મેરઠમાં એક ગ્રાહકને સેક્સવર્કર સાથે પ્રેમ થઈ ગયો અને...

  • કમલેશ
  • બીબીસી સંવાદદાતા
પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

"પહેલાં તો તેઓ ક્યારેક-ક્યારેક કોઠા પર આવતા હતા. ક્યારેક મારી સાથે, તો ક્યારેક બીજી કોઈ યુવતી પાસે જતા.

"પણ, ધીરે-ધીરે તેઓ માત્ર મારા માટે જ કોઠા પર આવવા લાગ્યા. ખબર પણ ન પડી કે કેવી રીતે અમારા બંને વચ્ચે એક ખાસ સંબંધ રચાયો."

મેરઠના રૅડ લાઇટ એરિયા કબાડી બજાર સ્થિત એક કોઠા પર વેચી દેવાયેલી અનિતા(બદલાવેલું નામ)ની અંધારી જિંદગીમાં જાણે એ વ્યક્તિ પ્રકાશ બનીને આવી.

સામાન્ય રીતે તો સેક્સ વર્કરની જિંદગીમાં પ્રેમ માટે જગ્યા હોતી નથી, પરંતુ અનિતાની જિંદગીમાં પ્રેમનો રંગ ધીરે-ધીરે ચઢવાં લાગ્યો હતો.

અનિતા ઘણાં અપમાન ભરેલા ભાવનાહીન સંબંધોથી પસાર થઈ હતી એટલે એના માટે વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ હતો. તો પણ, તેમના માટે આશાનું એક કિરણ ચોક્કસપણે ઉગ્યું હતું.

આ પ્રેમે અનિતાને સેક્સવર્કરની જિંદગીમાંથી મુક્તિ અપાવી. તેમને સમાજમાં એક સન્માનજનક જીવન મળ્યું.

નોકરીના નામે લાવવામાં આવી

ઇમેજ સ્રોત, Getty Images

પશ્ચિમ બંગાળના 24 પરગણાથી લાવવામાં આવેલી અનિતાની જિંદગી કેટલાય કાંટાળા રસ્તેથી પસાર થઈ હતી.

તેઓ જણાવે છે, "મારા ઘરમાં માતાપિતા, એક નાની બહેન અને ભાઈ હતા. ઘરમાં હંમેશા પૈસાની તંગી રહેતી. ત્યારે વધુ એક કમાનારની જરૂર હતી.

શું તમે આ વાંચ્યું?

"મે વિચાર્યું કે હું પણ કામ કરું, તો ઘરને થોડી મદદ મળી રહે. ત્યારે ગામની જ એક વ્યક્તિએ મને શહેરમાં નોકરી અપાવવાની વાત કરી.

"તેમણે મારા માતાપિતાને પણ કહ્યું હતું કે તેઓ મને કોઈ કામ અપાવશે. લગભગ પાંચ વર્ષ પહેલાં હું તેમની સાથે આવી હતી.

"પરંતુ થોડા દિવસો બાદ તેમણે મને કોઠા પર વેચી દીધી."

ધમકીઓ પણ મળી

ઇમેજ સ્રોત, Getty Images

એ સમયે અનિતા માટે તો જાણે દુનિયા જ બદલાઈ ગઈ. થોડા દિવસો સુધી તો તેમને સમજાયું જ નહીં કે તેમની સાથે શું થયું છે.

અનિતા સતત એ લોકો પાસે પોતાને છોડી મૂકવાની વિનંતી કરતી રહી, પરંતુ તે લોકોનું હૃદય ક્યારેય પીગળ્યું નહીં.

નોકરી કરવા આવેલી અનિતા માટે સેક્સ વર્કર બનવું મરવા સમાન હતું. શરૂઆતમાં તેઓ આ કામની વિરુદ્ધમાં હતાં.

તેમની સાથે મારપીટ પણ થઈ. એટલું જ નહીં ચહેરો ખરાબ કરવાની અને મારી નાખવાની ધમકીઓ પણ મળી.

અનિતા જણાવે છે, "મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. તે જગ્યા મારા માટે નવી હતી અને જેલ જેવી હતી.

"મારી સાથે બળજબરી પણ થઈ કે જેથી હું ગ્રાહકો માટે તૈયાર થઈ જાઉં.

"ત્યારે મરવા કે હા કહેવાં સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. હું તૂટી ગઈ હતી અને મારી જાતને મેં આ ધંધામાં સોંપી દીધી."

નર્કથી છૂટકારો મેળવવો હતો

ઇમેજ સ્રોત, ATUL SHARMA

પરંતુ અનિતાની જિંદગીમાં ત્યારે પરિવર્તન આવ્યું, જ્યારે તેમની મુલાકાત મનીષ(બદલાવેલું નામ) સાથે થઈ.

તેઓ કહે છે કે તેમની અને મનીષ વચ્ચે ક્યારે એક ખાસ સંબંધ બની ગયો એ ખબર જ ન પડી.

"મનીષ અવાર-નવાર મને મળવા આવવા લાગ્યા. તેઓ મારી સાથે વાતો કરતા અને મને પણ સારું લાગતું."

અચાનક એક દિવસ મનીષે પોતાના દિલની વાત અનિતા સમક્ષ મૂકી. અનિતાને કોઠાથી છૂટકારો મેળવવો હતો. મનીષમાં તેમને આશરો જોવા મળ્યો.

અનિતા પહેલાં દગાનો ભોગ બની ચૂક્યાં હતાં અને એટલે જ તેઓ મનીષ પર સહેલાઈથી વિશ્વાસ પણ મૂકી શકતાં નહોતાં.

આખરે અનિતાએ કોઠા પરથી મુક્ત થવાની પોતાની ઇચ્છા મનીષ સમક્ષ મૂકી. કોઠા સાથે સંકળાયેલા લોકોને મનીષની અવર-જવર અંગે જાણ હતી.

સ્ટેમ્પ-પેપર પર લગાવ્યો અંગૂઠો

ઇમેજ સ્રોત, Getty Images

પરંતુ તેમના માટે આવું થવું સામાન્ય હતું, કારણ કે ઘણીવાર એવા ગ્રાહકો આવે છે, જેમને કોઈ ખાસ યુવતી પસંદ આવી જાય છે. ત્યારબાદ મનીષે એક એનજીઓનો સંપર્ક કર્યો.

આ સંસ્થા મેરઠમાં વેશ્યાવૃત્તિમાં ફસાયેલી યુવતીઓને છોડાવવા અને તેમનાં પુનર્વસનમાં મદદ કરે છે.

મોટાભાગે કોઠા પર આવનાર ગ્રાહકો જ તેમના જાસૂસ હોય છે.

એનજીઓના સંચાલક અતુલ શર્માએ જણાવ્યું, "મનીષ મારી પાસે આવ્યા હતા.

"તેમણે કહ્યું હતું કે તેઓ એક યુવતીને પ્રેમ કરે છે અને તેમને છોડાવવા માગે છે.

"મેં તેમને પૂછ્યું કે કોઠા પરથી લાવ્યા બાદ શું થશે. મનીષે કહ્યું કે તેઓ અનિતા સાથે લગ્ન કરવા માગે છે."

અતુલ જણાવે છે કે તેમની માટે શરૂઆતમાં મનીષની વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો.

તેમણે મનીષને થોડા દિવસો બાદ આવવા કહ્યું જેથી જાણી શકાય કે તેમના મનમાં ખરેખર શું છે.

મનીષ બે દિવસ બાદ ફરી આવ્યા અને એ વાતનું જ પુનરાવર્તન કર્યું, પછી અતુલ શર્માને થોડો વિશ્વાસ બેઠો.

કોઠા પરથી મળી મુક્તિ

ઇમેજ સ્રોત, ISTOCK

અતુલ શર્માએ પહેલાં મનીષને કહ્યું કે તેઓ સૌપ્રથમ યુવતીની સહમતિ લઈને આવે, કારણ કે બળજબરીથી તેમને કોઠા પરથી લાવવામાં મુશ્કેલી થશે.

અનિતા એ જગ્યાએથી નીકળવા માટે એટલી બેચેન હતી કે તેમણે મનીષને એક સ્ટૅમ્પ-પેપર લાવવા કહ્યું.

જ્યારે મનીષ પેપર લઈને ગયા તો અનિતાએ કોરા કાગળ પર અંગૂઠો મારી આપ્યો.

અનિતા કહે છે, "મને લખતાં નથી આવડતું. હું બહાર કોઈ સાથે વાત પણ કરી શકતી ન હતી. હું માત્ર બૂમો પાડીને કહેવા માગતી હતી કે મને ત્યાંથી બહાર કાઢો."

ત્યારબાદ અતુલ શર્મા પોલીસ સાથે કોઠા પર પહોંચ્યા.

દલાલનો ડર

ઇમેજ સ્રોત, Getty Images

અતુલ જણાવે છે કે તેઓ અનિતાને ઓળખતા ન હતા. એટલા માટે તેમણે મોટા અવાજે કહ્યું, અનિતા. ત્યારે એક યુવતી ઊભી થઈ.

"હું સમજી ગઇ કે આ એ જ યુવતી છે. મેં તેમનો હાથ પકડ્યો અને સાથે આવવા કહ્યું. તેઓ થોડા ડરી રહ્યાં હતાં કારણ કે, કોઠાથી નીકળ્યા બાદ પણ દલાલનો ડર રહે જ છે.

"ત્યારે કોઠો ચલાવનાર મહિલા મને રોકવા લાગ્યાં, પરંતુ મેં કહ્યું કે આ યુવતી અહીંથી જવા માગે છે.

"જો આ યુવતી સીડીઓ ઊતરશે તો તે અમારી સાથે આવશે અને નહીં ઉતરે તો હું જતો રહીશ.

"હું એટલું જ બોલ્યો હતો ત્યાં અનિતા દોડતા-દોડતા સીડીઓ ઉતરીને અમારી ગાડીમાં બેસી ગયાં."

ત્યારબાદ અતુલ શર્માએ મનીષના માતા-પિતા સાથે વાતચીત કરી.

સ્વાભાવિક છે કે શરૂઆતમાં તેઓ તૈયાર થયા નહીં, પરંતુ દીકરાની જીદ આગળ તેઓ માની ગયા.

પરંતુ, તેઓએ યુવતીનો ભૂતકાળ છૂપાવવાની શરત મૂકી.

સન્માનજનક જિંદગી

અનિતા જણાવે છે, "મેં તો લગ્ન અંગે વિચારવાનું પણ છોડી દીધું હતું, પરંતુ મારી જિંદગીમાં મનીષના આવવાથી થોડી આશા જાગી હતી.

"તેમનાં માતા-પિતાએ મારો સ્વીકાર ના કર્યો હોત તો પણ મને ખરાબ ના લાગ્યું હોત. કારણ કે, શું કામ કોઈ પોતાના માથે બદનામી લે.

"પરંતુ, ધીરે-ધીરે તેમણે મને સંપૂર્ણ રીતે અપનાવી લીધી. આજે મારી એક દીકરી છે અને તે એક આબરૂભરી જિંદગી જીવે છે."

મેરઠનો કબાડી બજાર એક રેડ લાઇટ એરિયા છે. અહીં યુવતીઓ સીટી મારીને કસ્ટમર બોલાવે એ સામાન્ય વાત છે.

આવું કરવાથી કોઇપણ તેમને સામાન્ય યુવતીઓથી અલગ ઓળખી શકે છે, પરંતુ ત્યાંથી છોડાવવામાં આવેલી ઘણી યુવતીઓ ઘર સંસાર માંડી ચૂકી છે.

તેમને રોજગારી આપવાના પ્રયત્નો પણ થયા છે. કોઠામાંથી બહાર કાઢી આ સંસ્થા યુવતીઓને સામાન્ય રહેણીકરણીની ટ્રેનિંગ પણ આપે છે.

આ માટે તેમને થોડા દિવસો સંસ્થાના કર્મચારીઓના ઘરે રાખવામાં આવે છે, જેથી તેઓ એ ઘરની મહિલાઓ પાસેથી સામાન્ય રહેણીકરણીની રીત શીખ શકે.

અતુલ શર્માએ જણાવ્યું કે કોઠા પર લાંબા સમય સુધી કામ કરનારી યુવતીઓનું બેસવું-ઊઠવું, બોલવાની રીત બધું જ બદલાઈ જાય છે.

તેઓ એક સામાન્ય પરિવારમાં રહી શકે તેનો પ્રયત્ન કરવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો