Top News: શોપિયાંમાં પાંચ ઉગ્રવાદીઓના અથડામણમાં મોત

અથડામણની તસવીર Image copyright Getty Images

સમાચાર સંસ્થા પીટીઆઈએ આપેલા સમાચાર અનુસાર જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સશસ્ત્ર દળો સાથેની અથડામણમાં પાંચ વણઓળખાયેલા ઉગ્રવાદીઓ રવિવારે મૃત્યુ પામ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.

આ ઉગ્રવાદીઓમાં હિઝબુલ મુઝાહિદીનના ટોચના કમાન્ડર સદ્દામ પદ્દેર પણ હોવાનું મનાય છે, પરંતુ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર એ વાતની પુષ્ટિ માર્યા ગયેલા ઉગ્રવાદીઓની ઓળખ પ્રસ્થાપિત થયા બાદ જ કરી શકાશે.

શોપિયાંના બડીગામ ઝૈનપોરામાં હવે અથડામણનો અંત આવ્યો છે અને ઉગ્રવાદીઓના મૃતદેહોનો કબજો મેળવી લેવાયો છે. જમ્મુ કાશ્મીરના પોલીસ મહાનિયામક એસ પી વૈદે ટ્વીટ કરીને આર્મી, CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસને અભિનંદન આપ્યા છે.

એક પોલીસ અધિકારીએ કહ્યું કે, આ ઉગ્રવાદીઓ કયા જૂથ સાથે સંગઠન સાથે જોડાયેલાં હતાં તે પ્રસ્થાપિત કરવાનું હજી બાકી છે.

બડીગામના ઝૈનપોરા વિસ્તારને સુરક્ષા દળોને મળેલી બાતમીને આધારે ઘેરી લીધા બાદ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

શુક્રવારે ગુમ થયેલા કાશ્મીર યુનિવર્સિટીના એક આસિસ્ટન્ટ પ્રોફેસર પણ આ માર્યા ગયેલા ઉગ્રવાદીઓમાં હોવાનું મનાય છે.

Image copyright TAUSEEF MUSTAFA/Getty Images

મોહમ્મદ રફી ભટ, યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતા હતા.

ગંદરબાલ જિલ્લાના ચુંદિના વિસ્તારના રહિશ ભટ બડિગામમાં ફસાઈ ગયેલા ઉગ્રવાદીઓ સાથે જોડાઈ જવાના હતા.

કાશ્મીરના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ (IGP) એસ પી પાનીએ જણાવ્યું હતું કે કથિત રીતે ભટ અહીં ફસાઈ ગયેલા ઉગ્રવાદીઓમાં શામેલ હતા.

તેમણે કહ્યું કે, પોલીસ તેમના પરિવારને ગંદરબાલથી ઘટના સ્થળે લઈ આવી હતી અને પરિવારે ભટને આત્મસમર્પણ કરવા માટે સમજાવ્યા હતા. પરંતુ સતત પ્રયાસોને અંતે પણ તેમને સફળતા મળી નહોતી.

આ ઉપરાંત હિંદુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત સમાચાર અનુસાર શનિવારે શ્રીનગરમાં ઉગ્રપંથીઓ સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબા(LeT)ના ત્રણ ઉગ્રપંથીઓ મૃત્યુ પામ્યા છે.

આ અથડામણમાં જમ્મુ કાશ્મીર પોલીસનો એક જવાન અને કેન્દ્રીય અનામત પોલીસ દળ (CRPF) ના ત્રણ જવાનો પણ ઘાયલ થયા હતા.

આ ઉપરાંત જ્યારે આ સશસ્ત્ર અથડામણ ચાલી રહી હતી ત્યારે જ સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરતા સુરક્ષાદળો પર પાછળથી પથ્થરમારો કર્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

એ દરમિયાન એ વિરોધ પ્રદર્શન કરનારા જૂથમાંથી એક યુવાન નૂર બાગ વિસ્તાર પાસે પોલીસના વાહન નીચે આવી જતાં તેનું પણ મૃત્યુ થયું છે.

શરૂઆતમાં પોલીસે આ આરોપ સ્વીકાર્યો નહોતો, પરંતુ ત્યારબાદ વાહનના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

સમાચારમાં જણાવ્યા અનુસાર સુરક્ષા દળોને મળેલી બાતમી બાદ તેમણે છત્રબાલ વિસ્તારને ઘેરી લીધો હતો.


'ગુણોત્સવ પછી હવે શિક્ષકોનો ખાડોત્સવ'

Image copyright Getty Images

દિવ્યભાસ્કરમાં પ્રકાશિક અહેવાલ અનુસાર સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં તળાવો ઊંડા કરવાના અભિયાનમાં શ્રમદાન માટે શિક્ષકોને ફરજ પાડતો પરિપત્ર પાઠવાતા વિવાદ સર્જાયો છે.

આ મામલે કોંગ્રેસના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ આક્ષેપ લગાવતા કહ્યું છે, "શૌચાલય ગણવાની, વસતી ગણતરી, સરકારી કાર્યક્રમોમાં ભીડ એકઠી કરવાની કામગીરી શિક્ષકોની."

"શિક્ષકોને શિક્ષણ સિવાયનું કામ સોંપીને શિક્ષણની અધોગતિ થઈ છે."

આ તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે આખી સરકાર જળ અભિયાનમાં લાગી છે, તો શિક્ષકો તેમાં સહભાગી થાય તો કંઈ ખોટું નથી.


સવારે 3:30 વાગ્યા સુધી સુનાવણી કરતા રહ્યા જજ સાહેબ

Image copyright Getty Images

ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ અનુસાર બૉમ્બે હાઈકોર્ટના જજ જસ્ટિસ એસ. જે. કથાવાલાએ શનિવારે મોડી રાત્રે 3:30 વાગ્યા સુધી સુનાવણી કરી હતી.

ઉનાળાની રજાઓને પગલે હાઈકોર્ટ 3 જૂન સુધી બંધ રહેશે અને શુક્રવારે અંતિમ વર્કીંગ ડે હોવાને કારણે જસ્ટિસ કથાવાલા પોતાની કોર્ટમાં લંબિત વધારેમાં વધારે કેસનો નિવેડો લાવવા માગતા હતા.

એ માટે તેઓ રાત્રે 3:30 વાગ્યા સુધી કોર્ટમાં બેઠા રહ્યા અને મામલાઓની સુનાવણી કરી. આ દરમિયાન કોર્ટમાં વકીલો અને અરજદારોની ભીડ જોવા મળી હતી.

વકીલ અસીમ નાફડે કે જેઓ કોર્ટમાં હાજર હતા તેમણે કહ્યું, "અમારો વારો સીરિયલ નંબરના આધારે 1,016મો હતો અને તેની સુનાવણી રાત્રે 3:00 કલાક સુધી થઈ હતી. અમારા પછી પણ બીજા 7 કેસની સુનાવણી થવાની બાકી હતી. જસ્ટિસ કથાવાલાનો સ્ટાફ, વકીલો, ફરિયાદીઓ અને ઇન્ટર્ન પણ કોર્ટમાં રાહ જોઈ રહ્યા હતા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો