TOP NEWS: કર્ણાટકમાં ચૂંટણીમાં કુલ 70 ટકા મતદાન

પ્રતિકાત્મક તસવીર Image copyright Getty Images

ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે વિધાનસભાની ચૂંટણી માટે યોજાયેલા મતદાનમાં કુલ 70 ટકા મતદાન થયું છે.

આ દરમિયાન 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ભાજપના કર્ણાટક પ્રદેશ પ્રમુખ યેદ્દીયુરપ્પાને 'માનસિક અસ્થિર' ગણાવ્યા છે. સાથે જ કોંગ્રેસને 224માંથી 120 બેઠકો મળશે એવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે.

અખાબારની વેબસાઇટ અનુસાર સિદ્ધારમૈયાએ કહ્યું છે, ''કોંગ્રેસને 120 કરતાં વધુ બેઠકો મળશે. તમામ સમુદાયોના ગરીબ વર્ગો અમારી સાથે છે અને કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળશે.''

મહત્વપૂર્ણ છે કે યેદીયુરપ્પાએ અગાઉ કહ્યું હતું કે લોકો તેમના પક્ષ એટલે કે ભાજપ સાથે છે અને કર્ણાટકમાં ભાજપ 145-150 બેઠકો જીતી સરકાર રચશે.

હાલમાં કોંગ્રેસની મજબૂત સત્તા ગણી શકાય એવા એકમાત્ર રાજ્ય કર્ણાટકમાં રાહુલ ગાંધીની ખરી કસોટી થશે. કારણ કે, ડિસેમ્બર માસમાં કોંગ્રેસનું સુકાન સંભાળ્યા બાદ રાહુલ ગાંધી માટે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી મહત્ત્વની ગણાઈ રહી છે.

ઓપિનિયન પૉલ પ્રમાણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ થાય એવી શક્યતાઓ છે, જેના કારણે જનતા દળ (સેક્યુલર) જેવો સ્થાનિક રાજકીય પક્ષ સરકાર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવશે.

મંગળવારે જાહેર થનારા પરિણામો અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ તથા લોકસભાની ચૂંટણી પર અસર કરશે.


ઔરંગાબાદમાં તોફાન : 2નાં મોત, 30 ઘાયલ

Image copyright AMEYA PATHAK

બીબીસી મરાઠીની વેબસાઇટ અનુસાર મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પાણી માટે બે જૂથો વચ્ચે થયેલા ઘર્ષણમાં બે લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 30 લોકોને ઇજા થઈ છે.

ઔરંગાબાદના પોલીસ કમિશનર મિલિંદ ભારાંબેને ટાંકીને બીબીસી મરાઠીએ જણાવ્યું કે પાણીના ગેરકાયદે નળના જોડાણના મુદ્દે બે જૂથો આમનેસામને આવી ગયા હતા.

જેના પગલે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને પ્લાસ્ટિકની ગોળી તેમજ ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્ય હતો.

એ વખતે મામલો શાંત પડી ગયો હતો. જોકે, થોડા સમય બાદ હુલ્લડ ફાટી નીકળ્યું હતું. જેમાં લોકોએ તલવારો, છરીઓનો પ્રયોગ પણ કર્યો હતો અને આગજનીની ઘટના પણ બની હતી.

સ્થિતિની ગંભીરતા સમજતા પોલીસનો વધુ કાફલો સંબંધીત વિસ્તારમાં ખડકી દેવાયો છે. અણછાજતી ઘટના અટકાવવા શહેરમાં નાકાબંધી કરી દેવાઈ છે.


ભારતીય સેનાને મળશે 'મેઇડ ઇન ગુજરાત' હોવિત્ઝર ગન

Image copyright Getty Images

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન અંતર્ગત ભારતીય સુરક્ષા દળોને 'મેઇડ ઇન ગુજરાત' કે9 વજ્ર-ટી હોવિત્ઝર રાઇફલ આગામી મહિનાથી આપવામાં આવશે. હજીરા સ્થિત મેન્યુફેક્ચરીંગ યૂનિટમાં કે9 વજ્ર બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

અહેવાલ પ્રમાણે, કે9 વજ્ર સાઉથ કોરીયન આર્મીની કે9 થંડર કરતા અલગ પ્રકારની છે.

2017માં રક્ષા મંત્રાલય તથા બે કંપનીઓ વચ્ચે થયેલા 4,600 કરોડના કરાર પ્રમાણે 42 મહિનામાં 100 રાઇફલનું ઉત્પાદન થશે. હજીરા ખાતે બનાવાયેલા ટેસ્ટ ટ્રેકમાં આ રાઇફલનું પરીક્ષણ કરાઈ રહ્યું છે.

આ ઉત્પાદન કાર્ય 'બાય ગ્લોબલ' અભિયાન અંતર્ગત થઈ રહ્યું છે, જેમાં વિદેશી કંપનીઓને પણ જોડાવવાની પરવાનગી મળે છે.

એથી જ આ ઉત્પાદનકાર્યમાં 'એલ એન્ડ ટી' ઉપરાંત 'સાઉથ કોરીયન હાંવા ટેકવિન' ટેકનોલોજી પાર્ટનર તરીકે જોડાયું છે.

એલ એન્ડ ટી સહિતની અન્ય કંપનીઓ દ્વારા સુરક્ષા દળો માટે અન્ય સાધનો પણ તૈયાર કરાઈ રહ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.


ઈરાન પર અમેરિકાના પ્રતિબંધોથી ભારતને શું અસર થશે?

Image copyright Getty Images

ઇકોનોમિક ટાઇમ્સની વેબસાઇટના અહેવાલ પ્રમાણે ઈરાન સાથેની ન્યૂક્લિઅર ડીલ પડતી મૂકવાના અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી ભારતને બહુ તકલીફ નહીં પડે.

ઈરાન પર અમેરિકા દ્વારા લાદવામાં આવતા પ્રતિબંધોની સ્થિતિને સંભાળવામાં ભારતીય વ્યવસ્થા કુશળતા ધરાવે છે.

જો ભવિષ્યમાં પણ આ અંગે યુ.એસ. તથા યુરોપીયનો વિભાજીત રહે તો વ્યૂહ રચના માટે આપણને અવકાશ મળશે.

અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે, આ અંગે ભારતનું નિવેદન પૂરતું સમતોલ છે.

તેમનો મત સ્પષ્ટ છે કે, ઈરાનની જવાબદારી બને છે કે, ન્યૂક્લિઅર ડીલ અંગે પોતાના 'શાંત સ્વભાવ'ને વળગી રહે અને 'જોઇન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન' પર હસ્તાક્ષર થયા બાદ સર્જાતા પ્રશ્નોને પણ ઉકેલ લાવે.

આ ઉપરાંત ભારત 2005 થી જ આ બાબતે સ્પષ્ટ હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો