જૂનાગઢ-ગીરની પ્રખ્યાત કેસર કેરીનો અજાણ્યો ઇતિહાસ

કેસર કેરીની તસવીર Image copyright Getty Images

ગીરની કેસર કેરીનો રસપ્રદ ઇતિહાસ રહ્યો છે. નવાબીકાળમાં જેના મંડાણ થયા હતા તે કેસર કેરી આજે લોકોની દાઢે વળગી છે.

જૂનાગઢના નવાબ મહાબત ખાન - બીજાના વખતમાં 'સાલેભાઈની આંબડી' તરીકે ઓળખાતી કેરી મહાબતખાન -ત્રીજાના વખતમાં કેવી રીતે 'કેસર'બની એની કહાની પણ કેસર જેવી જ રસાળ છે.

કેસર કેરીનાં મૂળ (એટલે કે કલમો) નવાબી કાળમાં નખાયાં હતાં. જેનો સ્વાદ દાઢે વળગ્યો છે એ કેસર કેરી માટે જૂનાગઢના નવાબનો આભાર માનવો રહ્યો.

1850ના દાયકાથી કેસર કેરીનું વાવેતર અને વિકાસ સોરઠમાં થયો છે.


નવાબ મહાબતખાન-બીજા અને સાલેભાઈની આંબડી

Image copyright Getty Images

17 ઓગષ્ટ 2009ના રોજ કેસર કેરીના જિઓગ્રોફીકલ ઇન્ડિકેશનના રજીસ્ટ્રેશન માટે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીએ એક અરજી કરી હતી.

185 નંબરની એ અરજીમાં કેસરના ઇતિહાસ વિશે રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર, "1851થી 1882 સુધી જૂનાગઢમાં નવાબ મહાબતખાન - બીજાનું શાસન હતું.

"એ વખતે સાલેભાઈ નામના એક ખેડૂત માંગરોળ વિસ્તારમાં હતા. તેમણે પોતાના બગીચામાં મોટા કદની કેરીઓ જોઈ.

"આ કેરીઓ રાબેતા મુજબની કેરી કરતાં ખાસ્સી અલગ હતી. આ વિશિષ્ટ કેરી પાકીને ઝાડ પરથી નીચે પડી ત્યારે સાલેભાઈએ તેનો સ્વાદ ચાખ્યો.

"સાલેભાઈને એ કેરીનો સ્વાદ અન્ય કેરીના સ્વાદ કરતાં વધુ બહેતર લાગ્યો. તેમણે એ કેરી નવાબ મહાબતખાન બીજાને ભેટમાં આપી.

શું તમે આ વાંચ્યું?

"નવાબે તેના દરબારીઓ સાથે કેરીનો સ્વાદ માણ્યો. નવાબને તે કેરી અત્યંત મધુર, સોડમદાર અને રેસા વગરની લાગી.

"સ્વાદ-સુગંધમાં આ કેરી અન્ય કેરીઓ કરતાં ચઢિયાતી હતી. એ કેરીને સૌ પ્રથમ જૂનાગઢના નવાબ મહાબતખાન - બીજા દ્વારા સરાહના મળી હતી.

"તેમણે એ કેરીને 'સાલેભાઈની આંબડી 'નામ આપ્યું હતું. નવાબને કેરી પસંદ પડી એટલે તેની કલમો મંગાવી અને જૂનાગઢમાં રોપાવી.

1887થી 1909 દરમ્યાન જૂનાગઢના દીવાન હરપ્રસાદ ઉદયશંકર દેસાઈએ માંગરોળ અને ચોરવાડના વિસ્તારોમાં સાલેભાઈની આંબડીનું વાવેતર કર્યું હતું."

ટૂંકમાં, નવાબ મહાબતખાન - બીજાના સમયમાં જ કેસર કેરીનો સ્વાદ મશહૂર થઈ ગયો હતો. એ વખતે તે 'કેસર' તરીકે નહીં પણ 'સાલેભાઈની આંબડી' તરીકે જ પ્રચલિત હતી.


તો પછી કેસર નામ કેવી રીતે પડ્યું?

Image copyright Getty Images

મહાબત ખાન - બીજાના વખતમાં મશહુર થયેલી સાલેભાઈની આંબડીની સોડમ મહાબત ખાન-ત્રીજાના વખતમાં વધુ વિસ્તરે છે.

કેસર કેરીના જિઓગ્રોફીકલ ઇન્ડિકેશનના રજીસ્ટ્રેશન માટેની એ અરજીમાં જણાવાયું છે કે "નવાબ મહાબતખાન-ત્રીજાના સમયગાળામાં એટલે કે 1920થી 1947 દરમ્યાન એ.એસ.કે. આયંગર જૂનાગઢ સ્ટેટના ગાર્ડન સુપરિન્ટેન્ડન્ટ હતા.

''તેમણે 'સાલેભાઈની આંબડીનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર કર્યો. તેના કદ, રસ, સુગંધમાં થતાં ફેરફાર નોંધ્યા. કેરીના કેસરીયાળા ગરને ધ્યાનમાં રાખીને તેમણે સાલેભાઈની આંબડીને 'કેસર' નામ આપ્યું.”

“તેમણે કેસરની વિવિધ જાતોને ગિરનારની તળેટીમાં દુધેશ્વર ખાતેના આંબાવનમાં ઉછેરી. જૂનાગઢના સક્કરબાગ અને લાલઘોરી બગીચામાં પણ તેમણે કેસરની કલમો ઉછેરી.

“તેમણે ઉછેરેલી કેસરની વિવિધ જાતો કાઠિયાવાડના વિવિધ રજવાડાઓને પણ પસંદ પડી. એ પછી કાઠિયાવાડમાં વિવિધ રજવાડાઓએ પણ કેસરની જાતોનું વાવેતર કર્યું હતું."


કેસર કેરીનું અધિકારીક નામ ક્યારે અપાયું?

Image copyright Getty Images

જૂનાગઢની કૃષિ યુનીવર્સીટીના એસોસિયેટ ડિરેક્ટર ઇસ્માઇલ ધૃત જણાવે છે કે "કેરીને કેસર એવું નામ મહાબત ખાન-ત્રીજાએ આપ્યું હતું.

"25 મે 1934ના રોજ જૂનાગઢ નવાબે કેરીને 'કેસર' નામ આપ્યું હતું. કેરીનો કેસરી રંગ તેમજ લહેજતદાર સ્વાદને ધ્યાનમાં રાખીને તેને 'કેસર' નામ આપ્યું હતું.

"15 મે પછી તમે ગીરની કેસર કેરી ખાશો તો એના ગરનો રંગ કેસરી હશે અને તેની સુગંધ મઘમઘતી હશે. નવાબને કેરી 25 મેના રોજ પિરસાઈ હતી."

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
સાવધાન...આ કેરીઓ CCTVની નજર હેઠળ છે

ઇસ્માઇલભાઈ ધૃતનું કહેવું છે, "સાલેભાઈની વાડી વંથલીમાં હતી. કેસર કેરી સૌ પ્રથમ ત્યાં જોવા મળી હતી. સાલેભાઈ માંગરોળના શેખ હુસેન મિયાંના મિત્ર હતા.

"સાલેભાઈએ શેખ હુસેન મિયાંને કેરી આપી હતી. હુસેન મિયાંને પણ એ કેરીનો સ્વાદ ખૂબ પસંદ પડ્યો હતો.

"હુસેન મિયાં દ્વારા જ એ કેરીની વિગત જૂનાગઢના ગાર્ડન સુપરિન્ટેન્ડન્ટ એ. એસ. કે. આયંગર પાસે પહોંચી હતી.

"ત્યાર પછી આયંગરસાહેબ 25 કલમો વંથલીથી લાવ્યા હતા અને જૂનાગઢના તળેટી વિસ્તારમાં તેનું વાવેતર કર્યું હતું.

"ત્રણેક વર્ષ પછી એટલે કે 1934માં જે ફાલ ઉતર્યો તે કેરી મહાબતખાન - ત્રીજાને પીરસાઈ હતી.

"તેનો કેસરીયાળો રંગ તેમજ કેસરની જેમ ઊઘડતી મબલખ સુગંધ જોઈને નવાબે તેને 'કેસર' નામ આપ્યું હતું."


કેસર પહોંચી કચ્છ

Image copyright Getty Images

કેસર કેરીની લોકપ્રિયતા એટલી છે કે હવે તો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ તેનું ઉત્પાદન થાય છે.

ઇસ્માઇલભાઈ ધૃત કહે છે, "સ્વાદ,રંગ અને સુગંધમાં તાલાળા-ગીરની કેસરનો જોટો જડે તેમ નથી. કેસરનું ઉત્પાદન હવે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ થાય છે.”

“કચ્છમાં છેલ્લા બે દાયકામાં કેસર કેરીના ઉત્પાદનમાં નોંધપાત્ર કામ થયું છે. કચ્છમાં પણ કેસરની કલમો તાલાળા-ગીરમાંથી જ ગઈ હતી.”

“સૂકી આબોહવાને લીધે કચ્છની કેસર તાલાળા-ગીરની કેસર કરતાં મોડેથી આવે છે."

જોકે, નિષ્ણાતો માને છે કે તમામ કેસર કેરીઓમાં તાલાળા-ગીરની કેસર બિનહરીફ છે.

તાલાળા- ગીર એપીએમસી(એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી)ના સેક્રેટરી હરસુખભાઈ જારસાણીયા કહે છે, "તાલાળા-ગીરની કેસર કેરી પાક્યા પછી વધુ મીઠી થાય છે અને માવાનું પ્રમાણ પણ અન્ય કેસર કરતાં વધુ હોય છે."


'' કેસરનો ''

Image copyright Getty Images

કેસર કેરીની માગ એવી છે કે સૌરાષ્ટ્રમાં તો કેરી એટલે ‘કેસર’ એવું જ કહેવાય છે.

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં એકસમયે કેરીની સો જેટલી જાતનું ઉત્પાદન થતું હતું. હવે મોટેભાગે ખેડૂતો કેસરનું જ ઉત્પાદન વધુ લે છે.

કેસર કેરીની ઉત્પાદન પદ્ધતિમાં પણ અવનવા પ્રયોગો થવા માંડ્યા છે. ટપક સિંચાઈ પદ્ધતિ અનુસાર પણ ખેડૂતો કેસરનો પાક લેવા માંડ્યા છે.

કેસર કેરીનું વાવેતર ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લાના ગામોમાં થાય છે. વીસ હજાર હેક્ટરમાં દર વર્ષે કેસર કેરીનું ઉત્પાદન થાય છે.


કેસરનો કારોબાર સાત સમંદર પાર

Image copyright Getty Images

તાલાળા-ગીરની કેસરની સોડમ સરહદો વટાવીને સાત સમંદર પાર પહોંચી છે.

કેસરની નિકાસના આંકડા જ તેની સાબીતી છે.

તાલાળા-ગીર એપીએમસીના સેક્રેટરી હરસુખભાઈ જારસાણીયા જણાવે છે કે "વર્ષ 2017-18માં 281 મેટ્રિક ટન (1 મેટ્રિક ટન = 1000 કિલોગ્રામ) કેસર કેરી યુરોપિય દેશોમાં નિકાસ થઈ હતી.”

“70 મેટ્રિક ટન અમેરિકામાં નિકાસ પામી હતી. 9 મેટ્રિક ટન યુએઈ(યુનાઇટેડ આરબ એમિરાટ્સ)માં તેમજ 4 મેટ્રિક ટન ઓસ્ટ્રેલિયામાં નિકાસ પામી હતી.”

“વર્ષ 2016 -17માં 210 મેટ્રિક ટન કેસર યુરોપિય દેશોમાં તેમજ 50 મેટ્રિક ટન અમેરિકામાં નિકાસ પામી હતી. "

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા