વાવાઝોડા દરમિયાન વીજળી પડે તો બચવા માટે શું કરશો?

પ્રતિકાત્મક તસવીર Image copyright Getty Images

ભારતના વિવિધ ભાગોમાં ગયા પખવાડિયે આવેલી તેજ આંધી અને વીજળી પડવાની ઘટનાને કારણે દોઢસોથી વધુ લોકોનાં મૃત્યુ થયાં.

આમાના મોટા ભાગનાં લોકો વીજળી પડવાથી તેમજ ઝાડ અને મકાન પડવાને કારણે માર્યા ગયા છે અને હવામાન ખાતાએ સોમવારે પણ સંબંધિત ચેતવણી આપી છે.

ઉત્તરપ્રદેશનાં રાહત કમિશનર સંજયકુમારે જણાવ્યું છે કે લોકોને સમયસર ચેતવણી આપવાનાં આવે છે છતાં જાનહાની થઈ રહી છે. સાવધાની રાખવામાં આવે તો જાનહાની રોકી શકાય છે.

ભારતની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટે આંધી અને વાવાઝોડાના સંજોગોમાં કેવી સાવચેતીઓ રાખવી જોઈએ એનાં દિશાનિર્દેશ જાહેર કર્યાં છે.


વાવાઝોડાની ચેતવણી મળે ત્યારે શું કરશો?

Image copyright Getty Images
 • સ્થાનિક હવામાન અંગે જાણકારી રાખો અને વહીવટીતંત્ર તરફથી મળતી જાણકારીઓ પર ધ્યાન આપો.
 • ઘરની અંદર જ રહો, અગાશીમાં ના રહો.
 • વીજળીના બધા જ ઉપકરણોના પ્લગ કાઢી લો.
 • પ્લમ્બિંગ કે ધાતુનાં પાઈપને અડશો નહીં. ટાંકીમાંથી આવતાં પાણીનો ઉપયોગ ના કરો.
 • ટિનનાં છાપરાં અને ધાતુની છતવાળી ઇમારતોથી દૂર રહો.
 • ઝાડ નીચે કે પાસે શરણ ના લો.
 • જો તમે કાર કે બસની અંદર છો તો ત્યાં જ વાહન રોકી લો.
 • ધાતુથી બનેલી ચીજોનો ઉપયોગ ના કરો. ટેલીફોન અને વીજળીના તારને અડશો નહીં.
 • પાણીમાંથી તરત જ બહાર નીકળી જાવ. સ્વિમિંગ-પૂલ, સરોવર કે નાની નાવડીમાંથી તરત જ બહાર નીકળી જાવ.

શું તમે આ વાંચ્યુ?

વીજળી પડે ત્યારે આ વાતોનું ધ્યાન રાખો.

Image copyright Getty Images
 • જો કોઈના પર વીજળી પડે તો તરત જ ડૉક્ટરની મદદ લો. આવા લોકોને અડવાથી તમને કોઈ નુકસાન થતું નથી.
 • જો કોઈનાં પર વીજળી પડી હોય તો પહેલાં એની નાડી તપાસો અને જરૂર જણાય તો પ્રાથમિક ઉપચાર આપો.
 • વીજળી પડી હોય ત્યારે ખાસ કરીને બે જગ્યાઓએ દાજી જવાની સંભાવના રહેતી હોય છે. એક કે જ્યાંથી વીજળીએ શરીરમાં પ્રવેશ કર્યો હોય અને બીજો જ્યાંથી વીજળી નીકળી હોય, જેમ કે પગનાં તળિયાં.
 • એવું પણ બની શકે છે કે વીજળી પડવાથી વ્યક્તિનાં હાડકાં તૂટી ગયાં હોય અને વ્યક્તિને સંભળાવાનું અને દેખાવાનું બંધ થઈ ગયું હોય.
 • વીજળી પડ્યાં બાદ તરત જ બહાર ના નીકળો. મોટાભાગનાં મૃત્યુ વાવાઝોડું શમી ગયાની 30 મિનિટ પછી વીજળી પડવાથી થતાં હોય છે.
 • જો વાદળ ગરજતાં હોય અને તમારાં રુવાંટાં ઊભા થતાં હોય તો એ વીજળી પડવાનો સંકેત હોઈ શકે. એવામાં લપાઈને ઊભડક બેસી જાવ, તમારાં હાથ ઘૂંટણ પર રાખો અને માથું બન્ને ઘૂંટણની વચ્ચે. આ મુદ્રાને કારણે તમારો જમીન સાથે ઓછામાં ઓછો સંપર્ક થશે.
 • છત્રી કે મોબાઈલ ફોન ના વાપરો. ધાતુનાં માધ્યમથી વીજળી તમારા શરીરમાં પ્રવેશી શકે છે.
 • બ્રિટિશ મેડિકલ જર્નલમાં જણાવાયું છે કે કઈ રીતે 15 વર્ષની એક બાળકી પર વીજળી પડી હતી જ્યારે તે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહી હતી. એને હાર્ટ એટેક આવી ગયો હતો.
 • એવી માન્યતા છે કે વીજળી એક જગ્યા પર બે વખત પડતી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો