Top News : કર્ણાટકમાં સરકાર બનાવવા માટે 'હોર્સટ્રેડિંગ', કુમારસ્વામીનો ભાજપ પર લાંચનો આરોપ

કુમાર સ્વામીની તસવીર Image copyright Getty Images

સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ અનુસાર કર્ણાટકમાં જેડી(એસ) અને કોંગ્રેસના મુખ્ય મંત્રી પદના સંયુક્ત ઉમેદવાર એચડી કુમારસ્વામીએ આરોપ લગાવ્યો છે કે ભાજપે તેમના ધારાસભ્યોને 100 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરી છે.

એક પત્રકાર પરિષદમાં કુમારસ્વામીએ સંબંધિત આરોપ લગાવ્યો છે. તેમણે એવું પણ જણાવ્યું કે ભાજપ કેન્દ્ર સરકારની શક્તિનો દુરુપયોગ કરી રહ્યો છે અને 'હૉર્સટ્રેડિંગ' થકી સરકારની રચવા પ્રયાસ કરી રહ્યો છે.

નોંધનીય છે કે 224 ધારાસભ્યો ધરાવતી કર્ણાટક વિધાનસભામાં સરકાર બનાવવા માટે જેડી(એસ) અને કોંગ્રેસે દાવો કર્યો છે. બન્ને પાસે 116 ધારાસભ્યોનું સમર્થન છે. બીજી બાજુ, ચૂંટણીમાં સૌથી મોટો પક્ષ સાબીત થનારો ભાજપ સરકાર બનાવવા જોઈતી સ્પષ્ટ બહુમતી મેળવી શક્યો નથી.

ગુજરાતી મહિલાનો સુષમા સ્વરાજને પત્ર: "મારા પતિને પરત લાવો"

Image copyright Getty Images
ફોટો લાઈન સુષ્મા સ્વરાજ

ઇન્ડિય એક્સપ્રેસમાં છપાયેલા એક અહેવાલ મુજબ, ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લાની એક મહિલાએ વિદેશમંત્રી સુષમા સ્વરાજને એક પત્ર લખ્યો છે, જેમાં પાકિસ્તાનની જેલમાં કૅન્સરથી પીડાતા તેમના પતિને ભારત લાવવા માટે મદદ કરવાની અપીલ કરવામાં આવી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ઉનાના પાલડી વિસ્તારમાં રહેતા 32 વર્ષિય રુડીબેન ચૌહાણે કહ્યું કે એક વર્ષ પહેલાં જખૌ બંદર તેમના પતિ દાનાભાઈની પાકિસ્તાન મરીને ધરપકડ કરી હતી.

રુડીબેન મુજબ 3 મે 2017ના રોજ કચ્છના જખૌ બંદર નજીકથી તેમના પતિ સિવાય બીજા પાંચ ગુજરાતી માછીમારોને પકડી લેવામાં આવ્યા હતા.

અહેવાલ મુજબ રુડીબેન કહી રહ્યાં છે કે તેમના પતિએ ત્રણ દિવસ પહેલાં પાકિસ્તાનની એક હૉસ્પિટલમાંથી તેમનાં ભત્રીજાને કથિત રીતે ફોન કરીને તેમને કૅન્સર હોવાની વાત કહી હતી અને ભારત પરત ફરવા માટે મદદ કરવા જણાવ્યું હતું.


વોટ્સપમાં ઉમેરાયાં નવાં ફિચર્સ

Image copyright gutaper/Getty Images

મેસેજિંગ સર્વિસ વોટ્સઍપે પોતાના યૂઝર્સને ધ્યાનમાં રાખીને નવા-નવા ફિચર્સ ઉમેરતું આવ્યું છે. આ વખતે વૉટ્સઍપે પોતાના યૂઝર્સ માટે ગ્રૂપ ચેટમાં નવા ફિચર્સનો ઊમેરો કર્યો છે.

આ સુવિધાનો ઉપયોગ એન્ડ્રોઈડ અને આઈફોન યૂઝર્સ કરી શકશે.

મહત્વના ફિચર્સ

  • ગ્રૂપ ડિસ્ક્રિપ્શન: આ ફિચરની મદદથી વોટ્સએપ પર ગ્રૂપ બનાવ્યા બાદ તે અંગેની માહિતી(ડિસ્ક્રિપ્શન) લખી શકાશે. જેમ કે, ગ્રૂપનો ધ્યેય શું છે, ગાઈડલાઈન્સ અને ટોપિક જેવી માહિતીઓ
  • એડમિન કંટ્રોલ: આ ફિચર અંતર્ગત ગ્રૂપ સેટિંગ્સની મદદથી એડમિનને સત્તા મળશે કે તે કોઈપણ મેમ્બરને ગ્રૂપનો સબજેક્ટ, આઇકન અને ડિસ્ક્રિપ્શન બદલવાથી રોકી શકશે.
  • ગ્રૂપ કૅચ અપ: જો તમારા ગ્રૂપમાં કોઈ ચેટ થયેલી હોય અને એમાં તમારો ઉલ્લેખ થયો હોય. એ જાણવા માટે જમણી બાજુ નીચે @ પર ક્લિક કરવાથી સરળતાથી જાણી શકાશે
  • પાર્ટિસિપન્ટ સર્ચ: આ ફિચરમાં 'પાર્ટિસિપન્ટ સર્ચ'નું ઓપ્શન આપવામાં આવશે. જેની મદદથી ગ્રૂપના કોઇપણ મેમ્બરને 'ગ્રૂપ ઇન્ફો પેઇજ' પરથી શોધી શકાશે.

બીજું એક નવું ફિચર ઉમેરવામાં આવ્યું છે જેની મદદથી એડમિન હવે બીજા મેમ્બર્સની એડમિન પરમિશન રદ કરી શકશે.

સાથે જ જેણે ગ્રૂપ બનાવ્યું હશે તે વ્યક્તિ ગ્રૂપ છોડી શકશે નહીં.


તમામ સ્કૂલોએ ગુજરાતીપાઠ્યપુસ્તક ભણાવવું પડશે

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતિકાત્મક તસવીર.

ગુજરાત સમચારમાં છપાયેલા અહેવાલ મુજબ, સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 4 મેના રોજ તમામ શિક્ષણાધિકારીઓને એક પરિપત્ર પાઠવવામાં આવ્યો છે જેમાં લખ્યું છે કે રાજ્યની તમામ સ્કૂલોએ ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવો પડશે.

ગુજરાત બોર્ડ ઉપરાંત CBSE, ICSE, જેવા બોર્ડ સાથે સંકળાયેલી અન્ય તમામ સ્કૂલોએ નવા શૈક્ષણિક વર્ષથી ગુજરાતી વિષય અભ્યાસક્રમમાં સમાવવો પડશે. આ માટે ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળે તૈયાર કરેલા પાઠ્ય પુસ્તકો જ સ્કૂલોએ ભણાવવાના રહેશે.

આ અંગેનો અભ્યાસક્રમ ગુજરાત શિક્ષણ સંશોધન પરિષદ દ્વારા તૈયાર કરવામાં આવશે. ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળને પણ પાઠ્ય પુસ્તકો 15 જૂન સુધીમાં તૈયાર કરીને બજારમાં ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપવામાં આવી છે.

આ અગાઉ દિવ્યભાસ્કરમાં છપાયેલા અહેવાલમાં એમ જણાવવામાં આવ્યું હતું કે, અંગ્રેજી માધ્યમની સ્કૂલો ગુજરાતીને વિષય તરીકે ભણાવવાની ના પાડે છે.

અહેવાલમાં લખ્યું છે કે અંગ્રેજી સ્કૂલોના સંચાલકોનું માનવું છે કે સરકારે ગ્રાઉન્ડ રિસર્ચ કર્યા વગર આ નિયમ લાગુ કર્યો છે.


આંધ્રપ્રદેશમાં બોટ પલટતા 40 લોકો ગૂમ

Image copyright Marco Di Lauro/Getty Images
ફોટો લાઈન પ્રતિકાત્મક તસવીર.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ મુજબ, બુધવારના રોજ આંધ્રપ્રદેશની ગોદાવરી નદીમાં તોફાની પવનને કારણે એક બોટી ઊંધી વળી ગઈ હતી, જેમાં 40 લોકો ગુમ થવાની સંભાવના છે.

બે મહિલા અને એક બાળક સહિત 12 લોકોએ તરીને કિનારે પહોંચ્યાં હતાં. આ હોડી પશ્ચિમ ગોદાવરી જિલ્લાના કોન્ડામોડાલુથી પોલાવરમ જઈ રહી હતી.

તરવૈયાઓ, એનડીઆરએફની ટુકડી અને 12 અન્ય બોટોની મદદથી ગુમ લોકોને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ જિલ્લા અધિકારીઓને ગુમ લોકોને શોધવાની કાર્યવાહીમાં પૂરી મદદ કરવાની સૂચના આપી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો