BBC SPECIAL: 'કોઈ જાનવરનો શિકાર પણ આ રીતે ન કરે, તેમને ફાંસીએ લટકાવો'

  • રવિ પ્રકાશ
  • બીબીસી ગુજરાતી માટે, જહાનાબાદથી
પીડિત સગીરાનાં મા

ઇમેજ સ્રોત, RAVI PRAKASH/BBC

'એ લોકોએ મારી દીકરીને પીંખી નાખી. કોઈ જાનવરનો પણ આ રીતે શિકાર કરતું નથી. હવે અમે શું કહીએ. તે લોકોને ફાંસીના માચડે ચઢાવી દેવા જોઈએ. મારી પૌત્રી મારી સાથે જ ઊંઘતી હતી. તે દિવસે તે ઘરે પરત ફરી તો રડી રહી હતી. ઘણી વખત તેને પૂછ્યું, પણ તે કંઈ જ બોલી નહીં. 29 તારીખે જ્યારે પોલીસ ઘરે પહોંચી તો આખી ઘટના વિશે ખબર પડી. તેમને મોતની સજા મળે.'

રાજકુમારી દેવી હવે રડવાં લાગ્યાં છે. તેનાથી આગળની વાતચીત થઈ શકતી નથી.

તેઓ એ રંભા કુમારીનાં દાદી છે, જેમની સાથે છેડતી અને ખુલ્લેઆમ કપડાં ફાડી નાખવાનો વીડિયો આખા દેશમાં વાઇરલ થઈ ચૂક્યો છે. આ કારણોસર તેઓ મનથી ભાંગી ગયા છે.

આ રિપોર્ટમાં પીડિતા અને તેમનાં પરિવારના દરેક સભ્યોનાં નામ બદલાયેલા છે.

લગભગ 70 વર્ષીય રાજકુમારી દેવી સાથે મારી મુલાકાત જહાનાબાદની એક ખાનગી હોસ્પિટલમાં થઈ, જ્યાં તેઓ તેમનાં પરિણીત દીકરીનું ઑપરેશન કરાવવા પહોંચ્યાં હતાં.

દિલ્હીમાં છે પીડિતાના પિતા

ઇમેજ સ્રોત, RAVI PRAKASH/BBC

તેમણે મને જણાવ્યું કે રંભાના પિતા (તેમના સૌથી મોટા દીકરા)ને તેમણે આ ઘટના અંગે કંઈ જણાવ્યું નથી.

તેઓ દિલ્હીમાં મજૂરી કરે છે અને પોતાના ભાઈ સાથે દિલ્હીમાં રહે છે.

રાજકુમારી દેવીનાં પતિ, ત્રણ દીકરા, વહુઓ અને પૌત્ર-પૌત્રીઓ તેમની સાથે ગામડામાં રહે છે.

રંભા તેમનાં પરિવારનું સૌથી મોટું સંતાન છે અને રવિદાસ મહોલ્લાની એકમાત્ર દીકરી, જે જહાનાબાદ જઈને ભણે છે.

દલિત વસતી ધરાવતા ગામની વાત

ઇમેજ સ્રોત, RAVI PRAKASH/BBC

થોડીવાર બાદ હું જહાનાબાદથી બે કિલોમીટર દૂર નેશનલ હાઈવે નંબર 83ના કિનારે વસેલા એક ગામના એ રવિદાસ મહોલ્લામાં હતો, જ્યાં રંભાકુમારીનું મકાન છે.

રવિદાસ મોહલ્લામાં આશરે 400 ઘર છે. અહીં રવિવાદસ જાતિના લોકો રહે છે.

બિહાર સરકારે તેમને મહાદલિત શ્રેણીમાં મૂક્યા છે. ગામમાં સૌથી વધારે વસતી આ જ લોકોની છે.

બીજા નંબર પર માંઝી છે. ગામમાં યાદવો અને મુસ્લિમોના ઘર પણ છે, પરંતુ વધારે વસતી દલિતોની છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ સમાજના લોકોને ઘણા વર્ષો પહેલા મુસ્લિમોએ જમીન આપીને અહીં વસાવ્યા હતા. એટલે તેમની પાસે જમીનના પાક્કા દસ્તાવેજ નથી.

આ કારણોસર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તેમની ઘર આપી શકાયા નહીં.

દલિતોના 90 ટકા ઘર કાચા છે અને મજૂરી કરીને ગુજરાન ચલાવે છે.

પોલીસ પ્રશાસનની ચોકસાઈ

ઇમેજ સ્રોત, RAVI PRAKASH/BBC

રંભાના ઘરે પહોંચવા માટે મારે સાંકડી ગલીઓમાંથી પસાર થવું પડ્યું. પરંતુ તેમનાં ઘરની બહાર પોલીસ તહેનાત છે. અંદર કોઈનો પણ પ્રવેશ પ્રતિબંધિત છે.

ઘણા કલાકો સુધી આજીજી કરી અને પોલીસ ત્યાંથી ગઈ પછી હું ઘરમાં પ્રવેશ મેળવી શક્યો.

આમ તો આ મકાન પાક્કું છે. તેની દિવાલો ઇંટથી બનેલી છે, પરંતુ તેમની ઉપર પ્લાસ્ટર નથી.

એક રૂમના દરવાજા પર પાતળી દોરીના સહારે પડદો લાગેલો છે. પડદાની પાછળ વાળા રૂમમાં એક ચોકી પર રંભાની સાથે કેટલીક છોકરીઓ બેઠી છે.

તેઓ બહાર જુએ છે. અમારી નજરો મળે છે, પરંતુ વાતચીત થઈ શકતી નથી. તેઓ વાત કરવાની ના પાડી દે છે.

માતાની તકલીફ, આક્રોશ અને ઉત્તેજના

ઇમેજ સ્રોત, RAVI PRAKASH/BBC

હું રંભા કુમારીના માતા તેતરી દેવી (બદલાયેલું નામ)ની વાત સાંભળી રહ્યો છું. તેઓ કાચી ફર્શ પર બેસીને અમારી સાથે વાત કરે છે.

આ ફર્શને ગોબર અને માટીના લેપથી તૈયાર કરવામાં આવી છે. મેં તેમને પૂછ્યું કે કેવી રીતે થયું આ બધું.

તો તેઓ ગુસ્સામાં મને પૂછે છે, "તમે લોકો જણાવો કે કેવી રીતે થયું. મારી દીકરી 25 એપ્રિલના રોજ જહાનાબાદના કોચિંગ સેન્ટરમાં ભણવા ગઈ હતી. તેને સવારે નવ વાગ્યે રજા મળી ગઈ હતી.

"ત્યારબાદ તેની એક બહેનપણીના પુરુષ સંબંધીએ રંભાને પોતાની બાઇક પર ઘરે મૂકી દેવા કહ્યું. બન્ને સાથે આવી રહ્યા હતા, ત્યારે જ આ ઘટના ઘટી."

આ ઘટના અંગે વધારે પૂછવા પર તેતરી દેવી પોતાની પીડા પર કાબૂ મેળવી શકતાં નથી અને તેઓ અચાનક ઉત્તેજિત થઈને કહે છે, "આ બધું મને ખબર નથી અને તમે લોકો પણ નીકળો."

જોકે, મારા નીકળતા નીકળતા તેઓ ભરોસો વ્યક્ત કર છે કે તેમની દીકરી આ ઘટનાની તકલીફમાંથી બહાર આવી જશે.

તેઓ કહે છે, "મારી દીકરીએ શું ભૂલ કરી છે કે તેને કોઈ બોલશે.

"હવે તેણે વધારે મન લગાવીને ભણવું પડશે. ભણી ગણીને ઑફિસર બનશે તો લોકો બધી વાતો ભૂલી જશે."

ત્યારબાદ મારી મુલાકાત તેમનાં પાડોશી પરછૂ રવિદાસ સાથે થાય છે.

રવિદાસ મહોલ્લાના પરછૂ રવિદાસે કહ્યું કે હવે સરકારે આગળ આવીને રંભાના શિક્ષણનો ખર્ચ ઉઠાવવો જોઈએ. રંભાને સુરક્ષા આપવી જોઈએ જેથી તે શિક્ષણ પૂર્ણ કરી શકે.

માત્ર એક આરોપી ફરાર

ઇમેજ સ્રોત, RAVI PRAKASH/BBC

25 એપ્રિલના રોજ ઘટેલી આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ ગઠિત બિહાર પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ છેડતી અને તેનો વીડિયો વાઇરલ કરનારા કુલ 13 આરોપીઓમાંથી 12ની ધરપકડ કરી લીધી છે.

જહાનાબાદના એસપી મનીષે બીબીસીને જણાવ્યું, "હવે માત્ર એક આરોપી ફરાર છે, જે રંભાને લઈને ભરથુહા ગયો હતો."

તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે જલદી આ મામલે નિર્ણાયક તપાસ કરી લઇશું અને અંતિમ આરોપી પણ અમારી પકડમાં હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો