Top News : ચીનના પ્લેનની બારી તૂટતા કો-પાયલટ બહાર ફેંકાયો

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

32 હજાર ફૂટની ઊંચાઇએ પ્લેનની બારી તૂટતા કો-પાયલટ માંડ બચ્યો

સમાચાર એજન્સી રોઈટર્સના અહેવાલ મુજબ, ચીનની સિચોન એરલાઈન્સનું પ્લેન 3U8633 ચોંગકીંગથી તિબેટના લ્હાસા તરફ જઇ રહ્યું હતું, ત્યારે અચાનક પ્લેનના કોકપીટની બારીનો કાચ તૂટી ગયો હતો.

પ્લેનના પાયલટ લિઉએ ચીની વેબસાઈટ 'સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ' સાથે વાતચીત કરતા જણાવ્યું, "પ્લેન લગભગ 900 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ઊડી રહ્યું હતું. અચાનક પ્લેનની બારી તૂટી અને જોરદાર ધડાકો થયો. મે બાજુમાં જોયું તો કો-પાયલટનું અડધું શરીર પ્લેનની બહાર હતું. એ ભાગ્યશાળી હતા કે તેમણે સીટ બેલ્ટ બાંધેલો હતો."

તમે આ વાંચ્યું કે નહીં?

લિઉએ જણાવ્યું "પ્લેનની બારી તૂટતાં અંદર ઑક્સિજનનું પ્રમાણ ઘટી ગયું હતું. પરંતુ અમે પ્લેનને આટલી ઊંચાઈથી નીચે લાવ્યા જ્યાં ઑક્સિજન પ્રમાણસર હોય".

આ ઘટના બનતા જ પ્લેનનું દક્ષિણ ચીનના ચેન્ગ્ડુ શહેરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આ ઘટનામાં કોઈ યાત્રીઓને નુકસાન થયું નથી. પરંતુ પાયલટને થોડી ઇજા પહોંચી છે.

વેબસાઈટના અહેવાલ મુજબ પ્લેનની ઊંચાઈ જમીનથી 32000 ફૂટ હતી. આ ઘટના બાદ પ્લેન ઝડપથી નીચે તરફ આવવા લાગ્યું. પાયલટની સૂઝબૂઝથી પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ સફળતાપૂર્વક થયું હતું.


જામનગર વકીલ કેસના મુખ્ય આરોપી જયેશ પટેલ ફરાર

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલ અહેવાલ મુજબ, જામનગર વકીલ મર્ડર કેસના આરોપી જયેશ પટેલ હજુ સુધી ફરાર છે.

અમદાવાદ ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચે(DCB) સોમવારે જણાવ્યું કે તેમણે મુંબઇથી બે આરોપી સાયમન્ડ લુઇસ ડેવિનાથન અને અજય મોહન મહેતાની ધરપકડ કરી છે. આરોપીઓએ કિરીટ જોષીની હત્યા માટે 50 લાખ રૂપિયાની સોપારી લીધી હતી.

ડીસીબીએ જણાવ્યું કે કિરીટ જોષી સાથે જૂની અદાવત હોવાને કારણે જયેશે તેની હત્યા કરાવી.

ઉલ્લેખનીય છે કે 28 એપ્રિલના રોજ જામનગરમાં વકીલ કિરીટ જોષીની હત્યા બે શંકાસ્પદ વ્યક્તિએ કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો