ભાજપના CMના નિવેદન બાદ મુસલમાનોના પાયાના સવાલ

મુસ્લિમ નમાઝી વ્યક્તિની તસવીર Image copyright Getty Images

દિલ્હી નજીકના હરિયાણાના ગુરુગ્રામમાં છેલ્લા કેટલાક દિવસોથી મેદાનો તથા અન્ય જાહેર સ્થળોએ નમાજ અદા કરતા લોકોને ઉઠાડવાની ઘટનાઓ બહાર આવ્યા બાદ મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે આકરો પ્રતિભાવ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે નમાઝ જાહેર સ્થળોને બદલે મસ્જિદો તથા ઈદગાહોમાં અદા કરવી જોઈએ.

નમાઝીઓને જાહેર સ્થળોએથી ઉઠાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર હિન્દુવાદી સંગઠનોના મંચ 'હિન્દુ સંઘર્ષ સમિતિ'ના સભ્યોએ મુખ્ય પ્રધાનના નિવેદનનું સ્વાગત કર્યું હતું.

હિન્દુ સંઘર્ષ સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે વહીવટીતંત્ર જાહેર સ્થળો પર નમાઝ અદા કરતા લોકોને નહીં રોકે તો એ કામ હવે અમે કરીશું.

બીજી તરફ નમાઝીઓની સલામતીની માગણી વહીવટીતંત્ર પાસે કરતા સંગઠનોએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાનની વાત સાચી છે, પણ રસ્તા પર નમાઝ અદા કરતા લોકોની પોતાની કેટલીક મજબૂરી છે.

મુસ્લિમ સમુદાયની વાત રજૂ કરી રહેલા સામાજિક કાર્યકરોની ફરિયાદ છે કે મુખ્ય પ્રધાનને રસ્તા પર નમાઝ અદા કરતા લોકો દેખાય છે, પણ હુમલો કરતા લોકો દેખાતા નથી.

તમે આ વાંચ્યું કે નહીં?


શું કહ્યું મુખ્ય પ્રધાને?

મીડિયાના પ્રતિનિધિઓએ ગુરુગ્રામની ઘટનાઓ બાબતે સવાલ કર્યો ત્યારે મનોહરલાલ ખટ્ટરે કહ્યું હતું, ''નમાઝ જાહેર સ્થળોને બદલે મસ્જિદ કે ઈદગાહોમાં અદા કરવી જોઈએ.

''જગ્યા ઓછી પડે તો પોતાની અંગત જમીન પર અદા કરવી જોઈએ.''

યોગ્ય સ્થળે નમાઝ અદા કરવા બાબતે લોકોને સમજાવવામાં આવશે, એવું પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાને કહ્યું હતું, ''આ એવી બાબત નથી કે જેનું પ્રદર્શન જાહેર સ્થળે કરવું પડે.

''જાહેર સ્થળો સંબંધે કોઈનો વિરોધ ન હોય ત્યાં સુધી વાંધો નથી, પણ કોઈ વિભાગ કે વ્યક્તિ વિરોધ કરે, ત્યારે આપણે સાવધાની રાખવી જરૂરી છે.

''આવી પરિસ્થિતિમાં જાહેર સ્થળોએ નમાઝ અદા કરવી ન જોઈએ.''


'જાયેં તો જાયેં કહાં?'

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતિકાત્મક તસ્વીર

ગુરુગ્રામમાં નમાઝીઓની સલામતીની વ્યવસ્થાની માગણી કરતી સામાજિક કાર્યકરોમાં ઈસ્લામુદ્દિનનો સમાવેશ થાય છે.

બીબીસી સાથેની વાતચીતમાં ઈસ્લામુદ્દિને કહ્યું હતું, ''મુખ્ય પ્રધાને કહ્યું એ સાચી વાત છે અને એમ જ થવું જોઈએ, પણ બીજી કેટલીક બાબતો છે.

''ગુરુગ્રામમાં મુસ્લિમોનો જે મોટો હિસ્સો રસ્તાઓ પર નમાઝ અદા કરે છે એ લોકો ત્યાંના કાયમી રહેવાસીઓ નથી. તેઓ મજૂર છે કે ત્યાંની ઓફિસોમાં કામ કરતા લોકો છે.

''તેમની પાસે કોઈ ખાનગી પ્રોપર્ટી નથી કે જ્યાં તેઓ નમાઝ અદા કરી શકે.

''બીજી વાત એ છે કે રાજ્ય સરકારે ગુરુગ્રામમાં જે નવાં સેક્ટર બનાવ્યાં છે, તેમાં મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારા માટે કાયદેસર જગ્યા અનામત રાખવી જોઇતી હતી.

''સરકારે આટલા મોટા શહેરનો પ્લાન તો બનાવ્યો, પણ મસ્જિદ માટે જગ્યા અનામત રાખી નથી.''

''ત્રીજો મુદ્દો એ છે કે વક્ફ બોર્ડની જે પ્રોપર્ટી છે, મસ્જિદો છે તેનું સરકાર અધિગ્રહણ કરીને હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી(હુડા)ને હવાલે કરી દે છે અથવા લોકો તેના પર ગેરકાયદે કબજો જમાવે છે.

''જે અમારી ચીજ છે એ તમે અમને આપતા નથી અને રસ્તા પર નમાઝ પણ અદા કરવા દેતા નથી તો પછી અમારે જવું તો ક્યાં જવું?''

ગયા શુક્રવારે નમાઝ અદા કરી રહેલા લોકોને હટાવવાના પ્રયાસ જે લોકોએ કર્યા તેમને પોલીસે અટકાવ્યા જરૂર હતા, પરંતુ એ પૈકીના કોઈ સામે કાર્યવાહી કરી નથી કે કેસ નોંધાયો નથી એ વિશે પણ ઈસ્લામુદ્દિનને ફરિયાદ છે.

ઈસ્લામુદ્દિનના જણાવ્યા મુજબ, આ પ્રકારના કામ વડે માહોલ બગાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને વહીવટીતંત્રના ઢીલા વલણને કારણે ટોળાશાહી ભારે પડી રહી છે.


'હિન્દુ સંઘર્ષ સમિતિની ટીમો તૈયાર'

Image copyright Getty Images

ખુદને હરિયાણા શિવસેનાના પ્રવક્તા ગણાવતા ઋતુરાજે બીબીસી સાથે વાત કરી હતી.

એ વાતચીતમાં ઋતુરાજે જણાવ્યું હતું કે ગુરુગ્રામમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ ક્રાંતિ દળ સહિતનાં નાના-મોટાં હિન્દુ સંગઠનો એકત્ર થઈને હિન્દુ સંઘર્ષ સમિતિના નેજા હેઠળ, જાહેર સ્થળોએ નમાઝ અદા કરતા લોકોને અટકાવવાની ઝુંબેશ ચલાવી રહ્યાં છે.

ઋતુરાજના જણાવ્યા મુજબ, જાહેર સ્થળોએ આ રીતે નમાઝ અદા કરવાથી અન્ય લોકોને અગવડ થાય છે. આ કામમાં સ્થાનિક લોકો પણ હિન્દુ સંઘર્ષ સમિતિની સાથે છે.

ઋતુરાજે કહ્યું, ''રસ્તા પર અતિક્રમણ કરીને નમાઝ અદા કરવાનું કાયદા અનુસારનું નથી.

''કુરાન કે હદિસમાં આવું ક્યાંય લખ્યું નથી. નમાઝ અદા કરવાથી અન્ય લોકોને અસુવિધા થતી હોય તો એ નમાઝનો સ્વીકાર થતો નથી.

''બીજી વાત. અહીં ટોળકીઓ કાર્યરત હોય એવું વાતાવરણ છે. આઠ-દસ જગ્યાએ નમાઝ શરૂ કરીને તેમણે હવે 108 જગ્યાઓ કવર કરી લીધી છે.''

ઋતુરાજને પૂછવામાં આવ્યું હતું કે લોકો જાહેર રસ્તા પર જગરાતા અને અન્ય કાર્યક્રમો યોજે છે ત્યારે પણ અન્ય લોકોને અગવડ પડે છે. તમારું સંગઠન એ લોકોને રોકશે કે કેમ?

ઋતુરાજે આ સવાલનો સીધો જવાબ આપ્યો ન હતો, પણ એવું કહ્યું હતું, ''અમારા હિન્દુ કે કોઈ અન્ય ધર્મ, પંથના લોકો જગરાતા કે ભંડારાનું આયોજન કરે છે.

''એ સમયે તેમણે વહીવટીતંત્ર પાસેથી પરવાનગી લેવી પડે છે, પણ મુસ્લિમોની શુક્રવારની નમાઝ કોઈની પરવાનગી વિના થાય છે.

''સરકારના આદેશ પછી વહીવટીતંત્રનું કામ આવી ગતિવિધિને રોકવાનું છે. અમે નજર રાખી રહ્યા છીએ. અમારી ટીમો તૈયાર છે અને મીટિંગ ચાલી રહી છે.

''શુક્રવારે અમારી ટીમો બહાર નીકળશે. વહીવટીતંત્ર કોઈ કાર્યવાહી નહીં કરે તો હિન્દુ સંઘર્ષ સમિતિના નેજા હેઠળ બધા હિન્દુ અને રાષ્ટ્રવાદી સંગઠનોના કાર્યકરો જાતે નમાઝીઓને રોકશે.''


'કહાસુની'માં મળ્યા પ્રતિભાવ

Image copyright FACEBOOK/MLKHATTAR
ફોટો લાઈન હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર

બીબીસી-હિન્દીએ 'કહાસુની' મારફત વાચકોને સવાલ કર્યો હતો, 'તેઓ હરિયાણાના મુખ્ય પ્રધાનની સલાહ સાથે સહમત છે કે નહીં?'

વાચકોએ ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવાં સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તેમનો મત વ્યક્ત કર્યો હતો.

મનોહરલાલ ખટ્ટરના નિવેદન બાબતે કેટલાક સોશ્યલ મીડિયા યૂઝર્સે સહમતિ દર્શાવી હતી, જ્યારે કેટલાક લોકોએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં પ્રભાવ પાડવા માટે એ નિવેદન કરવામાં આવ્યું છે.

ટ્વિટર યૂઝર મહમૂદ ખાને કહ્યું હતું, ''નમાઝ અદા કરવાથી સામાન્ય રીતે કોઈ સમસ્યા ન સર્જાતી હોય તો પણ નમાઝ મસ્જિદમાં જ અદા કરવી જોઈએ.

''આ એક સારી પહેલ છે, પણ એ કોઈ ચોક્કસ ધર્મ પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ.''

સાદ અનવરે કહ્યું હતું, ''હું સંપૂર્ણપણે સહમત છું, પણ ખટ્ટરજીને પાયાનો સવાલ કરવા ઇચ્છું છું કે આ નિયમ માત્ર નમાઝ માટે જ છે કે રસ્તા પર યોજાતા દરેક કાર્યક્રમ માટે છે?''

અંજુ રાણાએ ફેસબૂક પણ જણાવ્યું હતું, ''જે લોકો જાહેર સ્થળોએ ઢોલ-મંજીરાં વગાડીને ભજન-કિર્તન કરે છે, બળજબરીથી ભીખ માગે છે કે દાનના નામે છેતરપીંડી કરે છે એમના માટે પણ કોઈ નિયમ છે કે નહીં?''

સંજય ઢૌંડિયાલે ટ્વિટર પર જણાવ્યું હતું, ''મુખ્ય પ્રધાનજી આ તે કેવી સલાહ આપી રહ્યા છે. એ સલાહ મુજબ તો હિન્દુઓ દ્વારા પાર્ક્સ અને રસ્તાઓ પર યોજવામાં આવતા ધાર્મિક કાર્યક્રમો પર પણ પ્રતિબંધ લાદવો પડશે, કારણ કે શાસકો માટે તમામ નાગરિકો એકસમાન હોવા જોઈએ.''


'મસ્જિદ નથી તો ક્યાં અદા કરવી નમાઝ'

Image copyright TWITTER/ANWAR

રેહાન ખાને ફેસબૂક પર જણાવ્યું હતું, ''હું ગુરુગ્રામ સેક્ટર-30માં એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરું છું.

''છેલ્લાં સાત વર્ષથી આ રીતે મેદાન કે પાર્કમાં નમાઝ અદા કરવા જાઉં છું. ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ની સરકાર આવી છે ત્યારથી મુસલમાનોની ચિંતા વધી ગઈ છે.

''હવે અમારી ધાર્મિક આઝાદી પણ છીનવી લેવા ઇચ્છે છે.''

મનોહરલાલ ખટ્ટરના નિવેદન સાથે સહમત થતાં અફાક હુસૈને ફેસબૂક પર જણાવ્યું હતું, ''અમે સહમત છીએ, પરંતુ તેમણે વ્યવસ્થા કરવી જોઈએ અથવા કોઈ સારું સૂચન કરવું જોઈએ.''

અબ્દુલ્લા હમ્સે લખ્યું હતું, ''મસ્જિદોમાં જ નમાઝ અદા કરવી જોઈએ અને આરતી કે કોઈ ધાર્મિક તહેવારની ઊજવણી પણ મંદિર પરિસરમાં જ થવી જોઈએ.

''હોળીની ઊજવણી પણ પોતાના આંગણામાં જ થવી જોઈએ.''


આ નમાઝ નહીં, કર્ણાટકની ચૂંટણી છે

Image copyright FACEBOOK

ફેસબુકથી માંડીને ટ્વિટર સુધી સોશ્યલ મીડિયા યુઝર્સમાં એકમત જોવા મળ્યો હતો.

મનીષ રોયે ફેસબૂક પર લખ્યું હતું, ''ચર્ચા કરવા માટે હવે આ જ બાકી રહ્યું છે. ચૂંટણી નજીક છે.''

હેમારામ ખીચડ બોસેરી નાગૌરે ફેસબૂક પર લખ્યું હતું, બીજેપી ઇચ્છે છે કે આ બાબતે વધુ ચર્ચા થાય, ધર્મમાં જકડીને રાખો, 2019માં મત મેળવવાનું રાજકારણ છે.

મહાશયજી નામના યુઝરે ફેસબૂક પર લખ્યું હતું, ''ચૂંટાયેલી સરકારો બીજા મુદ્દાઓ પણ છે. એ મુદ્દાઓ વિશે સાર્થક ચર્ચા થવી જરૂરી છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ