોધપુર જવું પડતું. જે આ પરિવાર માટે એક પડકાર હતો.

પિતા કહે છે કે આ મામલે તેમની દીકરીની જુબાની લગભગ સાડા ત્રણ મહિના ચાલી હતી.

જ્યારે તેમની અને તેમની પત્નીની જુબાની દોઢ મહિનો ચાલી.

તેઓ કહે છે, ''આ દરમિયાન જે વાહન મળતું તેમાં જોધપુર જવા રવાના થતાં.

''ક્યારેક બસમાં, ટ્રેનમાં ક્યારેક સ્લીપર કોચમાં તો ક્યારેક જનરલ કોચમાં બેસીને જવું પડતું.

''કોર્ટમાં ક્યારેક સુનાવણી આખો દિવસ ચાલતી તો કોઇક વાર 10 મિનિટમાં પૂરી થઈ જતી. પછી આખો દિવસ અમે કરીએ શું?

''હોટલમાં પડ્યા રહેતાં. એ દિવસો અને રાત એટલી લાંબી હતી કે જાણે પતે જ નહિ.

''વચ્ચે પાછી કોર્ટમાં પણ રજાઓ હોય. સમજાતું નહોતું કે આવી અજાણી જગ્યાએ અમે સામાન લઈને શું કામ આવી પહોંચીએ છીએ.. કોઈ ઓળખીતું નહિ, ઘર નહિ.''

સુનાવણી માટે પીડિતા પોતાના માતા-પિતા સાથે જોધપુર આવતી. જ્યારે તેના બંને ભાઈ શાહજહાંપુરમાં રહેતા હતાં.

લાંબા સમય સુધી ઘર પર નહિ હોવાને કારણે પીડિતાના પિતાનો ધંધો પર પણ અસર પડી હતી.

તેમણે જણાવ્યું કે વચ્ચે તેમને કામ મળવાનું બંધ થઇ ગયું હતું. કેસ અને ઘરનો ખર્ચો કાઢવા તેમણે પોતાના ટ્રક વેચવા પડ્યા હતા.

''જ્યારે અમે જોધપુરમાં હોઈએ ત્યારે અમને દીકરાઓની ચિંતા રહેતી અને તેમને અમારી. મોટો દીકરો બિઝનેસ સંભાળતો, ભણતો અને નાના દીકરાનું ધ્યાન પણ રાખતો.

''એક વખત નાના દીકરાને ટાઇફૉઇડ થઈ ગયો હતો. એ સમયે અમે ત્રણેય જોધપુરમાં હતા અને બહુ હેરાન થયા બધાં. કપરો સમય હતો.''

આટલી બધી મુશ્કેલીઓ છતાં પીડિતાનો પરિવાર અડીખમ ઊભો હતો. પીડિતાના પિતાનું કહેવું છે કે બધાને એક-બીજાની ચિંતા રહેતી.

પીડિતાના માતા-પિતાને ચિંતા હતી કે બાળકો પર કોઇ હુમલો ન કરાવી દે.

અને બાળકોને ચિંતા હતી કે માતા-પિતાને કંઈ થઈ ન જાય. પણ ભયના ઓછાયામાં જીવતા આ પરિવારનું એક જ લક્ષ્ય હતું- આસારામને તેના કુકર્મોની સજા મળે.


આસારામ સામે જીત્યા પણ સમાજ સામે હાર?

Image copyright Getty Images
ફોટો લાઈન કેસ અને ઘરનો ખર્ચો કાઢવા તેમણે પોતાના ટ્રક વેચવા પડ્યા હતા.

આટલી લાંબી લડાઈ લડીને આસારામ જેવા પ્રભાવશાળી વ્યક્તિને જેલના સળિયા પાછળ પહોંચાડનારા આ પરિવારને આખરે સમાજે હરાવ્યો.

પીડિતાના પિતા કહે છે કે તેમના બાળકો સાથે કોઈ લગ્ન કરવા માટે તૈયાર નથી.

તેઓ કહે છે, ''મોટો દીકરો 25નો છે અને દીકરી 21ની થઈ છે. બંનેના લગ્ન માટે હું પ્રયત્ન કરી રહ્યો છું, પણ કોઈ તૈયાર નથી.

''દીકરી માટે પણ ત્રણ-ચાર ઘરે માગુ લઇને ગયો હતો. મેં કહ્યું મારી દીકરી હોશિયાર છે, તમે સંબંધ જોડો પણ જેવી કેસની વાત ખબર પડે એટલે અમુક લોકો ડરીને પાછા જતા રહેતા.

''તો અમુક લોકોએ મને કહ્યું કે તમારી દીકરીમાં ડાઘ છે.''

Image copyright Getty Images
ફોટો લાઈન ''મારી દિકરી માટે પણ જે માંગા આવે છે તે મોટી ઉંમરના અને વિધુર પુરૂષોના છે.''

ભીની આંખે ચહેરા પર પથ્થર જેવી કઠોરતા સાથે તેમણે કહ્યું કે, ''તમે ઇચ્છો તો આ વાક્ય આમ જ લખી દેજો. તેમણે મારી દીકરીમાં ડાઘ છે એવું કહીને લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

''દીકરાની ઉંમર નીકળી રહી છે. તેની સાથે લગ્ન કરવા પણ કોઈ તૈયાર નથી. લોકો આવે છે બહાર પોલીસ જોઈને ડરી જાય છે.

''એક પરિવારે કહ્યું કે તમારા દીકરા પર તો ક્યારે પણ હુમલો થઈ શકે, તો અમારી દીકરીના ભવિષ્યનું શું?

''મારી દીકરી માટે પણ જે માંગા આવે છે તે મોટી ઉંમરના અને વિધુર પુરૂષોના છે. એવા લોકો સાથે શું કામ કરું હું મારી દીકરીના લગ્ન?''

પહેલા હજાર કિમી દૂર ચાલતો કેસ, પછી ઠપ થઈ ગયેલો બિઝનેસ, સાક્ષીઓની હત્યા, પીડિતાના પરિવારને મારી નાખવાની ધમકી અને બાળકોના ભવિષ્યની ચિંતા.

મારા જતાં પહેલા પીડિતાના પિતા કહે છે કે, ''આસારામે અમારી ચારે બાજુ જાળ ગૂંથી છે. અમને દરેક બાજુથી તોડવાના પ્રયત્નો થઇ રહ્યા છે.

''અમે આ બધું કઈ રીતે સહન કર્યું તે માત્ર અમે જ જાણીએ છીએ.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો