કર્ણાટકના લોકો ગુજરાતના લોકો જેવા નથી: સિદ્ધારમૈયા

સિદ્ધારમૈયા Image copyright Getty Images

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડેએ વિવાદાસ્પદ નિવેદન આપીને કોંગ્રેસની મદદ કરી છે.

અનંત કુમાર હેગડેએ કહ્યું હતું કે ભાજપ બંધારણ બદલવા માટે સત્તામાં આવ્યો છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "આખરે ભાજપ બંધારણ શા માટે બદલવા માગે છે? શા માટે ભાજપના અધ્યક્ષ અમિત શાહ કહે છે કે અનંત કુમારના નિવદનથી પક્ષને કંઈ લેવા દેવા નથી? તેઓ તેમને મંત્રી પદથી અને પક્ષમાંથી કેમ હટાવતા નથી?"

"ભાજપ બંધારણ વિરોધી પક્ષ છે. જો પક્ષ બંધારણ, સામાજિક ન્યાય અને ધર્મનિરપેક્ષતામાં વિશ્વાસ રાખતો હતો તો તેમણે બંધારણ બદલવા વિશે વિચારવું પણ ના પડત. શું આ પક્ષે ક્યારેય પણ કહ્યું કે તે મંડલ કમીશનના રિપોર્ટ કે અનામતનું સમર્થન કરે છે."


વડાપ્રધાનની રેલીઓની શું અસર થશે?

Image copyright Getty Images

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે એક માત્ર એવા કોંગ્રેસી નેતા છો જેમાં આત્મવિશ્વાસ છે, તો સિદ્વારમૈયાએ કહ્યું, "મને સો ટકા વિશ્વાસ છે કારણ કે હું મુખ્યમંત્રી છું."

પરંતુ સિદ્વારમૈયાએ એમ પણ કહ્યું કે પાર્ટીએ લિંગાયત સમાજને અલ્પસંખ્યકનો દરજ્જો આપનારી ભલામણના પોતાના નિર્ણયને રાજકીય મુદ્દો બનાવ્યો નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમણે કહ્યું, "તે ભલામણનો રાજકીય ફાયદો ઉઠાવવાનો અમારો ક્યારેય ઇરાદો રહ્યો નથી. આ નિર્ણયથી ના તો અમને કોઈ ફાયદો થશે કે ના તો કોઈ નુકસાન."

સિદ્વારમૈયા એ વાતથી બિલકુલ ચિંતિત ન હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં એક બાદ એક અનેક રેલીઓ કરી છે. તેમનું માનવું છે કે વડાપ્રધાનની રેલીઓની ચૂંટણીઓ પર કોઈ અસર નહીં થાય.

તેમણે કહ્યું, "કોઈ અસર નહીં થાય. તેમના (વડાપ્રધાન) માટે એ શક્ય નથી કે તે પરિવર્તન લાવી શકે. કર્ણાટકમાં તેમનું યોગદાન શું છે? ચાર વર્ષમાં દુકાળ દરમિયાન તેમણે મદદ માટેની અમારી માગણીનો જવાબ પણ નથી આપ્યો."

"અમે લોકોએ મહાદાયી નદી જળ વિવાદના સમાધાન માટે તેમને અનુરોધ કર્યો હતો. હવે તેઓ કહે છે કે જો તેમનો પક્ષ સત્તામાં આવ્યો તો તેના સમાધાન માટે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે."


'કર્ણાટકના લોકો ગુજરાતના લોકો જેવા નથી'

Image copyright Getty Images

સિદ્વારમૈયાએ આગળ કહ્યું, "શું વડાપ્રધાન આવી રીતે વાત કરે છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી નથી, દેશના વડાપ્રધાન છે."

"ઇન્દિરા ગાંધીના કામ કરવાની રીત જુઓ, કેવી રીતે તેમણે ચેન્નઈના લોકો માટે પીવના પાણીની વ્યવસ્થા કરી હતી. જોકે, તમિલનાડુ ત્યારે એ કૃષ્ણા જળ વિવાદનો ભાગ ન હતું. આ વિવાદ ત્યારના આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે ચાલી રહ્યો હતો. એક વડાપ્રધાન આ રીતે કામ કરે છે."

સિદ્વારમૈયા માને છે કે ભાજપ હંમેશા મુદ્દાઓને જીવતા રાખવા માગે છે. એ જ તેમની રણનીતિ છે. શું તેમણે રામ મંદિરનું નિર્માણ કરાવ્યું?

તેઓ માને છે કે "મોદીની લોકપ્રિયતા હવે એવી નથી રહી જેવી 2014માં હતી. તેમનું ના તો આકર્ષણ ઓછું થયું પરંતુ તેમનો પ્રભાવ પણ ઘટ્યો છે. કર્ણાટકના લોકો ઉત્તર પ્રદેશ કે ગુજરાતના લોકો જેવા નથી."

સિદ્વારમૈયા માને છે કે કેટલીક જગ્યાઓએ કોંગ્રેસના ધારાસભ્યોથી લોકો નારાજ જરૂર છે પરંતુ સરકાર વિરુદ્ધ કોઈપણ પ્રકારની નારાજગી નથી.

તેઓ એવી દલીલ કરે છે કે સરકારે સામાજિક કલ્યાણના કાર્યક્રમો ચલાવ્યા છે. તેમની સરકારે ગરીબી, શિક્ષણ, મહિલા, ખેડૂતો અને સામાન્ય લોકોના હિતમાં કામ કર્યાં છે.

તેમણે એ પણ દાવો કર્યો કે કર્ણાટકમાં 224 બેઠકોમાંથી કોંગ્રેસને 120થી વધુ બેઠકો મળશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ