હાઇ વૉલ્ટેજ ડ્રામા બાદ યેદિયુરપ્પા બન્યા 'કર્ણાટકના કિંગ'

યેદિયુરપ્પાની તસવીર Image copyright Getty Images

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ એક પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા કોણ મુખ્યમંત્રી બનશે તેના પર સૌની નજર હતી. જે વાતનો અંત આવતા આજે સવારે 9 વાગ્યે ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદિયુરપ્પા શપથ ગ્રહણ કર્યા.

આ પહેલાં કર્ણાટકમાં ભાજપને રાહત આપતા સુપ્રીમ કોર્ટે ભાજપ ધારાસભ્ય દળના નેતા બીએસ યેદિયુરપ્પાના શપથ ગ્રહણ પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો હતો.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન હાજર વકીલ એહતેશામે પત્રકારો સમક્ષ આ વાતની પુષ્ટી કરી. તેમણે એવું પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ અને જેડીએસની અરજીને પણ ફગાવી નથી.

સુપ્રીમે આ મામલે યેદિયુરપ્પા સહિત અન્ય પક્ષોને નોટિસ મોકલી જવાબ માગ્યો છે. આ મામલે આગામી સુનાવણી શુક્રવાર સવારે સાડા 10 વાગ્યે થશે.

સુપ્રીમે એ પત્ર પણ માગ્યો છે કે જે યેદિયુરપ્પાએ સરકાર બનાવવાનો દાવો કરતા 15 અને 16 મેએ રાજ્યપાલને સોંપ્યો હતો.


રાત્રે શું બન્યો હતો ઘટનાક્રમ

Image copyright Getty Images

આ પહેલાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા તરફથી સરકાર બનાવવા ભાજપને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જેના વિરુદ્ધમાં કોંગ્રેસ અને જેડીએસ સુપ્રીમ જતાં રહ્યાં હતાં. પરિણામે સુપ્રીમે મોડી રાતે 01:45 વાગ્યે સુનાવણી માટે તૈયારી દર્શાવી હતી.

જસ્ટીસ એકે સીકરી, જસ્ટીસ અશોક ભુષણ અને જસ્ટીસ શરદ અરવિંદ બોબડેની બેચે અડધી રાતે બે વાગ્યા બાદ આ મામલે સુનાવણી હાથ ધરી હતી.

કોર્ટમાં અભિષેક મનુ સંઘવીએ કોંગ્રેસનો પક્ષ રાખ્યો જ્યારે ભાજપનો પક્ષ ઍટોર્ની જનરલ મુકુલ રોહગતીએ રજૂ કર્યો.


માત્ર યેદિયુરપ્પાના શપથ

Image copyright Getty Images

આ શપથ ગ્રહણ સમારોહ કર્ણાટકના રાજભવનમાં યોજાશે. જેમાં માત્ર યેદિયુરપ્પા જ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે.

બુધવારે રાત્રે રાજ્યપાલ તરફથી ભાજપને સરકાર રચવાનું આમંત્રણ મળતાની સાથે જ શપથ અંગેની જાહેરાત કરવામાં આવી હતી.

ભાજપના નેતા મુરલીધર રાવે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું, "ગુરુવારે માત્ર યેદિયુરપ્પા જ શપથ ગ્રહણ કરશે. ત્યારબાદ વિધાનસભામાં બહુમતી સાબિત કરવામાં આવશે. બહુમતી સાબિત થયા બાદ કેબિનેટની રચના કરવામાં આવશે."

એટલે કે આજે રાજભવનમાં માત્ર યેદિયુરપ્પા જ શપથ ગ્રહણ કરશે. તેમની સાથે અન્ય કોઈ નેતા શપથ ગ્રહણ કરશે નહીં.


બુધવારે શું બન્યું?

બુધવારનો દિવસ કર્ણાટક માટે હાઈ પ્રોફાઈલ ઘટનાનો દિવસ બનીને રહી ગયો હતો.

કોંગ્રેસ અને જેડીએસે હાથ મિલાવીને રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યા બાદ સત્તાનું કોકડું ગૂંચવાયું હતું.

ભાજપ પાસે 104 બેઠકો હતી પરંતુ તે સરકાર બનાવવા માટે પૂરતી ન હતી. તેથી દિવસભર એકબીજા પક્ષે ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના આક્ષેપો કર્યા હતા.તમે આ વાંચ્યું કે નહીં?

જોકે, ભાજપ અને કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનના દાવા બાદ રાજ્યપાલ વજુભાઈ વાળા પર સૌની નજર હતી કે તેઓ કોને સરકાર રચવાનું આમંત્રણ આપે છે.

જોકે, અંતે રાત્રે રાજ્યપાલે સૌથી વધારે બેઠકો ધરાવતા ભાજપને આમંત્રણ આપતા યેદિયુરપ્પાનો મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો થયો હતો.

ત્યારબાદ બંને તરફથી એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો હતો.


રાજ્યપાલના આમંત્રણ પર કોંગ્રેસ-જેડીયુના સવાલ

રાજ્યપાલે ભાજપને આમંત્રણ આપતાની સાથે કોંગ્રેસ અને જેડીએસ તરફથી પ્રતિક્રિયા આવવાની શરૂ થઈ હતી.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ વડા પ્રધાન મોદી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને રાજ્યપાલ પર સીધુ નિશાન તાક્યું હતું.

તેમણે કહ્યું, "અમે અમિત શાહને પૂછવા માગીએ છીએ કે બે પક્ષો ચૂંટણી બાદ ગંઠબંધન ના કરી શકે, તો તમે ગોવા અને મણિપુરમાં બહુમતી ધરાવતા પક્ષને છોડીને કેવી રીતે સરકાર બનાવી હતી? રાજ્યપાલે તેમની ઓફિસની ગરિમાનો ભંગ કર્યો છે."

ઉપરાંત રાજ્યપાલ પર આક્ષેપ કરતા તેમણે કહ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહના હસ્તક્ષેપથી કર્ણાટકના રાજ્યપાલે બંધારણનું એન્કાઉન્ટર કર્યું છે અને ન્યાય અને નિષ્પક્ષતાના લીરેલીરા ઉડાડ્યા છે."

બીજી તરફ જેડીએસના નેતા કુમારસ્વામીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે બહુમતી સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપીને રાજ્યપાલ હોર્સ ટ્રેડિંગને ઉત્તેજન આપી રહ્યા છે. આ ગેરબંધારણીય છે અને અમે અમારા હવે પછીના પ્લાન અંગે ચર્ચા કરીશું.


ભાજપે કોંગ્રેસ પર કર્યા આક્ષેપ

ભાજપને સરકાર રચવાનું આમંત્રણ મળતાની સાથે જ કોંગ્રેસે પત્રકાર પરિષદ કરી હતી તો સામે ભાજપે પણ પત્રકાર પરિષદ કરી હતી.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આ મામલે બોલતા કોંગ્રેસ પર બંધારણનો ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.

તેમણે કહ્યું હતું, "લોકોની સદ્ભાવના અને આશીર્વાદ ભાજપની સાથે છે અને કોંગ્રેસ લોકોએ આપેલો જનાદેશ લૂંટવાની કોશિશ કરી રહી છે."

ઉપરાંત તેમણે કહ્યું, "સૌથી વધારે વખત રાષ્ટ્રપતિ શાસન લગાવનારી પાર્ટી અમને બંધારણનો ઉપદેશ ના આપે."

કોંગ્રેસ પર રાષ્ટ્રપતિ શાસનનો આરોપ લગાવતા પ્રસાદે કહ્યું હતું કે જે પાર્ટીએ દેશમાં સૌથી વધારે રાષ્ટ્રપતિ શાસન લગાવ્યાં હોય, લોકતંત્રને પૈસા અને અમર્યાદીત આચરણથી કમજોર કર્યું હોય, તે આજ અમને મર્યાદાની શીખામણ આપે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ