સઆદત હસન મંટો : હું સમાજનાં કપડાં શું ઉતારવાનો...

મંટોની તસવીર Image copyright Manto/PaksitaniFilmPoster

''સમયના જે કાળખંડમાંથી અત્યારે આપણે પસાર થઈ રહ્યા છીએ, એનાથી તમે અજાણ હો તો તમે મારી વાર્તા વાંચો."

''જો તમને મારી વાર્તા ના પચે તો એનો એવો અર્થ થયો કે આ વખત પચાવી શકાય એવો નથી.''

ઉપરોક્ત શબ્દો ઉર્દૂના પ્રખ્યાત વાર્તાકાર મંટોના છે. ભારત અને પાકિસ્તાનના વિભાજનમાં વેરાન થઈ ગયેલી લોહિયાળ જિંદગીઓને સઆદત હસન મંટોએ પોતાની કલમથી ઉજાગર કરી છે.

'ઠંડા ગોસ્ત', 'ખોલ દો', 'ટોબા ટેક સિંઘ', 'ઈસ મઝધાર મેં', 'બાબુ ગોપીનાથ' જેવી માનવમનના વમળમાં ચકારાવો લેતી વાર્તાઓનું સર્જન કરનારા મંટોએ પત્રકાર તરીકે પણ કામ કર્યું અને રેડિયો માટે સ્ક્રિપ્ટ પણ લખી.

દિલ્હીથી મુંબઈ આવીને ફિલ્મોની કથાઓ પણ લખી તો મુંબઈથી પાકિસ્તાન જઈ માનવીનાં મનમાં રહેતા અંધકારથી ખદબદતી વાર્તાઓ પણ આલેખી.


નગ્ન વાસ્તવિક્તાનું નિરૂપણ

Image copyright MantoMoviePoster/NANDITADAS

માત્ર ચાર દાયકાનું આયુષ્ય ભોગવી 'હિંદુસ્તાન-પાકિસ્તાન'ના ભેદમાં ખદબદતી દુનિયાને છોડી જનારા મંટોનું સાહિત્ય એ કાળખંડમાં જન્મેલી અને ઇન્સાની હેવાનિયતનો ભોગ બની આથમી ગયેલી જિંદગીઓની અંધારી બાજુઓમાં પ્રકાશ પાડવા પૂરતું છે.

મંટોએ 22 ટૂંકી વાર્તાસંગ્રહો, અઢળક ફિલ્મની કથાઓ, જીવનચરિત્રો અને નિબંધ લખ્યાં.

'ધૂંઆ', 'બુ', 'કાલી સલવાર', 'ઠંડા ગોસ્ત', 'ઉપર નીચે દરમિયાં', જેવી વાર્તામાં અશ્લીલતાના આરોપોને કારણે મંટોએ છ વખત કોર્ટના ધક્કા ખાવા પડ્યા.

ત્રણ વખત પાકિસ્તાન બન્યું તે પહેલાં અને ત્રણ વખત પાકિસ્તાન બન્યું તે પછી.

મંટોના લખાણની વિશેષતા એ હતી એમાં નગ્ન વાસ્તવિક્તાનું નિરૂપણ હતું. મંટો જેવું જોતા એવું જ લખી નાખતા.

મંટો પર બનેલી ફિલ્મમાં મંટોનું પાત્ર ભજવતા નવાઝુદ્દીન સિદ્દીકી મંટો વિશે કહે છે, ''મંટોએ હંમેશાં સાચું બોલ્યું. જે જોયું એ જ લખ્યું.''

સમાજની નગ્નતા દર્શાવવાના આરોપ અંગે મંટોએ કહ્યું હતું, ''હું સમાજનાં વસ્ત્રો શું ઉતારવાનો? એ તો પહેલાંથી જ નગ્ન છે. હું એને વસ્ત્રો પહેરાવવાનો પ્રયાસ પણ નથી કરતો. એ કામ મારું નહીં, દરજીઓનું છે.''


'ચલતા-ફિરતા બમ્બઈ હું'

Image copyright OTHER

42 વર્ષની જિંદગીમાં છેલ્લાં સાત વર્ષ પાકિસ્તાનમાં વિતાવનારા મંટોએ લાહોરમાં એક વખત કહ્યું હતું કે, 'મેં ચલતા-ફિરતા બમ્બઈ હું.'

જિંદગીનાં 12 વર્ષ મંટોએ મુંબઈના નામે કર્યાં હતાં. દાદા મુની (અશોક કુમાર) અને અભિનેતા શ્યામ જેવા મિત્રો પણ મંટોને મુંબઈએ જ આપ્યા હતા.

મંટો અને દાદામુની બન્ને મુંબઈમાં 'ફિલ્મિસ્તાન' સ્ટુડિયો માટે કામ કરતા હતા. અશોક કુમાર જ્યારે 'ફિલ્મિસ્તાન' છોડીને 'બૉમ્બે ટૉકિઝ'માં જોડાયા તો મંટો પણ સાથે આવ્યા હતા.

અશોક કુમાર સાથેની મંટોની મિત્રતા એટલી તો ગાઢ હતી કે 'સ્ટાર્સ ફ્રૉમ અનધર સ્કાઈ' નામના પુસ્તકમાં તેમણે એક આખું પ્રકરણ અશોક કુમાર પર લખ્યું હતું.


મંટો અને ભારત-પાકિસ્તાન

પત્રકાર આકાર પટેલ મંટોના મહત્ત્વને સમજાવતા કહે છે, ''મંટોનું માનવું હતું કે જો ભારતમાં ધાર્મિક સૌહાર્દ જળવાઈ રહે તો એ બહુ જ શક્તિશાળી દેશ બની શકે એમ છે.

''જોકે, પાકિસ્તાન એક એવો દેશ છે કે જે ધર્મના પાયા પર રચાયો અને એટલે જ ત્યાં હંમેશાં મુશ્કેલીઓ ઊભી જ રહેશે.''

પંજાબના લુધિયાણાના સમરાલામાં 11મી 1912 ના રોજ જન્મેલા મંટો અમૃતસરમાં રહ્યા અને પિતાના મૃત્યુ બાદ પત્રકાર બનવા મુંબઈ આવી ગયા. દેશના ભાગલા બાદ પાકિસ્તાન જતા રહ્યા.

મંટોને જાણનારાઓનું કહેવું છે કે મુંબઈમાં રહેતા મંટો અને પાકિસ્તાનમાં ગયેલા મંટો એ બન્ને અલગઅલગ વ્યક્તિ હતી.

ભાગલાએ જન્માવેલી હેવાનિયતે મંટોનું લખાણ બદલી નાખ્યું હતું. આકાર જણાવે છે, ''જે રોમાન્સ એમની કહાની 'બૂ'માં જોવા મળ્યો હતો, એ બાદમાં ક્યારેય નથી દેખાયો. એમનું લખાણ હિંસક વિષયો તરફ વળી ગયું હતું.''

પણ, એ હિંસક લખાણો મરવા પડેલી માનવતાને બચાવવાનો પ્રયાસ હતો. મંટો પર ફિલ્મ બનાવારાં નંદિતા દાસ કહે છે, ''રાષ્ટ્રવાદ અને ધર્મોની મર્યાદામાંથી બહાર નીકળીને એક માનવ તરીકે ઊભેલા મંટો મને પસંદ છે અને એટલે જ મેં એમના પર ફિલ્મ બનાવવાનું પસંદ કર્યું.''


મંટો આજે હયાત હોત તો?

Image copyright MANTO/PAKSITANIFILMPOSTER

આહ કો ચાહીએ ઇક ઉમ્ર અસર હોને તક

કૌન જીતા હૈ તેરી ઝુલ્ફ કે સર હોને તક

મંટોને ગાલિબ બહુ જ ગમતા હતા, ઉપર લખાયેલો ગાલિબનો શેર મંટોની આખી જિંદગાની આવરી લેવા પૂરતો છે.

આખી જિંદગી અશ્લીલતા, નગ્નતા, ફાલતુ લખાણ જેવા આરોપો સહન કરનારા, પૂરતી કદર ન મેળવનારા મંટો ભાગલાનાં આઠ વર્ષે ફાનીજહાંને અલવિદા કરી ગયા.

પણ, એમના મૃત્યુ બાદ ભારત અને પાકિસ્તાન એમ બન્ને દેશોને એમનું મહત્ત્વ સમજાયું. એમની ગણના માત્ર ભારત અને પાકિસ્તાનના જ નહીં, સમગ્ર દક્ષિણ એશિયાના મહાન લેખકોમાં થવા લાગી.

એમના પર ફિલ્મો બનવા લાગી. પુસ્તકો લખાવાં લાગ્યાં, ચર્ચાઓ યોજાવા લાગી અને જલસાઓ થવા લાગ્યા.

પણ, જો મંટો આજે હયાત હો તો એમને મળી રહેતા આ માન-સન્માન પર શું કહેત?

કદાચ ટોબા ટેક સિંઘની ભાષામાં બોલ્યા હોત, 'ઔપડ દી ગડ ગડ દી અનૈક્સ દી બેધ્યાના દી મુંગ દી દાલ ઑફ ઑનર ઑફ હિંદુસ્તાન ઍન્ડ પાકિસ્તાન'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો