સામ પિત્રોડા: ભારતમાં ટેલિકૉમ ક્ષેત્રે ક્રાંતિ લાવનારની પ્રેમ કહાણી

  • રેહાન ફઝલ
  • બીબીસી સંવાદદાતા
સામ પિત્રોડા

ઇમેજ સ્રોત, SAM PIITRODA

વધારે સમય નથી વિત્યો જ્યારે ભારતમાં ટેલિફોનનો ઉપયોગ એક પેપરવેઇટની જેમ થતો હતો.

ટેલિફોનનું ઉપકરણ એટલું ભારે હતું કે ઘણા લોકો તેને એ ડરથી ઉઠાવતા ન હતા કે તેમને ક્યાંક હર્નીયા ન થઈ જાય.

એક મજાક એવી પણ થતી કે ક્યારેક ક્યારેક માતાપિતા પોતાનાં તોફાની બાળકોને નિયંત્રણમાં લાવવા ટેલિફોનનાં ભારે રિસીવરનો ઉપયોગ કરતાં હતાં.

કહેવાનો મતલબ એ છે કે ટેલિફોનનો પરસ્પર સંપર્ક સ્થાપિત કરવા માટે ક્યારેક જ ઉપયોગ થતો હતો.

'ડેડ ટેલિફોન' ભારતીય સંસ્કૃતિની એક પ્રખ્યાત કહેવત બની ગયો હતો.

પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીનું ઘર પણ આ મુશ્કેલીમાંથી છુટી શક્યું ન હતું.

ભારતમાં દર 100માંથી માત્ર 0.4 ટકા લોકો પાસે ટેલિફોન હતા. તેમાંથી 55 ટકા ફોન શહેરી વિસ્તારમાં રહેતા સાત ટકા લોકો પાસે હતા.

આ પરિસ્થિતિને બદલવાનો શ્રેય જો કોઈ વ્યક્તિને આપી શકાય છે તો તે છે સામ પિત્રોડા.

સામની યાત્રાની શરૂઆત ઓડિશાના બોલાંગીર જિલ્લાનાં એક નાનાં ગામ ટીટલાગઢમાં થઈ હતી. સામના દાદા સુથાર અને લુહારનું કામ કરતા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

અલગ અલગ પ્રકારના શોખ

ઇમેજ સ્રોત, SAM PITRODA

ઇમેજ કૅપ્શન,

આ તસવીર સામ પિત્રોડાએ તેમના પૈતૃક નિવાસ ટિટલાગઢમાં લીધી હતી

તે જમાનામાં સામનો સૌથી પ્રિય શોખ હતો પોતાનાં ઘરની સામેથી પસાર થતી રેલવે લાઇન પર દસ પૈસાનો સિક્કો મૂકવો. ટ્રેન પસાર થઈ ગયા બાદ કચડાયેલા સિક્કાને શોધીને ભેગાં કરવાં.

સામના પિતા ઇચ્છતા હતા કે તેઓ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા શીખે.

તે માટે તેમણે સામને અને તેમના મોટા ભાઈ માણેકને ભણવા માટે પહેલાં ગુજરાતમાં વિદ્યાનગર સ્થિત શારદા મંદિર બોર્ડિંગ સ્કૂલ મોકલ્યા અને પછી તેમને બરોડા યુનિવર્સિટીમાં મોકલ્યા હતા.

ત્યાંથી જ તેમણે ભૌતિકશાસ્ત્રમાં પ્રથમ શ્રેણીમાં એમએસસીની પરીક્ષા પાસ કરી. ત્યાં જ તેમની મુલાકાત ભાવિ પત્ની અનુ છાંયા સાથે થઈ.

જ્યારે તેમણે પહેલી વખત અનુને જોયાં, ત્યારે તેઓ તડકામાં પોતાના વાળ સૂકવી રહ્યાં હતાં.

સામ યાદ કરે છે, "મેં જ્યારે પહેલી વખત તેમને જોયાં, ત્યારે જ હું તેમને મારું મન આપી બેઠો હતો. તે સમયે મારી ઉંમર માત્ર વીસ વર્ષની હતી."

"આજની જેમ તે જમાનામાં પણ મારી પાસે એક ડાયરી રાખતો, તેમાં મેં લખ્યું કે આ યુવતી સાથે હું લગ્ન કરીશ."

સામનો પ્રેમ પ્રસંગ

ઇમેજ સ્રોત, SAM PITRODA

ઇમેજ કૅપ્શન,

પહેલી નજરે જ સામ પિત્રોડાને અનુ છાંયા ગમી ગયાં હતાં

પરંતુ અનુ સુધી પોતાની વાત પહોંચાડવામાં સામને દોઢ વર્ષનો સમય લાગી ગયો.

અમેરિકા જતાં પહેલાં તેઓ અનુનો હાથ માગવા તેમના પિતાને મળવા ગોધરા ગયા.

હજુ તો તેઓ દરવાજા પર જ હતા, કે ત્યાં તેમનો કૂતરું દોડતું આવ્યું અને સામના હાથ પર બચકું ભરી લીધું.

સામ તેનાથી એટલા પરેશાન થયા કે તેમના મોઢામાંથી એક શબ્દ પણ નીકળી ન શક્યો અને અનુનો હાથ માગવાની વાત તેમના મનમાં જ રહી ગઈ.

ઇમેજ સ્રોત, SAM PITRODA

ઇમેજ કૅપ્શન,

પોતાના દિલની વાત અનુસુધી પહોંચાડતા સામને દોઢ વર્ષ લાગ્યું હતું

જ્યારે સામ પિત્રોડા શિકાગો પહોંચ્યા તો તેમણે અમેરિકન સંસ્કૃતિમાં ઢળવા માટે ભારે મથામણ કરવી પડી હતી.

સામ યાદ કરે છે, "ત્યાં બધું જ નવું હતું, દરેક વસ્તુ અજીબ લાગતી હતી. લોકો અજીબ હતા, ખાન-પાન અજીબ હતું. ભાષા અજીબ હતી."

"પહેલી વખત મેં ત્યાં ડોર નૉબ જોયો. અમારે ત્યાં તો સાંકળ હતી. રિવૉલ્વિંગ દરવાજો પણ મેં પહેલી વખત જોયો. અમે સમજી ગયા કે જીવન હવે આગળ જોવા માટે છે, પાછળ જોવા માટે નહીં."

સામ જણાવે છે, "મારા માટે સૌથી મોટો સાંસ્કૃતિક ઝટકો એ હતો કે એક સાથે ઘણા લોકો બાથરૂમમાં સામૂહિક રૂપે નહાતા હતા અને એ પણ નગ્નાવસ્થામાં. નહાતા સમયે પણ તેઓ પરસ્પર વાતો કરતા હતા."

"આમ કરતાં મને ખૂબ શરમ આવી. એ માટે તેનાથી બચવા મેં રાત્રે 12 વાગ્યે નહાવાનું શરૂ કરી દીધું, જેથી હૉસ્ટેલનાં બાથરૂમમાં કોઈ હાજર ન હોય."

કૅશિયરે બદલ્યું નામ

ઇમેજ સ્રોત, SAM PITRODA

શિક્ષણ મેળવી લીધા બાદ સામે ટેલિવિઝન ટ્યૂનર બનાવતી કંપની ઑક ઇલેક્ટ્રોનિકમાં કામ કરવાનું શરૂ કર્યું.

ત્યાં સુધી સામનું નામ સત્યનારાયણ પિત્રોડા હતું. જ્યારે તેમને તેમના પગારનો ચેક મળ્યો તેમાં તેમનું નામ સામ લખાયેલું હતું.

જ્યારે તેઓ પગારનું કામકામજ જોતાં મહિલા પાસે તે અંગે ફરિયાદ લઈને ગયા તો તેમણે કહ્યું કે તમારું નામ ખૂબ લાંબુ છે, એ માટે મેં તેને બદલી નાખ્યું.

સામે વિચાર્યું કે કોઈ તેમની મરજી વગર કેવી રીતે તેમનું નામ બદલી શકે?

પરંતુ પછી તેમને વિચાર આવ્યો કે જો તેઓ ચેકમાં નામ બદલવા પર ભાર આપશે, તો તેમાં બે અઠવાડિયા જેટલો સમય લાગી જશે.

ત્યારે જ આ નામ તેમણે અપનાવી લીધું અને તેઓ સત્યનારાયણથી 'સામ' બની ગયા.

1974માં તેઓ દુનિયાની શરૂઆતની ડિજિટલ કંપનીઓમાંથી એક વિસ્કૉમ સ્વિચિંગમાં કામ કરવા લાગ્યા.

1980માં રૉકવેલ ઇન્ટરનેશનલે તેને ખરીદી લીધી. સામ આ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ બની ગયા અને તેમાં તેમની ભાગીદારી પણ થઈ ગઈ.

તેમણે તેને વેચી નાખવાનો નિર્ણય કર્યો અને વળતરમાં તેમને ચાલીસ લાખ ડોલર મળ્યા.

1980માં તેઓ દિલ્હી આવ્યા. આ પહેલાં તેઓ પંદર વર્ષની ઉંમરે એક કૉલેજ ટૂર પર માત્ર બે દિવસ માટે દિલ્હી આવ્યા હતા.

ટેલિફોનની દુનિયા બદલવાનો વિચાર

ઇમેજ સ્રોત, SAM PITRODA

તેઓ તે સમયે દિલ્હીની સર્વશ્રેષ્ઠ તાજ હોટેલમાં રોકાયા હતા. ત્યાં પહોંચતા જ તેમણે તેમનાં પત્ની અનુને ટેલિફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટેલિફોન લાગ્યો જ નહીં.

આગામી દિવસે સવારે જ્યારે તેમણે પોતાની હોટેલની બારીમાંથી જોયું તો નીચે રસ્તા પર ડેડ ફોનની પ્રતીકાત્મક અંતિમ યાત્રા પસાર થઈ રહી હતી.

મૃતદેહની જગ્યાએ તૂટેલા, કામ ન કરતા ફોન રાખવામાં આવ્યા હતા અને લોકો જોર જોરથી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

સામે તે જ સમયે નક્કી કર્યું કે તેઓ ભારતની ટેલિફોન વ્યવસ્થાને ઠીક કરશે.

26 એપ્રિલ 1984ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે સી-ડૉટની શરૂઆતની મંજૂરી આપી દીધી.

સામને એક રૂપિયા વાર્ષિક પગાર પર સી-ડૉટના પ્રમુખ બનાવવામાં આવ્યા.

ઇમેજ સ્રોત, SAM PITRODA

ઇમેજ કૅપ્શન,

આ જૂની તસવીરમાં સામ પિત્રોડા પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન સિંહ સાથે જોવા મળી રહ્યા છે

સામ જણાવે છે, "રુઝવેલ્ટના સમયે અમેરિકામાં લોકોએ દેશને પોતાની મફત સેવાઓ આપી હતી. અમારા જે મિત્રો અહીં હતા રજની કોઠારી, આશીષ નંદી, ધીરુભાઈ શેઠ તે બધાએ જ કહ્યું કે જો તમારે દેશની સેવા કરવી છે તો મન લગાવીને કામ કરો. "

તેઓ કહે છે, "મેં વિચાર્યું કે આ સમય ભારતને આપવાનો છે, તેની પાસેથી લેવાનો નહીં. ભારતે મને ઘણું બધુ આપ્યું હતું.

મેં દસ ડૉલરમાં અહીંથી ફિઝિક્સમાં માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરી. એ જમાનામાં પગાર તો મોટા ન હતા. દસ હજાર રૂપિયા મહિનાનો પગાર લઈને હું શું કરતો?"

આ પહેલાં સામે ઇન્દિરા ગાંધી અને તેમનાં મંત્રીમંડળની સામે એક કલાકનું પ્રેઝન્ટેશન આપ્યું.

સામ કહે છે, "અમે બેંગલુરુમાં હાર્ડવેર ડિઝાઇન કરવાનું શરૂ કર્યું. સૉફ્ટવેર માટે અમને દિલ્હીમાં જગ્યા મળી રહી ન હતી."

"રાજીવ ગાંધીએ સલાહ આપી કે તમે એશિયાડ વિલેજ જાઓ. જગ્યા તો સારી હતી, પણ ત્યાં એરકંડિશનિંગ ન હતું."

"દિલ્હીની ગરમીમાં એરકંડિશનિંગ ન હોય તો સોફ્ટવૅરનું કામ થઈ શકતું નથી. અકબર હોટેલમાં જગ્યા ખાલી હતી. અમે ત્યાં બે ફ્લોર લઈ લીધા."

ભારતમાં ટેલિફોનનો પ્રચાર પ્રસાર

ઇમેજ સ્રોત, SAM PITRODA

સામ જણાવે છે, "શરૂઆતમાં ફર્નિચર ન હતું. અમે છ મહિના ખાટલા પર બેસીને કામ કર્યું."

"અમે 400 યુવા એંજિનયરની ભરતી કરી. તેમને ટ્રેનિંગ આપવામાં આવી. ખબર પડી કે તેમાં કોઈ છોકરી નથી. પછી તેમાં છોકરીઓને લાવવામાં આવી."

થોડા જ મહિનામાં ભારતની દરેક ગલીમાં પીળા રંગના એસટીડી (સબસ્ક્રાઇબર ટ્રંક ડાયલિંગ) કે પીસીઓ (પબ્લિક કૉલ ઓફિસ) બૂથ દેખાવાં લાગ્યાં. આ અભિયાનમાં વીસ લાખ લોકોને રોજગારી મળી.

ફોન ભારતીય લોકોની સામાજિક ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું. બૂથ ચલાવતા લોકોએ ત્યાં સિગરેટ, પિપરમીટ અને દૂધ જેવી વસ્તુઓ પણ વેચવાનું શરૂ કરી દીધું.

ટેલિફોન હવે લક્ઝરી ન રહીને રોજીંદા જીવનની જરૂરી વસ્તુ બની ગયો હતો.

વીડિયો કૅપ્શન,

સાવધાન...આ કેરીઓ CCTVની નજર હેઠળ છે

સામ જણાવે છે, "અમે પહેલું ગ્રામીણ ઍક્સ્ચેન્જ બનાવ્યું અને પછી ડિજિટલ ઍક્સ્ચેન્જ બનાવ્યું. પછી તો દૂર સંચાર ક્રાંતિ શરૂ થઈ ગઈ, કેમ કે લોકો કુશળ બની ગયા. એ બીજ હતું જેની વાવણી અમે કરી હતી."

"દરેક વ્યક્તિ જેમણે ક્યારેક સી-ડૉટમાં કામ કર્યું, તે આજે કોઈ મોટા મૅનેજર છે, પ્રોફેસર છે કે પછી ઉદ્યમી છે. અમે એક દક્ષતા ઉત્પન્ન કરી અને પછી મલ્ટીપ્લાયર પ્રભાવ શરૂ થઈ ગયો."

ઇમેજ સ્રોત, SAM PITRODA

દરમિયાન સામને ટેલિકોમ આયોગના અધ્યક્ષ બનાવી દેવાયા.

તે દરમિયાન પ્રખ્યાત કંપની જનરલ ઇલેક્ટ્રિકના અધ્યક્ષ જૈક વેલ્ચ ભારત આવ્યા. તેઓ રાજીવ ગાંધીને મળવાના હતા, પરંતુ તેઓ કોઈ જરૂરી કામમાં વ્યસ્ત હતા.

રાજીવે જીઈના અધ્યક્ષને મળવા માટે સામને મોકલ્યા. વેલ્ચે પહેલો સવાલ કર્યો, "અમારા માટે તમારી પાસે શું પ્રસ્તાવ છે?"

સામે કહ્યું, "અમે તમને સોફ્ટવૅર વેચવા માગીએ છીએ."

વેલ્ચ બોલ્યા, "પરંતુ અમે તો અહીં સોફ્ટવૅર ખરીદવા આવ્યા નથી. અમારો ઉદ્દેશ તો તમને એંજિન વેચવાનો છે."

સોફ્ટવેર ઉદ્યોગમાં યોદાન

ઇમેજ સ્રોત, SAM PITRODA

ઇમેજ કૅપ્શન,

આ તસવીરમાં સામ પિત્રોડા સાથે રાજીવ ગાંધી અને અર્જુન સિંહ જોવા મળી રહ્યા છે

વેલ્ચે એક એક શબ્દ ધ્યાનથી સાંભળ્યો અને કહ્યું, "તમે અમારી પાસેથી શું ઇચ્છો છો?"

સામનો જવાબ હતો, "એક કરોડ ડૉલરના સોફ્ટવૅરનો ઓર્ડર."

વેલ્ચે કહ્યું, "હું મારી કંપનીના 11 લોકોને તમારી પાસે મોકલીશ. તમે તેમને મનાવી લો કે તમારા પ્રસ્તાવમાં દમ છે."

એક મહિના બાદ જીઈના ઉચ્ચ અધિકારીઓ દિલ્હી પહોંચ્યા. સામે તે સમયે નવી-નવી બનેલી કંપની ઇન્ફોસિસ સાથે તેમની બેઠક નક્કી કરી. ઇન્ફોસિસે કહ્યું કે તેમની તો કોઈ ઓફિસ પણ નથી.

સામે કહ્યું કે તમે જીઈ વાળા લોકોને આ વાત ન કહેતા અને તેમને કોઈ ફાઇવ સ્ટાર હોટેલમાં મળો.

એ બેઠક થઈ અને જીઈએ એક કરોડ ડૉલરના સોફ્ટવૅરનો પહેલો ઓર્ડર આપ્યો અને અહીંથી ભારતના સોફ્ટવૅર કંસલ્ટિંગ ઉદ્યોગનો પાયો નંખાયો.

ઇમેજ સ્રોત, PHOTODIVISION.GOV.IN

પરંતુ આ વચ્ચે રાજીવ ગાંધી ચૂંટણી હારી ગયા. 21 મે 1991ના રોજ અચાનક રાજીવ ગાંધીની હત્યા થઈ ગઈ. ત્યારબાદ સામનું મન ભારતમાં ન લાગ્યું.

સામ યાદ કરે છે, "આપણે માત્ર એક વડાપ્રધાન નથી ગુમાવ્યા, મેં મારા સૌથી પ્રિય મિત્ર ગુમાવી દીધા છે. આ એક ઇચ્છા અને સપનાંનો અંત હતો. મેં મારી નાગરિકતા પણ બદલી નાખી. હું સમજી શકતો ન હતો કે હવે શું કરું."

"મારી સામે અંધારું જ અંધારું હતુ અને ત્યારે જ મેં જાણ્યું કે મારી પાસે પૈસા બચ્યા ન હતા. મેં છેલ્લાં 10 વર્ષમાં કોઈ પગાર લીધો ન હતો. મેં વિચાર્યું કે અમેરિકા પરત ફરવાનો સમય આવી ગયો છે."

આ વાત સાંભળવામાં થોડી અજીબ લાગી શકે છે કે સામ પિત્રોડાએ કામ કરવાની ધૂનમાં 1965 બાદ કોઈ ફિલ્મ જોઈ ન હતી.

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન,

પૂર્વ રેલવે મંત્રી દિનેશ ત્રિવેદી જણાવે છે સામ ક્યારેય ફિલ્મ જોવા પણ જતા ન હતા

તેમના સારા મિત્ર અને પૂર્વ રેલવે મંત્રી દિનેશ ત્રિવેદી જણાવે છે, "સામ પિત્રોડા ન તો શોપિંગ કરવા જતા, ન કોઈના જન્મદિવસની પાર્ટીમાં જતા હતા. તેઓ ક્યારેય ફિલ્મ જોવા પણ જતા ન હતા."

"એક વખત તેઓ મારા ઘરે રોકાયા હતા. તેમનાં પત્ની અનુ પણ તેમની સાથે હતાં. મેં તેમને કહ્યું, ચાલો ફિલ્મ જોઈએ. સામે કહ્યું ફિલ્મ અને મારી વચ્ચે દૂર દૂર સુધી સંબંધ નથી. પરંતુ હું તેમને પરાણે 'થ્રી ઇડિયટ્સ' ફિલ્મ જોવા લઈ ગયો હતો."

"જ્યારે અમે ફિલ્મ જોઈને બહાર નીકળ્યા તો અનુએ કહ્યું કે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. મેં કહ્યું કે ધન્યવાદની શું જરૂર છે. અનુએ કહ્યું ચાલીસ વર્ષીય લગ્નજીવનમાં અમે પહેલી વખત સાથે કોઈ ફિલ્મ જોઈ છે."

ઇમેજ સ્રોત, SAM PITRODA FACEBOOK

આજે 77મો જન્મદિવસ ઊજવી રહેલા સામ પિત્રોડા જેવા વ્યક્તિત્વને મળવું મુશ્કેલ છે.

તેઓ નાનપણથી તબલાં વગાડે છે, પેઇન્ટિંગ્સ કરે છે અને સંગીત સાંભળે છે. ગઝલ સાંભળવી તેમને ખૂબ ગમે છે.

'ઇકોનૉમિસ્ટ' અને 'વૉલ સ્ટ્રીટ જર્નલ' વાંચવું તેમને ખૂબ પસંદ છે.

વિયેનામાં તેમનાં ચિત્રોનું પ્રદર્શન પણ થયું છે. સંગીત સાંભળવાનો તેમને ખૂબ શોખ છે ખાસ કરીને વાહન ચલાવતા સમયે.

નાનપણમાં તેમણે પચાસના દાયકામાં જે ફિલ્મો જોઈ હતી તે હતી 'બરસાત', 'નાગિન', 'કાગઝ કે ફૂલ', 'પ્યાસા' અને જ્યારે પણ આ ફિલ્મોનાં ગીત તેઓ સાંભળે છે, તેઓ પોતે પણ સાથે-સાથે ગાવા લાગે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો