Top News: વિશ્વના સૌથી પ્રદૂષિત 20 શહેરોમાં ભારતના 14

પ્રતિકાત્મક તસવીર Image copyright Getty Images

ધ ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ વિશ્વ આરોગ્ય સંગઠન (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન - WHO) એ જણાવ્યું છે કે, વિશ્વના સૌથી પ્રદૂષિત 20 શહેરોમાંથી 14 શહેરો ભારતના છે.

આ અહેવાલ મુજબ આ 14 શહેરોમાં દિલ્હી અને વારાણસી પણ છે.

આ ઉપરાંત કાનપુર, ફરિદાબાદ, ગયા, પટના, આગ્રા, મુઝફ્ફરપુર, શ્રીનગર, ગુડ઼ગાંવ, જયપુર, પટિયાલા અને જોધપુરનો સમાવેશ થાય છે. આ અહેવાલ WHO એ વર્ષ 2016ની વિગતો પરથી તૈયાર કર્યો છે.

જેમાં કહેવાયું છે કે, વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોને પ્રદૂષક PM2.5ના સ્તરને આધારે નક્કી કરવામાં આવ્યાં છે. WHOએ આ અહેવાલમાં કહ્યું છે કે, વિશ્વમાં દસમાંથી નવ વ્યક્તિઓ પ્રદૂષકોનું ઊંચું પ્રમાણ ધરાવતી હવામાં શ્વાસ લે છે.

જ્યારે પ્રદૂષક PM10ના સ્તરને આધારે નક્કી કરવામાં આવેલા સૌથી પ્રદૂષિત 20 શહેરોમાં ભારતના 13 શહેરોનો સમાવેશ થાય છે.

PM2.5 પ્રદૂષકમાં સલ્ફેટ, નાઇટ્રેટ અને બ્લેક કાર્બન જેવા સુક્ષ્મ કણો હોય છે, જે માનવીના આરોગ્ય સામે સૌથી મોટું જોખમ છે.


ગુજરાતમાં MBBSની કુલ બેઠકો વધીને 4200 થઈ

Image copyright NOAH SEELAM

દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ અનુસાર ગુજરાતની મેડિકલ કોલેજોમાં ઉપલબ્ધ બેઠકોમાં 370 બેઠકોનો ઉમેરો થયો છે. મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (MCI) દ્વારા રાજ્યની ચાર મેડિકલ કોલેજોમાં વિવિધ સંખ્યામાં બેઠકોનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર હસ્તકની વડોદરાની મેડિકલ કોલેજને 70, સુરતની મેડિકલ કોલેજને 100 અને જામનગરની મેડિકલ કોલેજને 50 બેઠકોનો વધારો આપવામાં આવ્યો છે.

પાલનપુરમાં શરૂ થનારી સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં 150 બેઠકોની મંજૂરી અપાઈ છે.

શું તમે આ વાંચ્યું?

ગુજરાતમાં છેલ્લાં 12 વર્ષમાં MBBS કોર્સમાં કુલ 2500 બેઠકોનો વધારો થયો છે.

બેઠકોમાં થયેલો વધારો આગામી શૈક્ષણિક સત્રથી અમલમાં આવશે.


પોક્સોના કેસોની સુનાવણી છ માસમાં પૂર્ણ કરો: સુપ્રીમ કોર્ટ

Image copyright Getty Images

હિંદુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત સમાચાર અનુસાર સુપ્રીમ કોર્ટે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યૂઅલ ઓફેન્સ (પોક્સો)ના કાયદા હેઠળ નોંધાયેલા કેસોનો નિકાલ છ મહિનામાં થઈ જાય તેની સૂચના દેશની તમામ હાઈ કોર્ટ્સને આપી છે.

આ સમાચારમાં જણાવ્યા અનુસાર ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ ડી વાય ચંદ્રચુડની બનેલી બેન્ચે નિર્દેશ આપ્યો છે કે, બાળકોના જાતીય શોષણના ગુનાની નોંધણી થયાના બે મહિનામાં તેની તપાસ પૂર્ણ થવી જોઈએ.

એ કેસની સુનાવણી છ મહિનામાં થવી જોઈએ. આ બેન્ચે તમામ હાઈ કોર્ટ્સને પોક્સો હેઠળ નોંધાયેલા કેસોની સુનાવણી પર દેખરેખ રાખવા માટે ત્રણ જજની સમિતિ બનાવવાનું જણાવ્યું છે.

આ સમિતિ પોક્સોના કાયદામાં જણાવ્યા અનુસારની સમય મર્યાદામાં તમામ કેસો પૂર્ણ થાય, પીડિત બાળકને સહાય અને પુનર્વસન થાય અને આ કેસો માટેની ખાસ કોર્ટ રચાય તે નિશ્ચિત કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો