ભારતના અનેક વિસ્તારોમાં આંધીની આપદા, અત્યારસુધી 39 લોકોનાં મૃત્યુ

આંધી Image copyright Getty Images

રાજધાની દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં રવિવારે સાંજે આવેલી આંધીના કારણે અત્યારસુધી ઓછામાં ઓછા 39 લોકોનાં મૃત્યુ થયાં છે.

ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે 16 લોકોનાં મૃત્યુ થયાં છે જ્યારે આંધ્ર પ્રદેશમાં 12 લોકોનાં મૃત્યુ થયાં છે. દિલ્હીમાં વૃક્ષ પડવાથી એક મહિલા સહિત બેના મોત થયા છે.

બીબીસી સંવાદદાતા અમિતાભ ભટ્ટાસાલીના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ બંગાળમાં પાંચ બાળકો સહિત નવ લોકોનાં મૃત્યુ થયાં છે.

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં 109 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો.

ઝડપથી ફૂંકાયેલા આ પવનના કારણે અનેક વૃક્ષો અને વીજળીના થાંભલાઓ ધરાશયી થયાં છે.

આ આંધીને કારણે દિલ્હીમાં મેટ્રોની સેવાઓ સ્થગિત કરવી પડી હતી. જ્યારે દિલ્હી આવતી અનેક ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.

શું તમે આ વાંચ્યું?

ઉત્તર પ્રદેશના રિલીફ કમિશનર સંજય કુમારે બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાને જણાવ્યું, "અત્યાર સુધી 16 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ શકી છે. ત્રીસથી વધારે લોકો ઘાયલ છે. હજી પણ મૃત્યુ આંક વધવાની સંભાવના છે."

આંધ્ર પ્રદેશના રિલીફ કમિશનરની ઓફિસે બીબીસીને જણાવ્યું, "રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવેલી આંધીને કારણે 12 લોકોનાં મૃત્યુની પુષ્ટી થઈ છે. મૃતકોની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા છે."

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
આખરે કઈ રીતે ઉત્તર ભારતમાં રેતનું તોફાન આવ્યું?

દિલ્હીના રિલીફ કમિશનર મનીષા સક્સેનાએ બીબીસીને જણાવ્યું, "ઝડપી પવનને કારણે વૃક્ષ ધરાશાયી થતાં પાંડવ નગર વિસ્તારમાં એક મહિલાનું મૃત્યુ થયું છે."

સંજય કુમાર કહે છે, "તોફાનનો ખતરો હજી ટળ્યો નથી. પશ્ચિમ ઉત્તર પ્રદેશના જિલ્લાઓને ઝપેટમાં લીધા બાદ હવે પૂર્વ ઉત્તર પ્રદેશ તરફ આંધી આગળ વધી રહી છે. જ્યાં દસ જેટલા જિલ્લાઓમાં રાત્રે પવન ફૂંકાઈ શકે છે."

રવિવારે આવેલા તોફાન પહેલાં હવામાન વિભાગે અલર્ટ જારી કર્યું હતું.

Image copyright Getty Images
ફોટો લાઈન મકાન પડવાની પ્રતિકાત્મક તસવીર

સંજય કુમાર કહે છે, "હવામાન વિભાગ પાસેથી મળેલી ચેતવણી બાદ અમે બધા જિલ્લામાં અલર્ટ જારી કર્યું હતું. બધા જિલ્લા અધિકારીઓને સ્થિતિ પર નજર રાખવા અને લોકોને સચેત રહેવા પણ સૂચના આપી હતી."

ચેતવણી આપવામાં આવી હોવા છતાં ઉત્તર પ્રદેશમાં 18 લોકોનાં મૃત્યુ થયાં છે.

આ મામલે સંજય કુમાર કહે છે, "આમાંથી અનેક લોકો પોતાનાં કાચાં ઘરો પડવાના કારણે માર્યાં ગયાં છે. હજી પણ અનેક લોકો વર્ષો પહેલાં બનેલાં કાચાં ઘરોમાં રહે છે. ચેતવણી આપ્યા બાદ પણ કાચાં ઘરોમાં રહેતા લોકો માથે ખતરો છે."

આ પહેલાં 2મેના રોજ આવેલા તોફાનમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 100થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતા.

જેમાં ઉત્તર પ્રદેશમાં કુલ 70 લોકોનાં મૃત્યુ થયાં હતાં જેમાંથી આગ્રામાં જ 43 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ