'હુલ્લડ યાદ આવતાં જ રૂવાંટાં ઊભા થઈ જાય છે'

અમદાવાદના હુલ્લડની ફાઇલ તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન અમદાવાદના હુલ્લડની ફાઇલ તસવીર

ગુજરાત હાઈકોર્ટે ઓડ હત્યાકાંડમાં 14 કસૂરવારની જનમટીપ તથા પાંચ કસૂરવારની સાત વર્ષની સજા યથાવત રાખી છે. ગુજરાતમાં 2002 ફાટી નીકળેલા કોમી રમખાણના નવ મહત્ત્વપૂર્ણ કેસોમાં ઓડ કેસનો પણ સમાવેશ થાય છે.

પીડિત પરિવારોએ આ ચુકાદા પર 'નિરાશા' વ્યક્ત કરી છે. આ અંગે રાજ્ય સરકારે કોઈ ઔપચારિક પ્રતિક્રિયા આપી નથી.

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ગુજરાત પોલીસ બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આ હત્યાકાંડની તપાસ હાથ ધરી હતી.

ફાસ્ટ ટ્રેક કોર્ટે 2012માં આ કેસનો ચુકાદો આપ્યો હતો. જેમાં 23 આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા હતા, જ્યારે 23 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

હુલ્લડખોરોએ પહેલી માર્ચ 2002ના ઓડમાં મુસ્લિમોની વસ્તી પર હુમલો કર્યો હતો, જેમાં 23 મુસ્લિમોને જીવતા સળગાવી દેવાયાં હતાં.

બીબીસીની ટીમે 'ગ્રાઉન્ડ ઝીરો' સમાન આણંદ જિલ્લાના ઓડની મુલાકાત લીધી અને ત્યાંની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો.


'ઊંઘી નહોતી શકતી'

Image copyright Haresh Zala
ફોટો લાઈન રફીકભાઈ ખલીફા ઓડ છોડીને આણંદમાં વસી ગયા છે

રેહાના યુસુભાઇ વોરાએ ઓડ કેસમાં તાજના સાક્ષી છે. જ્યારે હત્યાકાંડ થયો ત્યારે તેમની ઉંમર 18 વર્ષની હતી.

16 વર્ષ અગાઉની ઘટના વિશે રેહાના એવી રીતે વાત કરે છે જાણે હાલની જ ઘટના હોય.

"બીબીસીની ટીમ સાથે વાત કરતાં રેહાનાએ કહ્યું, "એક વાતનો હું આનંદ લઈ શકું છું કે મારી જુબાનીના કારણે આરોપીઓને સજા થઈ છે. કોર્ટે જે ચુકાદો આપ્યો તે અમને માન્ય છે.

"પરંતુ દુખ એ વાતનું છે જે કંઈ ગયું છે તે કોઈ સરકાર પાછું અપાવવાની નથી. સરકારની મદદ આર્થિક નુકશાનના પચ્ચાસ ટકા પણ નહતી

"અમે જે માનસિક પીડા ભોગવી છે, તે અવર્ણનીય છે. ઘટના ના ઘણા લાંબો સમય સુધી હું ઊંઘી શકી ન હતી, કારણ કે મારી નજર સામે મારા પરિવારના ત્રણ વ્યક્તિઓને તોફાની ટોળા જીવતા સળગાવી દીધા હતા.

"આજે પણ એ ઘટના યાદ આવે છે ત્યારે રૂવાંટાં ઊભા થઈ જાય છે."

રેહાનાનાં નિકાહ થઈ ગયા છે અને તેઓ ડાકોરમાં રહે છે. રેહાના કહે છે, 'કેસના કામ સિવાય ક્યારેય ગામ પરત નથી ગઈ.'

ઘટનાના ત્રણ દિવસ બાદ યુસુફભાઈ અને તેમના પરિવારે ગામ છોડી દીધો. યુસુફભાઈનો પરિવાર આણંદની રિલીફ કમિટીએ બનાવી આપેલા ઘરમાં રહે છે.

હત્યાકાંડના 16 વર્ષ બાદ પણ પરિવાર આર્થિક રીતે સ્થિર નથી થઈ શક્યો.


'પરત નથી ફરવું'

Image copyright Getty Images
ફોટો લાઈન ફાઇલ તસવીર પ્રતીકાત્મક ઉપયોગ

ઓડ કેસના અન્ય એક ફરિયાદી રફીકભાઈ ખલીફા પણ રિલીફ કોલોનીમાં રહે છે. તેઓ કહે છે, "મારે લાતીનો ધંધો હતો. તોફાની ટોળાએ મારી લાતી અને ઘર સળગાવી દીધા.

"મને લાતીના નુકસાનના વળતરપેટે એક રૂપિયો પણ નથી મળ્યો."

રફીકભાઈના દીકરા નવસારીમાં છૂટકકામ કરે છે, જેમની આવકમાંથી ઘરનું ગુજરાન ચાલે છે.

રફીકભાઈ ઓડ પરત ફરવા તૈયાર નથી. જોકે, તેમના સગા ભાઈ યુસુફભાઈ ખલીફા અને તેમનો પરિવાર ગામમાં પુનઃ વસી ગયો છે.

નિર્દોષ છૂટ્યાની ખુશી નહીં

Image copyright Haresh Zala
ફોટો લાઈન હારૂણભાઈ ઓડ પરત ફર્યા છે અને નાઈકામનો વ્યવસાય ફરી શરૂ કર્યો

બીબીસીની ટીમે હાઈ કોર્ટમાં નિર્દોષ છૂટેલા પૂનમભાઈ લાલજીભાઈ પટેલના ઘરની મુલાકાત લીધી. ત્યાં કોઈ ખાસ ખુશી ન હતી.

નીચલી કોર્ટે પૂનમભાઈને જનમટીપની સજા ફટકારી હતી અને તેઓ જામીન પર બહાર હતા.

પૂનમભાઈ અને તેમનો પરિવાર સવારથી જ ટીવી સામે ગોઠવાઈ ગયો હતો.

પૂનમભાઈ કહે છે, "સાત વર્ષમાં મારા પરિવારે ખૂબ જ આર્થિક ખુવારી જોઈ છે. મારા દીકરા-દીકરીનું ભવિષ્ય બગડી ગયું છે.

"ખેતી અને તમાકુ ટ્રેડિંગનો ધંધો હતો જે ખોરવાઈ ગયો છે. હવે ફરી બધું સરખું ગોઠવી દેવું છે, જેથી બાળકોની જિંદગી ફરી પાટે ચડી જાય."

પૂનમભાઈના પત્નીએ કહ્યું, "એમના સહિત ત્રણને નિર્દોષ છોડી મૂક્યા તેનાથી ખુશી તો થઈ, પરંતુ અમે ઉજવણી નથી કરી. કારણ કે, હાઈ કોર્ટે અન્ય સભ્યોની સજા યથાવત રાખી છે."

ટીવી પર પૂનમભાઈ નિર્દોષ છૂટ્યાની જાણ થયા બાદ જ પરિવારે રસોઈનાં મંડાણ કર્યાં હતાં. સાંજે પૂનમભાઈ પરિવાર સાથે કૂળદેવીના દર્શને નીકળ્યાં.

ગુનેગારો સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ગુનાહિત કાવતરું ઘડવું, સુલેહ-શાંતિનો ભંગ, ગેરકાયદેસર મંડળી રચવી તથા પુરાવાનો નાશ કરવા જેવા ગુના દાખલ થયા હતા.

હાઈ કોર્ટે પાંચ ગુનેગારોની સાત વર્ષની સજાને યથાવત રાખી હતી. જેના પગલે આ ગુનેગારોએ વધુ જેલવાસ નહીં ભોગવવો પડે.


પીડિતો પાસે જ આવે છે ગુનેગાર

Image copyright Haresh Zala
ફોટો લાઈન શુક્રવારે હાઈ કોર્ટે પૂનમભાઈને નિર્દોષ છોડ્યા

યુસુફભાઈએ ઓડ પરત ફરીને વાળ કાપવાની દુકાન ફરી ચાલુ કરી છે અને પરિવાર સાથે ઓડમાં જ રહે છે.

યુસુફભાઈના પુત્ર હારુણે બીબીસીની ટીમને જણાવ્યું, "આજે અમારી દુકાન ગામનાં તમામ સમાજનાં વ્યક્તિઓ વાળ કપાવવા આવે છે.

"ખુદ આરોપીઓ પણ જ્યારે જામીન કે પેરોલ પર છૂટે છે, ત્યારે અમારી દુકાને આવીને વાળ કપાવે છે."

હુલ્લડોના લગભગ એકાદ મહિના અગાઉ જ યુસુફભાઈ સાઉદી એરેબિયાથી પરત ફર્યા હતા.

દીકરીનાં નિકાહ પણ એજ વરસે નિર્ધારવામાં આવ્યાં હોવાથી તેઓ વિદેશથી ઘણી વસ્તુઓ લાવ્યાં હતાં.

હારૂણભાઈ કહે છે કે પેટનાં કારણે જ તેઓ ઓડ પરત ફરવા તૈયાર થયા છે.

હાઈ કોર્ટનું અવલોકન

Image copyright Reuters

જસ્ટિસ અકિલ કુરેશી અને જસ્ટિસ બી. એન. કારીયાએ આજે ચુકાદો આપતી વખતે અવલોકન કર્યું હતું કે હુલ્લડો સમયે ક્ષણિક આવેશ હોય છે અને બાદમાં બધું સામાન્ય થઈ જતું હોય છે.

જોકે તોફાનના કારણે પીડિતો અને આરોપીઓ એમ બન્ને પક્ષના પરિવારજનોએ ભોગવવું પડે છે.

પીડિતોએ વધુ સહન કરવું પડે છે અને આરોપીઓના પરિવારને પણ પારાવાર મુશ્કેલી સહન કરવી પડે છે.

આરોપીઓના પરિવારજનોએ જામીન માટે વારંવાર કોર્ટમાં આવવું પડે છે. કોર્ટનું કામ છે ન્યાય કરવાનું, આવા કેસમાં કોર્ટ વધુમાં વધુ ઝડપથી ચુકાદા આપી શકે છે.


ઓડ કેસમાં હવે શું?

Image copyright Kalpit Bhachech

નીચલી કોર્ટમાં પીડિતો વતી કેસ લડનારા માનવ અધિકાર મંચના વકીલ એસ. એમ. વોહરાના કહેવા પ્રમાણે:

"હાઈકોર્ટે અમુકની સજા ઘટાડી છે, અમે તેને સર્વોચ્ચ અદાલતમાં પડકારવા વિચારણા હાથ ધરી છે."

આ અંગે રાજ્યના કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજાની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

ભયાનક હુલ્લડોમાંથી એક

Image copyright Getty Images
ફોટો લાઈન સાબરમતી એક્સપ્રેસને આગ ચાંપતા 58 હિંદુ કારસેવકોના મૃત્યુ થયા હતા

27મી ફેબ્રુઆરીના દિવસે હિંસક લોકોએ કારસેવકોને લઈને નીકળેલી સાબરમતી એકસપ્રેસના કોચોને આગ લગાડી હતી, જેમાં 58 કારસેવકોના મૃત્યુ થયા હતા.

ત્યારબાદ ગુજરાતભરમાં આઝાદી પછીના સૌથી ભયાનક હુલ્લડોમાંથી એક ફાટી નીકળ્યા હતા.

2005માં તત્કાલીન રાજ્યકક્ષાના ગૃહપ્રધાન શ્રીપ્રકાશ જ્યસ્વાલે રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે હુલ્લડોમાં 790 મુસલમાન અને 254 હિંદુનાં મૃત્યુ થયાં હતાં.

એ સમયે 223 લોકો ગુજમ થઈ ગયા હતા, જેમને મૃત માની લેવામાં આવ્યા હતા.

Image copyright Getty Images
ફોટો લાઈન ગુલબર્ગ હત્યાકાંડના પીડિતોએ મોદીને આરોપી બનાવવા માગ કરી હતી

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વર્ષ 2008માં નવ મોટા હત્યાકાંડોની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (SIT) કરી હતી.

આ હત્યાકાંડોમાં ગોધરાકાંડ (59 મૃત્યુ), અમદાવાદમાં ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ (69 મૃત્યુ), અમદાવાદ નરોડા પાટિયા હત્યાકાંડ (97ના મૃત્યુ), નરોડા ગામ હત્યાકાંડ (11ના મૃત્યુ), મહેસાણામાં સરદાપુરા હત્યાકાંડ (31 મૃત્યુ), ઓડ ગામના બે હત્યાકાંડ (ત્રણ અને 23 એમ કુલ 26ના મૃત્યુ), મહેસાણામાં દીપડા દરવાજા હત્યાકાંડ (11 મૃત્યુ) અને હિંમતનગર જિલ્લામાં પ્રાંતીજ હત્યાકાંડ (ત્રણ બ્રિટિશ નાગરિકોની હત્યા)ના કેસનો સમાવેશ થાય છે.

સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટર આર. કે. રાખવને આ ટીમનું નેતૃત્વ કર્યું હતું.

Image copyright Getty Images
ફોટો લાઈન SITએ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીનું નિવેદન નોંધ્યું હતું

ગુલબર્ગ હત્યકાંડના પીડિતોએ આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં હુલ્લડોને અટકાવા કોઈ સક્રિય પગલા લીધા ન હતા.

જોકે, SITને ગુલબર્ગ હત્યાકાંડ સાથે મોદીને સાંકળતા કોઈ પુરાવા મળ્યા ન હતા.

આ કેસોમાં 307 લોકો માર્યા ગયા હતા, જ્યારે 471 લોકો આરોપી હતા. જેમાંથી સિત્તેર ટકા આરોપીઓ નિર્દોષ છૂટી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ