Top News: લાલ કિલ્લા બાદ હવે ગુજરાતની રાણકી વાવને પણ ખાનગી કંપનીઓ જાળવશે

પાટણમાં આવેલી રાણકી વાવની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન પાટણમાં આવેલી રાણકી વાવને વર્ષ 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી

દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત સમાચાર અનુસાર લાલ કિલ્લાની જેમ હવે ગુજરાતના ઐતિહાસિક પ્રવાસન સ્થળો પણ ખાનગી કંપનીઓને જાળવણી માટે આપવામાં આવશે.

સમાચારમાં જણાવ્યા અનુસાર પાટણમાં આવેલી રાણ કી વાવની જાળવણી ઓએનજીસી સાથે કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે વાટાઘાટો શરૂ કરી છે.

કેન્દ્ર સરકારે શરૂ કરેલી અડૉપ્ટ હેરિટેજ યોજના હેઠળ મોઢેરાનું સૂર્યમંદિર, ચાંપાનેર, જૂનાગઢનો અશોકનો શિલાલેખ અને બૌદ્ધ ગુફાઓ જેવા ઐતિહાસિક સ્મારકોને કોર્પોરેટ ગૃહોને દત્તક આપવા માટે પત્ર વ્યવહાર શરૂ થયો છે.

ગુજરાતના અગ્રણી ઉદ્યોગગૃહોને પણ આ સ્મારકો દત્તક લેવા માટે પત્ર લખવામાં આવ્યા છે. રાણ કી વાવની જાળવણી હાલ આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા પાસે છે. વર્ષ 2014માં આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું.


ગુજરાતમાં પોક્સોના કેસોનો નિકાલ ધીમી ગતીએ

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતિકાત્મક તસવીર

ગુજરાત સમાચારમાં પ્રકાશિત સમાચાર અનુસાર ગુજરાત દેશમાં સૌથી ઓછી ઝડપથી પોક્સોના કેસોના નિકાલ કરનારા રાજ્યોમાંથી એક છે.

અખબારે વર્ષ 2016ના આંકડાને આધારે કૈલાસ સત્યાર્થી ફાઉન્ડેશન દ્વારા તૈયાર થયેલા અહેવાલને ટાંકીને વિગતો આપતા લખ્યું છે કે, ગુજરાતમાં જાતીય સતામણીનો ભોગ બનેલા બાળકે ન્યાય માટે 54 વર્ષ સુધી રાહ જોવી પડશે.

ભારતમાં પોક્સોના કાયદા હેઠળ દોષીત સાબિત થવાનો દર વર્ષ 2014માં 30 ટકા, વર્ષ 2015માં 36 ટકા અને વર્ષ 2016માં 30 ટકા હતો.

શું તમે આ વાંચ્યું?

જેની સામે ગુજરાતમાં વર્ષ 2014માં 11 ટકા, વર્ષ 2015માં 14 ટકા અને વર્ષ 2016માં આઠ ટકા જેટલા કેસોમાં જ આરોપીઓ દોષીત સાબિત થયા હતા.

દેશમાં સૌથી વધુ ઝડપથી પોક્સોના કેસોનો નિકાલ કરતા રાજ્યોમાં પંજાબ મોખરે છે. પંજાબમાં કેસની સુનાવણી બે વર્ષમાં પૂરી થાય છે. જ્યારે ત્યારબાદ આંધ્ર પ્રદેશ, હરિયાણા અને છત્તિસગઢમાં 3થી 4 વર્ષ, તામિલનાડુમાં 4થી 7 વર્ષ, મધ્ય પ્રદેશ, ઝારખંડ, જમ્મુ કાશ્મીરમાં 4થી 8 વર્ષનો સમય લાગી શકે છે.

ધીમી ગતિએ ચાલતા પોક્સોના કેસોના નિકાલમાં ગુજરાતને 55 વર્ષ, કેરળને 23 વર્ષ, પશ્ચિમ બંગાળને 19 વર્ષ મહારાષ્ટ્રને 16 વર્ષ લાગી શકે છે.

ફાઉન્ડેશનને આ ધીમી ગતિ વિશે જણાવ્યું છે કે, ગુજરાતમાં ન્યાયાધિશોનું પ્રમાણ ઓછું હોવાને કારણે તેમને ટ્રાયલ પૂર્ણ કરવામાં સમય લાગી શકે તેમ છે.

ગુજરાતમાં વર્ષ 2014માં 613 કેસ નોંધાયા હતા જેમાંથી 45 કેસની ટ્રાયલ પૂર્ણ થઈ અને 05 કેસમાં આરોપીઓ દોષીત ઠર્યા.

જ્યારે વર્ષ 2015માં 1609 કેસ નોંધાયા હતા જેમાંથી 59 કેસની ટ્રાયલ પૂર્ણ થઈ અને 08 કેસમાં આરોપીઓ દોષીત ઠર્યા.

વર્ષ 2016માં 1408 કેસ નોંધાયા હતા જેમાંથી 65 કેસની ટ્રાયલ પૂર્ણ થઈ અને 05 કેસમાં આરોપીઓ દોષીત ઠર્યા. હજી રાજ્યમાં 3606 કેસોનો નિકાલ બાકી છે.


વોલમાર્ટ ફ્લિપકાર્ટને ખરીદી લેશે

Image copyright Getty Images
ફોટો લાઈન ફ્લિપકાર્ટના સહસ્થાપક અને સીઈઓ બિન્ની બંસલ

ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત સમાચાર અનુસાર અમેરિકાની વિરાટ રિટેલિંગ કંપની વોલમાર્ટ ભારતની ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટનો 60 થી 80 ટકા હિસ્સો ખરીદી શકે છે.

આ સોદો 15થી 20 અબજ ડૉલર્સના મૂલ્યનો હોઈ શકે છે. આ માટે બન્ને કંપનીઓએ સરકારની અધિકૃત સંસ્થાઓની મંજૂરી લેવી પડશે.

સમાચારમાં જણાવ્યા અનુસાર આ સોદો તેના અંતિમ તબક્કામાં છે. જો આ સોદો પૂર્ણ થશે તો વોલમાર્ટ વિશ્વના સૌથી ઝડપથી વિકસી રહેલા ઇ-કોમર્સ બજારમાંથી એકમાં પ્રવેશ કરશે.

આ સોદાથી ગ્રાહકોને બજારમાં સ્પર્ધા વધુ સઘન થવાને કારણે વધુ વિકલ્પો અને વસ્તુઓની કિંમતોમાં ઘટાડાનો ફાયદો મળી શકે છે.

જોકે, આ સોદો પાર પડશે તો ભારતમાં ઓનલાઇન વેચાણના ક્ષેત્રમાં વિશ્વની ત્રણ મુખ્ય કંપનીઓ એમેઝોન, અલીબાબા અને વોલમાર્ટ એકબીજા સામે સ્પર્ધામાં ઊતરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો