શું ખરેખર નહેરુએ થિમય્યાનું અપમાન કર્યું હતું?

જવાહરલાલ નહેરુ Image copyright Getty Images

"જો મને સંસદમાં 15 મિનિટ બોલવાની તક આપી દેવામાં આવે તો વડાપ્રધાન બેસી પણ શકશે નહીં."

- રાહુલ ગાંધી

"તેઓ 15 મિનિટ બોલશે, એ પણ મોટી વાત છે. અને હું બેસી નહીં શકું, એ સાંભળીને મને યાદ આવે છે, શું સીન છે. પરંતુ આ ચૂંટણી અભિયાન દરમિયાન કર્ણાટકમાં, તમને જે ભાષા પસંદ હોય તેમાં. હિંદી, અંગ્રેજી કે તમારા માતાની માતૃભાષામાં તમે 15 મિનિટ, હાથમાં કાગળ લીધા વગર કર્ણાટકની તમારી સરકારના અચિવમેન્ટ, સિદ્ધિઓ, 15 મિનિટ કર્ણાટકની જનતા સામે બોલી દો."

- નરેન્દ્ર મોદી

"જ્યારે પણ મોદીજીને ડર લાગે છે, તેઓ વ્યક્તિગત હુમલો કરે છે. તેઓ તેમના વિશે ખરાબ વાતો બોલે છે. ખોટું બોલે છે. મારી અને તેમની વચ્ચે આ જ અંતર છે. તેઓ ભારતના વડાપ્રધાન છે અને હું તેમની પર વ્યક્તિગત હુમલો નહીં કરું."

- રાહુલ ગાંધી

"1948માં પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ જીત્યું... જનરલ થિમય્યાજીના નેતૃત્વમા. પરંતુ તે પરાક્રમ બાદ કશ્મીરને બચાવનારા જનરલ થિમય્યાનું તે સમયના વડાપ્રધાન નહેરુ અને તે સમયના સંરક્ષણ મંત્રી કૃષ્ણમેનને વારંવાર અપમાન કર્યું હતું."

- નરેન્દ્ર મોદી

આ છેલ્લા બે ચાર દિવસમાં કર્ણાટક ચૂંટણી અભિયાન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષ કોંગ્રેસના મોટા નેતાઓના નિવેદનો છે. પરંતુ મોદીના થિમય્યા વાળા નિવેદન પર અલગથી વિવાદ થઈ ગયો છે.

મોદીએ કર્ણાટકના કલબુર્ગીમાં કહ્યું હતું, "અને આ જ કારણોસર જનરલ થિમય્યાને પોતાના પદ પરથી સન્માન ખાતર રાજીનામું આપવું પડ્યું હતું."

Image copyright Getty Images

"ભારત અને ચીનની ઘટના આજે પણ ઇતિહાસની તારીખોમાં નોંધાયેલી છે... અને તેમની સાથે ફીલ્ડ માર્શલ કરિયપ્પાની સાથે કેવો વ્યવહાર કરવામાં આવ્યો."

"એટલું જ નહીં, સર્જિકલ સ્ટ્રાઇક બાદ, આપણા વર્તમાન સેના નાયક.. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા, તેમણે એમ પણ કહી દીધું કે આ તો ગુંડા છે, ગુંડા છે."

તમે આ વાંચ્યું કે નહીં?

પરંતુ મોદી જરાક ચૂકી ગયા અને કોંગ્રેસે આ તકને તુરંત ઝડપી લીધી. રણદીપ સુરજેવાલાએ લખ્યું, "જનરલ થિમય્યા 8 મે 1957માં સેના પ્રમુખ બન્યા હતા અને 1947માં નહીં, જેમ તમે કહ્યું. વી. કે. કૃષ્ણ મેનન 1947થી 1952 વચ્ચે રાજદૂત હતા, તમે કહ્યું એમ સંરક્ષણ મંત્રી ન હતા."

એ વાત સાચી છે કે વી. કે. કૃષ્ણ મેનન વર્ષ 1947થી 1952 વચ્ચે લંડનમાં ભારતના રાજદૂત અને 1957થી 1962 વચ્ચે સંરક્ષણ મંત્રી રહી ચૂક્યા છે.

Image copyright TWITTER

તેમના કે એસ થિમય્યા સાથે સંબંધ સારા ન હતા અને વર્ષ 1959માં થિમય્યાએ નહેરુ સમક્ષ રાજીનામાંની રજૂઆત પણ કરી હતી.

જોકે, નહેરુએ તેમનું રાજીનામું સ્વીકારવાની ના પાડી દીધી હતી અને તેમને રાજીનામું પરત ખેંચી લેવા માટે પણ મનાવ્યા હતા.


નહેરુ અને થિમય્યાના સંબંધ

થિમય્યા વર્ષ 1948ના કશ્મીર યુદ્ધમાં સામેલ રહ્યા કેમ કે તેમને વેસ્ટર્ન આર્મી કમાન્ડરના એમ કરિયપ્પાએ જમ્મૂ કશ્મીરના જીઓસી નિયુક્ત કર્યા હતા.

તેમણે 1 નવેમ્બર 1948ના રોજ ઝોજી-લામાં પોતાની આગેવાનીમાં હુમલો કરાવ્યો અને કબાઇલી- પાકિસ્તાની સૈનિકોને ભગાડવામાં સફળતા મેળવી.

વર્ષ 1953માં નહેરુએ તેમને કોરિયામાં યુનાઇટેડ નેશન્સના ન્યૂટ્રલ નેશન્સ રિપૈટ્રિએશન કમિશનમાં નિયુક્ત કર્યા, જેને મહત્ત્વનું પદ માનવામાં આવતું હતું.

થિમય્યાના ત્યાં ખૂબ વખાણ થયા. વર્ષ 1954માં લેફ્ટિનન્ટ જનરલ બન્યા બાદ તેમને સિવિલ સર્વિસ માટે પદ્મભૂષણથી સન્માનિત કરાયા. તે સમયે પણ કોંગ્રેસના હાથમાં સત્તા હતી.

Image copyright Getty Images

વર્ષ 1957માં થિમય્યાને નહેરુએ જ સેના પ્રમુખ બનાવ્યા હતા અને તેમના કરતા વરિષ્ઠ બે લોકોની અવગણના પણ કરી હતી. તે બે લોકો લેફ્ટિનન્ટ જનરલ સંત સિંહ અને કુલવંત સિંહ હતા.

તેમણે વર્ષ 1961 સુધી આ પદ સંભાળ્યુ અને 1962ના યુદ્ધથી 15 મહિના પહેલા નિવૃત્ત થયા. જુલાઈ 1964માં તેમને સાઇપ્રસમાં કમાન્ડર ઑફ યુએન ફોર્સના કમાન્ડર બનાવવામાં આવ્યા, જ્યાં ડિસેમ્બર 1965માં તેમનું નિધન થયું.


કરિયપ્પાની વાત

Image copyright Getty Images

કરિયપ્પા વર્ષ 1953માં ભારતીય સેનાના કમાન્ડર-ઇન-ચીફના પદ પરથી નિવૃત્ત થયા. વર્ષ 1949માં તેમને નહેરુ સરકારે ભારતીય સેનાના પહેલા ભારતીય કમાન્ડર-ઇન-ચીફ બનાવ્યા હતા.

નિવૃત્તિ બાદ તેમની ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના હાઈ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી જ્યાં તેઓ 1956 સુધી રહ્યા.

એપ્રિલ 1986માં રાજીવ ગાંધીની આગેવાની વાળી કોંગ્રેસ સરકારે તેમને ફીલ્ડ માર્શલ પદથી સન્માનિત કર્યા.

ગત વર્ષે કોંગ્રેસના નેતા સંદીપ દિક્ષીતે કહ્યું હતું, "પાકિસ્તાન માત્ર નાપાક હરકતો કરે છે અને નિવેદનબાજી કરે છે. ખરાબ ત્યારે લાગે છે જ્યારે આપણા સેનાધ્યક્ષ ગુંડાની જેમ નિવેદનબાજી કરે છે. પાકિસ્તાન તેમ કરે તેમાં કોઈ મોટી વાત નથી."

ત્યારબાદ તેમણે આ નિવેદન માટે માફી માગી હતી. અને રાહુલ ગાંધીએ પણ આ નિવેદનને અયોગ્ય ગણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું, "આ ખોટી વાત છે. આર્મી ચીફ વિશે રાજનેતાઓએ નિવેદન આપવાની જરૂર નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો