Top News: જમ્મુ કાશ્મીરમાં તામિલનાડુના યુવાન પ્રવાસી નું પથ્થરબાજીમાં મોત

પ્રતિકાત્મક તસવીર Image copyright Getty Images

શ્રીનગરમાં સુરક્ષા દળો પર વિરોધ પ્રદર્શન કરતા લોકોએ કરેલા પથ્થરમારામાં ઘાયલ થયેલા તામિલનાડુના એક પ્રવાસીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાનું પોલીસે જણાવ્યું છે.

શ્રીનગરના છેવાડે આવેલા નરબાલ વિસ્તારમાં સોમવારે સવારે થયેલા આ પથ્થરમારામાં ચેન્નઈથી આવેલા 22 વર્ષના પ્રવાસી આર થિરુમનીને માથામાં ઈજા થઈ હતી.

સમાચાર સંસ્થા પીટીઆઈએ આપેલા અહેવાલ અનુસાર થિરુમનીને સૌરામાં આવેલી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

આ બાબતના સમાચાર અનુસાર આ મામલાની પોલીસ ફરિયાદ થઈ છે.


ગુજરાતના મંદિરોમાં હવે ગુણવત્તાયુક્ત પ્રસાદ મળશે

Image copyright Getty Images

ગુજરાતના મંદિરોના ભોજનાલય અને પ્રસાદાલયમાં FSSAIના નિયમો લાગુ થશે.

ગુજરાત સમાચાર અખબારમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર ગુજરાતના મંદિરો દ્વારા સંચાલિત ભોજનાલયો અને પ્રસાદાલયમાં તૈયાર થતાં ભોજન અને પ્રસાદ, ભોગની ગુણવત્તા જાળવવી પડશે.

શ્રદ્ધાળુઓને ગુણવત્તાયુક્ત પ્રસાદ મળી રહે તે માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑફ ઇન્ડિયા દ્વારા નિર્ધારિત નિયમો મંદિરોને પણ લાગુ પડશે.

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સોમનાથ મંદિરેથી એક દિવસની તાલીમ શરૂ કરી છે. અત્યાર સુધીમાં રાજ્યના 150 મંદિરોના સંચાલકોને પ્રસાદની ગુણવત્તાયુક્ત તૈયારી અને જાળવણીની તાલીમ આપવામાં આવી છે.

આ સમાચારમાં રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ. જી. કોશિયાને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે, શ્રદ્ધાળુઓનું આરોગ્ય જળવાઈ રહે અને તેમને ગુણવત્તાયુક્ત પ્રસાદ, ભોગ મળી રહે તે હેતુથી છેલ્લાં એક અઠવાડિયાથી મંદિરોમાં આ તાલીમ શરૂ કરવામાં આવી છે.

સોમનાથા, અંબાજી, ડાકોર સહિત રાજ્યના પ્રસિદ્ધ મંદિરોમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે અને પ્રસાદ અને ભોજન લે છે. જો આ ભોજન ગુણવત્તાયુક્ત ન હોય તો મોટા પ્રમાણમાં લોકો બીમાર પડી શકે છે.

આ યોજના હેઠળ સોમનાથમાં યોજાયેલી તાલીમમાં 60 મંદિરો અને અમદાવાદના એસજી હાઈવે પર ઉત્તર ગુજરાતના 75 મંદિરોના સંચાલકોને તાલીમ આપવામાં આવી હતી.


મગફળીના ગોડાઉનમાં આગની ઘટનાની તપાસ CIDને

Image copyright Getty Images

દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત સમાચાર અનુસાર રવિવારે મોડી સાંજે રાજકોટ પાસેના શાપર-વેરાવળમાં નાફેડ દ્વારા ખરીદવામાં આવેલી કરોડો રૂપિયાની મગફળી જ્યાં સંગ્રહવામાં આવી હતી તે ગોડાઉનમાં આગ લાગી હતી.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ આગ બુઝાવવામાં પાંચ દિવસ લાગશે.

સંદેશમાં છપાયેલા આ વિશેના અહેવાલો અનુસાર છેલ્લા 100 દિવસમાં ગાંધીધામ, રાજકોટ, ગોંડલ, જામનગર અને શાપર-વેરાવણ એમ કુલ આઠ સ્થળે સરકારી રૂપિયાથી ખરીદાયેલી મગફળી ખાખ થઈ ગઈ છે. આ ઘટનાઓમાંથી ત્રણ બનાવો રાજકોટ જિલ્લાના છે.

રાજ્યમાં વિરોધ પક્ષ કોંગ્રેસે આ ઘટનાઓની તપાસ સુપ્રીમ કોર્ટના સીટિંગ જજને સોંપવાની માગણી કરી છે.

જ્યારે રાજ્ય સરકારે આ ઘટનાઓની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવાનો નિર્ણય કર્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો