વિમાનમાં બેઠાંબેઠાં હવે તમે આ રીતે કરી શકશો કૉલ!

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

જે ઘડીની રાહ જોવાઈ રહી હતી તે આવવાની તૈયારીમાં છે. આજથી થોડા મહિના બાદ ભારતમાં વિમાનમાં મુસાફરી કરનારા લોકોને સફર દરમિયાન કૉલ કરવાની અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની તક મળશે.

મોદી સરકારે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ઊડ્ડયનોમાં બન્ને સેવાઓ આપવા માટેની મંજૂરી આપી દીધી છે.

શરત માત્ર એટલી જ કે વિમાન 3000 મીટરથી વધુ ઊંચાઈ પર ઉડતું હોવું જોઈએ.

આ માટે યાત્રીઓને કેટલા રૂપિયા ચૂકવવા પડશે એ હજી સ્પષ્ટ કરાયું નથી.

પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ મોબાઇલ સેવા કરતાં આ સેવા ઘણી મોઘીં હશે કારણ કે વિમાન કંપનીઓને આ માટે શરૂઆતના ધોરણે ઘણું મોટું રોકાણ કરવું પડશે.

તમે આ વાંચ્યું કે નહીં?

ટેલીકૉમ સેક્રેટરી અરુણા સુંદરરાજનનું કહેવું છે કે, "ટ્રાઈએ સલાહ આપી હતી કે 3000 મીટરની ઊંચાઈ પર વિમાનોમાં ડેટા અને વૉઈસ સર્વિસ આપવામાં આવશે."

જ્યારે તેમને એમ પૂછવામાં આવ્યું કે વિમાનમાં આ સેવા ક્યારથી શરૂ થશે તેના જવાબમાં તેમણે કહ્યું, "ઓછામાં ઓછા ત્રણથી ચાર મહિનામાં."


પરંતુ આ સેવા કેવી રીતે કામ કરશે?

Image copyright Getty Images

આ જાહેરાત બાદ સૌ પ્રથમ મનમાં એ વિચાર આવ્યો કે વિમાનમાં કૉલ કરવાની અને ઇન્ટરનેટ ચલાવવાની સુવિધા કેવી રીતે આપવામાં આવશે?

જો આ શક્ય છે તો અત્યાર સુધી દુનિયાનાં મોટાભાગનાં વિમાનોમાં આ સગવડો કેમ આપવામાં આવતી નહોતી? ઇન્ટરનેટ સુવિધા આપવાને બદલે કેટલા પૈસા લેવામાં આવશે?

સૌથી પહેલાં એક વાત, કે 20-30- હજાર ફૂટની ઊંચાઈ પર ઊડી રહેલાં વિમાનોમાં ઇન્ટરનેટ કેવી રીતે આપવામાં આવે છે. તેની બે રીત છે.

  • પહેલું જમીન પર ઉપલ્બધ મોબાઇલ બ્રૉડબેન્ડ ટાવરની મદદથી જે વિમાનના ઍન્ટિના સુધી સિગ્નલ પહોંચાડે છે. જેમજેમ વિમાન જુદાજુદા વિસ્તારોમાંથી પસાર થાય છે તેમતેમ આપમેળે જ નજીકના ટાવરમાંથી સિગ્નલ ક્નેક્ટ કરી લે છે. આમ સૈદ્ધાંતિક રીતે તમારું ઈન્ટરનેટ ક્યારેય બંધ નહીં થાય અને તમે આરામથી સર્ફિંગ કરી શકશો.

પરંતુ જ્યારે વિમાન મોટી નદી,સરોવર કે પછી દરિયાની ઉપરથી પસાર થશે ત્યારે તમને કનેક્ટિવિટીમાં અડચણ આવી શકે છે.

  • બીજી રીત છે સેટેલાઇટ ટેક્નોલૉજી. વિમાન જિઓસ્ટેશનરી ઑર્બિટ(ભૂ સ્થિત કક્ષા, પૃથ્વીથી 35,786 કિલોમીટર)માં ઉપલબ્ધ સેટેલાઈટ સાથે ક્નેક્ટ થાય છે, જે રિસીવર અને ટ્રાન્સમીટરને સિગ્નલ મોકલે છે અને પકડે છે. આ એ જ સેટેલાઇટ છે જે ટેલીવિઝન સિગ્નલ, વાતાવરણની આગાહી અને સૈન્ય અભિયાનોમાં વપરાય છે.

આમાં સ્માર્ટફોનમાંથી નીકળતાં સિગ્નલને વિમાન ઉપર લાગેલા ઍન્ટિના દ્વારા સૌથી નજીકના સેટેલાઇટ સિગ્નલ સાથે ક્નેક્ટ કરવામાં આવે છે.

સેટેલાઇટ દ્વારા સૂચના વિમાનમાં મોકલવામાં કે પ્રાપ્ત કરવામાં આવે છે. ઑન-બોર્ડ રુટર વડે વિમાનના મુસાફરોને ઇન્ટરનેટ પૂરું પાડવામાં આવે છે.


કેટલો ખર્ચ કરવો પડશે?

Image copyright Getty Images

સમ્રગ દુનિયામાં એવી લગભગ 30 વિમાન કંપનીઓ છે જે વિમાનમાં કૉલ કરવા અને ઇન્ટરનેટ ચલાવવાની સુવિધા પૂરી પાડે છે. પરંતુ ભારતીય વાયુ ક્ષેત્રમાં આવું કરવામાં આવતું નથી.

ઈટી અનુસાર- ઘરેલું ઉડ્ડયનોમાં કરાનારા કૉલનો ભાવ 125 થી માંડીને 150 સુધી હોઈ શકે છે. કારણ કે વિમાન કંપનીઓએ તેના માટે લાખો ડોલરનો ખર્ચ કરવો પડશે.

જોકે, તેનાથી તેમને વિદેશી કંપની સામે બાથ ભીડવામાં મદદ મળશે અને વધારાની કમાણીના માર્ગ ઊઘડશે.

નાનાં વિમાનો રાખનારી ઘરેલું વિમાની કંપનીઓને એક વખતમાં 20 કરોડ ડોલર ખર્ચ કરવો પડી શકે છે.

એમિરેટ્સ એરલાઈન્સ શરૂઆતના 20 એમબી મફત આપે છે ત્યાર બાદ 150 એમબી માટે 666 રૂપિયા અને 500 એમબી ડેટા માટે 1066 રૂપિયા ખર્ચવાના રહે છે.

જોકે, બિઝનેસ ક્લાસ અને ફર્સ્ટ ક્લાસના મુસાફરોને ઇન્ટરનેટ સેવા મફત પુરી પાડવામાં આવશે.


સુરક્ષાનું શું?

Image copyright Getty Images

મોંઘુ હોવાની સાથેસાથે વિમાનમાં ઇન્ટરનેટ ઉપલ્બધ કરાવવાની બાબતે એક મોટી ચિંતા છે વિમાનની સુરક્ષા.

લગભગ ત્રણ વર્ષ પહેલાં આવેલા એક રિપોર્ટમાં જણાવાયું હતું કે જે વિમાનોમાં ઇન-ફ્લાઇટ વાઈ-ફાઈ હોય છે, તેની સિસ્ટમને વિમાન કે જમીન પરથી હેક કરવું સરળ હોય છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે કેબિનમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટિને વિમાન અને બહારની દુનિયા સાથે સીધી કડી ગણવામાં આવે છે. જેનો સીધો અર્થ છે જોખમ માટેનો ખુલ્લો રસ્તો.

અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે દરેક પ્રકારના આઈપી નેટવર્ક પર સાઇબર હુમલાઓ થઈ શકે છે.

ભલે પછી એ ઈન-ફ્લાઈટ વાયરલેસ ઇન્ટરનેટ સિસ્ટમ હોય, ઇન્ટરનેટ બેસ્ટકૉકપિટ કમ્યુનિકેશન હોય કે પછી ન્યૂ જનરેશન એયર ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ હોય, જે 2025 સુધી અમલી બનશે.

રિપોર્ટ અનુસાર આઈપી નેટવર્કિંગ વડે હુમલો કરનારા એવિયોનિક્સ સિસ્ટમ સુધી રિમોટ વડે પહોંચી શકાય છે અને હુમલો કરવાની તક મળે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ