સરકારી બૅન્કોને પાછી ચૂકવવામાં આવતી લોનની વાસ્તવિકતા શું?

500ની જૂની નોટ સાથે એક વ્યક્તિ Image copyright AFP/GETTY IMAGES

જાન્યુઆરીથી માર્ચ 2018 સુધીના ત્રણ મહિનામાં ખોટ.

  • કેનરા બૅન્ક - 4,860 કરોડ રૂપિયા
  • અલ્લાહાબાદ બૅન્ક - 3,510 કરોડ રૂપિયા
  • યૂકો બૅન્ક - 2,134 કરોડ રૂપિયા
  • દેના બૅન્ક - 1,225 કરોડ રૂપિયા

શુક્રવારે આ ચાર સરકારી બૅન્કોએ જાન્યુઆરીથી માર્ચ એમ ત્રણ મહિનાના આંકડા જાહેર કર્યા અને જણાવ્યું કે કુલ 11,729 કરોડ રૂપિયાની ખોટ થઈ છે.

આ પહેલાં હીરાના વેપારી નીરવ મોદી પર આરોપ લાગ્યો કે તેઓ પંજાબ નેશનલ બૅન્કને 13,700 કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને વિદેશ રવાના થઈ ગયા છે.

આ અગાઉ, વિજય માલ્યા પણ બૅન્કોના આશરે 10 હજાર કરોડ લઈને રફૂચક્કર થઈ ગયા હતા.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
PNB કૌભાંડ: નીરવ મોદીએ કેવી રીતે કરી છેતરપિંડી

પીએનબી કૌભાંડ એ મોદીના શાસનમાં પહેલું બૅન્ક કૌભાંડ નથી.

સરકારી બૅન્કોની ડૂબી રહેલી લોન (એનપીએ)ની સ્થિતિ એટલી ખરાબ છે કે, વર્ષ 2013થી 2017 દરમિયાન 311 ટકાનો વધારો થયો છે. જે 1.55 લાખ કરોડ રૂપિયાથી વધીને 6 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

11 ઓગસ્ટ 2017એ નાણાંમંત્રી અરુણ જેટલીએ લોકસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે, બૅન્કોની કુલ સંપત્તિમાં એનપીએની ભાગીદારી વધીને 12.47 ટકા સુધી પહોંચી ગઈ છે.

જોકે, ખાનગી બૅન્કો પણ આ હરીફાઈમાં પાછળ નથી અને 2013ના 19,986 કરોડ રૂપિયાની સરખામણીએ 2017માં તેમની એનપીએ 73,842 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.


એનપીએ શું હોય છે?

Image copyright Reuters

એનપીએ સમજતા પહેલાં એ જાણી લેવાની જરૂર છે કે બૅન્ક કેવી રીતે કામ કરે છે.

તેને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે બૅન્કમાં 100 રૂપિયા જમા છે તો એમાંથી 4 ટકા (સીઆરઆર) રિઝર્વ બૅન્ક પાસે રાખવામાં આવે છે.

સાડા 19 રૂપિયા (હાલમાં એસએલઆર 19.5 ટકા છે) બૉન્ડ્સ કે સોના સ્વરૂપે રાખવામાં આવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

બાકી વધેલા સાડા 76 રૂપિયાને બૅન્ક લોન સ્વરૂપે આપી શકે છે. જેમાંથી મળતાં વ્યાજથી બૅન્ક ગ્રાહકોને ખાતામાં એમની જમા રકમ પર વ્યાજની ચૂકવણી કરે છે અને બાકી વધતી રકમ બૅન્કનો નફો હોય છે.

રિઝર્વ બૅન્ક પ્રમાણે બૅન્કોને જો કોઈ એસેટ્સમાંથી વ્યાજની આવક મળવાની બંધ થઈ જાય તો તેને એનપીએ ગણવામાં આવે છે.

બૅન્કે જે રકમ લોન તરીકે આપી છે, તેની મૂડી કે વ્યાજનો હફતો 90 દિવસમાં પાછો ન મળે તો બૅન્ક તેને લોનના એનપીએમાં ગણશે.


રિઝર્વ બૅન્કના નિયમ

Image copyright AFP/GETTY IMAGES

કોઈ લોન ખાતું આવનારા સમયમાં એનપીએ થશે કે નહીં, એ જાણવા માટે રિઝર્વ બૅન્કે નિયમ બનાવ્યા છે.

નિયમ અંતર્ગત બૅન્કોએ તેમના લોન ખાતાને સ્પેશિયલ મેન્શન અકાઉન્ટ (એસએમએ) તરીકે ચિન્હિત કરવાનું હોય છે.

જો કોઈ લોન ખાતામાં મૂડી કે વ્યાજના હફતાની ચૂકવણી નિયત તારીખથી 30 દિવસ સુધીમાં ન થાય તો તેને એસએમએ-0 કહેવામાં આવે છે.

જો ચૂકવણી 31 થી 60 દિવસમાં ન થાય તો તેને એસએમએ-1 ગણવામાં આવે છે. જો મૂડી કે વ્યાજની ચૂકવણી 61થી વધુ દિવસ સુધીમાં ન થાય તો તેને એસએમએ-23 કેહવાય છે.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
ધંધાપાણી: જાણો કેવી રીતે બચી શકાય છે બૅન્ક ફ્રોડથી...

કોઈ લોન ખાતાને એનપીએ જાહેર કર્યા પછી બૅન્કે એનપીએ ખાતાને ત્રણ શ્રેણીઓ- 'સબ સ્ટાન્ડર્ડ એસેટ્સ', 'ડાઉટફુલ એસેટ્સ' અને 'લૉસ એસેટ્સ'માં વિભાજિત કરવાની હોય છે.

જ્યારે કોઈ લોન ખાતું એક વર્ષ કે એના કરતા ઓછા સમય સુધી એનપીએની શ્રેણીમાં રહે તો તેને 'સબ સ્ટાન્ડર્ડ એસેટ્સ' કહેવાય છે.

જો એક વર્ષ સુધી 'સબ સ્ટાન્ડર્ડ એસેટ્સ'ની શ્રેણીમાં રહે તો તેને 'ડાઉટફુલ એસેટ્સ' ગણવામાં આવે છે.

જ્યારે બૅન્ક એવું માની લે છે કે આ લોન હવે વસૂલી નહીં શકાય તો તેને 'લૉસ એસેટ્સ'ની શ્રેણીમાં મૂકવામાં આવે છે.

Image copyright AFP/GETTY IMAGES

વધી રહેલા એનપીએ અંગે રિઝર્વ બૅન્ક પણ ચિંતિત છે.

બૅન્કિંગ વિશેષજ્ઞ કાજલ જૈન કહે છે, "રિઝર્વ બૅન્કે ફેબ્રુઆરીમાં એનપીએના નિયમો કડક કરવાની પ્રક્રિયામાં લગભગ અડધો ડઝન નિયમો ખતમ કર્યા છે. હવે કોઈ પણ લોન ડિફૉલ્ટની બાબતમાં બૅન્કોએ 180 દિવસમાં સમાધાન કરવું ફરજિયાત કરી દેવાયું છે. એવું ન થાય તો નાદારીની પ્રક્રિયા કરવી પડે."

કાજલ કહે છે, "નવા નિયમો અંતર્ગત 2,000 કરોડ રૂપિયાથી વધુની લોન ડિફૉલ્ટના મામલામાં બૅન્ક અધિકારીઓએ 180 દિવસમાં સમાધાન એટલે કે પ્રોવિઝનિંગની યોજના તૈયાર કરવી પડશે. એવું ન થાય તો પણ નાદારીની પ્રક્રિયા હાથ ધરવી પડશે."


નિયમની અસરથી ખોટ

Image copyright AFP/GETTY IMAGES

સરકારી બૅન્કોના આંકડાઓમાં જે હજારો કરોડા રૂપિયાની ખોટ દેખાઈ રહી છે તે આ નિયમના કારણે જ છે?

અર્થશાસ્ત્રી સુનિલ સિંહા કહે છે, "બૅન્કોમાં ડિફૉલ્ટના કિસ્સા વધી રહ્યાં છે એ વાત કેટલાક અંશે સાચી છે. પણ હવે બૅન્કોને તેના સમાધાન માટે છ મહિના આપવામાં આવ્યા છે."

"એટલે કે બૅન્કોએ આ એનપીએને નુકસાન તરીકે દેખાડવી પડશે. એનો અર્થ એવો જરા પણ નથી કે બૅન્કોની આ લોન ડૂબી ગઈ છે અને હવે વસૂલી નહીં શકાય."

પણ બૅન્કિંગની બાબતો પર નજર રાખતા તજજ્ઞોનું માનવું છે કે બૅન્કોની લોન આપવાની પ્રક્રિયામાં ખામી છે અને તે ખામીઓ દૂર કરવી જોઈએ.

દેના બૅન્ક પર રિઝર્વ બૅન્કે કરેલી કાર્યવાહી એ તેનું જ એક ઉદાહરણ છે.

રિઝર્વે બૅન્કે 7 મે 2018ના રોજ દેના બૅન્કને આદેશ કર્યો છે કે સૂચના ન મળે ત્યાં સુધી તે લોન ન આપે અને નવા કર્મચારીઓની ભરતી પ્રક્રિયા પણ ન કરે.

આ જાણકારી દેના બૅન્કે જ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જની આપી છે.


ખાનગીકરણની ચર્ચા

Image copyright AFP/GETTY IMAGES

એક એવો પણ પ્રશ્ન સર્જાઈ રહ્યો છે કે શું ભારતની બૅન્કિંગ વ્યવસ્થા ગાફેલ છે? શું આ વ્યવસ્થા ભ્રષ્ટ છે? કે પછી એક પછી એક બહાર આવેલા કૌભાંડ આકસ્મિક છે?

નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ 2017ના રિપોર્ટ પ્રમાણે ઘણી મોટી કંપનીઓ પર હજારો કરોડ રૂપિયાનું દેવું છે અને આ કેસ ટ્રિબ્યૂનલમાં ચાલી રહ્યાં છે.

વીડિયોકૉન ઇન્ડસ્ટ્રીઝ પર 20,905 કરોડ રૂપિયા, જેપી ગ્રુપ પર 25,586 કરોડ રૂપિયા અને જાયસ્વાલ નેકો પર 4,188 કરોડ રૂપિયાનું દેવું છે.

ભારતીય બૅન્કોની આ નિરાશાજનક સ્થિતિ સાથે અંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ એટલે કે આઈએમએફ સંમત નથી.

આઇએમએફે વર્ષ 2017માં ભારતની 15 મોટી બૅન્કો (12 સરકારી અને 3 ખાનગી બૅન્ક)નો સ્ટ્રેસ ટેસ્ટ કર્યો હતો.

તેમાં જાણવા મળ્યું હતું કે બેંકોની પાયમાલીનો હાલમાં કોઈ ખતરો નથી અને તેની 64 ટકા એસેટ્સ ખરાબ સમયમાં ઉપયોગી નિવડે એવા છે.

Image copyright STEPHEN JAFFE/IMF VIA GETTY IMAGES
ફોટો લાઈન IMFનાં કાર્યકારી ડાયરેક્ટર ક્રીસ્ટીન લૈગાર્ડ

વધુ એક અર્થશાસ્ત્રી ભરત ઝુનઝુનવાલા સરકારી બૅન્કોની કાર્યપ્રણાલી અને ગવર્નન્સને વધી રહેલી એનપીએ માટે જવાબદાર ઠેરવે છે.

ઝુનઝુનવાલા કહે છે, "ખરેખર પ્રશ્ન ગવર્નન્સનો છે. સરકારી બૅન્કોનું તંત્ર લોન આપવા સંદર્ભે કડકાઈ દાખવી નથી શકતું."

"એ બરાબર છે કે એમના માટે એક પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. પણ આ પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન કરાતું નથી અને કેટલાક કિસ્સાઓમાં તો કૃપાદૃષ્ટિ દાખવવામાં આવે છે."

"જો એવું ન હોય તો મોટા-મોટા ઉદ્યોગપતિઓને આ રીતે લોન આપવામાં આવતી ન હોત."

ભરત ઝુનઝુનવાલાનું માનવું છે કે જો સામાન્ય લોકોએ પૈસા ખોટા હાથમાં જતા રોકવા હોય તો બૅન્કોનું ખાનગીકરણ કરવું જોઈએ.

ઝુનઝુનવાલા કહે છે, "1970ના દાયકામાં જ્યારે બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કરાયું, ત્યારે સ્થિતિ અલગ હતી. પણ હવે રિઝર્વ બૅન્ક ખાનગી બૅન્ક પર ઘણી શરતો લગાવીને ગ્રામીણ ક્ષેત્રોમાં તેમની અસરકારક કામગીરીને નિશ્ચિત કરી શકે છે."

Image copyright Reuters

જોકે આ પ્રકારનો મત ધરાવતા હોય એવા માત્ર ઝુનઝુનવાલા જ નથી.

નીતિ આયોગના ઉપાધ્યક્ષ રહી ચૂકેલા અરવિંદ પનગઢિયાએ પણ હાલમાં કહ્યું હતું કે સ્ટેટ બૅન્કને છોડીને અન્ય તમામ સરકારી બૅન્કોને ખાનગી સંસ્થાઓને સોંપી દેવી જોઈએ.

સરકારી બૅન્કોની વધતી એનપીએ અને બૅન્કોના ખાનગીકરણની ચર્ચા વચ્ચે એક હકીકત પણ ભૂલવી ન જોઈએ.

2008માં વૈશ્વિક આર્થિક મંદીમાં જ્યારે અમેરિકામાં લેહમેન બ્રધર્સ, મેરિલ લિંચ, બૅન્ક ઓફ અમેરિકા જેવી મોટી સંસ્થાઓ આર્થિક તાણમાં હતી ત્યારે ભારતીય બૅન્કો મજબૂત સ્થિતિમાં હતી અને મંદીના ચક્રમાંથી બહાર આવવામાં સફળ થઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ