દિલ્હીના મહા ઠગ? 1200 રૂપિયાનું સૂટ ખરીદી કરોડોનો લગાવ્યો ચૂનો

વિરેન્દ્ર અને નીતિનની તસવીર Image copyright Delhi Police

આ સમાચારને વાંચવાનું શરૂ કરતાં પહેલાં તમે ઉપરની તસવીર જરૂરથી ફરી એકવાર જોઈ લો.

ચાંદીના રંગ જેવા કપડાના સૂટમાં સજ્જ, અંતરિક્ષ યાત્રી જેવો હેલમેટ પહેરેલા આ બાપ-દીકરાની જોડી છે. તેમના પર કરોડો રૂપિયાની ઠગાઈ કરવાનો આરોપ છે.

પરંતુ રસપ્રદ વાત એ છે કે આ બંનેએ લોકોને ઠગવા માટે સાવ અલગ જ કીમિયો અપનાવ્યો હતો. બંનેએ ખુદને નાસાના વૈજ્ઞાનિક બતાવ્યા હતા.

એથી પણ મોટી વાત એ છે કે જેમને ઠગ્યા તેમને અંગ્રેજી બોલ્યા વિના, કોઈ સાઇન્ટિફિક ફૉર્મ્યૂલા બતાવ્યા વિના હજારોનો સામાન કરોડો રૂપિયામાં વેંચી ગયા.

આ સમગ્ર મામલો દેશની રાજધાની દિલ્હીમાં બન્યો છે.


શું હતી ડીલ?

Image copyright Delhi Police

બાપ-દીકરાની આ જોડી, દિલ્હીના પશ્ચિમ વિહારમાં રહે છે.

પિતાનું નામ વીરેન્દ્ર મોહન અને પુત્રનું નામ નીતિન છે. 90ના દાયકામાં બંને મોટર વર્કશૉપનો બિઝનેસ કરતા હતા.

દિલ્હી પોલીસના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભીષ્મસિંહના જણાવ્યા પ્રમાણે બાપ-દીકરાએ એક કાપડના વેપારી સાથે નાસામાં ઉપયોગમાં લેવાતા રાઇસ પુલર નામના એક મેટલ ડિવાઇસ વેચવાનો સોદો કર્યો હતો.

રાઇસ પુલર એક પ્રકારની ધાતુ છે જે ચોખા જેવા નાના કણોને પોતાની તરફ ખેંચવાની તાકાત રાખે છે.

ડીસીપી ભીષ્મસિંહના જણાવ્યા પ્રમાણે બાપ-દીકરો પોતાના શિકારને એ સમજાવવામાં સફળ રહ્યા કે આ રાઇસ પુલરની ચુંબકીય શક્તિને કારણે તેની નાસામાં ખૂબ માંગ છે. જેના વ્યવસાયથી તેમને હજારો કરોડોનો ફાયદો થશે.

તમે આ વાંચ્યું કે નહીં?

પોલીસના જણાવ્યા પ્રમાણે સમગ્ર ડીલ 3,750 કરોડની હતી. બાપ-દીકરાએ વૈજ્ઞાનિક, કેમિકલ, લેબ અને કપડાંના એડવાન્સ તરીકે 1 કરોડ 40 લાખ રૂપિયા લઈ લીધા હતા.

સમગ્ર મામલો વર્ષ 2015નો હતો અને બંને પક્ષો વચ્ચે લેણદેણની પ્રક્રિયા ચાર-પાંચ મહિના સુધી ચાલી હતી.

આમાંથી એક શખ્સે બીબીસીને પોતાની ઓળખ છુપાવવાની શરતે કહ્યું હતું કે આ બાપ-દીકરાએ પોતાની એક બનાવટી વેબસાઇટ પણ બનાવી રાખી હતી.

વેપારી દિલ્હીના મયૂર વિહાર વિસ્તારમાં જ રહે છે. તેમનો કાપડ નિકાસ કરવાનો વ્યવસાય છે.

તેમના જણાવ્યા પ્રમાણે બાપ-દીકરા દ્વારા બનાવવામાં આવેલી વેબસાઇટ જોયા બાદ તેમને પાકી ખાતરી થઈ ગઈ કે બંને વૈજ્ઞાનિક છે.


આ રીતે થયું પેમેન્ટ

Image copyright Delhi Police

બંને પક્ષો વચ્ચે એક કરાર કરવામાં આવ્યો. જેના પ્રમાણે એસ્ટ્રોનૉટ સૂટ અને તપાસ અંગેના સામાન ખરીદવા માટે રૂપિયાની જરૂર પડશે, જે ખૂબ જ મોંઘો આવે છે.

ઉપરાંત તપાસ પૂર્ણ કરવા માટે એક અલગ લેબ અને કેમિકલની પણ જરૂરત પડશે.

બાપ-દીકરાએ આ માટે તમામ ખર્ચ વેપારીને ઉઠાવવાનું કહ્યું હતું. વેપારી તેના માટે પણ રાજી થઈ ગયો. તેના માટે તેમણે યસ બૅન્કના એકાઉન્ટ નંબર પણ આપ્યાં હતાં.

ઠગનો ભોગ બનેલા વેપારીએ એકવાર ઓનલાઇન રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા હતા. જોકે, મોટાભાગે રોકડ જ અકાઉન્ટમાં જમા કરાવી હતી.

આખરે, પાંચ મહિના બાદ વેપારીને છેતરાઈ જવાની જાણ થઈ એટલે એણે બાપ-દીકરા પાસેથી પૈસા પાછા માગવાનું શરૂ કર્યું.

વેપારીના મતે શરૂઆતમાં તો બન્નેએ આનાકાની કરી. પણ, થોડા દિવસ બાદ પૈસા પરત કરવા માટે મુદ્દત માગી.

જોકે, એવામાં કેટલાય વર્ષો વીતી ગયા અને તેઓ ધમકી આપવા પર ઉતરી આવ્યા.

એટલે આખરે વેપારીની ધીરજનો બંધ તૂટ્યો. એપ્રિલ મહિનામાં તેમણે દિલ્હી પોલીસમાં આ અંગે ફરિયાદ દાખલ કરી. પોલીસે તપાસ કરી અને બાપ-દીકરાને પકડ્યા.


1200 રૂપિયામાં ખરીદ્યો ડ્રેસ

Image copyright Delhi Police

પોલીસના મતે બન્ને પાસેથી કેટલાકત સિમકાર્ડ, લૅપટૉપ અને ઍસ્ટ્રોનોટ્સનાં કપડાં પણ મળ્યા છે.

કપડાં અંગે જ્યારે પોલીસે તેને પૂછ્યું તો બાપ-દીકરાએ સ્વીકાર્યું કે 1200 રૂપિયામાં દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાંથી તેમણે અંતરીક્ષ યાત્રીનો ડ્રેસ ખરીદ્યો હતો.

જલદી પૈસાદાર બની જવાની લાલચમાં તેમની મુલાકાત એક એવી વ્યક્તિ સાથે થઈ હતી કે જેમણે સાધારણ અરીસાને જાદુઈ ગણાવી બન્નેને લાખોનો ચૂનો લગાવી દીધો હતો.

પોતાના પર વીતેલી ઘટનામાંથી શીખી બંને બાપ-દીકરાએ લોકોને છેતરવાનું શરૂ કરી દીધું.

દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભિષ્મસિંહના જણાવ્યા અનુસાર આ પહેલાં દહેરાદુનમાં બન્ને જણા એક સાપને સાડા સત્તર લાખ રૂપિયામાં વેચી ચૂક્યા છે.

હાલ દિલ્હી પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે. તેમના પર લગાવાયેલા આરોપ સાચા ઠર્યા તો બન્નેને સાડા સાત વર્ષની સજા થઈ શકે એમ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ