અલીગઢ યુનિ. વિવાદ: 'પોલીસે અચાનક જ લાઠીચાર્જ શરૂ કરી દીધો'

યુનિવર્સિટીના અધ્યક્ષ મસકૂર અહમદુસ્મની Image copyright MASKOOR AHMADUSMANI/BBC
ફોટો લાઈન યુનિવર્સિટીના અધ્યક્ષ મસકૂર અહમદુસ્મની

"AMUના ગદ્દારોને, જૂતા મારો ****ને, ભારતમાં ઝીણાનું સન્માન...નહીં ચલાવી લેવાય-નહીં ચલાવી લેવાય, જય શ્રી રામ-જય શ્રી રામ, ભારતમાં જો રહેવું હશે તો વંદે માતરમ કહેવું પડશે."

બુધવારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની બહાર કથિત રીતે ઉપરોક્ત નારા લાગ્યા હતા.

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીનું ભાષણ શરૂ થવાનું હતું તે પહેલા જ આ નારેબાજીને કારણે વિદ્યાર્થીઓ મેઇન ગેટ તરફ દોડી ગયા હતા.


શું થયું હતું બુધવારે?

Image copyright TABISH/BBC

યુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરી રહેલા મોહમ્મદ તબીશ આ નારેબાજીના પ્રત્યક્ષદર્શી છે. તેમના કહેવા પ્રમાણે:

"બપોરે ત્રણેક વાગ્યે હોસ્ટેલમાંથી બહાર નીકળી રહ્યો હતો, ત્યારે જોયું કે 30-35 યુવકો 'જય શ્રી રામ, જય શ્રી રામ'ના નારા લગાવતા યુનિવર્સિટીમાં પ્રવેશ્યા હતા.

"તેમના હાથમાં દેશી તમંચા, પિસ્તોલ તથા લોખંડના સરિયા અને ધારદાર હથિયાર હતા.

"અમારા પ્રૉક્ટરે તેમને અટકાવવા પ્રયાસ કર્યા, પરંતુ આ શખ્સોએ તેમની સાથે પણ ગેરવર્તણૂક કરી હતી."

તબીશ ઉમેરે છે, "ત્યારબાદ પોલીસની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો.

"જોકે, વિદ્યાર્થીઓએ બહારના શખ્સોની ધરપકડની માગ કરતા પોલીસે અમારી ઉપર ટિયર ગેસના સેલ્સ છોડ્યા.

"અમે એફઆઈઆર નોંધાવવા પોલીસ સ્ટેશને જઈ રહ્યા હતા ત્યારે પોલીસ અમારી સાથે હતી.

"પરંતુ અચાનક ક્યાંકથી આદેશ મળ્યો એટલે પોલીસે લાઠીચાર્જ શરૂ કરી દીધો, જેમાં અનેક વિદ્યાર્થી ઘાયલ થયા."


યુનિવર્સિટીમાં પ્રવેશ ઇચ્છે છે સંઘ

Image copyright TABISH/BBC

યુનિવર્સિટીમાં રાજનીતિ શાસ્ત્ર ભણાવતા પ્રાધ્યાપક મોહિબુલ હક કહે છે, "હું 20 વર્ષથી યુનિવર્સિટીમાં ભણાવું છું.

"મેં ક્યારેય વિદ્યાર્થીઓ વચ્ચે તણાવ નથી જોયો. એકબીજા પ્રત્યે સન્માન રહે છે."

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા ત્યારનો દુર્લભ વીડિયો

તબીશનું કહેવું છે, "રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ યુનવર્સિટીમાં પ્રવેશવા માગે છે. યુનિવર્સિટીને બદનામ કરવા કાવતરું ચાલી રહ્યું છે.

"તેઓ ઇચ્છે છે કે ગમેતેમ કરીને યુનિવર્સિટીમાં પ્રવેશે અને પછી અમારા વિદ્યાર્થી સંઘને અસર કરે."


ઝીણાની તસવીર મુદ્દે વિવાદ

Image copyright TWITTER/MAHEISHGIRRI

તાજેતરમાં ભાજપના સાંસદ સતીશ ગૌતમ તથા મહેશ ગિરીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મોહમ્મદ અલી ઝીણાની તસવીર લગાડવાના મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા.

સાંસદ મહેશ ગિરીએ બીબીસી સાથે વાતચીતમાં કહ્યું, "એએમયુમાં ઝીણાની તસવીર લગાડવાની હું કડક ભાષામાં ટીકા કરું છું.

"1947માં પાકિસ્તાને લાલા લાજપત રાયની પ્રતિમા તોડી નાખી હતી. ફાધર ઑફ લાહોર સર સંગારામની પ્રતિમાને તોડી પાડવામાં આવી હતી.

"કરાચી હાઈ કોર્ટમાં મૂકવામાં આવેલી ગાંધીજીની પ્રતિમાને બચાવવા માટે ઇન્ડિયન હાઈ કમિશન ખાતે શિફ્ટ કરવી પડી હતી.

"ત્યારે ઝીણાની તસવીર લગાડવાની શું જરૂર છે ? આ બધું વિવાદ ઊભા કરવા માટે કરવામાં આવી રહ્યું છે."

Image copyright Getty Images

ઇતિહાસના પ્રોફેસર મોહમ્મદ સજ્જાદે બીબીસી સંવાદદાતા વિકાસ ત્રિવેદીને કહ્યું:

"એવી વિચારધારા ચાલી રહી છે કે ભાગલા માટે મુસ્લિમો જવાબદાર છે તથા તેઓ દેશદ્રોહી છે તેવો અપરાધબોધ ભારતના મુસલમાનોને કરાવો.

"જેથી ધ્રુવીકરણ કરી શકાય. કૈરાનાની પેટા ચૂંટણી તથા 2019ની લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને આ બધુંય કરવામાં આવી રહ્યું છે.

"બેકારી, મોંઘવારીના મુદ્દે કશું કર્યું નથી એટલે ધ્રુવીકરણનો આશરો લઈ રહ્યાં છે."


પોલીસનું કથન

Image copyright MASKOOR AHMADUSMANI/BBC

અલીગઢના એસએસપી અજય કુમાર સાહનીએ પત્રકાર સમીરાત્મજ મિશ્રને કહ્યું, "પોલીસે લાઠીચાર્જ નહીં હળવો બળપ્રયોગ કર્યો હતો. તેનાથી સામાન્ય ઇજાઓ થઈ છે.

સાથે જ ઉમેરે છે, "કેટલાક લોકોએ વિદ્યાર્થીઓને ઉશ્કેરીને પોલીસ પર પથ્થરમારો કરાવ્યો. પોલીસને લાગ્યું કે જાહેર સંપત્તિને નુકસાન થઈ શકે છે.

"ત્યાં એડીએમ (સિટી) તથા એસપી (સિટી) જેવા અધિકારીઓ હાજર હતા.

"તેમણે નુકસાનને અટકાવવા માટે હળવો બળપ્રયોગ કર્યો હતો. કેટલાક પોલીસ કર્મચારીઓને પણ ઇજાઓ પહોંચી છે. અત્યારસુધી કોઈની ધરપકડ નથી થઈ.

"પોલીસે વીડિયો તથા ફોટોગ્રાફ્સના આધારે ઓળખવિધિ હાથ ધરી છે. ત્યારબાદ કાર્યવાહી હાથ ધરાશે."

ઝીણાની તસવીર મુદ્દે વિવાદ

Image copyright TABISH/BBC
  • યુનિવર્સિટીના યુનિયન હૉલમાં પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી ઝીણાની તસવીર લગાડવાના મુદ્દે વિવાદ ઊભો થયો
  • ભાજપના સાંસદ સતીશ ગૌતમ તથા મહેશ ગિરીએ ઝીણાની તસવીરની ટીકા કરી
  • બુધવારે કેટલાક યુવકોએ યુનિવર્સિટી પરિસરમાં કથિત રીતે અભદ્ર નારેબાજી કરી
  • વિદ્યાર્થીઓએ બહારના લોકોની ધરપકડની માગ કરી
  • પોલીસે લાઠીચાર્જ કર્યો, જેમાં અનેક વિદ્યાર્થી ઘાયલ થયા.
  • એએમયુના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી ગેટ પર વિરોધ પ્રદર્શન કર્યા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ