Top News: પાકિસ્તાને અમેરિકાના રાજદૂતને દેશ ના છોડવા દીધો

પાકિસ્તાનનો ફ્લેગ Image copyright Getty Images

એનડીટીવીના અહેવાલ પ્રમાણે પાકિસ્તાન સ્થિત અમેરીકાના રાજદૂત કર્નલ જોસેફ ઇમેન્યુઅલ હૉલ મુશ્કેલીમાં મૂકાયા છે.

પાકિસ્તાનની સરકારે તેમને દેશ ના છોડવાનો આદેશ કર્યો છે.

વાત એવી છે કે 7 એપ્રિલના રોજ કર્નલ હૉલની કારે રસ્તા પર સ્કૂટર ચાલકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં આત્તિક બેઇગ નામની વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

પાકિસ્તાનનું છે કે કર્નલ જોસેફ વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધાયેલો છે, એટલા માટે તેઓ 'બ્લેક લીસ્ટ'માં છે અને દેશ છોડી શકશે નહીં.

અમેરીકાને આ ઘટનાની જાણ થતા તેમણે કર્નલ જોસેફને લાવવા માટે સેનાનું વિમાન પણ મોકલ્યું હતું. પરંતુ તેમને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.


દિલ્હીમાં આંધી સાથે હળવો વરસાદ

Image copyright Getty Images

દેશની રાજધાની દિલ્હીમાં રવિવારની સાંજે વાતાવરણમાં અચાનક જોરદાર પલટો જોવા મળ્યો હતો.

ખરાબ વાતાવરણને પગલે આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યાં હતાં.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડાને પગલે 50થી 70 કિ.મી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો.

અચાનક આવેલા આ તોફાનને પગલે દિલ્હી એરપોર્ટ પરથી જતી મોટાભાગની ફ્લાઇટો પ્રભાવિત થઈ હતી.

આ સાથે જે દિલ્હીની મેટ્રો સેવા પણ થોડા સમય માટે ખોરવાઈ હતી.

ગયા અઠવાડિયે જ હવામાન ખાતાએ ભારતના 13 રાજ્યોમાં વાવાઝોડાની આગાહી કરી હતી.

તોફાન બાદ દિલ્હીમાં હળવો વરસાદ પણ પડ્યો હતો.


કર્ણાટકમાં દલિત મુખ્યમંત્રી બને તો મને વાંધો નથી: સિદ્ધારમૈયા

Image copyright Getty Images

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું છે કે રાજ્યમાં હાઇ કમાન્ડ કોઈ દલિતને મુખ્યમંત્રી પદ આપવા માગશે તો તેઓ તેનો વિરોધ નહીં કરે.

કન્નડા ટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે કોઈ દલિત મુખ્યમંત્રી બને તેમાં તેમને વાંધો નથી.

જોકે, સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે હાઇ કમાન્ડે પોતાનો નિર્ણય રાજ્ય પર થોપવો ના જોઈએ. ધારાસભ્યનોને વિશ્વાસમાં લઈને આ નિર્ણય લેવાવો જોઈએ.

કર્ણાટકમાં 12 મે એટલે કે ગઈકાલે જ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થયું છે.

આ મતદાન બાદ આવેલા વિવિધ એગ્ઝિટ પોલ મુજબ કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળતી નથી.

15મી મેના રોજ કર્ણાટકની ચૂંટણીનું પરિણામ જાહેર થશે.


બાળકી પર બળાત્કાર કરી હત્યા કરનારને 23 દિવસમાં મોતની સજા

Image copyright Getty Images

ગુજરાત સમાચારમાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે ત્રણ માસની બાળકીના બાળાત્કાર અને હત્યાના કેસમાં ઇંદોર જિલ્લા અદાલતે ગુનેગારને મૃત્યુદંડની સજા ફટકારી છે.

આ બાળકી પર થોડાં દિવસ પહેલાં જ બળાત્કાર થયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

વધી રહેલા બળાત્કારના કિસ્સાઓ વચ્ચે ઇંદોર જિલ્લા અદાલતના એડિશનલ સેશન્સ જજે ઉદાહરણ બેસાડવા માટે ઝડપથી સુનવણી કરીને નવીન ગડકેને દાખલારૂપ સજા કરી છે.

અદાલતે 26 વર્ષીય ગુનેગારને 'સડો' ગણાવીને સજા સંભળાવી હોવાનું અહેવાલમાં નોંધ્યું છે.

જિલ્લા તપાસ અધિકારીઓએ ફક્ત 27 દિવસમાં જ ચાર્જશીટ તૈયાર કરી હતી.

આ ઉપરાંત આ કેસમાં ગુનેગારની પત્ની સહિત 29 જેટલા સાક્ષીઓને કોર્ટમાં રજૂ કર્યા હતાં.


નવાઝ શરીફે સ્વીકાર્યું પાકિસ્તાનમાં ઉગ્રવાદી સંગઠનો સક્રિય

Image copyright ARIF ALI

ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે, પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે કહ્યું છે કે દેશમાં ઉગ્રવાદી સંગઠનો સક્રિય છે.

તેમણે ઇસ્લામાબાદની નીતિ પર પ્રશ્નાર્થ ઊભો કરતા કહ્યું છે કે, શું આ તત્વોને સરહદ પાર કરીને મુંબઈમાં લોકોને મારી નાંખવાની મંજૂરી આપવી જોઈએ?

નવેમ્બર 2008માં મુંબઈમાં થયેલા ઉગ્રવાદી હુમલાના 10 વર્ષ બાદ પહેલી વખત પાકિસ્તાનના કોઈ રાજકીય નેતાએ હુમલા સંદર્ભે કબૂલાત કરી છે.

અહેવાલમાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે, મુંબઈ હુમલામાં મુખ્ય સૂત્રધાર રહેલા હાફિઝ સઇદ અને મૌલાના મસૂદ અઝહરના ઉગ્રવાદી સંગઠન જમાત-ઉદ-દાવા અને જૈશ-એ-મોહમ્મદનું નામ લીધા વગર નવાઝ શરીફે કહ્યું છે કે, "પાકિસ્તાનમાં ઉગ્રવાદી સંગઠનો સક્રિય છે. એમને નોન-સ્ટેટ એક્ટર્સ કહેવા જોઇએ. સરહદ પાર કરીને મુંબઈ જઈને 150થી વધુ લોકોને મારી નાંખવાની મંજૂરી આપણે તેમને આપવી જોઈએ?"


સિંહણની જેમ જ સિંહે પોતાના ત્રણ બચ્ચાંને ઉછેર્યા

Image copyright Getty Images
ફોટો લાઈન સિંહબાળ સાથે સિંહ ની પ્રતિકાત્મક તસવીર

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની વેબસાઇટના અહેવાલમાં લખ્યું છે કે, ગિર-સોમનાથ જિલ્લાના બેઢિઆ ગામના એક નર સિંહે પોતાના ત્રણ બચ્ચાંનો સિંહણની જેમ જ ઉછેર કર્યો છે. આ બચ્ચાં ત્રણ માસનાં હતાં ત્યારે સિંહણનું મોત નિપજ્યું હતું. ત્યારથી જ સિંહ તેમને ઉછેરી રહ્યો છે અને આજે આ બચ્ચાં બે વર્ષનાં થઈ ગયાં છે.

અહેવાલમાં એવું પણ લખ્યું છે કે, પ્રકૃતિપ્રેમીઓ જલ્પન રૂપાપરા અને પુર્વેશ કાછાએ 2016માં સિંહના વર્તનમાં જોવા મળેલા દુર્લભ પરિવર્તનની નોંધ લીધી હતી.

વનવિભાગની પરવાનગી લઈને સિંહના વર્તનનું અવલોકન કરવા માટે 26 સીસીટીવી કેમેરા લગાવ્યા હતા.

અવલોકનમાં જાણવા મળ્યું કે, સિંહ પોતાના બચ્ચાંને સિંહણની જેમ જ શિકાર કરીને ખવડાવે છે અને શિકાર કરતાં પણ શિખવાડે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો