વર એક, કન્યા બે, એ પણ સગી બહેનો! શું છે સમગ્ર કહાણી?

  • અમેય પાઠક અને શ્રીકાંત બંગાલે
  • નાંદેડ (મહારાષ્ટ્ર)
પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

મહારાષ્ટ્રના નાંદેડથી 82 કિલોમીટર દૂર બિલોલી તાલુકાનું કોટગ્યાલ ગામ છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યું છે.

તેની ચર્ચા 5 મેએ ત્યાં થયેલાં એક લગ્નને પગલે શરૂ થઈ હતી. એ લગ્નમાં વરરાજા એક હતા, પણ વહુ બે હતી.

ધુરપતા અને રાજશ્રી શિરગિરે નામની એ કન્યાઓ સગી બહેનો છે અને તેમણે સાઈનાથ ઉરેકર સાથે લગ્ન કર્યાં છે.

અમારી કાર કોટગ્યાલ ગામે પહોંચી ત્યારે બપોરના બે વાગ્યા હતા. કાર પહોંચતાંની સાથે જ લોકો એકઠા થવા લાગ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

બધાના ચહેરા પરના ભાવને નિહાળતાં લાગ્યું કે ટીવી ચેનલવાળા ગામમાં આવશે એવી તેમને આશા હતી.

અમે તેમને શિરગિરેના ઘરનું સરનામું પૂછ્યું તો એમના પૈકીના એકે કહ્યું, "આજકાલ અનેક ટીવી ચેનલોવાળા આવી રહ્યા છે. હવે બસ કરો."

"તેમનાં લગ્ન થઈ ગયાં છે અને તેમનું દામ્પત્ય જીવન પણ શરૂ થઈ ગયું છે."

તેમની સાથે લાંબા સમય સુધી વાત કરી એ પછી તેમના પૈકીના એકે હનુમાન મંદિર તરફ ઇશારો કરતાં શિરગિરેના ઘરનું સરનામું જણાવ્યું હતું.

વાત કરવા રાજી ન હતા પરિવારજનો

ઇમેજ સ્રોત, AMEYA PATHAK/BBC

ઇમેજ કૅપ્શન,

વરરાજાનું ઘર

છોકરીઓના ઘરે પહોંચ્યાં ત્યારે ત્યાં અમને સાત-આઠ લોકો મળ્યા હતા, પણ તેમાંથી કોઈ અમારી સાથે વાત કરવા રાજી ન હતું.

અમે તેમને લગ્ન વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, "જે થયું છે એ સારું થયું છે. આપ એ વિશેની વાત છોડો."

છોકરીઓના માતા-પિતા ક્યાં છે, એવું પૂછ્યું ત્યારે જવાબ મળ્યો, "તેઓ બહાર ગયાં છે અને વરરાજા તથા વહુઓ ભગવાનનાં દર્શન કરવા ગયાં છે. તેઓ ચાર-પાંચ દિવસ પછી પરત આવશે."

પિતરાઈ ભાઈએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, AMEYA PATHAK/BBC

ઇમેજ કૅપ્શન,

પ્રકાશ શિરગિરે

ત્રણ કલાક સુધી સમજાવ્યા પછી પણ આ વિશે કોઈ વધુ વાત કરવા તૈયાર ન હતું.

આખરે સાડા પાંચેક વાગ્યે છોકરીઓના પિતરાઈ ભાઈ પ્રકાશ શિરગિરે અમારી સાથે વાત કરવા રાજી થયા હતા.

પ્રકાશ શિરગિરેએ કહ્યું, "છોકરીઓનો સંસાર શરૂ થતાં પહેલાં જ ઉજડી ન જાય તેનો અમને ડર છે, કારણ કે એક યુવાન બે યુવતિઓ સાથે લગ્ન કરે એ કાયદાકીય રીતે યોગ્ય નથી તે મારો પરિવાર જાણતો ન હતો."

"પોતાની દીકરીનો સંસાર સુખી હોય એવું કોઈ પણ પિતા ઇચ્છતા હોય. તેથી મારા કાકાએ તેમની બન્ને દીકરીઓનાં લગ્ન એક યુવાન સાથે કરાવ્યાં છે."

વાત આમ છે

ઇમેજ સ્રોત, KUNVARCHAND MANDLE

ઇમેજ કૅપ્શન,

પતિ સાઈનાથ સાથે રાજશ્રી અને ધુરપતા

ધુરપતા અને રાજશ્રીના ફોઈના દીકરા છે વરરાજા સાઈનાથ ઉરેકર.

પ્રકાશ શિરગિરેએ કહ્યું, "ધુરપતા બાળપણથી જ મંદબુદ્ધિની છે અને એ હંમેશાં બીમાર રહે છે. તેની સારવાર માટે મારા કાકાએ ઘણા પ્રયાસ કર્યા છે, પણ કોઈ ફાયદો થયો નથી."

"સાઈનાથ બાળપણથી રાજશ્રી અને ધુરપતા સાથે તેમના ઘરમાં જ મોટા થયા છે. ધુરપતા મંદબુદ્ધિની છે એ વાતની સાઈનાથને ખબર હતી, છતાં તેમની સાથે પરણવા તૈયાર થયા હતા."

"હવે એમનો સંસાર શરૂ થઈ ગયો છે. હવે કોઈ સમસ્યા ન સર્જાય તેનો જ અમને ડર છે."

અમે પ્રકાશ શિરગિરે સાથે વાત કરતા હતા ત્યારે તેમની સાથે ઊભેલા કેટલાક લોકો અમને રવાના થવા કહેતા હતા, પણ કોઈકે ઈશારો કરીને જણાવ્યું હતું કે વરરાજા અને વહુઓની માતાઓ આવી ગઈ છે.

એ પછી અમે તેમની પાસે ગયા હતા. અમે કંઈ પૂછીએ એ પહેલાં જ એ માતાઓએ કહ્યું, "જે થયું છે એ સાચું છે કે ખોટું એ અમે ખાસ કંઈ નથી જાણતા, પણ અમે બહુ ખુશ છીએ."

આટલું કહીને બન્ને માતાઓ ચાલ્યાં ગયાં હતાં.

નવોઢા રાજશ્રી સાથે થઈ વાત

ઇમેજ સ્રોત, AMEYA PATHAK/BBC

ઇમેજ કૅપ્શન,

વર-વહુની માતાઓ

સાંજના સાડા છ થઈ ગયા હતા.

એ દરમિયાન અમને ખબર પડી હતી કે સાઈનાથ, ધુરપતા અને રાજશ્રી મંદિરે દર્શન કરવા ગયાં નથી, પણ સાઈનાથના ગામ (સમરાલા) ગયાં છે.

અમે તેમના સંપર્કનો પ્રયાસ કર્યો હતો. પહેલાં અમારી વાત નાની બહેન રાજશ્રી સાથે થઈ હતી.

રાજશ્રીએ કહ્યું, "મારી મોટી બહેન મંદબુદ્ધિની છે. તેથી તેના લગ્નમાં અનેક અડચણ સર્જાતી હતી. તેની સાથે લગ્ન કરવા કોઈ તૈયાર ન હતું."

"મોટી બહેન હોવાને કારણે તેના લગ્ન મારાથી પહેલાં થાય એ જરૂરી હતું, પણ એવું થતું ન હતું. હું પણ ઇચ્છતી હતી કે મારા પહેલાં તેનાં લગ્ન થઈ જાય. મેં મારા પરિવારજનોને આ વાત કરી હતી."

"સાઈનાથ સાથે મારા લગ્નનું નક્કી થયું ત્યારે મેં તેમને આ વાત સ્પષ્ટ કરી હતી. તેમણે હકીકતનો સ્વીકાર કર્યો હતો અને આજે અમારા ત્રણેયનો સંસાર વસી ગયો છે."

એ પછી અમે સાઈનાથ સાથે વાત કરી હતી.

સાઈનાથે કહ્યું, "રાજશ્રી મારા મામાની દીકરી છે. હું તેમના ઘરમાં જ મોટો થયો છું. લગ્ન પહેલાં મામાના ઘરના લોકોએ મને પૂછ્યું હતું કે હું બન્ને બહેનો સાથે લગ્ન કરીશ કે નહીં. મેં હા પાડી હતી. આજે અમે બધા ખુશ છીએ."

ઘરજમાઈ બન્યા સાઈનાથ

ઇમેજ સ્રોત, AMEYA PATHAK/BBC

ઇમેજ કૅપ્શન,

લગ્નની કંકોતરી

ધુરપતા અને રાજશ્રીના પિતા ગંગાધર શિરગિરે 60 વર્ષના છે. તેમને માત્ર બે દીકરીઓ જ છે. દીકરો ન હોવાને કારણે તેઓ તેમની બહેનના દીકરા સાઈનાથને બાળપણમાં જ પોતાના ઘરે લાવ્યા હતા.

સાઈનાથ બાળપણથી ગંગાધર શિરગિરેના પરિવાર સાથે રહે છે.

સાઈનાથના લગ્ન બાળપણમાં જ ધુરપતા સાથે નક્કી કરવામાં આવ્યાં હતાં, પણ ધુરપતાનો ઇલાજ નહીં થઈ શકવાને કારણે સાઈનાથના લગ્ન રાજશ્રી સાથે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જોકે, રાજશ્રીએ સાઈનાથ સામે શરત મૂકી હતી કે "મારી સાથે લગ્ન કરવાં હોય તો મારી મોટી બહેનને પણ અપનાવવી પડશે."

રાજશ્રીની આ શરતનો સાઈનાથે સ્વીકાર કર્યો હતો અને ગત પાંચમી મેએ તેમનાં લગ્ન થઈ ગયાં હતાં.

કાયદો શું કહે છે?

ઇમેજ સ્રોત, AMEYA PATHAK/BBC

ઇમેજ કૅપ્શન,

સંતોષ પાટિલ

વરવધૂના પરિવારની માનસિક સ્થિતિ જાણવા માટે અમે ગામના કેટલાક વધુ લોકો સાથે વાત કરી હતી.

એ પૈકીના એક સંતોષ પાટિલે કહ્યું હતું, "કાયદાના ભયને કારણે શિરગિરે પરિવાર પરેશાન છે. તેમને સાચી સલાહની જરૂર છે."

સંતોષ પાટિલના જણાવ્યા મુજબ, પરંપરા અનુસાર ચાલતા અમારા ગામની ચર્ચા આ લગ્નને કારણે દરેક જગ્યાએ થઈ રહી છે. તેથી પણ શિરગિરે પરિવાર થોડો ચિંતિત છે.

આ મામલે વધુ જાણવા માટે અમે વકીલ અસીમ સરોદે સાથે વાત કરી હતી.

અસીમ સરોદે કહ્યું હતું, "કાયદા અનુસાર, બે લગ્ન કરવાં એ ગુનો છે. એકસાથે બે પત્ની સાથે સંસાર માંડી શકાય નહીં. આ કિસ્સામાં બેમાંથી એક બહેન ઇચ્છે તો ફરિયાદ નોંધાવી શકે છે."

"આ પ્રકારનાં લગ્ન ન થાય એ મહિલા તથા બાળ કલ્યાણ વિભાગની જવાબદારી છે. એ વિભાગ આવા કિસ્સામાં જાતે કાર્યવાહી કરી શકે છે."

"તેઓ તેમની પાસે આવેલા અહેવાલો અને ન્યૂઝના આધારે પણ કાર્યવાહી કરી શકે છે."

અસીમ સરોદે ઉમેર્યું હતું, "કેસ નોંધવો આસાન છે, પણ યુવાને જે ઉદ્દેશથી બન્ને બહેનો સાથે લગ્ન કર્યાં છે તેમાં ભાવનાત્મક અપીલ વધારે દેખાય છે. તેનો અર્થ એવો થાય કે યુવાનનો હેતુ ગુનો કરવાનો નથી."

"આ કિસ્સામાં કાયદાનો સકંજો કસવાથી કોઈ ફાયદો નથી. બધા લોકોએ સાથે મળીને તેનું નિરાકરણ કરવું જોઈએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો