ડીસામાં દલિત પરિવારે કંકોત્રીમાં 'સિંહ' લખાવતા મળી ધમકીઓ

કંકોત્રીની તસવીર Image copyright Bhargav Parikh

ડીસા પાસે ગોલ ગામમાં લગ્નની કંકોત્રીમાં નામ પાછળ 'સિંહ' લખાવવાને કારણે કથિત રીતે એક દલિત પરિવારને ધમકીઓ મળી રહી છે. સાથે જ લગ્નપ્રસંગ ખોરવી નાખવાની ધમકીઓ મળી રહી છે.

ગુજરાતમાં નામની સાથે 'સિંહ' જોડવાને સન્માનના પ્રતીક તરીકે જોવામાં આવે છે. રાજપૂતોમાં પુરુષોમાં નામની સાથે 'સિંહ' લગાડવાની પરંપરા છે.

પોલીસે ફોન નંબર્સના આધારે આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે તથા જરૂર પડ્યે લગ્ન પ્રસંગ દરમિયાન પોલીસ સુરક્ષા આપવાની તૈયારી દાખવી છે.

ડીસા પાસે આવેલા ગોલ ગામ ખાતે રહેતા સેંધાભાઈ ભદરૂના કહેવા પ્રમાણે, "નાના દીકરા હિતેશના લગ્નની કંકોત્રીમાં બાબાસાહેબ આંબેડકરનો ફોટોગ્રાફ છપાવવામાં આવ્યો છે.

"લગ્નવિધિમાં બુદ્ધ સ્થાપના લખવામાં આવ્યું છે. ઉપરાંત કંકોત્રીમાં 'જય ભીમ' તથા 'નમો બુદ્ધાય' લખેલું છે.

"સાથે જ અમે પરિવારના બાળકોના નામ સાથે 'સિંહ' લખાવ્યું છે એટલે અમને ધમકીઓ મળી રહી છે. "

સેંધાભાઈ પુત્ર કાનજીભાઈ પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. તેમના નાનાભાઈ હિતેશના 12મી મેના લગ્ન નિર્ધારવામાં આવ્યા છે.

પરિવારમાં ફફડાટ

Image copyright Bhargav Parikh
ફોટો લાઈન સેંધાભાઈ ભદરૂ

સેંધાભાઈએ બીબીસી સાથે વાતચીતમાં કહ્યું, "અમે અમારા નામ પાછળ 'સિંહ' લખાવ્યું તેના કારણે અમારું જીવવું હરામ થઈ ગયું છે.

"અમને રોજ ધમકીઓ મળે છે. હવે અમને લગ્નની ખરીદી કરવા જતાં પણ ડર લાગી રહ્યો છે.

"અમારી બહેન દીકરીઓને ઉઠાવી જવાની ધમકીથી ઘરમાં ગભરાટનો માહોલ ફેલાયો છે."

સેંધાભાઈના મોટા દીકરા કેસરભાઈ કહે છે, "અમને મળતી ધમકીની વાત અમારા સમાજમાં ચારેતરફ ફેલાઈ ગઈ છે, ત્યારે અમારા ત્યાં લગ્નમાં કોણ આવશે એ એક સવાલ છે.

"અમને ડર છે કે અમારા લગ્નપ્રસંગમાં ધિંગાણું થશે તો બહેન દીકરીઓ સલામત નહીં રહે."

Image copyright Bhargav Parikh

તપાસનીશ પોલીસ અધિકારી જે. એન. ખાંટે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમારી પાસે આવેલી ફરિયાદને અમે ગંભીરતાપૂર્વક લીધી છે.

કયા નંબર પરથી ફોન આવ્યા છે તેની વિગતો પણ મળી છે. જેના આધારે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય વિભાગના મંત્રી ઇશ્વર પરમારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું:

"દરેકને પોતાની નામ પાછળ કંઈ પણ લખાવવાની છૂટ છે. આ પ્રકારે દલીતોને ધમકી આપી શકાય નહીં.

"જો પરિસ્થિતિ વણસે તેવું લાગશે તો સરકાર દલિત પરિવારને લગ્ન દરમિયાન સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડશે."

રાજ્યમાં દલિત અત્યાચારના બનાવો

Image copyright AFP
  • જુલાઈ-2016માં ઉનામાં ગોરક્ષકોના હુમલાનો ભોગ બનેલા ઉનાના સરવૈયા પરિવારના સભ્યોએ ગત મહિને કથિત બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. ઉનામાં મૃત પશુઓનું ચામડું ઉતારવાના કામ સાથે સંકળાયેલા દલિતો સાથે મારઝૂડ બાદ અનેક દલિત પરિવારોએ ચામડું ઉતારવાનું પરંપરાગત કામ છોડવાની પ્રતિજ્ઞા લીધી હતી.
  • માર્ચ-2018માં ભાવનગર જિલ્લાના ટીંબી ગામ ખાતે ઘોડો રાખવાના કારણસર દલિત યુવકની હત્યા કરવામાં આવી હતી. પરિવારે રાજપૂતો સામે ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં પોલીસ તપાસ બાદ છેડતીનો મામલો સામે આવ્યો હતો.

  • ઓક્ટોબર-2017માં મૂછો રાખવાના કારણસર ગાંધીનગરમાં દલિત યુવકો પર હુમલો કરવામાં આવ્યો હતો. આવી કેટલીક ઘટનાઓ બાદ દલિત યુવકોએ વૉટ્સઍપ તથા ફેસબુકના પ્રોફાઇલ ફોટોઝ તશા સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર #MrDalit અને #DalitWithMoustache સાથે મૂછને તાવ દેતી તસવીરો પોસ્ટ કરી હતી.
  • ઓક્ટોબર-2017માં નવરાત્રિ દરમિયાન આણંદમાં ગરબા જોવા ગયેલા દલિત યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. આ સંદર્ભે આઠ પાટીદારોની ધરપકડ કરવામાં આવી હતી.
  • 2012માં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે પોલીસ ફાયરિંગમાં ત્રણ દલિત યુવકોના મૃત્યુ થયા હતા. એ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. ઘટનાની તપાસ કરવા માટે ત્રણ સભ્યોની સમિતિ નીમવામાં આવી હતી. જોકે, તેનો અહેવાલ હજુ પણ જાહેર કરવામાં નથી આવ્યો.

ગુજરાતમાં દલિતોની સ્થિતિ

Image copyright Unknown
  • આજે પણ ગુજરાતના અનેક ગામડાંઓમાં દલિતોને મંદિરમાં પ્રવેશવા દેવામાં નથી આવતાં. મૃત્યુબાદ પણ ભેદભાવ ચાલુ રહે છે અને કેટલાક ગામડાંઓમાં દલિતોને માટે અલગ સ્મશાનગૃહ હોય છે.
  • નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે, વર્ષ 2016માં શિડ્યુલ કાસ્ટ્સ પર અત્યાચારના 1322 કિસ્સા નોંધાયા હતા. વર્ષ 2015માં આ આંકડો 1010નો હતો.
  • દલિતો પર અત્યાચારના મામલે (પ્રતિ લાખ દીઠ) ગુજરાતનો સમાવેશ દેશના 'સૌથી ખરાબ પાંચ રાજ્યો'માં થાય છે.
  • એપ્રિલ-2018માં સુપ્રીમ કોર્ટે એસસી-એસટી એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં તત્કાળ ધરપકડ કરવામાં ન આવે. સાત દિવસની અંદર પ્રાથમિક તપાસ પૂર્ણ કરવામાં આવે અને જો જરૂર જણાય તો જ ધરપકડ કરવામાં આવે.
  • દલિત તથા માનવ અધિકાર કાર્યકર્તાઓ માગ કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર વટહુકમ લાવીને દલિતોના અધિકારને પુનઃસ્થાપિત કરે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ