કર્ણાટકમાં ભાજપને સરકાર રચવા આમંત્રણ, યેદિયુરપ્પા બનશે નવા મુખ્યમંત્રી

યેદિયુરપ્પા Image copyright Getty Images

કર્ણાટકની વિધાનસભાની ચૂંટણી બાદ સત્તા માટેની ખેંચતાણ વચ્ચે રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે.

ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદિયુરપ્પા 17 મે ગુરુવારે સવારે 9 વાગ્યે શપથ ગ્રહણ કરશે.

આ સાથે જ રાજ્યપાલે યેદિયુરપ્પાને વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે.

ભાજપના નેતા મુરલીધર રાવે મીડિયા સાથે વાત કરતા આ મામલે જાણકારી આપી હતી.

તેમણે તમામ અટકળો પરથી પડદો ઉઠાવતાં કહ્યું કે યેદિયુરપ્પાને સરકાર રચવાનું આમંત્રણ મળી ચૂક્યું છે.

મુરલીધર રાવે કહ્યું, "ગુરુવારે માત્ર યેદિયુરપ્પા જ શપથ ગ્રહણ કરશે. ત્યારબાદ વિધાનસભામાં બહુમતી સાબિત કરવામાં આવશે. બાદમાં કેબિનેટની રચના કરવામાં આવશે."

તેમણે કહ્યું, "કર્ણાટકની જનતાએ ભાજપને આવકારી છે અને કોંગ્રેસને નકારી છે."

Image copyright GOVERNOR OF KARNATAKA

ઉપરાંત એવા પણ અહેવાલ છે કે યેદિયુરપ્પાના આ શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ હાજર નહીં રહે.

કર્ણાટક ભાજપે રાજ્યપાલ તરફથી મળેલા આમંત્રણ અંગે ટ્વીટ કરીને પણ જાણકારી આપી હતી.

ટ્વીટમાં લખ્યું, "જેની કરોડો કન્નડીયન રાહ જોતા હતા તે ક્ષણ આવી ગઈ છે. યેદિયુરપ્પા આવતીકાલે સવારે 9 વાગ્યે રાજભવનમાં શપથ ગ્રહણ કરશે. સુવર્ણ કર્ણાટક બનાવવાની શરૂઆત થઈ ગઈ છે."

જોકે, રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપતાંની સાથે જ કોંગ્રેસે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસે આ મામલે દિલ્હીમાં પત્રકાર પરિષદ કરી હતી.

કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું, "અમે અમિત શાહને પૂછવા માગીએ છીએ કે બે પક્ષો ચૂંટણી બાદ ગંઠબંધન ના કરી શકે, તો તમે ગોવા અને મણિપુરમાં બહુમતી ધરાવતા પક્ષને છોડીને કેવી રીતે સરકાર બનાવી હતી? રાજ્યપાલે તેમની ઓફિસની ગરિમાનો ભંગ કર્યો છે."

સુરજેવાલાએ એમ પણ કહ્યું કે અમારી પાસે રહેલા તમામ કાયદાકીય અને બંધારણીય હક્કોનો અમે ઉપયોગ કરીશું. અમે જનતાની અદાલતમાં પણ જઈશું.

કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને મુખ્યમંત્રી પદ માટે દાવો કરનારા જેડીએસના નેતા કુમારસ્વામીએ પણ રાજ્યપાલના આમંત્રણ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.

તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે બહુમતી સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપીને રાજ્યપાલ હોર્સ ટ્રેડિંગને ઉત્તેજન આપી રહ્યા છે. આ ગેરબંધારણીય છે અને અમે અમારા હવે પછીના પ્લાન અંગે ચર્ચા કરીશું.

કર્ણાટકમાં કુલ 222 બેઠકો પર થયેલા મતદાનમાં ભાજપને 104, કોંગ્રેસને 78 અને જેડીએસને 37 બેઠકો મળી હતી.

ભાજપ સૌથી વધારે બેઠકો મેળવનારો પક્ષ તો બન્યો પણ તેને બહુમતી ના મળી. જે બાદ કોંગ્રેસ અને જેડીએસે હાથ મિલાવતા સત્તાની ખેંચતાણ શરૂ થઈ.

જે બાદ રાજ્યપાલના હાથમાં હતું કે તેઓ કયા પક્ષને સરકાર રચવાનું આમંત્રણ આપે. આખરે વજુભાઈ વાળાએ ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે.

Image copyright Getty Images

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે દિલ્હી ખાતે મીડિયા સાથે વાત કરતાં કોંગ્રેસ પર બંધારણનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.

તેમણે કહ્યું કે લોકોની સદ્ભાવના અને આશીર્વાદ ભાજપની સાથે છે અને કોંગ્રેસ લોકોએ આપેલો જનાદેશ લૂંટવાની કોશિશ કરી રહી છે.

તેમણે કહ્યું કે સૌથી વધારે વખત રાષ્ટ્રપતિ શાસન લગાવનારી પાર્ટી અમને બંધારણનો ઉપદેશ ના આપે.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ રાજ્યપાલ પર ભાજપના પ્રભાવ હેઠળ કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.

તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહના હસ્તક્ષેપથી કર્ણાટકના રાજ્યપાલે બંધારણનું એન્કાઉન્ટર કર્યું છે અને ન્યાય અને નિષ્પક્ષતાના લીરેલીરા ઉડાડ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ