TOP NEWS: એમેઝોનને પછાડી વૉલમાર્ટે ફ્લિપકાર્ટમાં હિસ્સો ખરીદ્યો

ફ્લિપકાર્ટનો લોગો Image copyright Reuters

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ભારતની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે બુધવારે પોતાનો 77 ટકા હિસ્સો વેંચી દીધો છે.

અમેરિકાની જાયન્ટ રિટેઇલ કંપની વૉલમાર્ટે આ હિસ્સો ખરીદ્યો છે. વૉલમાર્ટે કુલ 16 બિલિયન ડૉલરમાં આ હિસ્સો ખરીદ્યો છે.

પીટીઆઈના જણાવ્યા પ્રમાણે વૉલમાર્ટે દ્વારા કોઈ કંપનીમાં ખરીદવામાં આવેલો આ મોટો સ્ટેક છે. જેના દ્વારા વૉલમાર્ટ પોતાની હરીફ કંપની અમેઝોનને હંફાવશે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે વૉલમાટે ફ્રેશ ઇક્વિટી તરીકે વધારાના 13000 કરોડ પણ લગાવવાનો પ્લાન કરી રહી છે. જેના કારણે ફ્લિપકાર્ટ વધારે મજબૂત થશે.

માનવામાં આવે છે કે ભારતની ફ્લિપકાર્ટને ખરીદવામાં અમેઝોન અને વૉલમાર્ટ બંને કંપનીઓ હરીફાઈમાં હતી પરંતુ અંતે વૉલમાર્ટ આ મામલે બાજી મારી ગયું છે.


ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા

Image copyright Getty Images

એએફપીના અહેવાલ અનુસાર અફઘાનિસ્તાનની સરહદ પાસે આવેલા તાઝીકિસ્તાનમાં 6.2ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

આ ભૂકંપની અસર પાકિસ્તાના કેટલાક ભાગોથી લઈને છેક ઉત્તર ભારત સુધી અનુભવાઈ હતી.

રોયટર્સના અહેવાલ પ્રમાણે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અનેક બિલ્ડિંગ્સમાં ધ્રુજતી જોવા મળી હતી.

દિલ્હી અને એનસીઆર સહિતાના ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં પણ લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો.

એવા પણ અહેવાલ છે કે આ કશ્મીર વેલીમાં પણ આ ભૂકંપની અસર જોવા મળી હતી.

હાલના તબક્કે ભૂકંપને કારણે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ મળ્યા ન હતા.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે તાઝીકિસ્તાનનાં ઇશ્કાશિમથી ઉત્તર-પશ્ચિમમાં 36 કિલોમીટર દૂર તેનું કેન્દ્ર બિંદુ આવેલું હતું.


'મૂર્તિપૂજામાં ન માનતા મુસ્લિમો ઝીણાની તસવીરની ચિંતા ન કરે'

Image copyright Getty Images

ઝી ન્યૂઝ વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ મુજબ, યોગ ગુરુ બાબા રામદેવે પટણામાં મીડિયા સાથેની વાત દરમિયાન કહ્યું હતું કે મુસ્લિમો મૂર્તિપૂજામાં નથી માનતા એટલે ઝીણાની તસવીર દૂર કરવા અંગે તેમણે ખાસ ચિંતા ન કરવી જોઈએ.

યોગ શિબિરના ભાગરૂપે રામદેવ બિહારની ત્રણ દિવસની મુલાકાતે પટણા પહોંચ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે ઝીણા દેશભક્ત ન હતા, તેમણે દેશને વિભાજિત કર્યો. એટલે ઝીણા ભારત માટે આદર્શ નથી.

સ્વામી રામદેવે જણાવ્યું હતું કે લોકો ઝીણાના નામ પર રાજકારણ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં 'પાકિસ્તાનના રાષ્ટ્રપિતા' મોહમ્મદ અલી ઝીણાની તસવીર મુદ્દે વિવાદ શરૂ થયો હતો.


વિજય માલ્યાને ઝાટકો, UKમાં કેસ હાર્યા

Image copyright Mark Thompson/Getty Images
ફોટો લાઈન ફાઇલ તસવીર

સંદેશમાં પ્રકાશિત અહેવાલ મુજબ, બેન્કની લોન ન ભરપાઈ કરનાર ભારતીય બિઝનેસમેન વિજય માલ્યા યુકેમાં ભારતીય બેન્કો દ્વારા ફાઇલ કરાયેલો કેસ હારી ગયા છે.

બ્લુમબર્ગના રિપોર્ટને ટાંકીને કહેવાયું છે કે, બેન્કોએ માલ્યા સામે 10,000 કરોડ રૂપિયાનો કેસ દાખલ કર્યો હતો.

કોર્ટમાં જજે કહ્યું કે IDBI બેન્ક સહિત લેન્ડર્સ ભારતીય કોર્ટના નિર્ણયને લાગુ કરી શકે છે, જેમાં માલ્યા પર આરોપ મૂકાયો હતો કે તેમણે જાણીજોઈને બંધ પડેલી પોતાની કિંગફિશર એરલાઇન્સ માટે અંદાજે 1.4 અબજ ડોલરની લોન લીધી હતી.

સુનાવણી બાદ માલ્યાના વકીલોએ ટિપ્પણી આપવાનો ઇન્કાર કર્યો હતો.

જજે આ ચુકાદા પર અપીલ કરવાની અનુમતિ પણ આપી નથી. તેનો મતલબ એ થયો કે વકીલોને હવે 'કોર્ટ ઑફ અપીલ'માં અરજી દાખલ કરવી પડશે.


Image copyright SAM PANTHAKY/Getty Images
ફોટો લાઈન ફાઇલ તસવીર

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ, કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો 2019ની લોકસભા ચૂંટણીમાં સાથી પક્ષોમાં સૌથી વધુ બેઠક મળશે તો તેઓ વડાપ્રધાન બનશે.

બેંગલુરુમાં સમૃદ્ધ ભારત કોન્ફરન્સના ભાગરૂપે પ્રતિષ્ઠિત લોકો સાથેની વાતચીતમાં રાહુલે આ વાત કરી હતી.

નવગુજરાત સમયના અહેવાલ મુજબ રાહુલે આ સાથે કહ્યું હતું કે ભાજપ 2019ની લોકસભા ચૂંટણી નહીં જીતે અને સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વારાણસીની સીટ પરથી હારી જશે, કારણ કે તેઓ 'સંગઠિત' વિપક્ષનો સામનો કરવા માટે સક્ષમ નથી.

મહિલા સશક્તિકરણ અંગે તેમણે કહ્યું, "આગામી 10 વર્ષમાં કોંગ્રેસનાં 10 મહિલા મુખ્યમંત્રી હોય તેવી મારી ઇચ્છા છે.

"મારા નિવેદનથી ઘણાં પુરુષો ગુસ્સે થશે તેની મને ખબર છે, ખાસ કરીને સિનિયર નેતાઓ, પરંતુ હું આ એજન્ડા સેટ કરવાનો છું."

રાહુલના આ નિવેદન અંગે ભાજપે કટાક્ષ કરતાં કહ્યું કે કોઈ રાહુલને પીએમ તરીકે જાહેર કરતું ન હતું, એટલે રાહુલે પોતે જ પોતાને આ પદ માટે પ્રોજેક્ટ કરી દીધા છે.

કોંગ્રેસના સાથી પક્ષ એનસીપીએ કહ્યું છે કે રાહુલને સપનાં જોવાનો હક છે, પણ વડાપ્રધાન કોણ બનશે તે લાખ રૂપિયાનો સવાલ છે.

એનસીપીના નેતા માજિદ મેમણે કહ્યું કે કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બને તો પણ તમામ સાથી પક્ષો રાહુલને લીડર માનવા માટે સંમત થાય તે જરૂરી નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો